યોહાન ૧૮:૧-૪૦

  • યહૂદા ઈસુને દગો દે છે (૧-૯)

  • પિતર તલવાર ચલાવે છે (૧૦, ૧૧)

  • ઈસુને અન્‍નાસ પાસે લઈ જવાયા (૧૨-૧૪)

  • પિતર ઓળખવાની પહેલી વાર ના પાડે છે (૧૫-૧૮)

  • ઈસુ અન્‍નાસની આગળ (૧૯-૨૪)

  • પિતર ઓળખવાની બીજી અને ત્રીજી વાર ના પાડે છે (૨૫-૨૭)

  • ઈસુ પિલાતની આગળ (૨૮-૪૦)

    • “મારું રાજ્ય આ દુનિયાનું નથી” (૩૬)

૧૮  એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સાથે કિદ્રોન ખીણની*+ પેલે પાર આવેલા બાગમાં ગયા.+ ૨  દગો દેનાર યહૂદાને પણ આ જગ્યાની ખબર હતી, કેમ કે ઈસુ પોતાના શિષ્યો સાથે ઘણી વાર ત્યાં જતા હતા. ૩  એટલે યહૂદા ત્યાં સૈનિકોની ટુકડી, મુખ્ય યાજકો અને ફરોશીઓના અધિકારીઓને લઈને આવ્યો. તેઓ મશાલો, દીવાઓ અને હથિયારો લઈને આવ્યા.+ ૪  ઈસુ જાણતા હતા કે પોતાના પર શું વીતવાનું છે. એટલે તેમણે આગળ આવીને તેઓને પૂછ્યું: “તમે કોને શોધો છો?” ૫  તેઓએ કહ્યું: “નાઝરેથના+ ઈસુને.” તેમણે કહ્યું: “હું જ તે છું.” તેમને દગો દેનાર યહૂદા પણ એ લોકો સાથે ઊભો હતો.+ ૬  ઈસુએ જ્યારે કહ્યું કે “હું જ તે છું,” ત્યારે તેઓ પાછા હટી ગયા અને જમીન પર પડ્યા.+ ૭  ઈસુએ ફરીથી પૂછ્યું: “તમે કોને શોધો છો?” તેઓએ કહ્યું: “નાઝરેથના ઈસુને.” ૮  ઈસુએ કહ્યું: “મેં તમને જણાવ્યું કે હું જ તે છું. જો તમે મને શોધતા હો, તો આ માણસોને જવા દો.” ૯  આ રીતે તેમણે કહેલા શબ્દો પૂરા થયા: “તમે મને જે લોકો આપ્યા હતા, તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.”+ ૧૦  સિમોન પિતર પાસે તલવાર હતી. તેણે એ ખેંચી કાઢીને પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.+ એ ચાકરનું નામ માલ્ખસ હતું. ૧૧  ઈસુએ પિતરને કહ્યું: “તલવાર પાછી મ્યાનમાં મૂકી દે.+ શું પિતાએ મને આપેલો પ્યાલો* મારે પીવો ન જોઈએ?”+ ૧૨  પછી સૈનિકોએ, સેનાપતિએ અને યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમના હાથ બાંધી દીધા. ૧૩  તેઓ પહેલા તેમને અન્‍નાસને ત્યાં લઈ ગયા, કેમ કે એ વર્ષના પ્રમુખ યાજક+ કાયાફાસનો+ તે સસરો હતો. ૧૪  આ એ જ કાયાફાસ હતો, જેણે યહૂદીઓને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસનું મરણ થાય એ તેઓના ફાયદામાં છે.+ ૧૫  સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા.+ એ શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હોવાથી, ઈસુ સાથે પ્રમુખ યાજકના આંગણામાં ગયો. ૧૬  પણ પિતર બહાર દરવાજા પાસે ઊભો રહ્યો. જે શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે બહાર ગયો અને ચોકી કરતી દાસી સાથે વાત કરીને પિતરને અંદર લઈ આવ્યો. ૧૭  એ દાસીએ પિતરને કહ્યું: “તું પણ એ માણસનો શિષ્ય છે ને?” પિતરે કહ્યું: “ના, હું નથી.”+ ૧૮  ઠંડી હોવાથી ચાકરો અને અધિકારીઓ તાપણું કરીને એની ફરતે ઊભાં ઊભાં તાપતા હતા. પિતર પણ તેઓ સાથે ઊભો હતો અને તાપતો હતો. ૧૯  મુખ્ય યાજકે ઈસુને તેમના શિષ્યો અને તેમના શિક્ષણ વિશે સવાલ પૂછ્યા. ૨૦  ઈસુએ જવાબ આપ્યો: “હું દુનિયા આગળ જાહેરમાં બોલ્યો છું. મેં હંમેશાં સભાસ્થાનમાં અને મંદિરમાં શીખવ્યું છે,+ જ્યાં બધા યહૂદીઓ ભેગા મળે છે. મેં ખાનગીમાં કંઈ જણાવ્યું નથી. ૨૧  તમે મને સવાલ કેમ પૂછો છો? મને સાંભળનારા લોકોને જઈને પૂછો. મેં તેઓને જે કહ્યું હતું, એ તેઓ જાણે છે.” ૨૨  ઈસુએ એ કહ્યું ત્યારે, બાજુમાં ઊભેલા એક અધિકારીએ તેમના ગાલ પર તમાચો માર્યો+ અને કહ્યું: “શું મુખ્ય યાજક સાથે આ રીતે વાત કરાય?” ૨૩  ઈસુએ તેને કહ્યું: “જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો એ સાબિત કર. પણ જો મારી વાત સાચી હોય તો તું મને કેમ મારે છે?” ૨૪  પછી અન્‍નાસે તેમને પ્રમુખ યાજક કાયાફાસ પાસે મોકલી દીધા.+ હજુ ઈસુના હાથ બાંધેલા હતા. ૨૫  સિમોન પિતર ત્યાં ઊભો ઊભો તાપતો હતો. તેઓએ તેને કહ્યું: “તું પણ તેના શિષ્યોમાંનો એક છે ને?” પિતરે ના પાડતા કહ્યું: “હું એ નથી.”+ ૨૬  પિતરે જે માણસનો કાન કાપી નાખ્યો હતો, તેનો એક સગો ત્યાં હતો. તે પ્રમુખ યાજકનો ચાકર હતો.+ એ ચાકરે કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” ૨૭  પિતરે ફરીથી ના પાડી અને તરત જ કૂકડો બોલ્યો.+ ૨૮  પછી ઈસુને કાયાફાસ પાસેથી રાજ્યપાલના ઘરે લઈ જવામાં આવ્યા+ ત્યારે વહેલી સવાર થઈ ગઈ હતી. પણ યહૂદીઓ રાજ્યપાલના ઘરની અંદર ગયા નહિ, જેથી તેઓ અશુદ્ધ ન થાય+ અને પાસ્ખાના તહેવારનું ભોજન ખાઈ શકે. ૨૯  પિલાતે તેઓ પાસે બહાર આવીને કહ્યું: “આ માણસ પર તમે કયો આરોપ મૂકો છો?” ૩૦  તેઓએ પિલાતને કહ્યું: “જો આ માણસ ગુનેગાર ન હોત, તો અમે તેને તમારા હાથમાં સોંપ્યો ન હોત.” ૩૧  પિલાતે કહ્યું: “તેને લઈ જાઓ અને તમારા નિયમ પ્રમાણે તેનો ન્યાય કરો.”+ યહૂદીઓએ કહ્યું: “નિયમ પ્રમાણે કોઈને મારી નાખવાની અમને છૂટ નથી.”+ ૩૨  ઈસુએ કહેલા શબ્દો પૂરા થાય એ માટે આવું બન્યું. તેમણે અગાઉથી જણાવ્યું હતું કે પોતાનું મરણ કઈ રીતે થશે.+ ૩૩  પિલાત પાછો પોતાના ઘરમાં ગયો. તેણે ઈસુને બોલાવીને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?”+ ૩૪  ઈસુએ જવાબ આપ્યો: “શું તમે પોતે આ પૂછો છો કે પછી બીજાઓએ તમને મારા વિશે જણાવ્યું છે?” ૩૫  પિલાતે કહ્યું: “શું હું યહૂદી છું? તારી પોતાની પ્રજાએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?” ૩૬  ઈસુએ કહ્યું:+ “મારું રાજ્ય આ દુનિયાનું નથી.+ જો મારું રાજ્ય આ દુનિયાનું હોત તો મારા સેવકો લડ્યા હોત, જેથી યહૂદીઓ મને પકડી ન લે.+ પણ મારું રાજ્ય આ દુનિયાનું નથી.” ૩૭  પિલાતે પૂછ્યું: “તો પછી શું તું રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો કે હું રાજા છું.+ હું સત્યની સાક્ષી આપવા જ જન્મ્યો છું.+ એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.” ૩૮  પિલાતે તેમને પૂછ્યું: “સત્ય શું છે?” એમ કહીને પિલાત ફરીથી યહૂદીઓ પાસે બહાર ગયો અને તેઓને કહ્યું: “મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.+ ૩૯  તમારો રિવાજ છે કે પાસ્ખાના તહેવારે મારે એક કેદીને છોડી મૂકવો.+ શું તમે ચાહો છો કે હું યહૂદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?” ૪૦  તેઓએ ફરીથી બૂમ પાડી: “આ માણસને નહિ, પણ બારાબાસને છોડી દો!” બારાબાસ તો લુટારો હતો.+

ફૂટનોટ

અથવા, “કિદ્રોન નાળાની.”
“પ્યાલો,” ઈશ્વરની નિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને રજૂ કરે છે.