સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૧

બાઇબલ ભાષાંતરના સિદ્ધાંતો

બાઇબલ પ્રાચીન હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું હતું. આજે આખેઆખું બાઇબલ અથવા એના અમુક ભાગો ૩,૦૦૦થી પણ વધારે ભાષાઓમાં મળી રહે છે. મોટા ભાગના વાચકો બાઇબલની મૂળ ભાષાઓ જાણતા નથી, એટલે ભાષાંતર કરેલા બાઇબલની જરૂર પડે છે. બાઇબલનું ભાષાંતર કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ? કઈ રીતે એ સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર તૈયાર કરવામાં આવ્યું છે?

અમુક લોકોને લાગી શકે કે જો એકેએક શબ્દનું સીધેસીધું કે બેઠું ભાષાંતર કરવામાં આવે, તો જ વાચકને મૂળ ભાષાઓની માહિતી ખબર પડશે. પણ શું એ સાચું છે? ના, ચાલો એનાં અમુક કારણો જોઈએ.

  • કોઈ પણ બે ભાષાનાં શબ્દો, વ્યાકરણ અને વાક્યરચના એકસરખાં હોતાં નથી. હિબ્રૂ ભાષાના પ્રોફેસર એસ. આર. ડ્રાઇવરે લખ્યું: દરેક ભાષાનું ‘વ્યાકરણ અને એનું મૂળ જ નહિ, પણ વિચારોની જે રીતે વાક્યરચના કરવામાં આવે છે એ પણ અલગ હોય છે.’ એટલું જ નહિ, દરેક ભાષામાં લોકોની વિચારવાની રીત પણ અલગ હોય છે. પ્રોફેસર ડ્રાઇવરે એવું પણ જણાવ્યું કે “એ જ કારણે દરેક ભાષાની વાક્યરચના એકસરખી હોતી નથી.”

  • આજની કોઈ પણ ભાષાનાં શબ્દો અને વ્યાકરણ બાઇબલ લખાણમાં વપરાયેલી હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષાઓનાં જેવાં નથી. એટલે જો બાઇબલના એકેએક શબ્દનું બેઠું ભાષાંતર કરવામાં આવે, તો એ સમજવું અઘરું થઈ જશે. અરે, કદાચ એનો ખોટો અર્થ પણ નીકળે.

  • અમુક શબ્દોના અનેક અર્થ હોય છે. કોઈ શબ્દનો એક વાક્યમાં જેવો અર્થ નીકળતો હોય, એવો જ અર્થ બીજા વાક્યમાં ન પણ નીકળે.

હિબ્રૂ કે ગ્રીક ભાષામાંથી અમુક કલમોનું સીધેસીધું ભાષાંતર કરી શકાય છે. પણ એમ કરતી વખતે ભાષાંતર કરનારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો એકેએક શબ્દનું બેઠું ભાષાંતર કરવામાં આવે, તો ખોટો અર્થ નીકળી શકે. એના અમુક દાખલા અહીં આપવામાં આવ્યા છે:

  • બાઇબલની મૂળ ભાષાઓમાં ‘ઊંઘવું’ શબ્દનો અર્થ થાય, સૂઈ જવું કે મરણની ઊંઘમાં સૂઈ જવું. (માથ્થી ૨૮:૧૩; પ્રેરિતોનાં કાર્યો ૭:૬૦) જ્યારે ‘ઊંઘવું’ શબ્દ મરણને બતાવતો હોય, ત્યારે બાઇબલ ભાષાંતર કરનારાઓ ‘મરણ’ કે ‘મરણની ઊંઘ’ જેવા શબ્દો વાપરી શકે છે. આમ બાઇબલ વાચકોનાં મનમાં કોઈ ગૂંચવણ નહિ થાય.—૧ કોરીંથીઓ ૭:૩૯; ૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૩; ૨ પિતર ૩:૪.

  • એફેસીઓ ૪:૧૪માં પ્રેરિત પાઉલે જે શબ્દો વાપર્યા છે, એનું શબ્દેશબ્દ ભાષાંતર થાય, “માણસોના પાસા રમવામાં.” એ જૂની કહેવત છે, જેનો અર્થ થાય પાસા રમતી વખતે બીજાઓને છેતરવું. મોટા ભાગની ભાષાઓમાં એ કહેવતનું સીધેસીધું ભાષાંતર કરવામાં આવે તો એનો કોઈ અર્થ નીકળતો નથી. પણ જો એમ કહેવામાં આવે કે ‘એવા માણસોની વાતોમાં આવી જવું, જેઓ ભમાવે છે,’ તો એનો અર્થ સારી રીતે સમજી શકાય.

  • રોમનો ૧૨:૧૧માં વપરાયેલા ગ્રીક શબ્દોનું બેઠું ભાષાંતર થાય, “પવિત્ર શક્તિનું ઊકળવું.” ગુજરાતી ભાષામાં એનો ખરો અર્થ નીકળતો નથી. એટલે આ બાઇબલમાં એનું ભાષાંતર “પવિત્ર શક્તિથી જોશીલા બનો” એવું કરવામાં આવ્યું છે.

  • માથ્થી ૫:૩

    શબ્દેશબ્દ ભાષાંતર: “આત્મામાં જેઓ રાંક છે”

    વિચાર: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે”

    પહાડ પરના ઉપદેશમાં ઈસુએ જે શબ્દો વાપર્યા, એનું મોટા ભાગે આવું ભાષાંતર કરવામાં આવે છે: “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.” (માથ્થી ૫:૩, પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી.) પણ મોટા ભાગની ભાષાઓમાં એનો સાચો અર્થ નીકળતો નથી. અમુક કિસ્સામાં એના શબ્દેશબ્દ ભાષાંતરનો અર્થ થાય કે વ્યક્તિનું મગજ ચસકી ગયું છે, તે કમજોર છે અથવા ઢચુપચુ છે. પણ શું ઈસુ એવું શીખવવા માંગતા હતા? ના. તે શીખવવા માંગતા હતા કે સાચી ખુશી ખાવા-પીવાનું મેળવવાથી નહિ, પણ ઈશ્વરનું માર્ગદર્શન મેળવવાથી મળે છે. (લૂક ૬:૨૦) એટલે આ રીતે ભાષાંતર કરવાથી ખરો અર્થ નીકળે છે: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે” અથવા “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે.”​—માથ્થી ૫:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

  • ઘણી કલમોમાં એક હિબ્રૂ શબ્દનું ભાષાંતર ‘ઈર્ષા’ અથવા “અદેખાઈ” કરવામાં આવ્યું છે. એનો અર્થ થાય, કોઈ નજીકનું સગું વિશ્વાસઘાત કરે ત્યારે ગુસ્સે થવું અથવા બીજાઓની વસ્તુઓ જોઈને અદેખાઈ થવી. (નીતિવચનો ૬:૩૪; યશાયા ૧૧:૧૩) એ જ હિબ્રૂ શબ્દ સારા ગુણોને પણ બતાવે છે. દાખલા તરીકે, એ શબ્દ યહોવાનો “ઉત્સાહ,” ઈશ્વરભક્તોને બચાવવાની તેમની ઝંખના અથવા “ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે” એવી તેમની ઇચ્છાને બતાવે છે. (નિર્ગમન ૩૪:૧૪; ૨ રાજાઓ ૧૯:૩૧; હઝકિયેલ ૫:૧૩; ઝખાર્યા ૮:૨) એ જ શબ્દ વફાદાર ભક્તોના “ઉત્સાહ” માટે પણ વપરાય છે, જે તેઓ યહોવા માટે અને તેમની ભક્તિ માટે બતાવે છે. અથવા એવું બતાવવા પણ વપરાય છે કે તેઓથી ‘એ સહન થતું નથી કે લોકો બીજા કોઈની ભક્તિ કરે.’​—ગીતશાસ્ત્ર ૬૯:૯; ૧૧૯:૧૩૯; ગણના ૨૫:૧૧.

  • હિબ્રૂ શબ્દ યાધનું ભાષાંતર મોટા ભાગે “હાથ” તરીકે થયું છે, પણ એના અર્થ પ્રમાણે એ શબ્દ માટે ‘તાકાત,’ “સત્તા,” ‘ઉદારતા’ જેવા બીજા શબ્દો પણ વાપરી શકાય છે

    માણસના હાથ માટે જે હિબ્રૂ શબ્દ વપરાયો છે, એના ઘણા અર્થ થાય છે. એટલે એના અર્થને ધ્યાનમાં રાખીને એ શબ્દનું ભાષાંતર ‘તાકાત,’ “સત્તા” કે ‘ઉદારતા’ થઈ શકે છે. (પુનર્નિયમ ૩૨:૨૭; ૨ શમુએલ ૮:૩; ૧ રાજાઓ ૧૦:૧૩) પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતરમાં આ શબ્દનું લગભગ ૪૦ અલગ અલગ રીતે ભાષાંતર થયું છે.

એ બધું જોતાં સમજી શકાય કે બાઇબલનું ભાષાંતર કરતી વખતે કોઈ હિબ્રૂ કે ગ્રીક શબ્દ માટે બધી જગ્યાએ એક જ શબ્દ વાપરી ન શકાય. ભાષાંતર કરનારે જોવું જોઈએ કે મૂળ ભાષાના વિચારો યોગ્ય રીતે રજૂ કરવા પોતાની ભાષામાં કયા શબ્દો વાપરવા જોઈએ. તેણે એ સમજી-વિચારીને નક્કી કરવું જોઈએ. તેણે વાક્યરચના પણ વ્યાકરણના નિયમો પ્રમાણે કરવી જોઈએ, જેથી ભાષાંતર વાંચવામાં સહેલું લાગે.

ભાષાંતરમાં વધુ પડતા ફેરફારો કરવામાં ન આવે, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે ભાષાંતર કરનાર પોતાના વિચારો પ્રમાણે મૂળ ભાષાનું ભાષાંતર કરે છે, તે એનો અર્થ બદલી નાખી શકે. કઈ રીતે? તે કદાચ અજાણતાં મૂળ લખાણમાં પોતાના વિચારો ઉમેરી દે અથવા એમાંથી જરૂરી માહિતી કાઢી નાખે. જે બાઇબલમાં વધારે છૂટછાટ લઈને ભાષાંતર થયું હોય, એ કદાચ વાંચવામાં સહેલું લાગે, પણ એમાંથી વાચકને બાઇબલનો સાચો સંદેશો નહિ મળે.

ભાષાંતર કરનારની ધાર્મિક માન્યતાઓ પણ તેના ભાષાંતરને અસર કરી શકે. દાખલા તરીકે, માથ્થી ૭:૧૩ જણાવે છે: “સરળ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે.” ભાષાંતર કરનારા અમુક કદાચ પોતાની માન્યતામાં ચુસ્ત હતા. એટલે તેઓએ અહીં “નરક” શબ્દ વાપર્યો છે. હકીકતમાં ગ્રીક ભાષામાં વપરાયેલા શબ્દનો ખરો અર્થ “વિનાશ” થાય છે.

બાઇબલ ભાષાંતર કરનારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાઇબલ સામાન્ય લોકોની ભાષામાં લખવામાં આવ્યું હતું. જેમ કે ખેડૂતો, ઘેટાંપાળકો અને માછીમારો. (નહેમ્યા ૮:૮, ૧૨; પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩) જો બાઇબલનું ભાષાંતર સારું હશે તો નમ્ર દિલના લોકો એનો સંદેશો તરત સમજી જશે, પછી ભલે તેઓનો ઉછેર ગમે તે માહોલમાં થયો હોય. બોલચાલની ભાષામાં વપરાતા ન હોય એવા અઘરા શબ્દોને બદલે સાદા, સરળ અને સહેલાઈથી સમજાય એવા શબ્દો વાપરવા વધારે સારું છે.

બાઇબલની પ્રાચીન હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ યહોવા જોવા મળે છે. છતાં ભાષાંતર કરનારા ઘણાએ આજનાં ભાષાંતરોમાંથી એ નામ કાઢી નાખ્યું છે. પણ એવી છૂટછાટ લેવાનું તેઓ પાસે કોઈ વાજબી કારણ નથી. (વધારે માહિતી ક-૪ જુઓ.) ઘણાં ભાષાંતરોમાં ઈશ્વરના નામને બદલે “પ્રભુ,” “ભગવાન” કે “પરમેશ્વર” જેવા ખિતાબ મૂકવામાં આવ્યા છે. અરે, અમુક તો એ હકીકત પણ છુપાવે છે કે ઈશ્વરનું એક નામ છે. દાખલા તરીકે, યોહાન ૧૭:૨૬માં ઈસુની પ્રાર્થના છે. અમુક ભાષાંતરોમાં એ પ્રાર્થના આ રીતે લખવામાં આવી છે: “મેં તેઓને તમારા વિશે જણાવ્યું છે.” યોહાન ૧૭:૬ પણ કહે છે: “તમે મને જે માણસો સોંપ્યા હતા, તેઓની આગળ મેં તમને પ્રગટ કર્યા છે.” પણ ઈસુની પ્રાર્થનાનું ખરું ભાષાંતર આવું થાય: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે” અને “જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.”

નવી દુનિયા ભાષાંતર બાઇબલની પહેલી અંગ્રેજી આવૃત્તિમાં પ્રિય વાચક મિત્રોને લખ્યું હતું: “અમે શાસ્ત્રવચનોનું ભાષાંતર અમારા વિચારો પ્રમાણે કર્યું નથી. અમે આખા ભાષાંતરમાં ખાસ ધ્યાન રાખ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી મૂળ ભાષા પ્રમાણે સીધેસીધું ભાષાંતર કરીએ. ભાષાંતર એટલું અઘરું ન બનાવીએ કે એનો અર્થ સમજવો મુશ્કેલ થઈ જાય. જ્યાં મૂળ ભાષાની કહેવતોનું ભાષાંતર આજની અંગ્રેજી કહેવતોથી કરી શકાય, ત્યાં એ કહેવતો વાપરી છે.” એટલે નવી દુનિયા બાઇબલ ભાષાંતર સમિતિએ બની શકે ત્યાં સુધી એવાં શબ્દો અને વાક્યોનો ઉપયોગ કર્યો છે, જે મૂળ ભાષા જેવાં જ હોય. પણ એવા શબ્દો વાપર્યા નથી, જેનાથી ભાષાંતર સમજવું અઘરું બની જાય અથવા કલમોનો સાચો અર્થ સમજી ન શકાય. આ બાઇબલ વાંચવામાં એકદમ સહેલું છે. વાચક પૂરો ભરોસો રાખી શકે છે કે ઈશ્વરે પોતાની પ્રેરણાથી લખાવેલા સંદેશાનું આ બાઇબલમાં સાચેસાચું ભાષાંતર થયું છે.—૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩.