સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રિય વાચક મિત્રો

બાઇબલ ઈશ્વર યહોવાની પ્રેરણાથી લખાયેલું પવિત્ર પુસ્તક છે. ઈશ્વર એના દ્વારા આપણી સાથે વાત કરે છે. બાઇબલનો અભ્યાસ કરીશું તો એના લેખકને સારી રીતે ઓળખી શકીશું. (યોહાન ૧૭:૩; ૨ તિમોથી ૩:૧૬) બાઇબલમાં તે જણાવે છે કે તેમણે ધરતી કેમ બનાવી અને ભાવિમાં તે લોકોને કેવા આશીર્વાદો આપશે.—ઉત્પત્તિ ૩:૧૫; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

બાઇબલના શિક્ષણે લોકોનાં દિલ પર ઊંડી અસર કરી છે. એના જેવું બીજું કોઈ પુસ્તક નથી. બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે યહોવાની જેમ બીજાઓને પ્રેમ, દયા અને કરુણા બતાવીએ. બાઇબલ લોકોને સુંદર ભાવિની આશા આપે છે અને દુઃખ-તકલીફો સહન કરવા મદદ કરે છે. ભગવાનની મરજી વિરુદ્ધ હોય, એવી દરેક બાબતને બાઇબલ ખુલ્લી પાડે છે.​—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; હિબ્રૂઓ ૪:૧૨; ૧ યોહાન ૨:૧૫-૧૭.

બાઇબલ હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષાઓમાં લખવામાં આવ્યું હતું. આજે ૩,૦૦૦ કરતાં વધારે ભાષાઓમાં આખું બાઇબલ અથવા એના અમુક ભાગોનું ભાષાંતર કરવામાં આવ્યું છે. બીજા કોઈ પુસ્તકનું આટલી બધી ભાષાઓમાં ભાષાંતર થયું નથી. અરે, બાઇબલ તો પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચ્યું છે! એમાં કોઈ નવાઈ નથી, કેમ કે બાઇબલની ભવિષ્યવાણી કહે છે: “રાજ્યની આ ખુશખબર [બાઇબલનો મુખ્ય સંદેશો] આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.

અમે જાણીએ છીએ કે બાઇબલનો સંદેશો ખૂબ જ મહત્ત્વનો છે. એટલે અમે એવું ભાષાંતર તૈયાર કરવાની કોશિશ કરી છે, જે મૂળ ભાષા પ્રમાણે હોય, વાંચવામાં સરળ હોય અને સમજવામાં સહેલું હોય. આ ભાષાંતરમાં છેલ્લે વધારે માહિતી પણ આપી છે, જેમ કે “બાઇબલ ભાષાંતરના સિદ્ધાંતો,” “આ ભાષાંતરની ખાસિયતો” અને “બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?” એ સમજાવે છે કે આ ભાષાંતર કયા સિદ્ધાંતોને આધારે કર્યું છે અને એની અમુક ખાસિયતો કઈ છે.

આ ભાષાંતર એકદમ સાચું છે અને સમજવામાં સહેલું છે. જેઓ યહોવા ઈશ્વરને દિલથી ચાહે છે અને તેમને ભજે છે, તેઓને આ બાઇબલ વાંચવું ખૂબ ગમશે. (૧ તિમોથી ૨:૪) અમારી કોશિશ છે કે નવી દુનિયા ભાષાંતર ઘણી ભાષાઓમાં બહાર પાડવામાં આવે. એટલે જ અમે ગુજરાતી ભાષામાં આ ભાષાંતર બહાર પાડ્યું છે. પ્રિય વાચક મિત્રો, અમને ખાતરી છે કે પવિત્ર શાસ્ત્રનું આ ભાષાંતર તમને જીવનમાં અનેક રીતે મદદ કરશે. અમારી એ જ પ્રાર્થના છે કે આ ભાષાંતર ‘ઈશ્વરને શોધવા’ તમને મદદ કરે, જેથી તે તમને મળે.—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭.

નવી દુનિયા બાઇબલ ભાષાંતર સમિતિ