સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

 ક-૨

આ ભાષાંતરની ખાસિયતો

અંગ્રેજીમાં નવી દુનિયા ભાષાંતર—ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૯૫૦માં બહાર પાડવામાં આવ્યું હતું. પછી ૧૯૬૧માં આખું બાઇબલ, પવિત્ર શાસ્ત્ર— નવી દુનિયા ભાષાંતર બહાર પાડવામાં આવ્યું હતું. એ ભાષાંતર હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષાઓમાંથી કરવામાં આવ્યું હતું. એ ભાષાંતર એકદમ સાચું છે અને વાંચવામાં સહેલું છે. અત્યાર સુધી ૨૫૦ કરતાં વધારે ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. એ બાઇબલ વાંચીને કરોડો લોકોને ફાયદો થયો છે.

છેલ્લાં ૫૦ વર્ષોમાં ભાષાઓ બદલાઈ છે. નવી દુનિયા બાઇબલ ભાષાંતર સમિતિ સારી રીતે જાણે છે કે બાઇબલ આજના વાચકોનાં દિલને સ્પર્શી જાય એવું હોવું જોઈએ. એટલે આ ભાષાંતરમાં શબ્દો અને વાક્યરચનામાં અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. એનો ધ્યેય આ હતો:

  • આજના જમાનાની અને સહેલાઈથી સમજાય એવી ભાષા. આ ભાષાંતરમાં જૂના અને અઘરા શબ્દોને બદલે બોલચાલમાં વપરાતા હોય એવા અને સહેલા શબ્દો વાપરવામાં આવ્યા છે. દાખલા તરીકે, “સહનશીલતા” શબ્દથી કદાચ “લાંબા સમય સુધી સહન કરવું” એવો ખોટો અર્થ નીકળી શકે. પણ એનો ખરો વિચાર છે, પોતાના પર કાબૂ રાખવો. એટલે “ધીરજ” શબ્દ વાપરવાથી એનો ખરો અર્થ સમજી શકાય છે. (ગલાતીઓ ૫:૨૨) “રક્ત” માટે “લોહી” અને “દહનીયાર્પણ” માટે “અગ્‍નિ-અર્પણ” શબ્દ વપરાયા છે. (ઉત્પત્તિ ૪:૧૦; ૯:૪; ૧ શમુએલ ૧૫:૨૨) “ચમાર” માટે “ચામડાંનું કામ કરનાર” શબ્દો વપરાયા છે. (પ્રેરિતોનાં કાર્યો ૯:૪૩) આ ભાષાંતરમાં “અરણ્ય” શબ્દને માટે “વેરાન પ્રદેશ,” “બાયડી” માટે “પત્ની,” “છાકટા” માટે “દારૂડિયો” અને “લંપટપણું” માટે “બેશરમ કામો” શબ્દો વપરાયા છે. (ઉત્પત્તિ ૧૪:૬; ગીતશાસ્ત્ર ૧૦૯:૯; ૧ કોરીંથીઓ ૬:૧૦; ગલાતીઓ ૫:૧૯) “અનાદિકાળ” કે “પુરાતન કાળ” જેવા શબ્દોને બદલે “હંમેશ માટે,” “સનાતન,” “કાયમ” અને “યુગોથી” જેવા શબ્દો વપરાયા છે.—ઉત્પત્તિ ૩:૨૨; ગીતશાસ્ત્ર ૯૦:૨; સભાશિક્ષક ૧:૪; મીખાહ ૫:૨.

    મૂળ ભાષાના જે શબ્દનું ભાષાંતર અમુક ગુજરાતી બાઇબલોમાં “પુનરુત્થાન” થયું છે, એ મોટા ભાગના લોકોને સમજાતું નથી. “પુનરુત્થાન” માટેના મૂળ શબ્દનો અર્થ થાય “ઊઠવું” કે “ઊભા થવું.” એટલે આ ભાષાંતરમાં મૂળ વિચારને ધ્યાનમાં રાખીને “પુનરુત્થાન” માટે ‘મરણ પામેલા લોકોને જીવતા કરવું,’ ‘મરણમાંથી ઉઠાડવું’ અને ‘મરણમાંથી જીવતા થવું’ જેવા શબ્દો વપરાયા છે.​—માથ્થી ૨૨:૨૩; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫; પ્રકટીકરણ ૨૦:૬.

    અમુક ગુજરાતી બાઇબલમાં “સુવાર્તા” શબ્દ વપરાયો છે, જે બહુ જાણીતો નથી. “સુવાર્તા” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય “સારી ખબર,” “ખુશખબર” કે “સારા સમાચાર.” ઈસુ અને તેમના શિષ્યો લોકોને ઈશ્વર અને તેમના રાજ્ય વિશેની ખુશખબર જણાવતા હતા. એટલે આ બાઇબલમાં “સુવાર્તા” શબ્દને બદલે “ખુશખબર” શબ્દ વાપરવામાં આવ્યો છે.—માથ્થી ૨૪:૧૪; રોમનો ૧૦:૧૫; ૨ કોરીંથીઓ ૪:૪; પ્રકટીકરણ ૧૪:૬.

  • બાઇબલના શબ્દોની સાચી સમજણ. ગુજરાતી બાઇબલોમાં એવા અમુક શબ્દો વાપરવામાં આવ્યા છે, જેનાથી ખોટું શિક્ષણ ફેલાય છે. દાખલા તરીકે, હિબ્રૂ શબ્દ શેઓલ અને ગ્રીક શબ્દ હાડેસ માટે “નરક,” “પાતાળ” કે “મૃત્યુલોક” શબ્દો વપરાયા છે. આ શબ્દો એવી ખોટી માન્યતાને ટેકો આપે છે કે માણસ મરી ગયા પછી ક્યાંક જીવતો રહે છે. પણ મૂળ ભાષાઓમાં શેઓલ અને હાડેસ શબ્દો મનુષ્યની કબરને બતાવે છે. એટલે આ ભાષાંતરમાં “કબર” શબ્દ વાપરવામાં આવ્યો છે.—ગીતશાસ્ત્ર ૯:૧૭; માથ્થી ૧૧:૨૩; પ્રેરિતોનાં કાર્યો ૨:૨૭; પ્રકટીકરણ ૨૦:૧૪.

    ઘણાં બાઇબલમાં હિબ્રૂ શબ્દ રુઆખ અને ગ્રીક શબ્દ નેફમા માટે “આત્મા” શબ્દ વપરાયો છે. પણ એનાથી અમર આત્માનું જૂઠું શિક્ષણ ફેલાયું છે. રુઆખ અને નેફમાનો મૂળ અર્થ શ્વાસ થાય છે. એના બીજા અર્થ પણ થઈ શકે: સ્વભાવ, વલણ, સારા કે ખરાબ દૂતો, જીવ, મન, શક્તિ, પવિત્ર શક્તિ, ઉત્સાહ, હવા વગેરે. એટલે આ ભાષાંતરમાં એના અર્થ પ્રમાણે અલગ અલગ શબ્દો વાપરવામાં આવ્યા છે.​—ઉત્પત્તિ ૬:૧૭; ગણના ૧૪:૨૪; ૧ રાજાઓ ૨૨:૨૧; દાનિયેલ ૪:૮; માથ્થી ૨૮:૧૯, ૨૦; લૂક ૧:૧૭.

    જ્યાં શરીરના અંગ મૂત્રપિંડની વાત થતી હોય, ત્યાં “મૂત્રપિંડ” શબ્દ રાખ્યો છે. પણ ગીતશાસ્ત્ર ૭:૯; ૨૬:૨ અને પ્રકટીકરણ ૨:૨૩ જેવી કલમોમાં ખરો વિચાર બહાર લાવવા “લાગણીઓ” અને “અંતરના વિચારો” જેવા શબ્દો વપરાયા છે. એનો મૂળ શબ્દ ફૂટનોટમાં મૂક્યો છે.

    બીજા અમુક શબ્દો છે જે લોકોને સમજાતા નથી અથવા એના ખોટા અર્થ નીકળે છે. એટલે એ શબ્દોને બદલે સહેલા શબ્દો વાપરવામાં આવ્યા છે. જેમ કે, “ખંડણી” માટે “છુટકારાની કિંમત,” “એકાકીજનિત દીકરા” માટે “એકના એક દીકરા” અને “અનંતજીવન” માટે “હંમેશ માટેનું જીવન.” (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧:૧૮; ૩:૧૬) અમુક દાયકાઓ પહેલાં “પ્રભુ” શબ્દ માલિક, અધિકારી અથવા રાજા માટે વપરાતો હતો. પણ હવે મોટા ભાગે ઈશ્વર કે ભગવાન માટે વપરાય છે. એટલે આ ભાષાંતરમાં ઈસુ માટે “પ્રભુ” શબ્દને બદલે માલિક જેવા શબ્દો વપરાયા છે.​—માથ્થી ૧૭:૪.

  • વાંચવામાં સહેલું. આ ભાષાંતરમાં બોલચાલની ભાષા વાપરી હોવાથી એ વાંચવું અને સમજવું સહેલું છે. અમુક નામોની જોડણી પણ સહેલી બનાવી છે. જેમ કે, હેસ્રોનને બદલે હેસરોન, ઈસ્રાએલને બદલે ઇઝરાયેલ, નાઅમાનને બદલે નામાન, શફાટ્યાહને બદલે શફાટિયા, યાહઝયાહને બદલે યાહઝિયા.

આ બાઇબલની બીજી ખાસિયતો:

આ બાઇબલમાં આવી ફૂટનોટ છે:

આ બાઇબલની શરૂઆતમાં “બાઇબલ વિશે જાણકારી” આપી છે. એ બાઇબલના મૂળ શિક્ષણ વિશે ટૂંકમાં જણાવે છે. બાઇબલના છેલ્લા પુસ્તક પછી “બાઇબલ પુસ્તકોનાં નામ,” “બાઇબલ શબ્દાવલિ” અને “બાઇબલ શબ્દસૂચિ” છે. શબ્દસૂચિ સમજાવે છે કે બાઇબલમાં અમુક શબ્દોનો અર્થ શું થાય છે. વધારે માહિતી “ક” આના વિશે જણાવે છે: “બાઇબલ ભાષાંતરના સિદ્ધાંતો,” “ આ ભાષાંતરની ખાસિયતો,” “બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?” “હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ,” “ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ,” “ચાર્ટ: યહૂદા અને ઇઝરાયેલના પ્રબોધકો અને રાજાઓ” અને “ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો.વધારે માહિતી “ખ” નકશા અને ચાર્ટથી ભરપૂર છે. એમાં એવી ઘણી માહિતી છે, જે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા મદદ કરે છે.

બાઇબલના દરેક પુસ્તકની શરૂઆતમાં એના મુખ્ય વિચારો અને એની કલમો આપી છે. એ વાચકને પુસ્તકની ઝલક આપે છે. દરેક પાનની વચ્ચે અધ્યાયને લગતી બીજી કલમોની યાદી આપી છે.