માથ્થી ૬:૧-૩૪

  • પહાડ પરનો ઉપદેશ (૧-૩૪)

    • સારાં કાર્યો કરવાનો દેખાડો ન કરો (૧-૪)

    • પ્રાર્થના કરવાની રીત (૫-૧૫)

      • નમૂનાની પ્રાર્થના (૯-૧૩)

    • ઉપવાસ (૧૬-૧૮)

    • પૃથ્વી પર અને સ્વર્ગમાં ધનદોલત (૧૯-૨૪)

    • ચિંતા કરવાનું બંધ કરો (૨૫-૩૪)

      • ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો (૩૩)

 “ધ્યાન રાખો! તમે લોકોને બતાવવા માટે સારાં કાર્યો ન કરો,+ નહિતર સ્વર્ગમાંના તમારા પિતા પાસેથી તમને કોઈ બદલો નહિ મળે. ૨  જ્યારે તમે દાન* કરો ત્યારે ઢંઢેરો ન પિટાવો.* એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે. ૩  પણ તમે દાન કરો ત્યારે તમારો ડાબો હાથ ન જાણે કે તમારો જમણો હાથ શું કરે છે. ૪  એ રીતે તમારું દાન ગુપ્ત રહે. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે એ તમને એનો બદલો આપશે.+ ૫  “તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી લોકો જેવા ન બનો.+ તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓનાં નાકાં પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, જેથી લોકો તેઓને જોઈ શકે.+ હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે. ૬  તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ. દરવાજો બંધ કરીને તમારા પિતાને પ્રાર્થના કરો, જેમને કોઈ જોઈ શકતું નથી.+ તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે તે તમને બદલો આપશે. ૭  પ્રાર્થના કરતી વખતે દુનિયાના લોકોની જેમ એકની એક વાતનું રટણ ન કરો. તેઓ ધારે છે કે ઘણા શબ્દો બોલવાથી ઈશ્વર તેઓનું સાંભળશે. ૮  પણ તમે તેઓ જેવા ન બનો, કેમ કે તમે માંગો એ પહેલાં તમારા પિતા જાણે છે+ કે તમને શાની જરૂર છે. ૯  “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો:+ “‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ+ પવિત્ર મનાઓ.*+ ૧૦  તમારું રાજ્ય+ આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર+ તમારી ઇચ્છા+ પૂરી થાઓ. ૧૧  આજ માટે જરૂરી રોટલી અમને આપો.+ ૧૨  જેમ અમે અમારી વિરુદ્ધ પાપ કરનારાઓને* માફ કર્યા છે, તેમ તમે પણ અમારાં પાપ* માફ કરો.+ ૧૩  અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ*+ અને શેતાનથી* અમને બચાવો.’*+ ૧૪  “જો તમે લોકોના અપરાધો માફ કરશો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમને માફ કરશે.+ ૧૫  પરંતુ જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.+ ૧૬  “તમે ઉપવાસ કરો+ ત્યારે ઢોંગીઓની જેમ ચહેરો ઉદાસ ન રાખો.* તેઓ પોતાનો ચહેરો પણ સાફ રાખતા નથી,* જેથી તેઓએ ઉપવાસ કર્યો છે એવી લોકોને ખબર પડે.+ હું તમને સાચે જ કહું છું કે તેઓ પૂરી રીતે પોતાનો બદલો મેળવી ચૂક્યા છે. ૧૭  તમે ઉપવાસ કરો ત્યારે તમારાં માથા પર તેલ ચોળો અને તમારો ચહેરો ધોઈ નાખો. ૧૮  એ માટે કે તમે ઉપવાસ કરો છો એની માણસોને નહિ પણ તમારા પિતાને જાણ થાય, જેમને કોઈ જોઈ શકતું નથી. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે એ તમને બદલો આપશે. ૧૯  “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે. ૨૦  એને બદલે, તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.+ ત્યાં એને જીવડાં ખાતાં નથી, કાટ નાશ કરતો નથી+ અને ચોર ચોરી જતા નથી. ૨૧  જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે. ૨૨  “શરીરનો દીવો આંખ છે.+ જો તમારી આંખ એક જ બાબત પર લાગેલી હશે,* તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. ૨૩  જો તમારી આંખ દુષ્ટ કામો પર લાગેલી હશે,*+ તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે. જો શરીરને પ્રકાશ આપતી તમારી આંખ જ અંધકારથી ભરેલી હોય, તો તમે કેવા ઘોર અંધકારમાં છો! ૨૪  “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી. તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે.+ તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.+ ૨૫  “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની* ચિંતા કરવાનું બંધ કરો+ કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી?+ ૨૬  આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ.+ તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી. તોપણ સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે. શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી? ૨૭  તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાનું જીવન એક પળ માટે* પણ લંબાવી શકે છે?+ ૨૮  તમે કપડાંની શું કામ ચિંતા કરો છો? ખેતરનાં ફૂલો પાસેથી શીખો. તેઓ કેવાં ખીલે છે! તેઓ નથી મજૂરી કરતાં કે નથી કાંતતાં. ૨૯  હું તમને કહું છું કે સુલેમાને+ પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય. ૩૦  ખેતરનાં ફૂલછોડ જે આજે અહીં છે અને કાલે આગમાં નંખાશે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે શું તમને વધારે સારાં કપડાં નહિ પહેરાવે? ૩૧  એટલે કદી ચિંતા ન કરો+ કે ‘આપણે શું ખાઈશું?’ અથવા ‘આપણે શું પીશું?’ અથવા ‘આપણે શું પહેરીશું?’+ ૩૨  એ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે. સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે. ૩૩  “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને* જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+ ૩૪  એટલે તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો.+ આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.

ફૂટનોટ

મૂળ, “રણશિંગડું ન વગાડો.”
અથવા, “ગરીબને દાન.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “પવિત્ર ગણાય.”
મૂળ, “દેવાદારોને.”
મૂળ, “દેવું.”
મૂળ, “અમને પરીક્ષણમાં ન લાવો.”
મૂળ, “દુષ્ટથી.”
અથવા, “છોડાવો.”
અથવા, “જેમ કરવાનું બંધ કરો.”
અથવા, “તેઓ પોતાના દેખાવ પર ધ્યાન આપતા નથી.”
અથવા, “જો તમારી આંખ ચોખ્ખી હશે.” મૂળ, “જો તમારી આંખ સાદી હશે.”
અથવા, “જો તમારી આંખ ઈર્ષાળુ હશે.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “એક હાથ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ન્યાયીપણાને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.