માથ્થી ૨:૧-૨૩

  • જ્યોતિષીઓ મળવા આવે છે (૧-૧૨)

  • ઇજિપ્ત નાસી જવું (૧૩-૧૫)

  • હેરોદ નાના છોકરાઓને મારી નાખે છે (૧૬-૧૮)

  • નાઝરેથ પાછા ફરવું (૧૯-૨૩)

 હેરોદ*+ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં+ ઈસુનો જન્મ થયો હતો. એ પછી પૂર્વથી જ્યોતિષીઓ યરૂશાલેમ આવ્યા. ૨  તેઓ પૂછવા લાગ્યા: “યહૂદીઓના જે રાજાનો જન્મ થયો છે તે ક્યાં છે?+ અમે પૂર્વમાં હતા ત્યારે તેનો તારો જોયો હતો. એટલે અમે તેને ઘૂંટણિયે પડીને નમન કરવા આવ્યા છીએ.” ૩  એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને આખું યરૂશાલેમ પણ ખળભળી ઊઠ્યું. ૪  હેરોદે લોકોના બધા જ મુખ્ય યાજકોને* અને શાસ્ત્રીઓને* ભેગા કર્યા. તેણે તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો* જન્મ ક્યાં થવાનો છે. ૫  તેઓએ તેને જણાવ્યું: “યહૂદિયાના બેથલેહેમમાં,+ કેમ કે પ્રબોધક દ્વારા આમ લખવામાં આવ્યું છે: ૬  ‘હે યહૂદા પ્રદેશના બેથલેહેમ! યહૂદા પર રાજ કરનારાઓમાં તું કોઈ રીતે નાનું શહેર નથી, કેમ કે તારામાંથી એક અધિકારી આવશે. તે મારા ઇઝરાયેલી લોકોને દોરશે.’”+ ૭  પછી હેરોદે જ્યોતિષીઓને ખાનગીમાં બોલાવ્યા. તેઓને ક્યારે તારો દેખાયો હતો, એ વિશે તેણે બરાબર ખાતરી કરી લીધી. ૮  તેણે તેઓને બેથલેહેમ મોકલ્યા અને કહ્યું: “જાઓ, એ બાળકની સારી રીતે શોધ કરો. તમને એ મળી જાય ત્યારે મને જણાવજો, જેથી હું પણ જઈને ઘૂંટણિયે પડીને તેને નમન કરું.” ૯  રાજાનું સાંભળ્યા પછી તેઓ પોતાને રસ્તે આગળ વધ્યા. જુઓ! જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો,+ એ તેઓની આગળ આગળ જતો હતો. બાળક જ્યાં હતું એ ઘર ઉપર આવીને તારો અટકી ગયો. ૧૦  તારાને અટકેલો જોઈને તેઓના આનંદનો કોઈ પાર ન રહ્યો. ૧૧  તેઓ ઘરમાં ગયા અને બાળકને એની મા મરિયમ સાથે જોયું. તેઓએ બાળક આગળ ઘૂંટણિયે પડીને નમન કર્યું. તેઓએ પોતાના ખજાનામાંથી એને ભેટ આપી. તેઓએ ભેટમાં સોનું, લોબાન* અને બોળ* આપ્યાં. ૧૨  પછી ઈશ્વરે તેઓને સપનામાં ચેતવણી આપી+ કે હેરોદ પાસે પાછા ન જાય. એટલે તેઓ પોતાને દેશ જવા બીજે રસ્તે નીકળી ગયા. ૧૩  તેઓના ગયા પછી, યૂસફને સપનામાં યહોવાનો* દૂત દેખાયો+ અને તેણે કહ્યું: “ઊઠ, બાળક અને એની માને લઈને ઇજિપ્ત* નાસી જા. હેરોદ આ બાળકની શોધ કરવાનો છે. તે એને મારી નાખવા માંગે છે. એટલે જ્યાં સુધી હું કહું નહિ ત્યાં સુધી ત્યાં જ રહેજે.” ૧૪  યૂસફ ઊઠ્યો અને બાળક તથા એની માને લઈને એ રાતે ઇજિપ્ત ચાલ્યો ગયો. ૧૫  હેરોદના મરણ સુધી યૂસફ ત્યાં રહ્યો. આ રીતે યહોવાએ* પોતાના પ્રબોધક દ્વારા જે કહ્યું હતું એ પૂરું થયું: “મેં મારા દીકરાને ઇજિપ્તથી બોલાવ્યો.”+ ૧૬  જ્યારે હેરોદને ખબર પડી કે જ્યોતિષીઓએ તેને છેતર્યો છે, ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે બેથલેહેમ અને એના સર્વ વિસ્તારોમાં પોતાના સેવકો મોકલ્યા. તેણે બે વર્ષ અને એથી ઓછી ઉંમરના બધા છોકરાઓને મારી નંખાવ્યા. તેણે જ્યોતિષીઓ પાસેથી જે સમયની બરાબર ખાતરી કરી હતી,+ એને આધારે એવું કર્યું. ૧૭  આ રીતે યર્મિયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થયું: ૧૮  “રામામાં અવાજ સંભળાય છે, મોટો વિલાપ અને રડારોળ સંભળાય છે. એ તો પોતાનાં બાળકો માટે રડતી રાહેલ છે.+ તે દિલાસો લેવા માંગતી નથી, કેમ કે તેઓ હવે રહ્યાં નથી.”+ ૧૯  હેરોદના મરણ પછી, ઇજિપ્તમાં યહોવાનો* દૂત યૂસફને સપનામાં દેખાયો.+ ૨૦  દૂતે કહ્યું: “ઊઠ, બાળકને અને એની માને લઈને ઇઝરાયેલ દેશમાં જા. જેઓ બાળકનો જીવ લેવા માંગતા હતા તેઓ મરી ગયા છે.” ૨૧  તે ઊઠ્યો અને બાળક તથા એની માને લઈને ઇઝરાયેલ દેશમાં ગયો. ૨૨  પણ જ્યારે તેણે સાંભળ્યું કે આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદ પછી યહૂદિયામાં રાજ કરે છે, ત્યારે તે ત્યાં જતાં ગભરાયો. ઈશ્વરે સપનામાં ચેતવણી આપી હોવાથી+ તે ગાલીલ પ્રદેશમાં જતો રહ્યો.+ ૨૩  તે નાઝરેથ નામના શહેરમાં+ જઈને વસ્યો. આમ પ્રબોધકો દ્વારા જે કહેવામાં આવ્યું હતું, એ પૂરું થયું: “તે* નાઝારી* કહેવાશે.”+

ફૂટનોટ

અથવા, “મસીહનો; અભિષિક્ત કરેલાનો.”
અથવા, “મિસર.”
એટલે કે, ખ્રિસ્ત.
કદાચ હિબ્રૂ શબ્દ “અંકુર” પરથી. શબ્દસૂચિ જુઓ.