પ્રેરિતોનાં કાર્યો ૭:૧-૬૦

  • યહૂદી ન્યાયસભા આગળ સ્તેફનનું પ્રવચન (૧-૫૩)

    • કુળપિતાઓનો સમયગાળો (૨-૧૬)

    • મૂસાની આગેવાની; મૂર્તિપૂજા કરતા ઇઝરાયેલીઓ (૧૭-૪૩)

    • ઈશ્વર હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી (૪૪-૫૦)

  • સ્તેફનને પથ્થરે મારી નાખવામાં આવે છે (૫૪-૬૦)

 પછી પ્રમુખ યાજકે પૂછ્યું: “શું આ વાતો સાચી છે?” ૨  સ્તેફને જવાબ આપ્યો: “ભાઈઓ અને પિતા સમાન વડીલો, સાંભળો. આપણા પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં+ રહેવા ગયા, એ અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતા હતા. ત્યાં મહિમાવંત ઈશ્વરે તેમને દર્શન આપ્યું ૩  અને કહ્યું: ‘તારો દેશ અને તારાં સગાં-વહાલાંને છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.’+ ૪  પછી તે ખાલદીઓના* દેશથી નીકળ્યા અને હારાનમાં જઈને વસ્યા. ત્યાં તેમના પિતાના મરણ બાદ+ ઈશ્વરે તેમને આ દેશમાં વસાવ્યા, જ્યાં તમે હાલમાં રહો છો.+ ૫  પણ ઈશ્વરે તેમને એમાં કોઈ વારસો આપ્યો નહિ. અરે, પગ મૂકવા જેટલી જગ્યા પણ આપી નહિ. પણ ઈશ્વરે તેમને વચન આપ્યું કે આ દેશ તેમને અને તેમના વંશજને વારસા તરીકે આપશે.+ એ સમયે તો તેમને કોઈ બાળક ન હતું. ૬  ઈશ્વરે તેમને જણાવ્યું કે તેમના વંશજ બીજા દેશમાં પરદેશીઓ તરીકે રહેશે. ત્યાંના લોકો તેઓને ગુલામ બનાવશે અને ૪૦૦ વર્ષ સુધી તેઓ પર જુલમ કરશે.*+ ૭  પછી ઈશ્વરે કહ્યું: ‘તેઓ જે દેશની ગુલામી કરશે, એને હું સજા કરીશ+ અને ત્યાર પછી તેઓ એ દેશમાંથી નીકળી આવશે અને આ જગ્યાએ મારી પવિત્ર સેવા કરશે.’+ ૮  “તેમણે ઇબ્રાહિમ સાથે સુન્‍નતનો* કરાર કર્યો.+ તે ઇસહાકના પિતા બન્યા+ અને તેમણે આઠમા દિવસે ઇસહાકની સુન્‍નત કરી.+ ઇસહાક યાકૂબના પિતા બન્યા* અને યાકૂબ ૧૨ દીકરાઓના પિતા બન્યા, જેઓ કુળપિતાઓ* બન્યા. ૯  તેઓ પોતાના ભાઈ યૂસફની અદેખાઈ કરવા લાગ્યા+ અને તેઓએ તેમને ઇજિપ્તમાં વેચી દીધા.+ પણ ઈશ્વર યૂસફની સાથે હતા.+ ૧૦  ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા અને તે ઇજિપ્તના રાજા ફારુનની* નજરમાં કૃપા મેળવે અને બુદ્ધિશાળી સાબિત થાય, એવું થવા દીધું. રાજાએ તેમને ઇજિપ્ત અને પોતાના આખા ઘર પર અધિકારી નીમ્યા.+ ૧૧  પછી આખા ઇજિપ્ત અને કનાનમાં દુકાળ પડ્યો. આપણા બાપદાદાઓ પર મોટી મુસીબત આવી પડી અને તેઓ પાસે કંઈ ખાવાનું ન હતું.+ ૧૨  પણ યાકૂબે સાંભળ્યું કે ઇજિપ્તમાં અનાજનો પુરવઠો છે. એટલે તેમણે પોતાના દીકરાઓને, એટલે કે આપણા બાપદાદાઓને પહેલી વાર ત્યાં મોકલ્યા.+ ૧૩  તેઓ બીજી વાર ગયા ત્યારે, યૂસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી અને ઇજિપ્તના રાજાને યૂસફના કુટુંબ વિશે ખબર પડી.+ ૧૪  એટલે યૂસફે સંદેશો મોકલાવ્યો અને કનાનથી પોતાના પિતા યાકૂબ અને બધાં સગાંને બોલાવી લીધાં.+ તેઓ કુલ મળીને ૭૫ લોકો હતા.+ ૧૫  યાકૂબ ઇજિપ્ત ગયા+ અને ત્યાં તે અને આપણા બાપદાદાઓ ગુજરી ગયા.+ ૧૬  તેઓને શખેમ લઈ જવામાં આવ્યા. શખેમમાં ઇબ્રાહિમે ચાંદીના સિક્કા આપીને હમોરના દીકરાઓ પાસેથી જે કબર ખરીદી હતી, ત્યાં તેઓને દફનાવવામાં આવ્યા.+ ૧૭  “ઈશ્વરે ઇબ્રાહિમને આપેલું વચન પૂરું થવાનો સમય નજીક આવતો ગયો તેમ, ઇજિપ્તમાં આપણા લોકો વધતા ગયા અને તેઓની સંખ્યા ઘણી થઈ. ૧૮  સમય જતાં, ઇજિપ્તમાં બીજો એક રાજા ઊભો થયો. તે યૂસફને ઓળખતો ન હતો.+ ૧૯  એ રાજા આપણી પ્રજા સાથે કપટથી વર્ત્યો. તે આપણા બાપદાદાઓ સાથે ક્રૂરતાથી વર્ત્યો અને તેઓને મજબૂર કર્યા કે તેઓ પોતાનાં નવજાત બાળકોને મરવા માટે છોડી દે.+ ૨૦  એ સમયે મૂસાનો જન્મ થયો અને તે ઘણા સુંદર* હતા. ત્રણ મહિના સુધી મૂસાનો ઉછેર તેમના પિતાના ઘરમાં થયો.+ ૨૧  પણ તેમને ત્યજી દેવામાં આવ્યા+ ત્યારે, ઇજિપ્તના રાજાની દીકરીએ તેમને અપનાવી લીધા અને પોતાના દીકરાની જેમ તેમનો ઉછેર કર્યો.+ ૨૨  મૂસાને ઇજિપ્તનું સર્વ શિક્ષણ આપવામાં આવ્યું. હકીકતમાં, તે બોલવામાં ચપળ હતા અને મોટાં મોટાં કામ કરતા હતા.+ ૨૩  “તે ૪૦ વર્ષના થયા ત્યારે, તેમના દિલમાં થયું* કે તે પોતાના ભાઈઓ, એટલે કે ઇઝરાયેલીઓને મળવા જાય.*+ ૨૪  જ્યારે તેમણે જોયું કે ઇજિપ્તનો માણસ એક ઇઝરાયેલી પર જુલમ કરી રહ્યો છે, ત્યારે તેમણે પોતાના ભાઈને બચાવ્યો અને બદલો લેવા ઇજિપ્તના પેલા માણસને મારી નાખ્યો. ૨૫  મૂસાને લાગ્યું કે તેમના ભાઈઓ સમજી જશે કે તેમના હાથે ઈશ્વર તેઓને આઝાદી અપાવી રહ્યા છે, પણ તેઓ એ સમજ્યા નહિ. ૨૬  બીજા દિવસે બે ઇઝરાયેલીઓ લડતા હતા, એવામાં મૂસા આવ્યા અને તેઓ વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું: ‘તમે ભાઈઓ છો. તમે શા માટે એકબીજા સાથે લડો છો?’ ૨૭  પણ જે માણસ પોતાના સાથી જોડે લડતો હતો, તેણે મૂસાને ધક્કો મારીને કહ્યું: ‘તને કોણે અમારા પર અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો છે? ૨૮  ગઈ કાલે તેં ઇજિપ્તના પેલા માણસને મારી નાખ્યો તેમ, શું તું મને પણ મારી નાખવા માંગે છે?’ ૨૯  એ સાંભળીને મૂસા ઇજિપ્તથી નાસી ગયા અને મિદ્યાન દેશમાં પરદેશી તરીકે રહ્યા, જ્યાં તે બે દીકરાઓના પિતા બન્યા.+ ૩૦  “અને ૪૦ વર્ષ પસાર થયાં. પછી સિનાઈ પર્વતના વેરાન પ્રદેશમાં બળતા ઝાડવાની જ્વાળાઓમાં મૂસા આગળ એક દૂત પ્રગટ થયો.+ ૩૧  મૂસાને એ દૃશ્ય જોઈને નવાઈ લાગી. પણ એ ઝાડવાને જોવા તે નજીક જતા હતા ત્યારે, તેમને યહોવાનો* અવાજ સંભળાયો: ૩૨  ‘હું તારા બાપદાદાઓનો ઈશ્વર છું. હું ઇબ્રાહિમનો ઈશ્વર, ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’+ મૂસા ધ્રૂજવા લાગ્યા અને તેમણે વધારે આગળ જઈને જોવાની હિંમત ન કરી. ૩૩  યહોવાએ* તેમને કહ્યું: ‘તારાં ચંપલ કાઢ, કેમ કે તું ઊભો છે એ જગ્યા પવિત્ર છે. ૩૪  ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર થતો અત્યાચાર મેં જોયો છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે+ અને હું તેઓને છોડાવવા નીચે ઊતર્યો છું. હું તને ઇજિપ્ત મોકલીશ.’ ૩૫  આ એ જ મૂસા હતા, જેમનો તેઓએ આમ કહીને નકાર કર્યો હતો: ‘તને કોણે અમારા પર અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો છે?’+ ઈશ્વરે ઝાડવામાં દર્શન આપનાર દૂત દ્વારા તેમને જ અધિકારી અને છોડાવનાર તરીકે મોકલ્યા.+ ૩૬  એ જ મૂસાએ ઇજિપ્તમાં અને લાલ સમુદ્ર+ આગળ ચમત્કારો અને અદ્‍ભુત કામો કર્યાં+ અને તેઓને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યા.+ તેમણે વેરાન પ્રદેશમાં પણ ૪૦ વર્ષ+ દરમિયાન એવાં જ અદ્‍ભુત કામો કર્યાં. ૩૭  “આ એ જ મૂસા હતા, જેમણે ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે.’+ ૩૮  એ જ મૂસા વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓ વચ્ચે હતા અને એ દૂત સાથે હતા,+ જેણે સિનાઈ પર્વત પર તેમની સાથે વાત કરી હતી.+ એ જ મૂસાએ આપણા બાપદાદાઓ સાથે વાત કરી હતી અને આપણને આપવા માટે પવિત્ર અને સદા ટકનારાં વચનો મેળવ્યાં હતાં.+ ૩૯  આપણા બાપદાદાઓએ તેમની વાત માની નહિ અને તેમને ગણકાર્યા નહિ.+ તેઓ પોતાનાં દિલમાં ઇજિપ્ત પાછા જવાનાં સપનાં જોવા લાગ્યા.+ ૪૦  તેઓએ હારુનને કહ્યું: ‘અમારા માટે દેવો બનાવ, જે અમને દોરે. કેમ કે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર મૂસાનું શું થયું છે, એ અમે જાણતા નથી.’+ ૪૧  એટલે એ દિવસોમાં તેઓએ વાછરડાની એક મૂર્તિ બનાવી અને એની આગળ બલિદાન ચઢાવ્યું. તેઓ પોતાના હાથે બનાવેલી મૂર્તિને લીધે મોજમજા કરવા લાગ્યા.+ ૪૨  તેથી ઈશ્વરે તેઓથી મોં ફેરવી લીધું અને તેઓને સૂર્ય, ચંદ્ર અને તારાઓની ભક્તિ કરવા છોડી દીધા.+ એ વિશે પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે: ‘હે ઇઝરાયેલના લોકો, ૪૦ વર્ષ દરમિયાન વેરાન પ્રદેશમાં શું તમે મારા માટે અર્પણો અને બલિદાનો ચઢાવ્યાં હતાં? ૪૩  તમે તો મોલોખનો* મંડપ+ અને રમ્ફા દેવના* તારાની મૂર્તિઓ લઈને ફરતા હતા, જે તમે તેઓની ભક્તિ કરવા બનાવી હતી. એટલે હું તમને બાબેલોનને પેલે પાર ગુલામીમાં મોકલી દઈશ.’+ ૪૪  “વેરાન પ્રદેશમાં આપણા બાપદાદાઓ પાસે સાક્ષીનો મંડપ* હતો. એ વિશે ઈશ્વરે મૂસાને આજ્ઞા આપી હતી કે તેમને બતાવેલા નમૂના પ્રમાણે મંડપ બનાવે.+ ૪૫  પછી આપણા બાપદાદાઓના દીકરાઓને એ મંડપ વારસામાં મળ્યો. એ મંડપ લઈને તેઓ યહોશુઆ સાથે બીજી પ્રજાઓના દેશમાં ગયા.+ એ પ્રજાઓને ઈશ્વરે આપણા બાપદાદાઓ આગળથી હાંકી કાઢી હતી.+ દાઉદના દિવસો સુધી એ મંડપ અહીં જ હતો. ૪૬  દાઉદે ઈશ્વરની નજરમાં કૃપા મેળવી અને યાકૂબના ઈશ્વર માટે મંદિર* બાંધવાનો લહાવો મળે એ માટે અરજ કરી.+ ૪૭  પણ એ તો સુલેમાન હતા, જેમણે ઈશ્વર માટે મંદિર બાંધ્યું.+ ૪૮  જોકે, સર્વોચ્ચ ઈશ્વર હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી,+ જેમ એક પ્રબોધકે કહ્યું હતું: ૪૯  ‘યહોવા* કહે છે, આકાશ મારી રાજગાદી છે,+ પૃથ્વી મારા પગનું આસન છે.+ તમે મારા માટે કેવું મંદિર બાંધશો? મારી રહેવાની જગ્યા ક્યાં રાખશો? ૫૦  શું એ બધું મારા હાથની રચના નથી?’+ ૫૧  “ઓ હઠીલા માણસો, તમે તમારાં હૃદય અને કાન બંધ કરી દીધાં છે.* તમે હંમેશાં પવિત્ર શક્તિનો વિરોધ કરો છો. તમારા બાપદાદાઓએ કર્યું, એવું જ તમે કરો છો.+ ૫૨  એવો કયો પ્રબોધક છે, જેની સતાવણી તમારા બાપદાદાઓએ કરી નથી?+ હા, નેક માણસના આવવા વિશે જેઓએ અગાઉથી જણાવ્યું, તેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા+ અને હવે તમે પણ એ નેક માણસને દગો કર્યો અને મારી નાખ્યા.+ ૫૩  તમને દૂતો દ્વારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું,+ પણ તમે એ પ્રમાણે ચાલ્યા નહિ.” ૫૪  આ વાતો સાંભળીને તેઓ મનમાં ને મનમાં ગુસ્સાથી સળગી ઊઠ્યા અને સ્તેફનની સામે દાંત કચકચાવવા લાગ્યા. ૫૫  પણ તે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને આકાશ તરફ એકીટસે જોવા લાગ્યો. તેણે ઈશ્વરનો મહિમા જોયો અને તેમના જમણા હાથે ઈસુને ઊભા રહેલા જોયા.+ ૫૬  તેણે કહ્યું: “જુઓ! હું આકાશને* ખુલ્લું થયેલું જોઉં છું અને માણસના દીકરાને*+ ઈશ્વરના જમણા હાથે ઊભા રહેલા જોઉં છું.”+ ૫૭  એ સાંભળીને તેઓએ મોટા અવાજે બૂમો પાડી અને પોતાના કાન પર હાથ મૂકી દીધા અને બધા તેના પર ધસી આવ્યા. ૫૮  તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરે મારવા લાગ્યા.+ જૂઠા સાક્ષીઓએ+ પોતાના ઝભ્ભા શાઉલ નામના યુવાનના પગ આગળ મૂક્યા હતા.+ ૫૯  તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે, તેણે અરજ કરી: “મારા માલિક ઈસુ, હું મારું જીવન* તમને સોંપું છું.” ૬૦  પછી ઘૂંટણિયે પડીને તે મોટા અવાજે પોકારી ઊઠ્યો: “યહોવા,* આ પાપનો દોષ તેઓના માથે નાખશો નહિ.”+ આમ કહીને તે મરણની ઊંઘમાં સૂઈ ગયો.

ફૂટનોટ

અથવા, “તેઓ સાથે ખરાબ રીતે વર્તશે.”
અથવા કદાચ, “ઇસહાકે યાકૂબ સાથે એવું જ કર્યું.”
અથવા, “કુટુંબના વડા.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “ઈશ્વરની નજરમાં સુંદર.”
અથવા, “તેમણે નક્કી કર્યું.”
અથવા, “તપાસ કરે.”
આમ્મોનીઓનો એક દેવ. શબ્દસૂચિમાં “મોલેખ” જુઓ.
તારાઓનો દેવ.
અથવા, “ઘર.”
મૂળ, “તમારાં હૃદય અને કાન સુન્‍નત વગરનાં છે.”
અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ આકાશ અથવા સ્વર્ગ થઈ શકે.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.