લૂક ૨૨:૧-૭૧

  • ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧-૬)

  • છેલ્લા પાસ્ખાની તૈયારીઓ (૭-૧૩)

  • ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૧૪-૨૦)

  • “મને દગો દેનાર મારી સાથે મેજ પર જમે છે” (૨૧-૨૩)

  • સૌથી મોટું કોણ એ વિશે ગરમાગરમ ચર્ચા (૨૪-૨૭)

  • રાજ્ય માટે ઈસુનો કરાર (૨૮-૩૦)

  • પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૧-૩૪)

  • તૈયાર રહેવાની જરૂર; બે તલવારો (૩૫-૩૮)

  • જૈતૂન પર્વત પર ઈસુની પ્રાર્થના (૩૯-૪૬)

  • ઈસુને પકડવામાં આવ્યા (૪૭-૫૩)

  • પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૫૪-૬૨)

  • ઈસુની મશ્કરી (૬૩-૬૫)

  • યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૬૬-૭૧)

૨૨  બેખમીર રોટલીનો તહેવાર* પાસે આવતો હતો.+ એને પાસ્ખાનો+ તહેવાર પણ કહેવામાં આવે છે. ૨  મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ લોકોથી ડરતા હોવાથી,+ વિચારતા હતા કે કઈ રીતે ઈસુને મારી નાખવા.+ ૩  બારમાંનો એક યહૂદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, તેના દિલ પર શેતાને કાબૂ જમાવ્યો.+ ૪  તે મુખ્ય યાજકો અને મંદિરના રક્ષકોના અધિકારીઓ પાસે ગયો. ઈસુને દગો આપીને તેઓને સોંપી દેવા વિશે તેણે વાત કરી.+ ૫  એનાથી તેઓ ઘણા ખુશ થયા. તેઓએ તેને ચાંદીના સિક્કા આપવાનું નક્કી કર્યું.+ ૬  તે સહમત થઈ ગયો અને ટોળું આસપાસ ન હોય ત્યારે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો. ૭  બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ આવ્યો, જ્યારે પાસ્ખાનું બલિદાન ચઢાવવામાં આવતું.+ ૮  ઈસુએ પિતર અને યોહાનને મોકલ્યા અને કહ્યું: “જાઓ અને આપણા માટે પાસ્ખાના ભોજનની તૈયારી કરો.”+ ૯  તેઓએ પૂછ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને એની તૈયારી કરીએ?” ૧૦  તેમણે કહ્યું: “તમે શહેરમાં જશો ત્યારે, પાણીનું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તે જે ઘરમાં જાય એમાં તેની પાછળ પાછળ જાઓ.+ ૧૧  એ ઘરના માલિકને કહેજો કે ‘ઉપદેશક કહે છે: “મહેમાનનો ઓરડો ક્યાં છે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લઈ શકું?”’ ૧૨  એ માણસ તમને ઉપરના માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં પાસ્ખાની તૈયારી કરજો.” ૧૩  એટલે તેઓ ગયા અને જેવું તેમણે કહ્યું હતું એવું જ થયું. તેઓએ પાસ્ખા માટે તૈયારી કરી. ૧૪  સમય થયો ત્યારે ઈસુ પ્રેરિતો સાથે જમવા બેઠા.+ ૧૫  તેમણે તેઓને કહ્યું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, તમારી સાથે પાસ્ખાનું ભોજન ખાવાની મને ઘણી ઇચ્છા હતી. ૧૬  હું તમને જણાવું છું કે ઈશ્વરના રાજ્યમાં એ બધું પૂરું નહિ થાય ત્યાં સુધી હું એ ફરીથી ખાવાનો નથી.” ૧૭  પછી પ્યાલો લઈને તેમણે પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો અને કહ્યું: “તમે આ લો અને એક પછી એક એમાંથી પીઓ. ૧૮  હું તમને જણાવું છું કે ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષદારૂ પીવાનો નથી.” ૧૯  પછી ઈસુએ રોટલી લીધી+ અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. તેમણે એ તોડી અને શિષ્યોને આપીને કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે.+ એ તમારા માટે આપવામાં આવશે.+ મારી યાદમાં આ કરતા રહો.”+ ૨૦  જ્યારે તેઓએ સાંજનું ભોજન લઈ લીધું, ત્યારે તેમણે પ્યાલો લઈને એવું જ કર્યું. તેમણે કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે+ થયેલા નવા કરારને+ રજૂ કરે છે. એ લોહી તમારા માટે વહેવડાવવામાં આવશે.+ ૨૧  “પણ જુઓ! મને દગો દેનાર મારી સાથે મેજ પર જમે છે.+ ૨૨  ભાખવામાં આવ્યું છે એ પ્રમાણે+ માણસના દીકરાનું મરણ થશે. પણ તેને દગો દેનારને અફસોસ!”+ ૨૩  તેઓ એકબીજાને પૂછવા લાગ્યા કે તેઓમાંથી કોણ એવું કરશે.+ ૨૪  તેઓ વચ્ચે ગરમાગરમ ચર્ચા પણ થઈ કે તેઓમાં સૌથી મોટું કોણ ગણાય.+ ૨૫  ઈસુએ તેઓને કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજા પર હુકમ ચલાવે છે. પ્રજા પર જેઓ અધિકાર ચલાવે છે તેઓ દાતા કહેવાય છે.+ ૨૬  પણ તમારે એવા ન થવું.+ તમારામાં જે કોઈ સૌથી મોટો હોય તે સૌથી નાના જેવો બને.+ જે આગેવાની લેતો હોય તે સેવક જેવો બને. ૨૭  મોટું કોણ, જમવા બેસનાર કે પીરસનાર?* શું જમવા બેસનાર નહિ? પણ હું તમારી વચ્ચે પીરસનાર જેવો છું.+ ૨૮  “પણ મારી કસોટીઓમાં+ તમે જ મને સાથ આપ્યો છે.+ ૨૯  જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે, તેમ હું તમારી સાથે રાજ્યનો+ કરાર કરું છું. ૩૦  એ માટે કે મારા રાજ્યમાં+ તમે મારી મેજ પરથી ખાઓ-પીઓ અને રાજ્યાસનો+ પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરો.+ ૩૧  “સિમોન, સિમોન, શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે.+ ૩૨  પણ મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ.+ તું પસ્તાવો કરીને પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.”+ ૩૩  પિતરે કહ્યું: “માલિક, હું તમારી સાથે કેદમાં જવા અને મરવા પણ તૈયાર છું.”+ ૩૪  તેમણે કહ્યું: “પિતર, હું તને જણાવું છું કે તું આજે ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ અને પછી જ કૂકડો બોલશે.”+ ૩૫  તેમણે આમ પણ કહ્યું: “મેં તમને પૈસા ને ખોરાકની થેલી વગર અને ચંપલ વગર મોકલ્યા+ ત્યારે શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” ૩૬  તેમણે કહ્યું: “હવે જેની પાસે પૈસાની થેલી હોય તે લઈ લે. એવી જ રીતે ખોરાકની થેલી લે. જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદી લે. ૩૭  પવિત્ર લખાણો કહે છે: ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’+ હું તમને જણાવું છું કે એ મારા વિશે લખાયું છે. જે કંઈ લખાયું છે એ મારામાં પૂરું થઈ રહ્યું છે.”+ ૩૮  તેઓએ કહ્યું: “માલિક જુઓ! આ રહી બે તલવાર.” તેમણે કહ્યું: “એ પૂરતી છે.” ૩૯  પછી ત્યાંથી નીકળીને ઈસુ પોતાની રીત પ્રમાણે જૈતૂન પર્વત પર ગયા. શિષ્યો પણ તેમની પાછળ પાછળ ગયા.+ ૪૦  તેઓ એ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું: “પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”+ ૪૧  તે થોડે દૂર ગયા અને ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગ્યા: ૪૨  “હે પિતા, જો તમે ચાહતા હો તો આ પ્યાલો* મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા નહિ, તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”+ ૪૩  એ સમયે સ્વર્ગમાંથી એક દૂત તેમની પાસે આવ્યો અને તેમને હિંમત આપી.+ ૪૪  પણ તેમની વેદનાનો કોઈ પાર ન હતો. એટલે તે કાલાવાલા કરીને પ્રાર્થના કરવા લાગ્યા.+ લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર પડવા લાગ્યો. ૪૫  તે પ્રાર્થના કરીને ઊભા થયા અને શિષ્યો પાસે ગયા. તેઓ શોક અને થાકને કારણે ઊંઘી ગયા હતા.+ ૪૬  તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ઊંઘો છો? ઊઠો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”+ ૪૭  હજુ તો તે બોલતા હતા એવામાં ઘણા લોકો આવ્યા. યહૂદા તેઓને લઈ આવ્યો, જે બારમાંનો એક હતો. તે ઈસુને ચુંબન કરવા આગળ આવ્યો.+ ૪૮  ઈસુએ તેને પૂછ્યું: “યહૂદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” ૪૯  ઈસુની આસપાસ ઊભેલા શિષ્યોએ જોયું કે શું બની રહ્યું છે. તેઓએ કહ્યું: “માલિક, શું અમે તલવાર ચલાવીએ?” ૫૦  અરે, એકે તો પ્રમુખ યાજકના ચાકર પર તલવારથી ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.+ ૫૧  પણ ઈસુએ કહ્યું: “બસ બહુ થયું.” તે ચાકરના કાનને અડક્યા અને સાજો કર્યો. ૫૨  મુખ્ય યાજકો, મંદિરના રક્ષકોના અધિકારીઓ અને વડીલો તેમને પકડવા આવ્યા હતા. ઈસુએ તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ આવ્યા છો?+ ૫૩  રોજ હું મંદિરમાં તમારી સાથે હતો ત્યારે+ તમે મને પકડ્યો નહિ.+ પણ આ તમારો સમય છે અને હમણાં અંધકારની સત્તા છે.”+ ૫૪  પછી તેઓ ઈસુને પકડીને લઈ ગયા.+ તેઓ તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ આવ્યા. પણ પિતર થોડું અંતર રાખીને પાછળ પાછળ આવતો હતો.+ ૫૫  લોકો આંગણાની વચ્ચે તાપણું કરીને બેઠા ત્યારે પિતર પણ તેઓ સાથે બેઠો.+ ૫૬  તાપણાના પ્રકાશમાં બેઠેલા પિતરને એક દાસીએ ધ્યાનથી જોતા કહ્યું: “આ માણસ પણ તેની સાથે હતો.” ૫૭  પિતરે ના પાડી અને કહ્યું: “હું તેને નથી ઓળખતો.” ૫૮  થોડી વાર પછી બીજા એક માણસે તેને જોઈને કહ્યું: “તું પણ તેઓમાંનો એક છે.” પણ પિતરે કહ્યું: “ના ભાઈ ના.”+ ૫૯  એકાદ કલાક પછી બીજા એક માણસે ભાર દઈને કહ્યું: “ચોક્કસ આ માણસ પણ તેની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે!” ૬૦  પિતરે કહ્યું: “તું જે કહે છે એ હું જાણતો નથી.” તે હજુ બોલતો હતો એટલામાં કૂકડો બોલ્યો. ૬૧  એ વખતે ઈસુએ* ફરીને સીધું પિતરની સામે જોયું. પિતરને યાદ આવ્યું કે ઈસુએ* કહ્યું હતું: “આજે કૂકડો બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ ૬૨  તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો. ૬૩  ઈસુની ચોકી કરનારા માણસો તેમની મશ્કરી કરવા લાગ્યા,+ તેમને મારવા લાગ્યા.+ ૬૪  તેઓએ તેમનો ચહેરો ઢાંકી દીધો અને પૂછવા લાગ્યા: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?” ૬૫  તેઓએ તેમનું ઘણું અપમાન કર્યું અને તેમની નિંદા કરી. ૬૬  દિવસ થયો ત્યારે લોકોના વડીલોની સભા ભરાઈ.+ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ભેગા થયા. તેઓ તેમને યહૂદી ન્યાયસભામાં* લઈ ગયા અને કહ્યું: ૬૭  “જો તું ખ્રિસ્ત હોય તો અમને જણાવ.”+ તેમણે તેઓને કહ્યું: “હું તમને કહું તોપણ તમે માનવાના નથી. ૬૮  જો હું તમને સવાલ પૂછું તો તમે જવાબ આપવાના નથી. ૬૯  પણ હવેથી માણસનો દીકરો+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેસશે.”+ ૭૦  આ સાંભળીને તેઓએ પૂછ્યું: “એટલે શું તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે કહ્યું: “તમે પોતે કહો છો કે હું તે છું.” ૭૧  તેઓએ કહ્યું: “આપણને વધારે સાક્ષીની શું જરૂર છે? આપણે તેના જ મોઢે સાંભળ્યું છે.”+

ફૂટનોટ

અથવા, “સેવા કરનાર?”
“પ્યાલો,” ઈશ્વરની નિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને રજૂ કરે છે.
મૂળ, “માલિકે.”
મૂળ, “માલિકે.”