પિતરનો પહેલો પત્ર ૨:૧-૨૫

  • ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો (૧-૩)

  • જીવંત પથ્થરોથી ચણાયેલું ઘર (૪-૧૦)

  • દુનિયામાં પરદેશી તરીકે જીવવું (૧૧, ૧૨)

  • યોગ્ય આધીનતા (૧૩-૨૫)

    • ખ્રિસ્ત, આપણા માટે એક દાખલો (૨૧)

 તેથી તમે દરેક પ્રકારની દુષ્ટતા,+ કપટ, ઢોંગ, ઈર્ષા અને નિંદા તમારામાંથી દૂર કરો. ૨  જેમ નવું જન્મેલું બાળક+ માના દૂધની ઝંખના રાખે છે, તેમ તમે ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો. એ સંદેશો ભેળસેળ વગરના* દૂધ જેવો છે, જેનાથી તમારી વૃદ્ધિ થશે અને તમારો ઉદ્ધાર થશે.+ ૩  જો તમે આપણા માલિકની કૃપાનો અનુભવ કર્યો હશે,* તો તમે વૃદ્ધિ અને ઉદ્ધાર મેળવી શકશો. ૪  માણસોએ જીવંત પથ્થરને નાપસંદ કર્યો,+ પણ ઈશ્વરે એને પસંદ કર્યો અને મૂલ્યવાન ગણ્યો.+ તમે એ પથ્થર પાસે આવો છો ત્યારે, ૫  તમે પણ જીવંત પથ્થરોની જેમ પવિત્ર શક્તિથી એક ઘર તરીકે ચણાતા જાઓ છો.+ એવું એટલે કરવામાં આવે છે, જેથી તમે પવિત્ર યાજકોનું* જૂથ બનો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સ્વીકારે+ એવાં બલિદાનો ચઢાવી શકો.+ ૬  કેમ કે શાસ્ત્રમાં લખેલું છે: “જુઓ! હું સિયોનમાં પસંદ કરેલો એક પથ્થર મૂકું છું. એ પથ્થર ખૂણાનો મૂલ્યવાન પથ્થર* છે અને એના પર ભરોસો રાખનાર કદી નિરાશ નહિ થાય.”*+ ૭  તેથી તમારા માટે તે મૂલ્યવાન છે, કેમ કે તમે તેમનામાં ભરોસો મૂકો છો. પણ જેઓ ભરોસો નથી મૂકતા તેઓ વિશે શાસ્ત્ર જણાવે છે: “બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,+ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.”+ ૮  તેમ જ, એ “ઠોકર ખવડાવનાર પથ્થર અને ઠેસ પહોંચાડનાર ખડક બન્યો છે.”+ તેઓ ઠોકર ખાય છે, કેમ કે તેઓ ઈશ્વરનો સંદેશો માનતા નથી. તેઓ માટે એવો જ અંત રાહ જોઈ રહ્યો છે. ૯  પણ તમે “પસંદ કરેલી જાતિ, રાજાઓ તરીકે સેવા આપતા યાજકો, પવિત્ર પ્રજા+ અને ઈશ્વરની ખાસ સંપત્તિ તરીકે પસંદ થયેલા લોકો છો,+ જેથી તમે બધી જગ્યાએ એ ઈશ્વરના મહાન ગુણો* જાહેર કરો,”+ જે તમને અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં લાવ્યા છે.+ ૧૦  કેમ કે એક સમયે તમે ઈશ્વરના લોકો ન હતા, પણ હવે તમે ઈશ્વરના લોકો છો.+ એક સમયે તમારા પર દયા બતાવવામાં આવી ન હતી, પણ હવે તમારા પર દયા બતાવવામાં આવી છે.+ ૧૧  વહાલાઓ, તમે આ દુનિયામાં પરદેશીઓ અને પ્રવાસીઓ છો.+ હું તમને વિનંતી કરું છું કે શરીરની પાપી ઇચ્છાઓથી દૂર રહો,+ જે તમારી વિરુદ્ધ લડાઈ કરે છે.+ ૧૨  દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો,+ જેથી તેઓ તમારા પર ખોટું કામ કરવાનો આરોપ મૂકે ત્યારે, પોતાની નજરે તમારાં સારાં કામ જુએ.+ એનું પરિણામ એ આવશે કે ઈશ્વર તપાસ કરવા આવશે એ દિવસે તેઓ તેમને મહિમા આપશે. ૧૩  આપણા માલિકની ઇચ્છા પૂરી કરવા માણસોએ સ્થાપેલી દરેક સત્તાને આધીન રહો.+ રાજાને આધીન રહો,+ કેમ કે તે તમારા કરતાં ચઢિયાતો છે. ૧૪  તેણે મોકલેલા રાજ્યપાલોને પણ આધીન રહો, જેઓ ખોટું કરનારાઓને સજા કરે છે, પણ સારું કરનારાઓના વખાણ કરે છે.+ ૧૫  કેમ કે ઈશ્વરની ઇચ્છા છે કે તમે સારાં કામ કરીને એ મૂર્ખોનાં મોં બંધ કરી દો, જેઓ વિચાર્યા વગર તમારી વિરુદ્ધ બોલે છે.+ ૧૬  આઝાદ લોકો+ તરીકે જીવો, પોતાની આઝાદીને બહાનું બનાવીને ખોટાં કામો કરશો નહિ,*+ પણ ઈશ્વરના દાસો+ તરીકે જીવવા એનો ઉપયોગ કરો. ૧૭  દરેક પ્રકારના માણસોને માન આપો,+ સર્વ ભાઈઓને પ્રેમ બતાવો,+ ઈશ્વરનો ડર* રાખો+ અને રાજાને માન આપો.+ ૧૮  દાસો, તમારા માલિકોને પૂરા દિલથી આધીન રહો.+ ફક્ત સારા અને નમ્ર* માલિકોને જ નહિ, પણ ખુશ કરવા મુશ્કેલ હોય એવા* માલિકોને પણ આધીન રહો. ૧૯  ઈશ્વર આગળ સાફ અંત:કરણ* રાખવા જો કોઈ માણસ તકલીફ* અને અન્યાય સહન કરે, તો ઈશ્વર તેનાથી ખુશ થાય છે.+ ૨૦  જો પાપ કરવાને લીધે તમે માર ખાઓ અને સહન કરો, તો એમાં વખાણવા જેવું શું છે?+ પણ જો સારું કરવાને લીધે તમે સહન કરો, તો એનાથી ઈશ્વર ખુશ થાય છે.+ ૨૧  હકીકતમાં, એના માટે જ તમને બોલાવવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે દુઃખ વેઠ્યું+ અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.+ ૨૨  તેમણે કોઈ પાપ કર્યું ન હતું+ અને તેમના મોંમાં કંઈ કપટ ન હતું.+ ૨૩  જ્યારે તેમનું અપમાન* કરવામાં આવ્યું,+ ત્યારે તેમણે સામે અપમાન* કર્યું નહિ.+ દુઃખો સહન કરતી વખતે+ તેમણે ધમકી આપી નહિ, પણ અદ્દલ ન્યાય કરનારના+ હાથમાં પોતાને સોંપી દીધા. ૨૪  જ્યારે તેમને વધસ્તંભ* પર જડવામાં આવ્યા,+ ત્યારે તેમણે આપણાં પાપ પોતાના શરીર પર લીધાં,+ જેથી આપણે પાપથી આઝાદ થઈએ અને નેક કામો કરવા જીવીએ. “તેમના જખમોથી તમને સાજા કરવામાં આવ્યા.”+ ૨૫  કેમ કે તમે ભટકી ગયેલાં ઘેટાં જેવા હતા,+ પણ હવે તમારા જીવનના પાળક અને દેખરેખ રાખનારની* પાસે તમે પાછા આવ્યા છો.+

ફૂટનોટ

અથવા, “શુદ્ધ.”
અથવા, “ચાખી હશે.”
શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.
મૂળ, “શરમમાં નહિ મુકાય.”
શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.
એટલે કે, પ્રશંસાપાત્ર ગુણો અને કામો.
અથવા, “આઝાદીનો ઉપયોગ ખોટાં કામો સંતાડવા કરશો નહિ.”
અથવા, “હઠીલા ન હોય એવા.”
અથવા, “કડક; કઠોર.”
અથવા, “દુઃખ; પીડા.”
અથવા, “નિંદા.”
અથવા, “નિંદા.”
અથવા, “ઝાડ.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “વડીલની.”