સભાશિક્ષક ૮:૧-૧૭

  • પાપી માણસોના રાજમાં (૧-૧૭)

    • રાજાનો હુકમ માન (૨-૪)

    • માણસની સત્તા નુકસાનકારક ()

    • જ્યારે સજા જલદી નથી મળતી (૧૧)

    • ખાઓ-પીઓ અને મોજમજા કરો (૧૫)

 બુદ્ધિમાન માણસ જેવું કોણ છે? મુશ્કેલીનો ઉકેલ કોણ જાણે છે?* બુદ્ધિથી માણસનો ચહેરો ખીલી ઊઠે છે અને તેના ચહેરાની કઠોરતા ખુશીમાં ફેરવાઈ જાય છે. ૨  હું તને કહું છું: “તેં ઈશ્વર આગળ સમ ખાધા હોવાથી+ રાજાનો હુકમ માન.+ ૩  તેની આગળથી નીકળી જવા ઉતાવળ ન કર+ અને ખરાબ કામમાં હાથ ન નાખ.+ રાજા તો મન ફાવે એમ કરી શકે છે. ૪  તેનો આદેશ કોણ ટાળી શકે?+ કોણ તેને કહી શકે, ‘આ તમે શું કરો છો?’” ૫  જે માણસ આજ્ઞા પાળે છે, તેને નુકસાન નહિ થાય.+ સમજુ માણસ જાણે છે કે કોઈ બાબતને ક્યારે અને કઈ રીતે કરવી.*+ ૬  માણસની મુશ્કેલીઓનો કોઈ પાર નથી, એટલે દરેક બાબત માટે યોગ્ય સમય અને રીત* હોય છે.+ ૭  કોઈ જાણતું નથી કે ભાવિમાં શું થશે. તો પછી કોણ કહી શકે કે એ કઈ રીતે થશે? ૮  જેમ માણસ પોતાનો શ્વાસ* રોકી શકતો નથી, તેમ તે મરણના દિવસને પણ રોકી શકતો નથી.+ જેમ યુદ્ધમાં ગયેલો સૈનિક ફરજમાંથી છટકી શકતો નથી, તેમ માણસ દુષ્ટ કામો કરીને છટકી શકતો નથી.* ૯  મેં એ બધું જોયું, પૃથ્વી પર થતાં એકેએક કામ પર મન લગાડ્યું. મેં જોયું કે આખો વખત એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન* પહોંચાડે છે.+ ૧૦  મેં દુષ્ટોને દફન થતાં જોયા, જેઓ પવિત્ર જગ્યાએ* આવજા કરતા હતા. તેઓએ જે શહેરોમાં દુષ્ટ કામો કર્યાં હતાં, ત્યાંથી તેઓની યાદ જલદી જ ભૂંસાઈ ગઈ.+ એ બધું પણ નકામું છે. ૧૧  ખોટાં કામ માટે જલદી સજા થતી નથી,+ એટલે માણસમાં ખોટાં કામ કરવાની હિંમત વધી જાય છે.+ ૧૨  ભલે પાપી માણસ સેંકડો વાર ખોટું કામ કરે અને લાંબું જીવે, છતાં હું જાણું છું કે, ઈશ્વરનો ડર રાખનાર માણસનું ભલું થશે, કેમ કે તે ઈશ્વરનો ડર રાખીને ચાલે છે.+ ૧૩  પણ દુષ્ટ માણસનું ભલું થશે નહિ.+ તેના દિવસો પડછાયાની જેમ પસાર થઈ જશે, તે એને વધારી શકશે નહિ.+ કેમ કે તે ઈશ્વરનો ડર રાખીને ચાલતો નથી. ૧૪  પૃથ્વી પર એવું કંઈક થાય છે જે દુઃખી કરે* છે: નેક* લોકો સાથે એ રીતે વર્તવામાં આવે છે, જાણે તેઓએ દુષ્ટ કામો કર્યાં હોય.+ દુષ્ટ લોકો સાથે એ રીતે વર્તવામાં આવે છે, જાણે તેઓએ નેક કામો કર્યાં હોય.+ હું કહું છું, એ પણ નકામું છે. ૧૫  હું તો કહું છું કે આનંદ કરો.+ માણસ માટે ખાવા-પીવા અને મોજમજા કરવા સિવાય બીજું કંઈ સારું નથી. સાચા ઈશ્વરે પૃથ્વી પર માણસને જે જીવન આપ્યું છે, એમાં મોજમજાની સાથે સાથે તેણે સખત મહેનત પણ કરવી જોઈએ.+ ૧૬  બુદ્ધિ મેળવવા અને પૃથ્વી પર થતાં બધાં કામો સમજવા મેં મન લગાડ્યું.+ એ માટે હું રાત-દિવસ જાગ્યો પણ ખરો.* ૧૭  પછી મેં સાચા ઈશ્વરનાં બધાં કામો પર વિચાર કર્યો. મને ખ્યાલ આવ્યો કે પૃથ્વી પર થતાં કામોને માણસ સમજી નહિ શકે.+ તે ગમે એટલી કોશિશ કરે, તોપણ એને સમજી નહિ શકે. ભલે તે દાવો કરે કે પોતે જ્ઞાની છે, બધું સમજે છે, છતાં તે ક્યારેય એ બધું સમજી નહિ શકે.+

ફૂટનોટ

અથવા, “વાતનો અર્થ કોણ જાણે છે?”
અથવા, “કેવો નિર્ણય લેવો.”
અથવા, “નિર્ણય.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા કદાચ, “માણસનાં દુષ્ટ કામો તેને બચાવી શકતાં નથી.”
અથવા, “ઈજા.”
અથવા, “જે નકામું.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા કદાચ, “લોકો રાત-દિવસ ઊંઘતા નથી.”