નિર્ગમન ૬:૧-૩૦

  • આઝાદ કરવાનું વચન ફરી આપવામાં આવ્યું (૧-૧૩)

    • યહોવાનું નામ પૂરી રીતે જાહેર ન થયું (૨, ૩)

  • મૂસા અને હારુનની વંશાવળી (૧૪-૨૭)

  • મૂસાને ફરી રાજા આગળ જવાનો આદેશ મળે છે (૨૮-૩૦)

 યહોવાએ મૂસાને કહ્યું: “હવે તું જોઈશ કે હું રાજાના કેવા હાલ કરું છું.+ મારો શક્તિશાળી હાથ તેને ફરજ પાડશે કે, તે મારા લોકોને જવા દે. એટલું જ નહિ, તેને મારી શક્તિનો પરચો મળશે પછી તે પોતે તેઓને દેશમાંથી કાઢી મૂકશે.”+ ૨  પછી ઈશ્વરે મૂસાને કહ્યું: “હું યહોવા છું. ૩  સર્વશક્તિમાન ઈશ્વર તરીકે હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રગટ થતો હતો.+ પણ મારું નામ યહોવા+ મેં તેઓ આગળ પૂરી રીતે જાહેર કર્યું ન હતું.+ ૪  મેં તેઓ સાથે કરાર* કર્યો હતો કે હું તેઓને કનાન દેશ આપીશ, જેમાં તેઓ પરદેશીઓ તરીકે રહેતા હતા.+ ૫  એ કરાર મને સારી રીતે યાદ છે.+ મેં મારા ઇઝરાયેલી લોકોના નિસાસા સાંભળ્યા છે. તેઓ હમણાં ઇજિપ્તની ગુલામીમાં છે. ૬  “તું ઇઝરાયેલીઓને કહેજે: ‘હું યહોવા છું. હું તમને ઇજિપ્તના પંજામાંથી છોડાવીશ. હું તમને તેના જુલમથી મુક્ત કરીશ.+ મારા શક્તિશાળી હાથથી હું તમને બચાવીશ અને ઇજિપ્તને આકરામાં આકરી સજા કરીશ.+ ૭  હું તમને મારા લોકો તરીકે સ્વીકારીશ અને હું તમારો ઈશ્વર થઈશ.+ તમે ચોક્કસ જાણશો કે, તમને ઇજિપ્તના જુલમથી છોડાવીને બહાર કાઢનાર હું યહોવા તમારો ઈશ્વર છું. ૮  ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા, એ દેશમાં હું તમને લઈ જઈશ. એ દેશ હું તમને વારસા તરીકે આપીશ.+ હું યહોવા છું.’”+ ૯  મૂસાએ એ સંદેશો ઇઝરાયેલીઓને આપ્યો. પણ તેઓએ તેનું સાંભળ્યું નહિ, કેમ કે તેઓ નિરાશ થઈ ગયા હતા અને ગુલામીના બોજ નીચે દબાઈ ગયા હતા.+ ૧૦  પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૧  “ઇજિપ્તના રાજા ફારુન* પાસે જા અને તેને કહે કે, ઇઝરાયેલીઓને અહીંથી જવા દે.” ૧૨  પણ મૂસાએ યહોવાને કહ્યું: “જુઓ! ઇઝરાયેલીઓએ મારું ન સાંભળ્યું,+ તો રાજા કઈ રીતે મારું સાંભળશે? મને તો બરાબર બોલતા પણ આવડતું નથી.”+ ૧૩  એટલે યહોવાએ ફરીથી મૂસા અને હારુનને જણાવ્યું કે તેઓએ ઇજિપ્તના રાજા ફારુનને* અને ઇઝરાયેલીઓને કયા હુકમો આપવા, જેથી ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી શકે. ૧૪  ઇઝરાયેલીઓનાં કુળોના વડા આ હતા: ઇઝરાયેલના પ્રથમ જન્મેલા+ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી.+ એ રૂબેનનાં કુટુંબો હતાં. ૧૫  શિમયોનના દીકરાઓ યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઊલ. શાઊલ તેને કનાની સ્ત્રીથી થયો હતો.+ એ શિમયોનનાં કુટુંબો હતાં. ૧૬  કુટુંબો પ્રમાણે લેવીના દીકરાઓ+ ગેર્શોન, કહાથ અને મરારી.+ લેવી ૧૩૭ વર્ષ જીવ્યો હતો. ૧૭  કુટુંબો પ્રમાણે ગેર્શોનના દીકરાઓ લિબ્ની અને શિમઈ.+ ૧૮  કહાથના દીકરાઓ આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ.+ કહાથ ૧૩૩ વર્ષ જીવ્યો હતો. ૧૯  મરારીના દીકરાઓ માહલી અને મૂશી. એ લેવીઓનાં કુટુંબો અને વંશજો હતાં.+ ૨૦  આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્‍ન કર્યું હતું.+ તેનાથી હારુન અને મૂસા થયા.+ આમ્રામ ૧૩૭ વર્ષ જીવ્યો હતો. ૨૧  યિસ્હારના દીકરાઓ કોરાહ,+ નેફેગ અને ઝિખ્રી. ૨૨  ઉઝ્ઝિએલના દીકરાઓ મીશાએલ, અલીસાફાન+ અને સિથ્રી. ૨૩  હારુને અલીશેબા સાથે લગ્‍ન કર્યું. તે અમિનાદાબની દીકરી અને નાહશોનની બહેન હતી.+ અલીશેબાથી તેને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર થયા.+ ૨૪  કોરાહના દીકરાઓ આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ.+ એ કોરાહીઓનાં કુટુંબો હતાં.+ ૨૫  હારુનના દીકરા એલઆઝારે+ પૂટીએલની એક દીકરી સાથે લગ્‍ન કર્યાં. તેનાથી તેને ફીનહાસ થયો.+ એ લેવી કુળના અને એનાં કુટુંબોના વડા હતા.+ ૨૬  એ હારુન અને મૂસાની વંશાવળી છે. યહોવાએ તેઓને જણાવ્યું હતું: “ઇઝરાયેલીઓને પોતપોતાનાં જૂથ* પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવો.”+ ૨૭  એ હારુન અને મૂસા જ હતા,+ જેઓએ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા ઇજિપ્તના રાજા ફારુન* સાથે વાત કરી હતી. ૨૮  યહોવાએ જે દિવસે મૂસા સાથે ઇજિપ્તમાં વાત કરી, ૨૯  એ જ દિવસે યહોવાએ તેને કહ્યું: “હું યહોવા છું. હું તને જે કંઈ કહું છું, એ બધું ઇજિપ્તના રાજા ફારુનને* જણાવ.” ૩૦  પણ મૂસાએ યહોવાને કહ્યું: “મને તો બરાબર બોલતા પણ આવડતું નથી, તો રાજા કઈ રીતે મારું સાંભળશે?”+

ફૂટનોટ

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “સૈન્ય.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.