કોલોસીઓને પત્ર ૧:૧-૨૯

  • સલામ (૧, ૨)

  • કોલોસીઓની શ્રદ્ધા માટે આભાર (૩-૮)

  • શ્રદ્ધામાં મજબૂત થવા માટે પ્રાર્થના (૯-૧૨)

  • ખ્રિસ્તની મુખ્ય ભૂમિકા (૧૩-૨૩)

  • મંડળ માટે પાઉલની સખત મહેનત (૨૪-૨૯)

 હું પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુના પ્રેરિત* તરીકે પસંદ થયો છું. હું આપણા ભાઈ તિમોથી+ સાથે મળીને ૨  કોલોસેના પવિત્ર જનો અને વિશ્વાસુ ભાઈઓને પત્ર લખું છું, જેઓ ખ્રિસ્ત સાથે એકતામાં છે: ઈશ્વર આપણા પિતા તમને અપાર કૃપા* અને શાંતિ આપે. ૩  અમે તમારા માટે પ્રાર્થના કરીએ ત્યારે, ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ છીએ, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા છે. ૪  કેમ કે ખ્રિસ્ત ઈસુમાં તમારી શ્રદ્ધા અને સર્વ પવિત્ર જનો પરના તમારા પ્રેમ વિશે અમે સાંભળ્યું છે. ૫  સ્વર્ગમાં મળનાર ઇનામની આશાને લીધે+ તમે એ પ્રેમ બતાવો છો. તમે ખુશખબરનું સત્ય સાંભળ્યું ત્યારે તમને એ આશા વિશે જાણ થઈ ૬  અને એ ખુશખબર તમારી પાસે આવી ચૂકી છે. એ ખુશખબર આખી દુનિયામાં ફળ ઉત્પન્‍ન કરી રહી છે અને ફેલાઈ રહી છે.+ એવી જ રીતે, તમે ઈશ્વરની અપાર કૃપાના સત્ય વિશે સાંભળ્યું અને એને પૂરી રીતે જાણ્યું, એ દિવસથી તમારામાં પણ ખુશખબરનાં પરિણામો દેખાઈ રહ્યાં છે. ૭  એ વિશે તમે આપણા વહાલા અને વિશ્વાસુ ભાઈ એપાફ્રાસ+ પાસેથી શીખ્યા છો, જે અમારા માટે ખ્રિસ્તનો દાસ છે. ૮  ઈશ્વરની પવિત્ર શક્તિથી તમે જે પ્રેમ કેળવ્યો છે, એ વિશે પણ તેણે અમને જણાવ્યું છે. ૯  એ કારણે અમે તમારા પ્રેમ અને તમારી શ્રદ્ધા વિશે સાંભળ્યું ત્યારથી તમારા માટે પ્રાર્થના અને વિનંતી કરવાનું છોડ્યું નથી.+ અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમે ઈશ્વરની ઇચ્છા વિશેનું પૂરું જ્ઞાન મેળવો,+ બુદ્ધિ મેળવો અને પવિત્ર શક્તિથી મળતી સમજણથી ભરપૂર થાઓ.+ ૧૦  અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે યહોવાના* નામને શોભે એ રીતે જીવીને તેમને પૂરેપૂરા ખુશ કરો, દરેક સારાં કામનાં ફળ ઉત્પન્‍ન કરો અને ઈશ્વરના ખરા જ્ઞાનમાં વધતા જાઓ.+ ૧૧  તેમ જ, તેમના મહાન બળથી તમે દૃઢ થાઓ,+ જેથી ધીરજ અને આનંદથી બધું સહન કરી શકો. ૧૨  ઈશ્વર આપણા પિતાનો આભાર માનો, કેમ કે તેમણે પ્રકાશમાં રહેતા પવિત્ર જનો સાથે વારસાના ભાગીદાર થવા+ તમને તૈયાર કર્યા છે. ૧૩  તેમણે આપણને અંધકારની સત્તામાંથી છોડાવ્યા છે+ અને પોતાના વહાલા દીકરાના રાજ્યમાં લાવ્યા છે. ૧૪  ઈશ્વરે પોતાના દીકરા દ્વારા છુટકારાની કિંમત* ચૂકવીને આપણને મુક્ત કર્યા છે, એટલે કે આપણને પાપોની માફી આપી છે.+ ૧૫  ખ્રિસ્તમાં અદૃશ્ય ઈશ્વર જેવા જ ગુણો છે+ અને ખ્રિસ્ત આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા* છે,+ ૧૬  કેમ કે તેમના દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર બધું બનાવવામાં આવ્યું છે. દૃશ્ય તેમજ અદૃશ્ય વસ્તુઓ,+ રાજ્યાસનો, અધિકારો, સરકારો અને સત્તાઓ બધું જ તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે. હા, બધું જ તેમના દ્વારા+ અને તેમના માટે બનાવવામાં આવ્યું છે. ૧૭  તે સર્વ કરતાં પ્રથમ છે+ અને તેમના દ્વારા બીજા બધાનું સર્જન કરવામાં આવ્યું છે. ૧૮  તે શરીરનું એટલે કે મંડળનું શિર* છે.+ તે બધી વસ્તુઓની શરૂઆત છે, મરણમાંથી જીવતા થયેલાઓમાં પ્રથમ છે,+ જેથી તે સર્વમાં પ્રથમ બને, ૧૯  કેમ કે ઈશ્વર ચાહે છે કે તેમના બધા ગુણો ખ્રિસ્તમાં હોય+ ૨૦  અને ખ્રિસ્ત દ્વારા ઈશ્વર બધા સાથે સુલેહ કરે,+ ભલે એ પૃથ્વી પર હોય કે સ્વર્ગમાં હોય. ખ્રિસ્તના વધસ્તંભ* પર વહેવડાવેલા લોહીથી ઈશ્વરે શાંતિ સ્થાપી+ અને સુલેહ કરી. ૨૧  હકીકતમાં, એક સમયે તમે ઈશ્વરથી દૂર હતા અને તેમના દુશ્મનો હતા, કેમ કે તમારાં મન દુષ્ટ કામો પર લાગેલાં હતાં. ૨૨  તેમણે એક માણસના* મરણ દ્વારા તમારી સાથે સુલેહ કરી છે, જેથી તે તમને પોતાની આગળ પવિત્ર, કલંક વગરના અને નિર્દોષ રજૂ કરે.+ ૨૩  પણ એ માટે જરૂરી છે કે તમે શ્રદ્ધામાં ચાલતા રહો,+ એના પાયા પર દૃઢ થાઓ,+ મક્કમ રહો+ અને તમે સાંભળેલી ખુશખબરની આશાથી દૂર ન જાઓ, જે આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવી હતી.+ હું પાઉલ એ ખુશખબરનો સેવક બન્યો છું.+ ૨૪  તમારા માટે દુઃખો સહેવાને લીધે મને હમણાં આનંદ થાય છે.+ ખ્રિસ્તના શરીરનો ભાગ હોવાને લીધે હું એ દુઃખો સહન કરી રહ્યો છું, જે બાકી હતાં.+ હું જે સહન કરું છું એ ખ્રિસ્તના શરીર, એટલે કે મંડળના ભલા માટે છે.+ ૨૫  ઈશ્વરે આપેલી કારભારી તરીકેની જવાબદારીને+ કારણે હું આ મંડળનો સેવક બન્યો છું. એ જવાબદારી મને તમારા લાભ માટે આપવામાં આવી હતી, જેથી ઈશ્વરનો સંદેશો પૂરી રીતે જાહેર કરું, ૨૬  એટલે કે પવિત્ર રહસ્ય+ જાહેર કરું. એ રહસ્ય વીતેલા યુગોથી અને અગાઉની પેઢીઓથી સંતાડેલું હતું.+ પણ હવે એ તેમના પવિત્ર જનોને પ્રગટ કરવામાં આવ્યું છે.+ ૨૭  મહિમા અને આશીર્વાદથી ભરપૂર એ પવિત્ર રહસ્ય+ બીજી પ્રજાઓને જાહેર કરવાનું ઈશ્વરને ગમ્યું. આ રહસ્ય એ છે કે ખ્રિસ્ત તમારી સાથે એકતામાં છે, એટલે કે તેમની સાથે મહિમાવાન થવાની તમે આશા રાખો છો.+ ૨૮  એ જ ખ્રિસ્ત વિશેનો સંદેશો આપણે જાહેર કરીએ છીએ, બધાને ચેતવણી આપીએ છીએ અને સર્વ ડહાપણથી બધાને શીખવીએ છીએ, જેથી આપણે દરેક વ્યક્તિને ખ્રિસ્તના પરિપક્વ શિષ્ય તરીકે ઈશ્વર આગળ રજૂ કરીએ.+ ૨૯  એ કામ પૂરું કરવા હું સાચે જ સખત મહેનત કરું છું. મારામાં શક્તિશાળી રીતે કામ કરતી ઈશ્વરની તાકાતથી હું પૂરું જોર લગાવીને મહેનત કરું છું.+

ફૂટનોટ

અથવા, “મંડળના આગેવાન.”
અથવા, “માનવી શરીરના.”