અયૂબ ૧:૧-૨૨

  • અયૂબની પ્રમાણિકતા અને ધનસંપત્તિ (૧-૫)

  • શેતાન અયૂબના ઇરાદા પર સવાલ ઉઠાવે છે (૬-૧૨)

  • અયૂબ પોતાની સંપત્તિ અને બાળકો ગુમાવે છે (૧૩-૧૯)

  • અયૂબ ઈશ્વરને દોષ આપતો નથી (૨૦-૨૨)

 ઉસ દેશમાં અયૂબ* નામે એક માણસ રહેતો હતો.+ તે નેક અને પ્રમાણિક* હતો.+ તે ઈશ્વરનો ડર* રાખતો હતો અને દુષ્ટતાથી દૂર રહેતો હતો.+ ૨  તેને સાત દીકરાઓ હતા અને ત્રણ દીકરીઓ હતી. ૩  તે ૭,૦૦૦ ઘેટાં, ૩,૦૦૦ ઊંટો, ૧,૦૦૦ ઢોરઢાંક* અને ૫૦૦ ગધેડીઓનો માલિક હતો. તેની પાસે મોટી સંખ્યામાં દાસ-દાસીઓ હતાં. આમ, પૂર્વના લોકોમાં તે સૌથી ધનવાન અને જાણીતો હતો. ૪  તેના બધા દીકરાઓ નક્કી કરેલા દિવસે* પોતાના ઘરે મિજબાની રાખતા. તેઓ પોતાની ત્રણ બહેનોને પણ ખાવા-પીવા બોલાવતા. ૫  મિજબાનીના દિવસો પૂરા થાય પછી, અયૂબ પોતાનાં બાળકોને બોલાવીને તેઓને શુદ્ધ કરતો. તે વહેલી સવારે ઊઠીને દરેક માટે અગ્‍નિ-અર્પણો* ચઢાવતો.+ તે નિયમિત રીતે એમ કરતો. તે કહેતો: “કદાચ મારાં બાળકોએ પાપ કર્યું હોય અને પોતાનાં હૃદયમાં ઈશ્વરનું અપમાન કર્યું હોય.”+ ૬  હવે એક દિવસે, સાચા ઈશ્વરના દીકરાઓ*+ યહોવા* આગળ હાજર થયા.+ શેતાન*+ પણ તેઓ સાથે આવ્યો.+ ૭  યહોવાએ શેતાનને પૂછ્યું: “તું ક્યાં જઈને આવ્યો?” શેતાને યહોવાને કહ્યું: “હું પૃથ્વી પર આમતેમ ફરીને આવ્યો છું.”+ ૮  યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે.” ૯  શેતાને યહોવાને જવાબ આપ્યો: “શું અયૂબ કારણ વગર ઈશ્વરનો ડર રાખે છે?+ ૧૦  શું તમે તેની, તેના કુટુંબની અને તેની પાસે જે કંઈ છે એની આસપાસ સુરક્ષાની વાડ બાંધી નથી?+ તમે તેના દરેક કામને આશીર્વાદ આપ્યો છે+ અને તેનાં ઢોરઢાંક વધીને દેશમાં ફેલાઈ ગયાં છે. ૧૧  પણ તમારો હાથ લંબાવીને તેની પાસે જે કંઈ છે એ બધું છીનવી લો. પછી જોજો, તે ચોક્કસ તમારા મોં પર તમને શ્રાપ આપશે.” ૧૨  યહોવાએ શેતાનને કહ્યું: “જો! તેની પાસે જે કંઈ છે એ બધું તારા હાથમાં સોંપું છું. ફક્ત તે માણસને કંઈ ન કરતો!” પછી યહોવા આગળથી શેતાન ચાલ્યો ગયો.+ ૧૩  એક દિવસે અયૂબનાં દીકરા-દીકરીઓ પોતાના સૌથી મોટા ભાઈના ઘરે ખાતાં હતાં અને દ્રાક્ષદારૂ પીતાં હતાં.+ ૧૪  એવામાં એક સંદેશવાહકે આવીને અયૂબને કહ્યું: “બળદો* ખેતર ખેડતા હતા અને તેઓની બાજુમાં ગધેડીઓ ચરતી હતી, ૧૫  ત્યારે સબાઈમ લોકોએ હુમલો કર્યો અને એ સર્વને લઈ ગયા. એ લોકોએ તમારા સેવકોને તલવારથી મારી નાખ્યા. હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.” ૧૬  તે હજી બોલતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી ઈશ્વરનો અગ્‍નિ વરસ્યો* અને એણે તમારાં ઘેટાં અને સેવકોને ભસ્મ કરી નાખ્યાં! હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.” ૧૭  તે હજી બોલતો હતો એટલામાં ત્રીજાએ આવીને કહ્યું: “ખાલદીઓની*+ ત્રણ ટુકડીઓએ હુમલો કર્યો અને ઊંટોને લઈને ચાલી ગઈ. એ લોકોએ તમારા સેવકોને તલવારથી મારી નાખ્યા. હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.” ૧૮  તે હજી બોલતો હતો એટલામાં ચોથાએ આવીને કહ્યું: “તમારાં દીકરા-દીકરીઓ તમારા સૌથી મોટા દીકરાના ઘરે ખાતાં હતાં અને દ્રાક્ષદારૂ પીતાં હતાં. ૧૯  અચાનક વેરાન પ્રદેશથી ભારે પવન ફૂંકાયો. આખું ઘર ધ્રૂજવા લાગ્યું અને તમારાં બાળકો પર તૂટી પડ્યું અને તેઓ માર્યાં ગયાં. હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.” ૨૦  પછી અયૂબે ઊઠીને પોતાનાં કપડાં ફાડ્યાં, માથું મૂંડાવ્યું* અને જમીન સુધી માથું ટેકવતા ૨૧  કહ્યું: “મારી માના પેટમાંથી હું નગ્‍ન બહાર આવ્યો,અને હું નગ્‍ન પાછો જઈશ.+ યહોવાએ આપ્યું+ અને યહોવાએ લઈ લીધું. હંમેશાં યહોવાના નામની સ્તુતિ થતી રહે.” ૨૨  એ બધી મુસીબતોમાં અયૂબે પાપ કર્યું નહિ અથવા એ માટે ઈશ્વરને દોષ દીધો નહિ.*

ફૂટનોટ

કદાચ એનો અર્થ, “દુશ્મનીનો શિકાર બનેલો.”
અથવા, “નિર્દોષ અને સીધો-સાદો.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “ઢોરઢાંકની ૫૦૦ જોડ.”
અથવા, “પોતાના વારા પ્રમાણે.”
એ હિબ્રૂ રૂઢિપ્રયોગ દૂતોને રજૂ કરે છે. શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.
અથવા, “નિર્દોષ અને સીધો-સાદો.”
મૂળ, “આખલા.”
અથવા કદાચ, “વીજળી પડી.”
શબ્દસૂચિમાં “શોક” જુઓ.
અથવા, “ઈશ્વરે કંઈક ખોટું કર્યું છે, એવો આરોપ મૂક્યો નહિ.”