સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા માટે માર્ગદર્શન

તમારા માટે માર્ગદર્શન

જીવનને લગતી ઘણી બાબતો વિશે બાઇબલમાં સરસ સલાહ આપી છે. લાખો લોકોને એનાથી ઘણો ફાયદો થયો છે. ચાલો એવી ચાર બાબતો પર ધ્યાન આપીએ.

૧. લગ્‍ન

લગ્‍નજીવન સુખી બનાવવા શું કરવું જોઈએ, એ વિશે લોકોના વિચારો અલગ અલગ હોય છે.

બાઇબલમાં લખ્યું છે: “દરેક માણસ જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ પોતાની પત્નીને કરે અને પત્ની પણ પૂરા દિલથી પતિને માન આપે.”—એફેસીઓ ૫:૩૩.

એનો શું અર્થ થાય: લગ્‍નની શરૂઆત ઈશ્વરે કરી છે. એટલે તેમને ખબર છે કે પતિ-પત્નીએ ખુશ રહેવા શું કરવું જોઈએ. (માર્ક ૧૦:૬-૯) તેઓએ એવું ન વિચારવું જોઈએ કે મારા સાથી મારા માટે શું કરી શકે, પણ એવું વિચારવું જોઈએ કે હું તેના માટે શું કરી શકું. જે પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે તે તેની સાથે સારી રીતે વર્તશે અને તેની સંભાળ રાખશે. જે પત્ની પોતાના પતિને માન આપે છે તે તેમને પૂરો સાથ આપશે અને તેમની સાથે સારી રીતે વાત કરશે. આમ તેઓનું લગ્‍નજીવન મજબૂત બનશે.

કેવો ફાયદો થયો: વિયેતનામમાં રહેતા ક્વાંગ અને તી પોતાના લગ્‍નજીવનથી બિલકુલ ખુશ ન હતા. ક્વાંગ હંમેશાં તી જોડે ઝઘડ્યા કરતો. તે કહે છે, “હું તેને મહેણાં-ટોણાં મારતો. જરા પણ વિચારતો ન હતો કે તેને કેવું લાગશે.” એટલે તી છૂટાછેડા લેવા માંગતી હતી. તેની પત્ની કહે છે, “મારા દિલમાં તેમના માટે જરાય માન ન હતું અને તેમના પર ભરોસો પણ ન હતો.”

પછી તેઓ બાઇબલમાંથી શીખ્યા કે પતિ-પત્ની માટે કઈ સલાહ આપી છે અને એને કઈ રીતે લાગુ પાળી શકાય. (એફેસીઓ ૫:૩૩) ક્વાંગ કહે છે, “હું બાઇબલમાંથી શીખ્યો કે પત્ની સાથે સારી રીતે વર્તવાનું છે. તેને પ્રેમ કરવાનો છે, તેની જરૂરિયાતો પૂરી કરવાની છે અને તેની લાગણીઓ સમજવાની છે. હું એમ કરવા લાગ્યો ત્યારે તે મને વધારે પ્રેમ કરવા લાગી અને મારી સાથે માનથી વર્તવા લાગી.” તેની પત્ની કહે છે, “બાઇબલની સલાહ માનીને હું મારા પતિને માન આપવા લાગી. એટલે તે મને પ્રેમ કરવા લાગ્યા અને સારી રીતે સંભાળ રાખવા લાગ્યા.”

લગ્‍ન વિશે વધારે જાણવા માટે jw.org/gu પર જાઓ અને સજાગ બનો! નં. ૨ ૨૦૧૮, “કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો” વાંચો.

૨. બીજાઓ સાથે આપણું વર્તન

જો કોઈ વ્યક્તિ બીજી જાતિની, ધર્મની કે બીજા દેશની હોય, સજાતીય સંબંધ રાખતી હોય અથવા અલગ દેખાતી હોય તો મોટા ભાગે લોકો તેની સાથે ખરાબ રીતે વર્તે છે.

બાઇબલમાં લખ્યું છે: “દરેક પ્રકારના માણસોને માન આપો.”—૧ પિતર ૨:૧૭.

એનો શું અર્થ થાય: બાઇબલમાં એમ નથી જણાવ્યું કે કોઈ વ્યક્તિ બીજી જાતિ કે દેશની હોય અથવા સજાતીય સંબંધ રાખતી હોય તો એને નફરત કરવી જોઈએ. પણ એમાં જણાવ્યું છે કે બધાને માન આપવું જોઈએ. પછી ભલે તે ગમે તે જાતિની હોય અથવા અમીર કે ગરીબ હોય. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪) બની શકે કે અમુક લોકોના વિચારો અને જીવનઢબ આપણને ન ગમે. પણ એનો અર્થ એ નથી કે તેઓ સાથે ખરાબ રીતે વર્તીએ. તેઓ સાથે પણ માનથી વર્તવું જોઈએ.—માથ્થી ૭:૧૨.

કેવો ફાયદો થયો: ડેનિયલને શીખવવામાં આવ્યું હતું કે એશિયાથી આવેલા લોકો તેના દેશ માટે ખતરો છે. એટલે તે તેઓને નફરત કરતો હતો. જો એ લોકો તેને ક્યાંક મળી જાય, તો બધાની સામે તેઓનું અપમાન કરતો. તે કહેતો, “આને જ તો દેશભક્તિ કહેવાય. મને અહેસાસ જ ન થયો કે મારાં વિચારો અને કામો કેટલાં ખોટાં છે.”

પછીથી એ વિશે ડેનિયલ બાઇબલમાંથી શીખ્યો. તે કહે છે, “મારે મારા વિચારો પૂરી રીતે બદલવાના હતા. મારે લોકોને ઈશ્વરની નજરે જોવાના હતા. ભલે આપણે કોઈ પણ દેશના હોઈએ, ઈશ્વરની નજરમાં બધા એકસરખા છે.” બાઇબલની સલાહ પાળીને ડેનિયલને કેવો ફાયદો થયો? તે કહે છે, “હવે હું લોકોને મળું છું તો એ નથી વિચારતો કે તેઓ કયા દેશના છે. હું બધા લોકોને પ્રેમ કરું છું. હવે દુનિયાના ખૂણે ખૂણે મારા ઘણા દોસ્તો છે.”

વધારે જાણવા માટે jw.org/gu પર જાઓ અને સજાગ બનો! નં. ૩ ૨૦૨૦, “શું ભેદભાવ દૂર થઈ શકે?” વાંચો.

૩. પૈસા

ઘણા લોકોને લાગે છે કે ખૂબ પૈસા કમાવાથી તેઓ ખુશ રહેશે અને ભવિષ્યમાં કોઈ વાતની ચિંતા હશે નહિ.

બાઇબલમાં લખ્યું છે: “પૈસા રક્ષણ આપે છે, તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે. પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.”—સભાશિક્ષક ૭:૧૨.

એનો શું અર્થ થાય: આપણને પૈસાની જરૂર છે, પણ પૈસા એ વાતની ગેરંટી નથી આપતા કે આપણે ખુશ રહીશું અને આપણું ભવિષ્ય સારું હશે. (નીતિવચનો ૧૮:૧૧; ૨૩:૪, ૫) એના બદલે ઈશ્વરની સલાહ પાળવાથી આપણને સાચી ખુશી અને સારું ભવિષ્ય મળશે. એ સલાહ આપણને બાઇબલમાંથી મળે છે.—૧ તિમોથી ૬:૧૭-૧૯.

કેવો ફાયદો થયો: ઇન્ડોનેશિયામાં રહેતા કાર્ડોભાઈ બસ પૈસા કમાવામાં પડ્યા હતા. તે કહેતા, “લોકો જે વસ્તુ મેળવવાનાં સપનાં જોતા, એ બધું મારી પાસે હતું. હું ઘણી વાર ફરવા જતો. મોંઘી મોંઘી વસ્તુઓ, ગાડીઓ અને બંગલા ખરીદતો.” પણ એ બધું બહુ લાંબું ના ટક્યું. તે આગળ કહે છે, “મારી સાથે છેતરપિંડી થઈ. જે પૈસા કમાવા મેં વર્ષો મહેનત કરી હતી, એ આંખના પલકારામાં જતા રહ્યા. મેં આખું જીવન પૈસા કમાવા પાછળ ઘસી નાખ્યું, પણ આખરે મારી પાસે કશું જ બચ્યું નહિ. હું નિરાશ થઈ ગયો.”

પછી કાર્ડોભાઈ પૈસા વિશે બાઇબલમાં આપેલી સલાહ પાળવા લાગ્યા. હવે તે પોતાની તાકાત પૈસા કમાવા પાછળ નથી લગાડતા, પણ પોતાની પાસે જે છે એમાં ખુશ રહેવા કોશિશ કરે છે. તે કહે છે, “સાચી ખુશી ઈશ્વર સાથે સારો સંબંધ હોવાથી મળે છે. એ સંબંધ એવો ખજાનો છે, જે તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી. હવે હું સાચે જ ખુશ છું અને મને રાત્રે મીઠી ઊંઘ આવે છે.”

પૈસા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે એ વિશે વધારે જાણવા માટે jw.org/gu પર જાઓ અને ચોકીબુરજ નં. ૩ ૨૦૨૧નો આ લેખ વાંચો: “શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

૪. સેક્સ

ક્યારે અને કોની સાથે સેક્સ કરવું એ વિશે લોકોના વિચારો અલગ અલગ છે.

બાઇબલમાં લખ્યું છે: “વ્યભિચારથી દૂર રહો. તમારામાંથી દરેક જણ પવિત્રતા અને આદરથી પોતાના શરીરને કાબૂમાં રાખવાનું શીખે અને કામવાસનાની લાલસા ન રાખે. એવી લાલસા તો બીજી પ્રજાઓના લોકો રાખે છે, જેઓ ઈશ્વરને જાણતા નથી.”—૧ થેસ્સાલોનિકીઓ ૪:૩-૫.

એનો શું અર્થ થાય: બાઇબલમાં સેક્સ વિશે અમુક બાબતો મના કરી છે. જો એ મના કરેલી બાબતો કરીશું તો આપણે “વ્યભિચાર” જેવા ગંદા કામો કરીશું. એમાં લગ્‍ન પહેલાં સેક્સ, સજાતીય સંબંધો અને પ્રાણીઓ સાથે સેક્સનો પણ સમાવેશ થાય છે. (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦) સેક્સ અથવા જાતીય સંબંધ ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે. ઈશ્વર ચાહે છે કે સેક્સ ફક્ત એવા સ્ત્રી-પુરુષ વચ્ચે હોવું જોઈએ, જેઓ એકબીજા સાથે લગ્‍નના બંધનમાં જોડાયેલા હોય.—નીતિવચનો ૫:૧૮, ૧૯.

કેવો ફાયદો થયો: ઑસ્ટ્રેલિયામાં રહેતા કાયલીબેન કહે છે: “મને પહેલાં લાગતું કે જો હું કોઈની સાથે સેક્સ કરી લઉં, તો તે મને પ્રેમ કરશે અને મારી સંભાળ રાખશે. પણ એવું કંઈ જ ન થયું. સેક્સ કર્યા પછી હું પોતાની જ નજરમાં ઊતરી ગઈ. મને થતું કે શું હવે કોઈ મને પ્રેમ કરશે.”

પછી કાયલીબેન સેક્સ વિશે બાઇબલમાંથી શીખ્યા અને એની સલાહ પાળી. તે કહે છે “ મને ખબર પડી કે ઈશ્વરે સેક્સ વિશે કેમ અમુક બાબતો મના કરી છે. એ આપણા ફાયદા માટે છે. ઈશ્વર નથી ચાહતા કે આપણે ખરાબ કામો કરીએ અને એનાં ખરાબ પરિણામો ભોગવીએ. હવે મારા લગ્‍ન થઈ ગયા છે. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તેમની સાથે ખૂબ ખુશ છું. યહોવાએ આપેલી સલાહ પાળીને હું ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચી ગઈ.”

આપણને બનાવનાર ઈશ્વર સારી રીતે જાણે છે કે આપણા માટે સાચું શું છે અને ખોટું શું છે. ભલે તેમની સલાહ અમુક વાર અઘરી લાગે, પણ એમાં આપણું જ ભલું છે. તેમની સલાહ પાળીએ અને ખુશી મેળવીએ.