સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

ઘણા લોકોને લાગે છે કે ખૂબ ભણવાથી અને બહુ પૈસા કમાવાથી તેઓનું ભાવિ સુખી બનશે. તેઓનું માનવું છે કે યુનિવર્સિટીમાં ભણીશું તો કામ સારી રીતે કરી શકીશું. એનાથી કુટુંબ અને સમાજને પણ ફાયદો થશે. તેઓને લાગે છે કે બહુ ભણીશું તો વધારે પગારવાળી નોકરી મળશે. એવી નોકરી હશે તો પૈસા આવશે અને પૈસા હશે તો જ જીવનમાં સુખ આવશે.

લોકોની આશા

ઝાંગ ચેન ચીનના છે. તેમનો ઉછેર ગરીબ પરિવારમાં થયો હતો. તે કહે છે, “મને લાગતું કે મારી પાસે ડિગ્રી હશે તો વધારે પગારવાળી નોકરી મળશે. એનાથી હું ખુશ રહી શકીશ અને આખું જીવન આરામથી વિતાવી શકીશ.”

એ માટે તેઓમાંના ઘણા વિદેશમાં ભણવા જાય છે. એવા લોકોની સંખ્યા છેલ્લા અમુક વર્ષોથી વધતી ને વધતી જાય છે. જોકે, કોરોનાને લીધે હાલમાં લોકોનું વિદેશમાં જવાનું થોડું ઓછું થયું છે. આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠને ૨૦૧૨ના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે “વિદેશમાં ભણતા અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓ એશિયાના દેશમાંથી આવે છે.”

બાળકોને વિદેશમાં ભણાવવા માટે માબાપ ઘણું જતું કરે છે. તાઇવાનમાં રહેતા સીસિયાંગ કહે છે, “મારા માબાપ પાસે એટલા બધા પૈસા ન હતા, તોપણ અમને ચારેય બાળકોને તેઓએ અમેરિકા ભણવા મોકલ્યાં.” તેમના માબાપે પણ ઘણા લોકોની જેમ બાળકોને વિદેશમાં ભણાવવા ઘણું બધું દેવું કર્યું.

શું લોકોને એનાથી ફાયદો થયો?

ઘણા લોકો બહુ ભણ્યા અને માલ-મિલકત ભેગી કરી છતાં પણ તેઓ સુખી નથી.

ખરું કે મોટી મોટી ડીગ્રી લેવાથી અમુક રીતે જીવન સારું બની શકે છે. પણ ઘણા વિદ્યાર્થીઓએ અનુભવ્યું છે કે જેવું તેઓ વિચારે છે એવું હંમેશાં થતું નથી. ઘણી વાર માબાપ યુવાનોને ભણાવવા દેવું કરે છે અને એને ચૂકવવા વર્ષો સુધી રાત-દિવસ મહેનત કરે છે. તોપણ યુવાનોને મનગમતી નોકરી મળતી નથી. સિંગાપુરના એક ન્યૂઝપેપરમાં બતાવવામાં આવ્યું હતું કે “આજકાલ લોકો પાસે ડિગ્રી હોવા છતાં નોકરી નથી.” તાઇવાનમાં રહેતા જીયેનજીએ બહુ ભણેલા છે. તે કહે છે, “આજે લોકોને ડિગ્રી પ્રમાણે નોકરી મળતી નથી એટલે તેઓએ બીજું જ કંઈ કામ કરવું પડે છે.”

ઘણાને મનગમતી નોકરી તો મળી જાય છે પણ ખુશી મળતી નથી. થાઇલૅન્ડના નાયરન સાથે એવું જ કંઈક થયું. તે યુરોપ ભણવા ગયા હતા. પોતાના દેશમાં પાછા આવ્યા પછી તેમને ગમતી નોકરી મળી ગઈ. તે કહે છે, “મને જેવી નોકરી જોઈતી હતી એવી જ મળી ગઈ. મેં જે ડિગ્રી લીધી એના લીધે જ મને સારા પગારની નોકરી મળી. પણ હું જ્યાં કામ કરતો ત્યાં બહુ ઓવરટાઈમ કરવો પડતો એટલે થાકીને લોથપોથ થઈ જતો. અમુક સમય પછી કંપનીએ મોટા ભાગના લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા. મારી પણ નોકરી જતી રહી ત્યારે મને સમજાયું કે ભલે આપણી પાસે સારામાં સારી નોકરી હોય, પણ એની કોઈ ગેરંટી નથી કે એનાથી આપણું જીવન સુખી જ બનશે.”

ઘણી વાર ધનવાન લોકોને જોઈને એવું લાગે કે તેઓ બહુ સુખી છે, પણ તેઓનાં જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોય છે. તેઓ બીમાર પડે છે, કુટુંબોમાં ઝઘડા થતા હોય છે અને પૈસાની પણ ચિંતા હોય છે. જાપાનના કાતસૂતોશી કહે છે, “મારી પાસે બધું જ હતું કોઈ વાતની ખોટ ન હતી, તોપણ હું ખુશ ન હતો. કેમ કે લોકો મારી ઈર્ષા કરતા અને મારી સાથે ખરાબ રીતે વર્તતા હતા.” વિયેતનામની લામ કહે છે, “ઘણા લોકો બહુ પૈસા કમાય છે, જેથી તેઓનું પછીનું જીવન આરામથી વીતે પણ એનાથી ઊંધું જ થાય છે. તેઓ વધુ પડતી ચિંતા કરવા લાગે છે, બીમાર પડી જાય છે અને નિરાશામાં ડૂબી જાય છે.”

ફ્રેન્કલીનભાઈની જેમ ઘણા લોકોને અહેસાસ થયો કે ફક્ત બહુ ભણવાથી અને માલ-મિલકત ભેગી કરવાથી જ સુખ ખરીદી શકાતું નથી. એવું તો બીજું ઘણું બધું છે જે પૈસા કરતાં મહત્ત્વનું છે. અમુક લોકોને લાગે છે કે બીજાનું ભલું કરવાથી અને ભલાઈનાં કામો કરવાથી સુખ મળે છે. પણ શું ખરેખર એવું છે? ચાલો હવે પછીના લેખમાં એ સવાલનો જવાબ જોઈએ.