સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે લીધેલા નિર્ણયો હંમેશાં સાચા હોય છે?

લોકો કઈ રીતે નિર્ણય લે છે?

લોકો કઈ રીતે નિર્ણય લે છે?

અમુક કામો એવાં છે જેના વિશે મોટા ભાગના લોકોના વિચારો સરખા છે. જેમ કે, ખૂન, બળાત્કાર અને બાળકોના જાતીય શોષણને બધા લોકો ખરાબ માને છે. બીજી બાજુ બીજાઓને મદદ કરવી, બધા સાથે સારી રીતે વર્તવું અને બીજાઓનું દુઃખ-દર્દ સમજવું એને બધા લોકો સારાં કામો ગણે છે. પણ અમુક બાબતો એવી છે, જેના વિશે મોટા ભાગના લોકોને લાગે છે કે એમાં કંઈ સાચું-ખોટું હોતું નથી. જેમ કે, કોની સાથે સેક્સ કરવું, બાળકોનો ઉછેર કઈ રીતે કરવો અને કેટલી હદે સાચું બોલવું. એ બધા વિશે લોકોને લાગે છે કે જે કરો એ ચાલે. એટલે લોકો નિર્ણય લેતી વખતે પોતાને બરાબર લાગે અથવા પોતાની આજુબાજુના લોકોને બરાબર લાગે એ પ્રમાણે નિર્ણયો લે છે. પણ શું હંમેશાં એમ કરવું સારું કહેવાય?

આપણને શું સાચું લાગે છે?

નાના હોય ત્યારથી જ આપણે ખરું-ખોટું પારખતા શીખીએ છીએ. એ કુટુંબના સભ્યો, દોસ્તો, શિક્ષકો, સમાજ, સંસ્કૃતિ અને ધર્મ પાસેથી શીખીએ છીએ. પછી કોઈ નિર્ણય લેતી વખતે આપણાં દિલનો અવાજ એટલે કે અંતઃકરણ એ સમજવામાં મદદ કરે છે કે સાચું શું અને ખોટું શું. (રોમનો ૨:૧૪, ૧૫) એટલે જ્યારે આપણે કંઈક સારું કરીએ ત્યારે ખુશ થઈએ છીએ અને કંઈક ખોટું કરીએ ત્યારે દુઃખી થઈએ છીએ.

ખરા-ખોટાની સમજ હોવાને લીધે આપણે બીજાઓને મદદ કરીએ છીએ, તેઓનું દુઃખ-દર્દ સમજીએ છીએ, તેઓ સાથે સારી રીતે વર્તીએ છીએ અને તેઓની કદર કરીએ છીએ. ખરા-ખોટાની સમજ આપણને એવાં કામ કરતા પણ રોકે છે, જેના લીધે આપણે શરમ અનુભવીએ અને પોતાને દોષ આપીએ અથવા કુટુંબના સભ્યો કે દોસ્તોને દુઃખ પહોંચે.

આપણને જે સાચું લાગે, શું એ હંમેશાં સાચું હોય છે? ગેરીકભાઈનો વિચાર કરો. તે યુવાન હતા ત્યારે તેમને લાગતું હતું: “હું મારી મરજી પ્રમાણે જીવી શકું છું.” તે જણાવે છે, “હું વ્યભિચાર કરતો, ડ્રગ્સ લેતો, બેફામ દારૂ પીતો અને મારામારી કરતો.” પછી તે સમજી ગયા કે મન ફાવે એમ વર્તવાથી કંઈ હંમેશાં સારાં પરિણામો નથી આવતાં.

બીજાઓને શું સાચું લાગે છે?

નિર્ણયો લેતી વખતે આપણે ધ્યાન રાખીએ છીએ કે આપણને અને આપણી આજુબાજુના લોકોને શું સાચું લાગે છે. એમાંથી ઘણા લોકો પાસે સારી સમજણ અને જીવનનો અનુભવ હોય છે. એટલે આપણે તેઓની વાત માનીએ છીએ. જ્યારે આપણા દોસ્તો, કુટુંબના સભ્યો અને સમાજના લોકોની વાત માનીને નિર્ણય લઈએ છીએ, ત્યારે તેઓ આપણને માન આપે છે.

બીજાઓને જે સાચું લાગે, શું એ હંમેશાં સાચું હોય છે? પ્રિસિલાબહેન યુવાન હતા ત્યારે, તેમણે એ બધું જ કર્યું જે તેમના દોસ્તો કરતા હતા. તેમણે કેટલાય છોકરાઓ સાથે જાતીય સંબંધ બાંધ્યાં. પણ પછી તેમને ખબર પડી કે બીજાઓને જે સાચું લાગે છે એવું કરવાથી ખુશી મળતી નથી. તે જણાવે છે, “બીજાઓને જોઈને હું જે કરતી, એનાથી મને જ દુઃખ થતું. હું બેદરકાર બની અને મોટું જોખમ ઊભું કર્યું.”

સૌથી સારો રસ્તો કયો છે?

નિર્ણયો લેતી વખતે આપણને અને બીજાઓને શું સાચું લાગે છે એ ધ્યાનમાં રાખવું મહત્વનું છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે જરૂરી નથી કે આપણે લીધેલા નિર્ણયોનાં સારાં જ પરિણામ આવે. કદાચ આપણને લાગે કે આપણો નિર્ણય સાચો છે. પણ આગળ જતા એની આપણા પર અને બીજાઓ પર કેવી અસર થશે, એ સમયે ના જોઈ શકીએ. (નીતિવચનો ૧૪:૧૨) એ પણ જરૂરી નથી કે ખરા-ખોટા વિશે લોકોના વિચારો હંમેશાં સાચા હોય. લોકોના વિચારો બદલાતા રહે છે. પહેલાં જે વાત લોકોને ખોટી લાગતી હતી, એ આજે સાચી લાગે છે અને પહેલાં જે વાત સાચી લાગતી હતી, એ આજે ખોટી લાગે છે.

બીજાઓની વાત માનીને જે નિર્ણયો લઈએ, શું એ હંમેશાં સાચા હોય છે?

તો પછી સારું માર્ગદર્શન ક્યાંથી મળી શકે? આગળ જતા અફસોસ ના થાય એવા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ?

ખુશીની વાત છે કે આપણી પાસે એવું માર્ગદર્શન છે, જે ક્યારેય બદલાતું નથી. એના પર આપણે પૂરો ભરોસો કરી શકીએ છીએ અને એનાથી બધાને ફાયદો થાય છે. એ વિશે વધારે જાણવા હવે પછીનો લેખ જુઓ.