સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો

 “મેં બાઇબલ વાંચવા ઘણી કોશિશ કરી, પણ એ એટલું મોટું પુસ્તક છે કે હું એ કદી પતાવી નહિ શકું.”—૧૫ વર્ષની બ્રિયાના.

 જો તમને પણ એવું લાગતું હોય, તો આ લેખથી તમને મદદ મળશે.

 બાઇબલ કેમ વાંચવું જોઈએ?

 શું બાઇબલ વાંચવામાં તમને કંટાળો આવે છે? હા, કંટાળો આવી શકે. કદાચ તમે વિચારતા હશો, ‘બાઇબલ બહુ મોટું પુસ્તક છે. એમાં બહુ બધી માહિતી છે, પણ ચિત્ર એકેય નથી. એના કરતાં તો ટી.વી. કે વીડિયો જોવા સારા!’

 પણ જરા આનો વિચાર કરો: તમને જૂના જમાનાની ખજાનાથી ભરેલી એક મોટી પેટી મળે છે. તમે એ જોવા આતુર હશો કે એ પેટીમાં શું છે, ખરું ને?

 બાઇબલ પણ ખજાનાની પેટી જેવું છે. એમાં આપેલી સલાહ રત્નો જેવી કીમતી છે. એ સલાહ પાળવાથી ઘણી મદદ મળે છે. જેમ કે,

  •   કઈ રીતે સારા નિર્ણયો લેવા?

  •   કઈ રીતે મમ્મી-પપ્પા સાથે પ્રેમથી રહેવું?

  •   કઈ રીતે સારા મિત્રો બનાવવા?

  •   કઈ રીતે ચિંતાઓ હળવી કરવી?

 બાઇબલ તો જૂના જમાનાનું પુસ્તક છે, એ કઈ રીતે આજે ઉપયોગી થઈ શકે? એનું કારણ એ છે કે, “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.” (૨ તિમોથી ૩:૧૬) એનો એવો અર્થ થાય કે બાઇબલની બધી જ સલાહ ઈશ્વરે લખાવી છે, જે આખા વિશ્વમાં સૌથી વધારે બુદ્ધિમાન છે.

બાઇબલ ખજાનાની પેટી જેવું છે. એમાં આપેલી સલાહ રત્નો જેવી કીમતી છે

 બાઇબલ વાંચવા મારે શું કરવું જોઈએ?

 બાઇબલ વાંચવાની એક રીત છે, શરૂઆતથી અંત સુધી આખું બાઇબલ વાંચો. એનાથી તમને બાઇબલનો મુખ્ય સંદેશો સમજવા મદદ મળશે. બાઇબલ વાંચવાની ઘણી રીતો છે. ચાલો એમાંની બે રીત જોઈએ:

  •    તમે બાઇબલનાં ૬૬ પુસ્તકો ક્રમ પ્રમાણે વાંચી શકો. એટલે કે, ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી.

  •    બાઇબલમાં આપેલા બનાવો જે ક્રમમાં બન્યા છે, એ ક્રમ પ્રમાણે વાંચી શકો.

 અજમાવી જુઓ: નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં આપેલી વધારે માહિતી ક-૭માં ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો ક્રમ પ્રમાણે આપ્યા છે.

 બાઇબલ વાંચવાની બીજી રીત છે, તમે જે મુશ્કેલી સહી રહ્યા હોય એને લગતો કોઈ અહેવાલ વાંચો. જેમ કે,

  •   શું તમને સાચા મિત્રની જરૂર છે? તો બાઇબલમાંથી યોનાથાન અને દાઉદનો અહેવાલ વાંચો. (૧ શમુએલ, અધ્યાય ૧૮-૨૦) એ અહેવાલ વાંચો ત્યારે ધ્યાન આપો કે દાઉદના કયા ગુણોને લીધે તેઓ સારા મિત્રો બન્યા.

  •   શું તમે કોઈ લાલચ સામે લડી રહ્યા છો? તો બાઇબલમાંથી યૂસફનો અહેવાલ વાંચો અને જુઓ કે તેમણે કઈ રીતે લાલચનો સામનો કર્યો. (ઉત્પત્તિ, અધ્યાય ૩૯) એ અહેવાલ વાંચો ત્યારે ધ્યાન આપો કે એ લાલચનો સામનો કરવા તેમને ક્યાંથી તાકાત મળી.

  •   શું તમારે જાણવું છે કે પ્રાર્થનાથી કેવી મદદ મળે છે? તો બાઇબલમાંથી નહેમ્યાનો અનુભવ વાંચો. (નહેમ્યા, અધ્યાય ૧ અને) એ અહેવાલ વાંચો ત્યારે ધ્યાન આપો કે નહેમ્યાને કઈ રીતે તેમની પ્રાર્થનાનો જવાબ મળ્યો.

 અજમાવી જુઓ: શાંત જગ્યાએ બેસીને બાઇબલ વાંચો, જેથી તમે પૂરું ધ્યાન આપી શકો.

 બાઇબલ વાંચવાની ત્રીજી રીત છે, બાઇબલનો કોઈ અહેવાલ અથવા ગીતશાસ્ત્રના પુસ્તકનો એક અધ્યાય વાંચો અને વિચારો કે એ તમારા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે. વાંચ્યા પછી પોતાને પૂછો:

  •    યહોવાએ બાઇબલમાં આ માહિતી કેમ લખાવી?

  •    એમાંથી મને યહોવાનાં ગુણો અને કામો વિશે શું શીખવા મળે છે?

  •    હું આ માહિતીને મારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું?

 અજમાવી જુઓ: એક ધ્યેય બાંધો. તમે બાઇબલ વાંચવાનું શરૂ કરો ત્યારે એની તારીખ લખો. એમ કરવા jw.org પર “બાઇબલ વાંચન માટેનો કાર્યક્રમ”નો ઉપયોગ કરો.