સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૨: બાઇબલ વાંચન મજેદાર બનાવો

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૨: બાઇબલ વાંચન મજેદાર બનાવો

 વીલ નામનો યુવાન કહે છે: “જો તમે ખરી રીતે બાઇબલ ન વાંચો, તો તમને કંટાળો જ આવશે.”

 શું તમારે જાણવું છે કે બાઇબલ વાંચનને કઈ રીતે મજેદાર બનાવી શકાય? આ લેખ તમને મદદ કરશે.

 મનની આંખોથી જુઓ

 જે વાંચો છો એમાં પૂરેપૂરા ડૂબી જાઓ. તમે આવું કરી શકો:

  1.  ૧. બાઇબલનો કોઈ અહેવાલ પસંદ કરો. તમે ખુશખબરના પુસ્તકમાંથી કોઈ અહેવાલ અથવા અમુક કલમો પસંદ કરી શકો અથવા jw.org પરથી નાટકીય બાઇબલ વાંચનનો કોઈ અહેવાલ પસંદ કરી શકો.

  2.  ૨. અહેવાલ વાંચો. તમે પોતે અહેવાલ વાંચી શકો અથવા તમારા દોસ્તો કે કુટુંબ સાથે વાંચી શકો. તમે અંદરોઅંદર વહેંચી શકો કે અલગ અલગ પાત્રોના ભાગ કોણ વાંચશે.

  3.  ૩. આમાંથી અમુક સૂચનો અજમાવો:

    •   અહેવાલનાં ચિત્રો દોરો. અથવા સ્ટોરીબોર્ડ બનાવો, એટલે કે જે ક્રમમાં ઘટનાઓ બની હોય એ ક્રમમાં સરળ ચિત્રો દોરો. ચિત્રની નીચે લખો કે ચિત્રમાં શું બની રહ્યું છે.

    •   જ્યારે કોઈ વફાદાર ઈશ્વરભક્ત વિશે વાંચો, ત્યારે તેમના ગુણો અને તેમણે કરેલાં સારાં કામો લખો. પછી એની સામે તેમને મળેલા આશીર્વાદો પણ લખો.

    •   કોઈ પણ બનાવને ન્યૂઝ સ્ટોરી તરીકે જણાવો. પછી તમારા મિત્રો અને કુટુંબને એ બનાવના અલગ અલગ પાત્ર સોંપો. ન્યૂઝ રિપોર્ટરની જેમ તેઓનો ઇન્ટરવ્યૂ લેતા હોય એવો રિપોર્ટ બનાવો.

    •   એવો કોઈ બનાવ લો જેમાં વ્યક્તિએ ખોટો નિર્ણય લીધો હોય. પછી કલ્પના કરો કે ખરો નિર્ણય લીધો હોત તો શું થયું હોત. જેમ કે આ અહેવાલનો વિચાર કરો: પિતરે ઈસુને ઓળખવાની ના પાડી. (માર્ક ૧૪:૬૬-૭૨) હવે વિચારો કે જો પિતરે સારો નિર્ણય લીધો હોત, તો શું થયું હોત?

    •   તમને કંઈક નવું કરવાનું મન થતું હોય તો બાઇબલના બનાવ પરથી પોતે ડ્રામા લખો. એમાંથી તમે શું શીખ્યા એ પણ જણાવો.—રોમનો ૧૫:૪.

      બાઇબલના બનાવોને તમારી આંખો સામે બનતા જુઓ

 સંશોધન કરો

 જો તમે વિગતોનો વિચાર કરો, તો તમને કંઈક નવું જાણવા મળશે. ઘણી વાર એક-બે શબ્દો જ ઘણું કહી જાય છે.

 દાખલા તરીકે, માથ્થી ૨૮:૭ને માર્ક ૧૬:૭ સાથે સરખાવો.

  •    માર્કે કેમ એ વિગત જણાવી કે ઈસુ જલદી જ શિષ્યો “અને પિતરને” દેખાશે?

  •  જવાબ શોધવા મદદ: એ બનાવ વખતે માર્ક ત્યાં ન હતા. એવું લાગે છે કે તેમને એ માહિતી પિતર પાસેથી મળી હતી.

  •  નવું શું જાણવા મળ્યું: ઈસુ ફરીથી પિતરને મળવા માંગે છે એ જાણીને પિતરને કેવું લાગ્યું હશે? શા માટે? (માર્ક ૧૪:૬૬-૭૨) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે પિતરના જિગરી દોસ્ત છે? તમે કઈ રીતે ઈસુને પગલે ચાલીને બીજાના સાચા મિત્ર બની શકો?

 બાઇબલના અહેવાલોને મનની આંખોથી જુઓ અને એની ઝીણામાં ઝીણી માહિતી પર ધ્યાન આપો. એમ કરવાથી તમને બાઇબલ વાંચન બહુ મજા આવશે.