સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

શું ગાળો બોલવી ખોટું છે?

શું ગાળો બોલવી ખોટું છે?

“હું એટલી ગાળો સાંભળું છું કે મને એમાં કંઈ ખોટું નથી લાગતું. મને કોઈ ફરક જ નથી પડતો.”—૧૭ વર્ષનો ક્રિષ્ટોફર.

“હું નાની હતી ત્યારે ખૂબ ગાળો બોલતી હતી. ગાળો બોલવાની આદત સહેલાઈથી પડી જાય છે, પણ એ છોડવી બહુ અઘરી છે.”—૧૯ વર્ષની રિબેકા.

 તમે શું કહેશો?

  •   બીજાઓ ગાળો બોલે ત્યારે તમને કેવું લાગે છે?

    •  મારું તો ધ્યાન પણ નથી જતું. મને એ બહુ સામાન્ય લાગે છે.

    •  એ મને ગમતું નથી, પણ સાંભળી લઉં છું.

    •  એ બહુ જ ખરાબ છે. મારાથી એ સંભળાતું નથી.

  •   શું તમે ગાળો બોલો છે?

    •  ના, કદી નહિ

    •  કોઈક વાર

    •  વારંવાર

  •   શું તમને લાગે છે કે ગાળો બોલવી એ બહુ મોટી સમસ્યા છે?

    •  ના

    •  હા

 તમે કેવી ભાષા વાપરો છો એ જાણવું કેમ જરૂરી છે?

 શું તમને લાગે છે કે ગાળો બોલવી એ બહુ મોટી સમસ્યા છે? તમે કદાચ કહો: ‘ના, મને એવું નથી લાગતું. દુનિયામાં એનાથી પણ મોટી સમસ્યાઓ છે. બધા લોકો ગાળો બોલે છે.’ પણ શું એ સાચું છે?

 તમે કદાચ નહિ માનો, પણ આજે દુનિયામાં ઘણા લોકો ગંદી ભાષા કે ગાળો નથી બોલતા. એમ કરવા તેઓ પાસે યોગ્ય કારણો પણ છે. દાખલા તરીકે:

  •  ગાળો બોલો છો ત્યારે દેખાઈ આવે છે કે તમે કેવી વ્યક્તિ છો. જ્યારે તમે ગંદી ભાષા વાપરો છો, ત્યારે દેખાઈ આવે છે કે તમને બીજાઓની લાગણીઓની પડી નથી. શું તમે સાચે જ એવી વ્યક્તિ છો?

     બાઇબલ કહે છે: “જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે.”—માથ્થી ૧૫:૧૮.

    ખરાબ શબ્દો પ્રદૂષણ જેવા છે. એવા શબ્દો ન બોલો, જેનાથી તમને અને બીજાઓને નુકસાન થાય

  •  ગાળો બોલો છો ત્યારે લોકો તમારા વિશે ખરાબ વિચારે છે. ગાળો બોલવાની આદત કઈ રીતે છોડવી એ વિશે એક પુસ્તક કહે છે: “આપણે જે રીતે બોલીએ છીએ, એનાથી દેખાઈ આવે છે કે આપણા મિત્રો કેવા હશે, કુટુંબ અને સાથે કામ કરનારા આપણને માન આપશે કે નહિ, આપણને નોકરી કે ઊંચી પદવી મળશે કે નહિ અને અજાણ્યા લોકો આપણા વિશે શું વિચારશે.” એ પુસ્તકમાં એમ પણ લખ્યું છે: “પોતાને પૂછો કે જો તમે ગાળો નહિ બોલો, તો શું બીજાઓ સાથેના તમારા સંબંધો વધારે સારા થશે.”

     બાઇબલ કહે છે: ‘દરેક પ્રકારની અપમાનજનક વાતો તમારામાંથી કાઢી નાખો.’—એફેસીઓ ૪:૩૧.

  •  ગાળો બોલવાથી તમે હીરો નથી બની જતા. ડૉ. એલેક્સ પેકરે હાઉ રુડ! નામના અંગ્રેજી પુસ્તકમાં લખ્યું: “જેઓ વાતે વાતે ગાળો બોલે છે, તેઓથી લોકો કંટાળી જાય છે.” તેમણે એમ પણ કહ્યું: ‘જેઓ બહુ ગાળો બોલે છે, તેઓ બુદ્ધિભરી કે પ્રેમાળ વાતો નથી કરી શકતા. ખરાબ શબ્દો બોલવાથી તમે બુદ્ધિશાળી નથી બની જતા.’

     બાઇબલ કહે છે: “તમારા મોંમાંથી કોઈ પણ ખરાબ શબ્દ ન નીકળે.”—એફેસીઓ ૪:૨૯.

 તમે શું કરી શકો?

  •  ધ્યેય રાખો. એક મહિના માટે ખરાબ શબ્દો બોલવાનું બંધ કરો. કેલેન્ડર કે કાગળ પર લખો કે તમે એ દિવસે ધ્યેય પૂરો કરી શક્યા કે નહિ. પણ ખરાબ શબ્દો બોલવાનું પૂરી રીતે બંધ કરવા તમારે બીજું પણ કંઈક કરવાની જરૂર છે. દાખલા તરીકે:

  •  એવા મનોરંજનથી દૂર રહો, જે તમારા મનને ગંદી ભાષાથી ભરી દે છે. બાઇબલ કહે છે: “ખરાબ સંગત સારા સંસ્કારોને બગાડે છે.” (૧ કોરીંથીઓ ૧૫:૩૩, ફૂટનોટ) અહીં “સંગત” ફક્ત લોકોને જ નહિ, મનોરંજનને પણ બતાવે છે, જેમાં ફિલ્મો, વીડિયો ગેમ અને સંગીતનો સમાવેશ થાય છે. ૧૭ વર્ષનો કેનેથ કહે છે: “જો તમને કોઈ ગીતના સૂર ગમતા હોય, તો તમે સહેલાઈથી એની સાથે ગાવા લાગશો અને તમને ખ્યાલ પણ નહિ રહે કે એ ગીતમાં ગંદા શબ્દો છે.”

  •  બતાવી આપો કે તમે સમજદાર છો. અમુક લોકો ગંદી ભાષા બોલીને બતાવવા માંગે છે કે હવે તેઓ મોટા થઈ ગયા છે. પણ એ સાચું નથી. બાઇબલમાં લખ્યું છે કે સમજુ લોકો “પોતાની સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા શીખ્યા છે.” (હિબ્રૂઓ ૫:૧૪) ફક્ત બીજાઓને ખુશ કરવા તેઓ પોતાનાં ધોરણો નીચાં નથી કરતા.

 ગંદી ભાષા પ્રદૂષણ જેવી છે. જેમ પ્રદૂષણ વાતાવરણને દૂષિત કરે છે, તેમ ગંદી ભાષા વિચારોને દૂષિત કરે છે. આજે ઘણાના મનમાં ગંદા વિચારો ચાલતા હોય છે. “એમાં વધારો ન કરો,” એવું એક પુસ્તક કહે છે. એમાં આ પણ લખ્યું છે: ‘વાતાવરણને શુદ્ધ રાખવા બનતો પ્રયત્ન કરો, એટલે કે વાતચીત કરતી વખતે સારી બોલી બોલો. એનાથી તમને પોતાને સારું લાગશે અને બીજાઓને પણ તમારી સંગત ગમશે.’