સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?

હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?

 ‘અમુક વાર હું મારી જીભને કાબૂમાં રાખું છું. પણ ક્યારેક તો તડ ને ફડ કહી દઉં છું.’—જેમ્સ.

 ‘મને ગભરામણ થતી હોય ત્યારે વગર વિચાર્યે બોલી દઉં છું અને મારું મન શાંત હોય ત્યારે, વધુ પડતું બોલી દઉં છું. એટલે દર વખતે હું લોચા મારું છું.’—મેરી.

 બાઇબલ જણાવે છે: ‘જીભ આગ છે. જુઓ, આગનો નાનો તણખો પણ આખા જંગલને સળગાવી શકે છે!’ (યાકૂબ ૩:૫, ૬) તમારા બોલવાથી શું તમે તકલીફમાં મૂકાઈ જાઓ છો? જો એમ હોય તો આ લેખથી તમને મદદ મળશે.

 હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?

 પાપની અસર. બાઇબલમાં જણાવ્યું છે: “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો ન હોય, તો તે માણસ સંપૂર્ણ છે.” (યાકૂબ ૩:૨) માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ ફક્ત ચાલવામાં જ ઠોકર ખાતો નથી, બોલવામાં પણ ઠોકર ખાય છે.

 ‘હું એમ નહિ કહું કે મગજ અને જીભ પર મારો પૂરેપૂરો કાબૂ છે. કેમ કે મારાથી પણ ભૂલો થાય છે.’—આન્‍ના.

 વધારે પડતું બોલવું. બાઇબલ જણાવે છે: “બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ.” (નીતિવચનો ૧૦:૧૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન) જે લોકો વધારે પડતું બોલે છે અને બીજાઓનું ઓછું સાંભળે છે, તેઓ બીજાઓનાં દિલને ઠેસ પહોંચાડે છે.

 ‘જે વધારે બોલ બોલ કરે, જરૂરી નથી કે એ હોશિયાર હોય. આ પૃથ્વી પર સૌથી હોશિયાર વ્યક્તિ ઈસુ હતા, તેમ છતાં અમુક સમયે તે ચુપ રહ્યા.’—જુલિયા.

 કટાક્ષમાં બોલવું. બાઇબલ જણાવે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” (નીતિવચનો ૧૨:૧૮) કટાક્ષમાં બોલવું પણ વગર વિચાર્યે બોલવું કહેવાય. કટાક્ષમાં બોલવું એટલે બીજાઓને ઉતારી પાડવા ધારદાર શબ્દો બોલવા. લોકો કટાક્ષમાં કંઈક બોલી જાય પછી કહે, ‘અરે, હું તો મજાક કરતો હતો!’ પણ બીજાઓને ઉતારી પાડવું, એ કંઈ હસવાની વાત નથી. બાઇબલમાં જણાવ્યું છે: અપમાનજનક વાતો, તેમજ નુકસાન કરતી બધી જ બાબતો તમારામાંથી કાઢી નાખો.”—એફેસીઓ ૪:૩૧.

 ‘મને મજાક-મસ્તી કરવાનું બહુ ગમે છે, જેના લીધે હું અમુક વાર કટાક્ષમાં બોલી દઉં છું. એટલે ઘણી વાર તકલીફમાં આવી પડું છું.’—ઓક્સાના.

જેમ ટ્યૂબમાંથી નીકળેલી ટૂથપેસ્ટ પાછી નાખી શકાતી નથી. એવી જ રીતે, આપણે બોલેલા શબ્દો પાછા લઈ શકાતા નથી

 જીભ પર લગામ રાખો

 જીભને કાબૂમાં રાખવું સહેલું નથી, પણ બાઇબલના સિદ્ધાંતોથી તમને મદદ મળી શકે છે. દાખલા તરીકે,

 ‘પોતાના હૃદયમાં વિચાર કરો, ને ચુપ રહો.ગીતશાસ્ત્ર ૪:૪.

 ન બોલવામાં નવ ગુણ. લોરા કહે છે, ‘ગુસ્સામાં હોઉં ત્યારે જે લાગણી થાય એ પછીથી શાંત પડી જાય છે. મારું મગજ ઠંડું પડે ત્યારે થાય કે સારું થયું, હું કંઈ બોલી નહિ.’ બે ઘડી ચુપ રહેવાથી પણ આપણે ખોટું બોલવાથી અટકી જઈએ છીએ.

 “જેમ તાળવું અન્‍નનો સ્વાદ પારખે છે, તેમ શું કાન શબ્દોની પરીક્ષા કરતો નથી?”—અયૂબ ૧૨:૧૧.

 નીચે આપેલા સવાલોનો વિચાર કરવાથી તમે ઘણી તકલીફોમાંથી બચી શકશો:

  •   શું એ સાચું છે? મેં જે કહ્યું એ સારી રીતે કહ્યું? શું એ જરૂરી હતું?—રોમનો ૧૪:૧૯.

  •   જો મને કોઈએ એવું કહ્યું હોત, તો મને કેવું લાગ્યું હોત?—માથ્થી ૭:૧૨.

  •   શું મારા શબ્દોથી હું બીજાઓના વિચારોને માન આપું છું?—રોમનો ૧૨:૧૦.

  •   શું મારે એ સમયે એવું બોલવું જોઈતું હતું?—સભાશિક્ષક ૩:૭.

 “નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિપીઓ ૨:૩.

 આ સલાહથી તમને બીજાઓ માટે સારું વિચારવા મદદ મળશે. એનાથી તમને જીભ પર કાબૂ રાખવા અને બોલતા પહેલાં વિચારવા મદદ મળશે. જો તમે કોઈના દિલને ઠેસ પહોંચાડી હોય, ભલેને એને ઘણો સમય વીતી ગયો હોય, તોપણ તમે માફી માંગી શકો છો. એ માટે નમ્રતાનો ગુણ તમને મદદ કરશે. બને તેટલું જલદી માફી માંગી લો. (માથ્થી ૫:૨૩, ૨૪) તો પછી મનમાં ગાંઠ વાળો કે તમારી જીભને કાબૂમાં રાખવા બનતું બધું કરશો.