સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?

વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?

આ મૅગેઝિનના પ્રકાશકો, યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી. (યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) ખરું કે આ લેખમાં આંદોલન વિશેના અમુક દાખલાઓ આપેલા છે. તોપણ, તેઓ કોઈ દેશને બીજા દેશથી ચડિયાતો ગણતા નથી કે રાજનીતિમાં કોઈનો પક્ષ લેતા નથી.

ટ્યુનિશિયા દેશમાં રહેતા ૨૬ વર્ષના મૌહમ્મદ બૌઝીઝીની ૧૭ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ધીરજ ખૂટી ગઈ. તેને યોગ્ય નોકરી મળતી ન હોવાથી લારીમાં ફળો વેચતો હતો. તે જાણતો હતો કે ભ્રષ્ટ પોલીસો લાંચ માંગતા હોય છે. એ દિવસે સવારે ઇન્સ્પેક્ટરોએ આવીને મૌહમ્મદની લારી પરનાં નાસપતી, કેળાં અને સફરજન જપ્ત કરી લીધાં. તેઓએ ત્રાજવાં લઈ લીધાં ત્યારે તેણે તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો. નજરે જોયેલા આ બનાવના અમુક સાક્ષીઓએ જણાવ્યું કે મહિલા પોલીસે બૌઝીઝીને થપ્પડ મારી.

અપમાનિત અને ક્રોધિત બૌઝીઝી નજીકમાં આવેલી સરકારી ઑફિસમાં ફરિયાદ નોંધાવવા ગયો. પણ, કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું. એટલે, તેણે ઑફિસની બહાર બૂમાબૂમ કરી: ‘જો આવું કરો, તો હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ?’ પછી, તેણે સહેલાઈથી સળગી ઊઠે એવું પ્રવાહી પોતાના પર રેડીને આગ ચાંપી. આગથી દાઝી જવાથી તે ત્રણ અઠવાડિયાંમાં મરણ પામ્યો.

મૌહમ્મદ બૌઝીઝીએ લીધેલાં પગલાંની ટ્યુનિશિયા અને બીજા દેશોના લોકો પર ઊંડી અસર થઈ. ઘણાનું માનવું છે કે તેણે જે કર્યું એના લીધે ત્યાં આંદોલનની આગ ફેલાઈ અને સરકાર ઉથલાવી નાખવામાં આવી. આ આંદોલન ઝડપથી બીજા આરબ દેશોમાં પણ ફેલાયું. ૨૦૧૧માં યુરોપિયન પાર્લામેન્ટે બૌઝીઝી તથા બીજી ચાર વ્યક્તિઓને વાણી સ્વતંત્રતા માટેના સાખારોવ પ્રાઈઝથી સન્માનિત કરી; અને લંડનના ધ ટાઇમ્સ છાપાએ તેને ૨૦૧૧ની મહત્ત્વની વ્યક્તિ જાહેર કરી.

એ અહેવાલ બતાવે છે તેમ વિરોધ કે આંદોલન શક્તિશાળી હોઈ શકે. પરંતુ, તાજેતરમાં થતાં આંદોલનો પાછળ કયાં કારણો છે? શું એનો કોઈ ઉપાય છે?

આંદોલનોમાં કેમ આટલો વધારો?

આવાં કારણોને લીધે આંદોલનો ભડકી ઊઠે છે:

  • સામાજિક વ્યવસ્થાથી નાખુશ. લોકો માને છે કે પોતાના દેશની સરકાર અને અર્થતંત્ર તેઓની જીવન જરૂરિયાતો પૂરી પાડે છે ત્યારે, વિરોધ કરવાનું કોઈ કારણ રહેતું નથી; અને જો કોઈ મુશ્કેલીઓ હોય તો એ કાયદેસર થાળે પાડવામાં આવે છે. બીજી તર્ફે લોકો જ્યારે અન્યાય, ભ્રષ્ટાચાર અને પક્ષપાત અનુભવે છે, ત્યારે આંદોલન ભડકી ઊઠે છે.

  • શરૂઆત. મોટા ભાગે, કોઈ મોટો બનાવ બને ત્યારે લોકો સુધારો લાવવા પોતે જ કંઈ કરવું પડશે એમ વિચારી પગલાં ભરે છે. દાખલા તરીકે, મૌહમ્મદ બૌઝીઝીએ લીધેલાં પગલાંને કારણે ટ્યુનિશિયામાં જબરજસ્ત આંદોલન ફેલાયું હતું. ભારતમાં પણ ભ્રષ્ટાચાર મિટાવવા અન્‍ના હાઝારે ભૂખ હડતાલ પર ઊતરી ગયા. તેમને સાથ આપવા લોકોએ ૪૫૦ જેટલાં શહેરો અને ગામોમાં આંદોલન ફેલાવ્યું હતું.

સદીઓ પહેલાં બાઇબલમાં લખવામાં આવ્યું હતું તેમ, દુનિયામાં અમુક “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) એ સમય કરતાં આજે ભ્રષ્ટાચાર અને અન્યાય વધારે પ્રમાણમાં બધે જ ફેલાયેલા છે. રાજકીય અને આર્થિક વ્યવસ્થા જે રીતે નિષ્ફળ ગઈ છે, એ વિશે લોકો પહેલાં કરતાં આજે વધારે માહિતગાર છે. સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ અને ૨૪ કલાક સમાચાર આવતા હોવાથી, છૂટાછવાયાં ગામડાંમાં પણ લોકો જાણે છે કે શું ચાલી રહ્યું છે. એનાથી નાની વાત પણ મોટું રૂપ ધારણ કરી લે છે.

આંદોલનથી શું સિદ્ધ થયું છે?

સમાજમાં આંદોલનને ઉત્તેજન આપનારાઓ નીચે પ્રમાણે સિદ્ધ થયું છે એવો દાવો કરે છે:

  • ગરીબોને રાહત મળી. ૧૯૩૦ના દાયકામાં અમેરિકામાં મહામંદી ફેલાઈ હતી. એના ઇલિનોઈ રાજ્યના શિકાગો શહેરમાં ભાડૂતોએ આંદોલન કર્યું હતું. શહેરના અધિકારીઓએ ભાડૂતોને ઘરમાંથી બહાર કાઢવાની નોટિસ રદ કરી અને તેઓમાંના અમુકને નોકરી મળે એની ગોઠવણ કરી. એવી જ રીતે, ન્યૂ યૉર્ક શહેરમાં ૭૭,૦૦૦ ભાડૂતોને ફરીથી એ જ ઘરમાં રહેવાની મંજૂરી મળી.

  • અન્યાય થાળે પડ્યો. અમેરિકામાં આવેલા ઍલાબૅમાના મૉંટગોમરી શહેરની બસમાં બેસવાનો રંગભેદનો નિયમ હતો. એટલે, ૧૯૫૫⁄૧૯૫૬માં લોકોએ સીટી બસ વાપરવાનો ઇન્કાર કર્યો. એના લીધે એ સમયમાં નિયમ રદ કરવામાં આવ્યો.

  • બાંધકામ બંધ કરાવ્યું. હૉંગ કૉંગની નજીક કોલસાથી વીજળી બનાવવાના પ્લાન્ટનું બાંધકામ ચાલતું હતું. પણ, પ્રદૂષણના ભયના લીધે ડિસેમ્બર, ૨૦૧૧માં હજારો લોકોએ એની વિરુદ્ધ આંદોલન કર્યું. તેથી, એ બાંધકામ બંધ કરવામાં આવ્યું.

જોકે, આંદોલન કરતા લોકોની માંગ હંમેશાં પૂરી થતી નથી. દાખલા તરીકે, અધિકારીઓ તેઓની માંગ પૂરી કરવાને બદલે ક્રૂર રીતે વર્તી શકે. તાજેતરમાં મધ્ય પૂર્વના એક દેશમાં લોકોએ આંદોલન કર્યું હોવાથી ત્યાંના મુખ્યમંત્રીએ આમ કહ્યું: ‘તેઓ સાથે સખત કડકાઈથી વર્તવું જોઈએ.’ તેથી, હજારો લોકો માર્યા ગયા.

વિરોધીઓની માંગ પૂરી થાય, તોય એ પછી મોટા ભાગે અનેક નવી મુશ્કેલીઓ ઊભી થાય છે. આફ્રિકાના એક દેશમાં જે વ્યક્તિએ રાજનેતાને હોદ્દા પરથી કાઢી મૂકવામાં ભાગ ભજવ્યો હતો, તેણે નવી સરકાર વિશે ટાઇમ મૅગેઝિનમાં આમ કહ્યું: ‘સોનેરી લાગતું સપનું તરત જ છિન્‍ન-ભિન્‍ન થઈ ગયું.’

શું એનો કોઈ સારો ઉપાય છે?

ઘણા જાણીતા લોકોનું માનવું છે કે જુલમી વ્યવસ્થાનો વિરોધ કરવો એ દરેકની ફરજ છે. દાખલા તરીકે, ચેક દેશના ગુજરી ગયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વાસ્લાવ હાવેલે માનવ હક્કની લડત માટે ઘણાં વર્ષો જેલમાં વિતાવ્યાં હતાં. તેમણે ૧૯૮૫માં લખ્યું: ‘વિરોધીએ પોતાની ધારણાઓ સાચી સાબિત કરવા જીવ આપવા પણ તૈયાર રહેવું જોઈએ.’

મૌહમ્મદ બૌઝીઝી અને બીજાઓએ લીધેલાં પગલાં હાવેલના શબ્દો સાચા સાબિત કરે છે. એશિયાના એક દેશમાં ધાર્મિક અને રાજકીય દબાણનો વિરોધ કરવા અનેક લોકોએ પોતાને આગ ચાંપી હતી. એની પાછળની તેઓની લાગણી દર્શાવતા એક માણસે ન્યૂઝવીક મૅગેઝિનને આમ જણાવ્યું: “અમારી પાસે બંદૂકો નથી. અમે કોઈને હાનિ પહોંચાડવા ચાહતા નથી. અમારા જેવા બીજું શું કરી શકે?”

અન્યાય, ભ્રષ્ટાચાર અને જુલમનો બાઇબલ ઉપાય બતાવે છે. એ જણાવે છે કે ઈશ્વરે સ્વર્ગમાં એક સરકાર સ્થાપી છે. એ સરકાર, નિષ્ફળ ગયેલી મનુષ્યની સરકારોને કાઢી નાખશે જેના લીધે આંદોલન થાય છે. ઈશ્વરની સરકારના રાજા વિશે ભવિષ્યવાણી આમ કહે છે: ‘ગરીબ પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. જુલમ તથા હિંસાથી તે તેઓને છોડાવશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૪.

યહોવાના સાક્ષીઓ માને છે કે મનુષ્ય માટે શાંતિભરી દુનિયા લાવવાની એક માત્ર આશા ઈશ્વરનું રાજ્ય છે. (માથ્થી ૬:૯, ૧૦) એટલે, યહોવાના સાક્ષીઓ કોઈ પણ પ્રકારના આંદોલનમાં જોડાતા નથી. પરંતુ, ઈશ્વરની સરકાર આંદોલનનું મૂળ કાઢી નાખશે એ માનવું શું અઘરું છે? કદાચ લાગી શકે. તેમ છતાં, ઘણા લોકોએ ઈશ્વરના રાજ્યમાં ભરોસો કેળવ્યો છે. કેમ નહિ કે તમે પણ એ વિશે જાણો?