સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મને બધે જ અન્યાય જોવા મળ્યો

મને બધે જ અન્યાય જોવા મળ્યો

ઉત્તર આયર્લૅન્ડના એક ગરીબ કુટુંબમાં ૧૯૬૫માં મારો જન્મ થયો હતો. કાઉન્ટી ડેરી વિસ્તારમાં હું મોટો થયો, જ્યાં ૩૦થી વધારે વર્ષો સુધી કૅથલિક અને પ્રોટેસ્ટંટ વચ્ચે હિંસક લડાઈ ચાલી. કૅથલિક લોકો બહુ ઓછા હોવાથી તેઓને હંમેશાં એવો અહેસાસ થતો કે પ્રોટેસ્ટંટ સમાજ ભેદભાવ કરે છે. અને આવી બાબતોમાં ખોટી રીતે વર્તે છે: નોકરી-ધંધો, સરકારી ઘર, ચૂંટણી, તેમ જ વધારે પડતો પોલીસ બંદોબસ્ત.

હું જ્યાં પણ નજર કરતો ત્યાં અન્યાય અને ભેદભાવ જોતો. મેં ઘણી વખત માર ખાધો. મને ઘણી વાર કારમાંથી બહાર ખેંચી કાઢવામાં આવતો અને બંદૂક તાકવામાં આવતી. અથવા પોલીસ અને સૈનિકો દ્વારા મારી પૂછપરછ અને તલાશી થતી. હું ભેદભાવનો શિકાર બન્યો હોવાથી વિચારતો કે ‘કાં તો આ સહી લઉં અથવા સામે લડત આપું!’

બ્રિટિશ સૈનિકો દ્વારા ૧૪ લોકો માર્યા ગયા હતા, તેઓની યાદમાં ૧૯૭૨ના એક રવિવારે રાખેલા સરઘસમાં મેં ભાગ લીધો હતો. એમાં ખૂબ લોહી વહેવડાવવામાં આવ્યું હતું. તેમ જ, ૧૯૮૧માં ભૂખ હડતાલમાં માર્યા ગયેલા પ્રજાસત્તાક કેદીઓની યાદમાં યોજવામાં આવેલા આંદોલનોમાં મેં ભાગ લીધો. બ્રિટિશ સરકારે ઉત્તર આયર્લેન્ડનો ધ્વજ લગાવવાની કડક મના કરી હતી. તોપણ, મન ફાવે ત્યાં હું એ લગાવતો અને બ્રિટિશ સરકાર વિરુદ્ધ લખાણ કરતો. એવું લાગતું કે ક્યાંય કોઈ કૅથલિક પર અત્યાચાર થતો કે ખૂન થતું એનાથી સરઘસ નીકળતાં. આવાં સરઘસ કે કૂચ પછીથી મોટા ભાગે તોફાનોમાં ફેરવાઈ જતાં.

યુનિવર્સિટીમાં હતો ત્યારે હું વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ માટેના આંદોલનમાં જોડાયો. સમય જતાં, હું લંડન રહેવા ગયો. એવું લાગતું કે સરકારના નિયમોથી ગરીબોને નહિ, પણ અમીરોને લાભ થતો હતો. એટલે મેં એ નિયમો વિરુદ્ધ સામાજિક ચળવળમાં ભાગ લીધો. પગારમાં કાપ મૂકવામાં આવતો હોવાથી યુનિયનમાં જોડાઈને હડતાલમાં ભાગ લીધો. તેમ જ, ૧૯૯૦માં પોલ ટૅક્સ એટલે કે દરેક પાસેથી વધારે પડતો કર લેવામાં આવતો, એ વિરુદ્ધની ચળવળમાં મેં ભાગ લીધો હતો. એમાં જોડાયેલા લોકોએ ભારે તોફાન કર્યું હોવાથી ટ્રફાલગર સ્ક્‌વેર વિસ્તારમાં ઘણું નુકસાન થયું હતું.

ખરું કહું તો, આખરે આ બધાથી હું નિરાશ થઈ ગયો હતો. અમારા હેતુઓ સિદ્ધ થવાને બદલે આંદોલનો મોટા ભાગે નફરતની આગ ભડકાવતાં હતાં.

મનુષ્યોના ગમે એટલા સારા ઇરાદાઓ હોય, તોપણ તેઓ ઇન્સાફ અને સમાનતા લાવી શકતા નથી

એ સમયમાં મારા મિત્રએ યહોવાના સાક્ષીઓ સાથે મારી મુલાકાત કરાવી. તેઓએ મને બાઇબલમાંથી શીખવ્યું કે આપણું દુઃખ જોઈને ઈશ્વરને ખૂબ દુઃખ થાય છે; મનુષ્યો જે દુઃખો લાવ્યાં છે એને ઈશ્વર કાયમ માટે નાબૂદ કરશે. (યશાયા ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ભલેને મનુષ્યોના ગમે એટલા સારા ઇરાદાઓ હોય, તોપણ તેઓ ઇન્સાફ અને સમાનતા લાવી શકતા નથી. એટલે, આપણને ઈશ્વરના માર્ગદર્શનની ખૂબ જ જરૂર છે. દુષ્ટ દૂતોની અસરથી દુનિયામાં જે કોઈ મુશ્કેલીઓ આવે છે એને ફક્ત યહોવા ઈશ્વર જડમૂળથી કાઢી શકે છે.—યિર્મેયા ૧૦:૨૩; એફેસી ૬:૧૨.

હવે મને લાગે છે કે અન્યાયનો વિરોધ કરવો જાણે ડૂબતા વહાણમાં ખુરશી સરખી રાખવા મથામણ કરવા જેવું છે. ધરતી પરથી કાયમ માટે અન્યાય નીકળી જશે અને સર્વ મનુષ્યને એક સમાન ગણવામાં આવશે, એ જાણીને મારા દિલને ઠંડક વળી છે.

બાઇબલ શીખવે છે કે ઈશ્વર “યહોવા ન્યાયને ચાહે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) એનાથી ખાતરી મળે છે કે મનુષ્યની સરકાર જે હદે ઇન્સાફ લાવી શકતી નથી, એ ખુદ ઈશ્વર લાવશે. (દાનીયેલ ૨:૪૪) એ વિશે વધુ જાણવા તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા આ વેબસાઇટ જુઓ: www.pr418.com.