સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ એટલે શું?

બાઇબલ એટલે શું?

 બાઇબલ વિશે સાચી હકીકત

  •   બાઇબલના લેખક કોણ છે? બાઇબલના લેખક ઈશ્વર છે પણ એને લખાવવા તેમણે લગભગ ૪૦ જુદા જુદા માણસોનો ઉપયોગ કર્યો હતો. એમાંના અમુક છે મૂસા, રાજા દાઉદ, માથ્થી, માર્ક, લૂક અને યોહાન. a એ લેખકોનાં મનમાં ઈશ્વરે પોતાના વિચારો મૂક્યા જેથી તેઓ એને લખી લે.—૨ તિમોથી ૩:૧૬.

     દાખલા તરીકે: એક બિઝનેસમૅન પોતાના સેક્રેટરીને એક સંદેશો લખવા કહે છે. અમુક વખતે તો તેમણે શું લખવું એ પણ જણાવે છે. પણ એ સંદેશાના લેખક તો એ બિઝનેસમૅન જ કહેવાશે. એવી જ રીતે ઈશ્વરે પોતાનો સંદેશો જણાવવા એ માણસોનો ફક્ત ઉપયોગ કર્યો હતો, એટલે બાઇબલના લેખક તો ઈશ્વર જ છે.

  •   “બાઇબલ” શબ્દનો અર્થ શું થાય? “બાઇબલ” શબ્દ ગ્રીક શબ્દ બિબ્લિયામાંથી લેવામાં આવ્યો છે. એનો અર્થ “નાનાં પુસ્તકો” થાય છે. સમય જતાં એ નાનાં પુસ્તકોના સંગ્રહથી બનેલું પુસ્તક, બાઇબલ કહેવાયું.

  •   બાઇબલ ક્યારે લખાયું? બાઇબલ ઈ.સ. પૂર્વે ૧૫૧૩થી લગભગ ઈ.સ. ૯૮ દરમિયાન એટલે કે, ૧,૬૦૦ કરતાં વધુ વર્ષોના સમયગાળામાં લખવામાં આવ્યું.

  •   બાઇબલની અસલ પ્રત ક્યાં છે? બાઇબલની એકેય મૂળ હસ્તપ્રત આજ સુધી બચી નથી. કેમ કે એને પપાઈરસ અને ચામડા પર લખવામાં આવ્યું હોવાથી એનો નાશ થઈ ગયો છે. જોકે નકલ ઉતારનારાઓએ ખૂબ ચીવટથી સદીઓ સુધી એની નકલ ઉતારી હતી, જેથી ભવિષ્યમાં લોકો એને વાંચી શકે.

  •   “જૂનો કરાર” અને “નવો કરાર” એટલે શું? બાઇબલનાં જે પુસ્તકો હિબ્રૂ b ભાષામાં લખવામાં આવ્યાં છે, એને જૂનો કરાર કહેવામાં આવે છે. એ ભાગ હિબ્રૂ શાસ્ત્રવચનો તરીકે પણ ઓળખાય છે. બાઇબલનાં જે પુસ્તકો ગ્રીક ભાષામાં લખવામાં આવ્યાં છે, એને નવો કરાર કહેવામાં આવે છે. એ ભાગ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો તરીકે પણ ઓળખાય છે. આ બંને ભાગ મળીને એક આખું પુસ્તક બને છે, જેને પવિત્ર શાસ્ત્ર c કહેવામાં આવે છે.

  •   બાઇબલમાં શાનો સમાવેશ થાય છે? બાઇબલમાં તમને ઇતિહાસ, કાયદા, ભવિષ્યવાણીઓ, કવિતાઓ, સુવિચારો, ગીતો અને પત્રો જોવા મળશે.—“ બાઇબલનાં પુસ્તકોની યાદી” જુઓ.

 બાઇબલમાં શું જણાવ્યું છે?

 બાઇબલની શરૂઆતમાં જણાવ્યું છે કે સર્વશક્તિમાન ઈશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી. બાઇબલમાં ઈશ્વર પોતાની ઓળખાણ આપે છે. તે પોતાનું નામ જણાવે છે, એ છે યહોવા. તે ચાહે છે કે બાઇબલ દ્વારા લોકો તેમને ઓળખે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

 બાઇબલમાંથી સમજવા મળે છે કે ઈશ્વર પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા છે. એમાં એ પણ જણાવ્યું છે કે તે કઈ રીતે પોતાના પર લાગેલા આરોપો જૂઠા સાબિત કરશે.

 બાઇબલમાં જણાવ્યું છે કે માણસો અને પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ શું છે. એમાંથી એ પણ જાણવા મળે છે કે ભાવિમાં ઈશ્વર કઈ રીતે માણસોની દુઃખ-તકલીફોને જડમૂળથી કાઢી નાખશે.

 બાઇબલમાં રોજબરોજના જીવન માટે ઉપયોગી સલાહ આપી છે. જેમ કે,

  •   બીજાઓ સાથે સારા સંબંધ જાળવો. “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—માથ્થી ૭:૧૨.

     એનો અર્થ: આપણે ચાહીએ છીએ કે લોકો આપણી સાથે સારી રીતે વર્તે. તો આપણે પણ તેઓ સાથે સારી રીતે વર્તવું જોઈએ.

  •   ચિંતાઓનો સામનો કરો. “તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો. આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે.”—માથ્થી ૬:૩૪.

     એનો અર્થ: ભાવિમાં શું થશે એની વધારે પડતી ચિંતા કરવાને બદલે, આજના દિવસ પર ધ્યાન આપવું જોઈએ.

  •   સુખી લગ્‍નજીવનનો આનંદ માણો. “દરેક માણસ જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ પોતાની પત્નીને કરે અને પત્ની પણ પૂરા દિલથી પતિને માન આપે.”—એફેસીઓ ૫:૩૩.

     એનો અર્થ: લગ્‍નજીવન સુખી બનાવવા એકબીજા માટે પ્રેમ અને માન હોવું ખૂબ જરૂરી છે.

 શું બાઇબલનો સંદેશો બદલાયો છે?

 ના. વિદ્વાનોએ બાઇબલની હસ્તપ્રતોને આજના બાઇબલ સાથે ધ્યાનથી સરખાવી છે. તેઓને જોવા મળ્યું છે કે એનો મૂળ સંદેશો બદલાયો નથી. અને બદલાય પણ કેમનો! જો ઈશ્વર ચાહતા હોય કે લોકો એ સંદેશો વાંચે અને સમજે, તો એ સંદેશો ના બદલાય એનું તે ધ્યાન રાખે જ ને! dયશાયા ૪૦:૮.

 શા માટે બાઇબલનાં આટલાં બધાં ભાષાંતરો છે?

 બાઇબલ જે ભાષામાં લખવામાં આવ્યું હતું એ આજે મોટા ભાગના લોકો સમજી શકતા નથી. પણ બાઇબલમાં આપેલી “ખુશખબર” તો ‘દરેક દેશ, કુળ અને ભાષાના’ લોકો માટે છે. (પ્રકટીકરણ ૧૪:૬, ફૂટનોટ) એટલે એવા ભાષાંતરની જરૂર પડી જે વાંચીને બાઇબલનો સંદેશો લોકો સહેલાઈથી સમજી શકે.

 બાઇબલનું ભાષાંતર આ ત્રણ સિદ્ધાંતોના આધારે થાય છે:

  •   એકેએક શબ્દનું ભાષાંતર કરતી વખતે બને એટલું મૂળ ભાષામાંથી સીધેસીધું કે બેઠું ભાષાંતર થાય છે.

  •   વિચારોને ધ્યાનમાં રાખીને ભાષાંતર કરતી વખતે મૂળ ભાષાના શબ્દોના અર્થ પ્રમાણે ભાષાંતર થાય છે.

  •   ભાષાંતર સહેલું બનાવવા શબ્દોને પોતાની રીતે ગોઠવવામાં આવે છે. આવી વધારે પડતી છૂટછાટથી ભાષાંતર કરવાને લીધે વાચકોને એ વાંચવાનું તો ગમે, પણ એનાથી કદાચ બાઇબલનો સાચો સંદેશો ન મળે.

 એક સારા બાઇબલ ભાષાંતરમાં બની શકે ત્યાં સુધી મૂળ ભાષા જેવાં જ શબ્દો અને વાક્યોનો ઉપયોગ કર્યો હોય છે. એમાં સહેલાઈથી સમજાય એવી ભાષા વપરાય છે, જેથી બાઇબલનો સાચો સંદેશો લોકો સુધી પહોંચી શકે. e

 બાઇબલમાં શાનો સમાવેશ થવો જોઈએ એ કોણે નક્કી કર્યું?

 બાઇબલના લેખક તરીકે, ઈશ્વરે નક્કી કર્યું કે એમાં શાનો સમાવેશ થવો જોઈએ. ઈશ્વરે સૌથી પહેલાં પ્રાચીન ઇઝરાયેલી રાષ્ટ્રને ‘પવિત્ર સંદેશો આપ્યો,’ જેથી તેઓ હિબ્રૂ શાસ્ત્રવચનોને સાચવી રાખે.—રોમનો ૩:૨.

 શું બાઇબલનાં કોઈ પુસ્તકો ગુમ થયાં છે?

 ના. આપણી પાસે આખું બાઇબલ છે. એમાંના કોઈ પુસ્તકો “ગુમ” થયાં નથી. કયું પુસ્તક બાઇબલમાં હોવું જોઈએ અને કયું નહિ, એ નક્કી કરવાનાં ધોરણો બાઇબલમાં જોવા મળે છે. f (૨ તિમોથી ૧:૧૩, ફૂટનોટ) જો કોઈ પુસ્તક ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું હોય, તો એની માહિતી બાઇબલનાં બીજાં પુસ્તકો સાથે મેળ ખાતી હોવી જોઈએ. કેટલાક લોકો દાવો કરે છે કે અમુક પુસ્તકોને લાંબા સમયથી સંતાડી રાખવામાં આવ્યાં છે અને એ બાઇબલનો ભાગ હોવાં જોઈએ. પણ એ પુસ્તકો બાઇબલમાં જણાવેલાં ધોરણોમાં બંધબેસતાં નથી એટલે એ બાઇબલનો ભાગ નથી. g

 બાઇબલમાંથી કઈ રીતે કલમો શોધી શકાય?

  બાઇબલનાં પુસ્તકોની યાદી

a બાઇબલનાં પુસ્તકોની યાદી, કોણે લખ્યાં અને ક્યાં લખ્યાં એ જાણવા “બાઇબલ પુસ્તકોનાં નામ જુઓ.

b બાઇબલનો નાનો ભાગ અરામિક ભાષામાં લખાયો છે, જે ભાષા હિબ્રૂ ભાષા જેવી છે.

c ઘણા બાઇબલ વાચકો “હિબ્રૂ શાસ્ત્રવચનો” અને “ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો” જેવા શબ્દો વાપરે છે. એ શબ્દોથી એવી ગેરસમજ દૂર થાય છે કે “જૂનો કરાર” રદ કરવામાં આવ્યો છે અને એની જગ્યાએ “નવો કરાર” આવ્યો છે.

e ઘણા લોકોને પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલ વાંચવાનું ગમે છે. કેમ કે એમાં આપેલી માહિતી સચોટ છે અને એ વાંચવામાં સરળ છે. “ઈઝ ધ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન એક્યુરેટ?” જુઓ.

f છુપાવી રાખેલા પુસ્તકોના સમૂહને એપોક્રીફા કહે છે. ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે, “બાઇબલને લગતા સાહિત્યમાં એ શબ્દ એવાં પુસ્તકોને દર્શાવે છે જે બાઇબલના પુસ્તકો માટેના ધોરણો સાથે બંધબેસતું નથી.” એટલે કે એવાં પુસ્તકો, જેનો સમાવેશ બાઇબલમાં થતો નથી.