સ્કીપ ટુ કન્ટેન્ટ

શું બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે?

શું બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે?

 ના. હજારો વર્ષોથી એવી વસ્તુઓ પર બાઇબલની નકલ ઉતારવામાં આવતી, જે ખરાબ થઈ જતી. પણ જો બાઇબલને જૂની હસ્તપ્રતો સાથે સરખાવવામાં આવે, તો ખબર પડે છે કે બાઇબલનો સંદેશો એવો ને એવો જ છે.

શું એનો એવો અર્થ થાય કે બાઇબલની નકલ ઉતારનાર લોકોએ કોઈ ભૂલ કરી ન હતી?

 બાઇબલની હજારો જૂની હસ્તપ્રતો મળી આવી છે. અમુક હસ્તપ્રતો એકબીજા સાથે મેળ નથી ખાતી. એ બતાવે છે કે બાઇબલની નકલ ઉતારતી વખતે અમુક ભૂલો થઈ છે. એમાંની મોટા ભાગની ભૂલો નાની-સૂની છે, જેનાથી બાઇબલના સંદેશાનો અર્થ બદલાતો નથી. પણ અમુક ભૂલો બહુ મોટી છે. એવું લાગે છે કે એમાંની અમુક ભૂલો જાણીજોઈને કરવામાં આવી હતી, જેથી બાઇબલનો સંદેશો બદલાઈ જાય. ચાલો એના બે દાખલા જોઈએ:

  1.  ૧. અમુક બાઇબલોમાં ૧ યોહાન ૫:૭માં આ શબ્દો જોવા મળે છે: “સ્વર્ગમાં પિતા, શબ્દ અને પવિત્ર આત્મા, એ ત્રણેવ એક છે.” પણ ભરોસાપાત્ર હસ્તપ્રતોમાં એ શબ્દો જોવા નથી મળતા. એ બતાવે છે કે એ શબ્દો મૂળ લખાણમાં ન હતા, પણ પછીથી ઉમેરવામાં આવ્યા. a એટલે આજનાં ઘણાં જાણીતાં બાઇબલોમાં એ શબ્દો જોવા નથી મળતા.

  2.  ૨. બાઇબલની જૂની હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ હજારો વખત આવે છે. પણ ઘણાં બાઇબલોમાંથી એ નામ કાઢી નાખવામાં આવ્યું છે અને એની જગ્યાએ “ઈશ્વર” કે “પ્રભુ” જેવા ખિતાબો મૂકવામાં આવ્યા છે.

આપણે કઈ રીતે કહી શકીએ કે બાઇબલમાં ભૂલો નથી?

 આજ સુધીમાં બાઇબલની એટલી બધી હસ્તપ્રતો મળી આવી છે કે એમાં જો કોઈ ભૂલ હોય, તોપણ એ તરત જ પકડી શકાય. b એ હસ્તપ્રતોને એકબીજા સાથે સરખાવવાથી કઈ રીતે સાબિત થાય છે કે આજે આપણી પાસે જે બાઇબલ છે એમાં કોઈ ભૂલો નથી?

  •   વિલિયમ એચ. ગ્રીન નામના વિદ્વાને હિબ્રૂ શાસ્ત્રવચનો, જે “જૂનો કરાર” કહેવાય છે, એના વિશે કહ્યું: “આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય.”

  •   ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો, જે “નવો કરાર” કહેવાય છે, એના વિશે બાઇબલ વિદ્વાન એફ. એફ. બ્રૂસે લખ્યું: “જૂના જમાનાના જાણીતા લેખકોએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની ખરાઈ પર સવાલ ઉઠાવવાનું કોઈ સપનામાં પણ વિચારતું નથી. એ પુસ્તકોની સરખામણીમાં નવો કરાર સાચો છે, એના તો અનેક પુરાવા છે.”

  •   બાઇબલની હસ્તપ્રતોના એક જાણીતા વિદ્વાન સર ફ્રેડરિક કેન્યને કહ્યું: ‘કોઈ પણ વ્યક્તિ બાઇબલ વિશે અચકાયા કે ડર્યા વગર કહી શકે છે કે તેના હાથમાં ઈશ્વરનો સાચો સંદેશો છે. વર્ષો જૂના આ પુસ્તકમાં એવા કોઈ મોટા ફેરફારો નથી થયા, જેના લીધે બાઇબલનો સંદેશો બદલાઈ જાય.’

બીજા કયા પુરાવા બતાવે છે કે બાઇબલનાં મૂળ લખાણોમાં જે લખ્યું હતું, એ જ આપણા સુધી પહોંચ્યું છે?

  •   હિબ્રૂ અને ગ્રીક શાસ્ત્રવચનોમાં એવા ઘણા બનાવો છે, જે બતાવે છે કે ઈશ્વરના લોકોથી મોટી મોટી ભૂલો થઈ હતી. પણ નકલ ઉતારનાર લોકોએ એ બનાવો એમ ને એમ જ લખ્યા છે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. c (ગણના ૨૦:૧૨; ૨ શમુએલ ૧૧:૨-૪; ગલાતીઓ ૨:૧૧-૧૪) તેઓએ એવા અહેવાલોની પણ નકલ ઉતારી, જે બતાવતા હતા કે યહૂદી લોકોની બેવફાઈને લીધે ઈશ્વર તેઓને ધિક્કારતા હતા. તેઓએ એવા અહેવાલોની પણ નકલ ઉતારી જે માણસોના શિક્ષણને ખુલ્લું પાડતા હતા. (હોશિયા ૪:૨; માલાખી ૨:૮, ૯; માથ્થી ૨૩:૮, ૯; ૧ યોહાન ૫:૨૧) આવા અહેવાલોની સાચેસાચી નકલ ઉતારીને તેઓએ સાબિત કર્યું કે આપણે તેઓ પર ભરોસો મૂકી શકીએ છીએ અને તેઓને ઈશ્વરના વચન માટે ખૂબ કદર હતી.

  •   બાઇબલ લખવા ઈશ્વરે જ પ્રેરણા આપી છે, એટલે કહી શકાય કે તેમણે એના મૂળ સંદેશામાં કોઈ ફેરફાર થવા દીધો નથી. d (યશાયા ૪૦:૮; ૧ પિતર ૧:૨૪, ૨૫) તેમણે પોતાનો સંદેશો જૂના જમાનાના લોકો માટે જ નહિ, આપણા માટે પણ લખાવ્યો છે જેથી આપણને ફાયદો થાય. (૧ કોરીંથીઓ ૧૦:૧૧) બાઇબલમાં લખ્યું છે: “વર્ષો અગાઉ શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું હતું, એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે અને ઉત્તેજન આપે છે.”—રોમનો ૧૫:૪.

  •   ઈસુ અને તેમના શિષ્યો કોઈ શંકા વગર હિબ્રૂ શાસ્ત્રવચનોની હસ્તપ્રતોમાંથી શીખવતા હતા, કેમ કે તેઓને પૂરો ભરોસો હતો કે એમાં લખેલી વાતો એકદમ સાચી છે.—લૂક ૪:૧૬-૨૧; પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧-૩.

a એ શબ્દો આમાં જોવા મળતા નથી: કોડેક્સ સાઇનાઇટિકસ, કોડેક્સ એલેકઝાંડ્રિનસ, વેટિકન મૅન્યુસ્ક્રિપ્ટ ૧૨૦૯, મૂળ લૅટિન વલ્ગેટ, ફિલોઝેનિયન-હરક્લીન સિરિયાક વર્ઝન અથવા સિરિયાક પેશીટા.

b દાખલા તરીકે, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો અથવા નવા કરારની ૫,૦૦૦ કરતાં વધારે હસ્તપ્રતો મળી આવી છે.

c બાઇબલમાં લખ્યું છે: “એવો કોઈ માણસ નથી જે પાપ ન કરે.” (૧ રાજાઓ ૮:૪૬) એટલે ઈશ્વરે બાઇબલમાં પોતાના પસંદ કરેલા લોકોની ભૂલો પણ લખાવી.

d ઈશ્વરે બાઇબલના લેખકો પાસે એક એક શબ્દ લખાવ્યો ન હતો, પણ બાઇબલમાં સાફ જણાવ્યું છે કે તેમણે તેઓને પોતાના વિચારો જણાવ્યા હતા.—૨ તિમોથી ૩:૧૬, ૧૭; ૨ પિતર ૧:૨૧.