સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ સોળ

તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી

તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી

૧-૩. (ક) પતિના રાજ્યાસન આગળ જતી એસ્તેરની હાલત કેવી હતી? (ખ) એસ્તેર સાથે રાજા કઈ રીતે વર્ત્યો?

એસ્તેર ધીમે ધીમે રાજ્યાસન તરફ આગળ વધે છે તેમ, તેના ધબકારા વધતા જાય છે. સૂસાના ભવ્ય ઈરાની રાજદરબારમાં એટલી શાંતિ છવાયેલી છે કે એસ્તેર પોતાનાં દબાતાં પગલાંનો અને પોતાના રાજવી પોશાકનો અવાજ પણ સાંભળી શકે છે. રાજદરબારમાં ઊંચા ઊંચા સ્તંભો છે; રાજદરબારની છત લબાનોનથી આવેલા દેવદારના લાકડાથી બનેલી છે, જે ઝીણવટથી કરેલા કોતરકામથી શોભે છે. જોકે, એસ્તેરને પોતાનું મન રાજદરબારના ભપકા તરફ હમણાં ભટકવા દેવાનું પોષાય એમ નથી. તે પોતાનું પૂરેપૂરું ધ્યાન રાજ્યાસન પર બેઠેલા માણસ પર લગાડે છે, જે એસ્તેરના જીવન-મરણનો નિર્ણય લેશે.

રાજાની નજર એસ્તેર પર મંડાયેલી છે, જે તેની તરફ આવી રહી છે. રાજાએ સોનાનો રાજદંડ એસ્તેર તરફ ધર્યો છે. રાજા માટે એ કંઈ મોટી વાત નથી, પણ એસ્તેર માટે તો એ જીવન છે! કેમ એવું? એવો નિયમ છે કે રાજાના બોલાવ્યા વિના તેની સામે કોઈ જઈ ન શકે. એસ્તેર એ નિયમ તોડીને રાજા આગળ આવી છે. પણ, રાજાએ પોતાનો રાજદંડ ધરીને તેને માફ કરી છે. તે રાજ્યાસનની પાસે આવી તેમ, આભારવશ થઈને ઝડપથી રાજદંડની ટોચ અડકે છે.—એસ્તે. ૫:૧, ૨.

એસ્તેરે નમ્રપણે રાજાની દયા કબૂલ કરી

રાજા અહાશ્વેરોશને લગતી દરેક ચીજ બતાવતી હતી કે તે કેટલો ધનવાન અને શક્તિશાળી છે. એવું માનવામાં આવે છે કે એ સમયના ઈરાની રાજાઓના રાજવી પોશાકની કિંમત લાખો-કરોડો રૂપિયા હતી. એસ્તેર પોતાના પતિની આંખોમાં હેત જુએ છે અને જાણે છે કે રાજા તેને ચાહે છે. રાજાએ કહ્યું: “એસ્તેર રાણી, તારી શી ઇચ્છા છે? અને તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માગશે તોયે તે તને આપવામાં આવશે.”—એસ્તે. ૫:૩.

૪. એસ્તેર આગળ કયા પડકારો છે?

એસ્તેરે અડગ શ્રદ્ધા અને હિંમત બતાવી. તે પોતાના લોકોને બચાવવા રાજાની આગળ આવી છે, કેમ કે તેઓનું નામોનિશાન મિટાવી દેવા કાવતરું ઘડાયું હતું. ખરું કે અત્યાર સુધી તે સફળ થઈ છે, પણ આગળ હજુ મોટા પડકારો છે. રાજાનો સૌથી ભરોસાપાત્ર સલાહકાર દુષ્ટ માણસ છે, એ વાત એસ્તેરે આ અભિમાની રાજાના ગળે ઉતારવાની છે; એ દુષ્ટ માણસે જ રાજાને છેતરીને એસ્તેરના લોકોના મોતનું ફરમાન મોકલ્યું છે. એસ્તેર કઈ રીતે રાજાને એ વાત સમજાવશે? આપણે તેની શ્રદ્ધામાંથી શું શીખી શકીએ?

તેણે સમજી-વિચારીને “બોલવાનો વખત” પસંદ કર્યો

૫, ૬. (ક) એસ્તેરે કઈ રીતે સભાશિક્ષક ૩:૧, ૭ના સિદ્ધાંત પ્રમાણે પગલાં ભર્યાં? (ખ) એસ્તેરે પોતાના પતિ સાથે જે રીતે વાત કરી, એમાં કઈ રીતે સમજુ સાબિત થઈ?

એસ્તેર રાજદરબારમાં જ પોતાની મુસીબત વિશે રાજાને જણાવે, એ શું સારું કહેવાય? એમ કરીને તો તેણે રાજાનું અપમાન કર્યું હોત અને પોતાના આરોપો વિરુદ્ધ લડવા સલાહકાર હામાનને સમય આપ્યો હોત. એસ્તેરે શું કર્યું? સદીઓ પહેલાં, શાણા રાજા સુલેમાને ઈશ્વરની પ્રેરણાથી આમ લખ્યું: ‘દરેક બાબતને માટે વખત હોય છે: ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત.’ (સભા. ૩:૧,) આપણે કલ્પના કરી શકીએ કે એસ્તેરનું પાલનપોષણ કરનાર મોર્દખાય, પોતાની છાયામાં મોટી થઈ રહેલી એસ્તેરને આવા સિદ્ધાંતો શીખવે છે. ચોક્કસ, એસ્તેર સમજી-વિચારીને “બોલવાનો વખત” પસંદ કરવાનું મહત્ત્વ જાણતી હતી.

એસ્તેરે કહ્યું: “આપને ઠીક લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.” (એસ્તે. ૫:૪) રાજાએ હા પાડી અને હામાનને બોલાવવાનો હુકમ કર્યો. શું તમે જોયું કે એસ્તેરે કેટલી સમજણથી વાત કરી? તેણે પોતાના પતિનું માન જાળવી રાખ્યું; તેણે પોતાની ચિંતાઓ જણાવવા યોગ્ય સમય અને જગ્યાની ગોઠવણ કરી.—નીતિવચનો ૧૦:૧૯ વાંચો.

૭, ૮. એસ્તેરે ગોઠવેલી પહેલી મિજબાની કેવી હતી? રાજાને મનની વાત કહેવા માટે તેણે કેમ રાહ જોઈ?

બેશક, એસ્તેરે એ મિજબાની બહુ વિચારીને તૈયાર કરી હશે. પતિનું દિલ ખુશ કરી દે એવો માહોલ ઊભો કરીને, તેને ભાવતું ભોજન બનાવ્યું હશે. એ મિજબાનીમાં દિલ ખુશ કરી દે એવો શરાબ પણ હતો. (ગીત. ૧૦૪:૧૫) અહાશ્વેરોશને એટલી મજા આવી કે તેણે એસ્તેરને ફરીથી પૂછ્યું: ‘તારી અરજ શું છે?’ શું આ સમય બોલવા માટે યોગ્ય હતો?

એસ્તેરને એવું લાગ્યું નહિ. એના બદલે, તેણે રાજાને અને હામાનને એ પછીના દિવસે પણ મિજબાનીનું આમંત્રણ આપ્યું. (એસ્તે. ૫:૭, ૮) તેણે કેમ રાહ જોઈ? યાદ કરો કે રાજાના હુકમને લીધે એસ્તેરના બધા લોકોને માથે મોતની તલવાર લટકતી હતી. આટલું મોટું જોખમ હોવાથી, એસ્તેરે ખાતરી કરી કે પોતે ખરા સમયે જ બોલે. એટલે, તેણે રાહ જોઈ; તેણે પોતાના પતિને એ બતાવવાની હજુ એક તક ઊભી કરી કે પોતે તેને કેટલું માન આપે છે.

૯. ધીરજ કેટલો કીમતી ગુણ છે? એ માટે એસ્તેરને આપણે કઈ રીતે અનુસરી શકીએ?

ધીરજનો ગુણ ભાગ્યે જ જોવા મળે છે અને એ કીમતી ગુણ છે. એસ્તેર હેરાન-પરેશાન હતી અને રાજાને મનની વાત કહેવા આતુર હતી. તોપણ, તેણે ધીરજથી યોગ્ય સમયની રાહ જોઈ. આપણે તેના દાખલામાંથી ઘણું શીખી શકીએ છીએ, કેમ કે મોટા ભાગે આપણે બધાએ કંઈક ખોટું થતા જોયું છે, જેમાં સુધારો કરવાની જરૂર હોય છે. કોઈ જવાબદાર વ્યક્તિના ગળે એ વાત ઉતારવાની જરૂર પડે તો, આપણે એસ્તેરને અનુસરીને ધીરજ રાખીએ. નીતિવચનો ૨૫:૧૫ કહે છે: “લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.” એસ્તેરની જેમ આપણે જો યોગ્ય સમયની ધીરજથી રાહ જોઈએ અને નમ્રતાથી બોલીએ, તો હાડકાં જેવા કઠણ દિલના માણસને પણ જીતી શકાય. શું એસ્તેરની ધીરજ અને સમજણ માટે તેના ઈશ્વર યહોવાએ આશીર્વાદ આપ્યો?

ધીરજનાં ફળ મીઠાં

૧૦, ૧૧. પહેલી મિજબાનીમાંથી ઘરે જતાં હામાનનું મન કેમ ખાટું થઈ ગયું? તેની પત્ની અને મિત્રોએ શું કરવાની સલાહ આપી?

૧૦ એસ્તેરની ધીરજને લીધે એક પછી એક અજાયબ બનાવો બન્યા. હામાન પહેલી મિજબાની પછી ફૂલ્યો સમાતો ન હતો; બીજાઓ કરતાં પોતાના પર રાજા-રાણીની મહેર છે, એમ વિચારીને તે “મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો” ત્યાંથી નીકળ્યો. જોકે, મહેલના દરવાજાથી પસાર થતા તેની નજર મોર્દખાય પર પડી; એ યહુદી હજુ પણ તેને નમન કરતા ન હતા. અગાઉના પ્રકરણમાં જોઈ ગયા કે નમન ન કરીને મોર્દખાય અપમાન કરવા માંગતા ન હતા; એના બદલે, મોર્દખાય પોતાના અંતઃકરણ અને યહોવા સાથેના સંબંધને લીધે એમ કરતા હતા. પણ, એ જોઈને હામાન “ક્રોધે ભરાયો.”—એસ્તે. ૫:૯.

૧૧ હામાને આ અપમાન વિશે ઘરે જઈને પોતાની પત્ની અને મિત્રોને જણાવ્યું. તેઓએ તેને સલાહ આપી કે તે ૭૨ ફૂટ ઊંચી ફાંસીનો માંચડો ઊભો કરે; પછી, એના પર મોર્દખાયને ફાંસીએ ચડાવવાની રાજા પાસે રજા માંગે. હામાનને એ વિચાર ગમી ગયો અને તરત જ એ કામ પાર પાડવામાં લાગી ગયો.—એસ્તે. ૫:૧૨-૧૪.

૧૨. રાજ્યના બનાવોનો અહેવાલ કેમ રાજા આગળ મોટેથી વાંચવામાં આવ્યો? એના લીધે રાજાને શું ખ્યાલ આવ્યો?

૧૨ એ રાતે રાજાને જરાય ચેન ન પડ્યું. બાઇબલ જણાવે છે કે, “રાજાને ઊંઘ આવી નહિ.” તેથી, તેણે રાજ્યના બનાવોનો અહેવાલ પોતાની આગળ મોટેથી વાંચવાની આજ્ઞા કરી. એમાં અહાશ્વેરોશને મારી નાખવાના કાવતરાનો અહેવાલ પણ હતો. તેને એ યાદ આવ્યું; તેનો જીવ લેવાનું કાવતરું ઘડનારાઓને પકડીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. પણ એ કાવતરાની જાણ કરનાર મોર્દખાય વિશે શું? અચાનક રાજાને ખ્યાલ આવતા તેણે પૂછ્યું કે મોર્દખાયને શું ઇનામ આપવામાં આવ્યું છે. જવાબ શું હતો? મોર્દખાય માટે કંઈ જ કરવામાં આવ્યું ન હતું.—એસ્તેર ૬:૧-૩ વાંચો.

૧૩, ૧૪. (ક) કઈ રીતે હામાનની બાજી પલટાઈ? (ખ) હામાનની પત્ની અને તેના મિત્રોએ તેને શું જણાવ્યું?

૧૩ એ સાંભળીને રાજા હેરાન-પરેશાન થઈ ગયો. ભૂલ સુધારવા તેણે પૂછ્યું કે તેને મદદ કરવા કોઈ અધિકારી ત્યાં હાજર છે કે કેમ. ત્યારે રાજાના દરબારમાં બીજું કોઈ નહિ ને હામાન હાજર હતો! એવું લાગે છે કે તે સવાર સવારમાં જ ત્યાં પહોંચીને રાજા પાસેથી મોર્દખાયના મોતનું ફરમાન મેળવવા ચાહતો હતો. પરંતુ, હામાન કંઈ પૂછે એ પહેલાં રાજાએ તેને એક સવાલ પૂછ્યો: ‘જે માણસ પર રાજાની મહેરબાની હોય, તેને માન આપવા શું કરવું જોઈએ?’ હામાનને થયું કે રાજાના મનમાં મારા સિવાય બીજું કોણ હોય શકે! એટલે, હામાને તો માન આપવા બઢાવી-ચઢાવીને મોટી યાદી જણાવી: એવા માણસને રાજવી પોશાક પહેરાવવામાં આવે; કોઈ મોટો અધિકારી તેને રાજાના ઘોડા પર આખા સૂસામાં સવારી કરાવે અને બધા સાંભળે એમ તેની વાહ વાહ પોકારે. જ્યારે રાજાએ જણાવ્યું કે પોતે મોર્દખાયનું સન્માન કરવા ચાહે છે, ત્યારે હામાનની શી દશા થઈ હશે! રાજાએ મોર્દખાયની વાહ વાહ પોકારવા કોને પસંદ કર્યો? હામાનને!—એસ્તે. ૬:૪-૧૦.

૧૪ હામાને માથે આવી પડેલી ફરજ માંડ માંડ બજાવી; પછી, હાંફળો-ફાંફળો પોતાના ઘરે દોડી ગયો. તેની પત્ની અને મિત્રોએ કહ્યું કે એ ઘટના તેના માટે ખરાબ બનાવોની વણઝાર લાવશે; યહુદી મોર્દખાય સામે હામાનની હાર નજરે પડતી હતી.—એસ્તે. ૬:૧૨, ૧૩.

૧૫. (ક) એસ્તેરે ધીરજ બતાવી એનાં કયાં સારાં પરિણામ આવ્યાં? (ખ) આપણે કેમ રાહ જોવી જોઈએ?

૧૫ એસ્તેર ધીરજવાન હતી; એટલે, તેણે રાજાને પોતાના દિલની વાત કહેવા એક દિવસ વધારે રાહ જોઈ. એમ કરવાથી હામાનને સમય મળ્યો, જેમાં તેણે પોતાના જ પગ પર કુહાડો માર્યો. તેમ જ, રાજાની ઊંઘ ઊડી ગઈ, એની પાછળ શું યહોવાનો હાથ નહિ હોય? (નીતિ. ૨૧:૧) એટલા માટે જ, બાઇબલ આપણને રાહ જોવાનું ઉત્તેજન આપે છે. (મીખાહ ૭:૭ વાંચો.) યહોવાની રાહ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે તકલીફોનો આપણે પોતે કોઈ ઉપાય શોધીએ, એનાથી વધારે સારો ઉપાય યહોવા બતાવે છે.

તે હિંમતથી બોલી

૧૬, ૧૭. (ક) એસ્તેર માટે “બોલવાનો વખત” ક્યારે આવ્યો? (ખ) રાજાની અગાઉની પત્ની વાશ્તીથી એસ્તેર કઈ રીતે અલગ હતી?

૧૬ હવે, રાજાની ધીરજ ખૂટી જાય, એ એસ્તેર રાણી માટે જોખમી હતું. એસ્તેરે આપેલી બીજી મિજબાનીમાં તેણે બધું જ જણાવી દેવાનું હતું. પરંતુ, કઈ રીતે? તેની વિનંતી શું છે એમ ફરીથી પૂછીને, રાજાએ પોતે એસ્તેર માટે તક ઊભી કરી આપી. (એસ્તે. ૭:૨) એસ્તેર માટે “બોલવાનો વખત” આ જ હતો.

૧૭ આપણે કલ્પના કરી શકીએ કે એસ્તેર પોતાના ઈશ્વરને મનમાં પ્રાર્થના કરે છે. પછી, તે કહે છે: “હા રાજા, જો મારા પર આપની કૃપાદૃષ્ટિ હોય, અને જો આપની મરજી હોય, તો મને જીવત-દાન આપો, એ મારી અરજ છે; અને મારા લોક મને આપો, એ મારી વિનંતી છે.” (એસ્તે. ૭:૩) નોંધ કરો, તેણે ખાતરી આપી કે રાજાને જે ન્યાયચુકાદો યોગ્ય લાગે એને એસ્તેર માન આપશે. રાજાની અગાઉની પત્ની વાશ્તી, જેણે જાણીજોઈને પોતાના પતિનું અપમાન કર્યું હતું, એના કરતાં એસ્તેર કેટલી અલગ હતી! (એસ્તે. ૧:૧૦-૧૨) તેમ જ, રાજાએ હામાનમાં ભરોસો મૂકવાની ભૂલ કરી, એ માટે એસ્તેરે રાજાને ભલું-બૂરું ન કહ્યું. એના બદલે, એસ્તેરે રાજાને વિનંતી કરી કે તેને જોખમમાંથી બચાવી લે.

૧૮. એસ્તેરે મુસીબત વિશે રાજાને કઈ રીતે જણાવ્યું?

૧૮ એ વિનંતીની રાજા પર ઊંડી અસર પડી અને તેને નવાઈ લાગી. કોની હિંમત કે તેની રાણીનો જીવ લેવાનો વિચાર કરે? પછી, એસ્તેરે આગળ જણાવ્યું: “અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નંખાવા, તથા કતલ થઈ જવા માટે વેચાયાં છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયાં હોત તો હું મૂંગી બેસી રહેત, પણ જે નુકસાન રાજાને થાત તેને મુકાબલે અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.” (એસ્તે. ૭:૪) નોંધ કરો કે એસ્તેરે મુસીબત વિશે ખુલ્લા મને જણાવ્યું; તેણે ઉમેર્યું કે જો ફક્ત ગુલામ બનવાનું જોખમ હોત તો તે ચૂપ રહી હોત. પણ, આખી કોમની હત્યાથી રાજાને મોટું નુકસાન થવાનું જોખમ હતું, એટલે તે ચૂપ ન રહી.

૧૯. સમજાવવાની આવડત વિશે એસ્તેર પાસેથી શું શીખી શકીએ?

૧૯ એસ્તેરનો દાખલો આપણને સમજાવવાની આવડત વિશે ઘણું શીખવી જાય છે. કોઈ સગા-વહાલાને કે અધિકારીને મોટી મુસીબત વિશે જણાવવાનું હોય ત્યારે, ધીરજ, આદર અને સચ્ચાઈ, એ ત્રણે ગુણો ઘણી મદદ કરશે.—નીતિ. ૧૬:૨૧, ૨૩.

૨૦, ૨૧. (ક) એસ્તેરે કઈ રીતે હામાનને ખુલ્લો પાડ્યો અને રાજાએ શું કર્યું? (ખ) કાવતરાખોર તરીકે હામાનની પોલ ખુલ્લી પડી ગઈ ત્યારે તેણે શું કર્યું?

૨૦ અહાશ્વેરોશ રાજાએ પૂછ્યું: “જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવા હિંમત ધરી છે તે કોણ છે અને તે ક્યાં છે?” એસ્તેર આંગળી ચીંધીને આમ બોલતી હોય એની કલ્પના કરો: “એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે.” એ શબ્દો વાતાવરણમાં ગુંજી ઊઠ્યા. હામાનના મોતિયા મરી ગયા. ધૂની મિજાજનો રાજા ગુસ્સાથી તપી ઊઠ્યો. તેને ખ્યાલ આવ્યો કે પોતાના ભરોસાપાત્ર સલાહકારે તેને છેતર્યો હતો. એ દુષ્ટ માણસે રાજાની વહાલી રાણીને ખતમ કરી દેવાના હુકમ પર સહી કરાવી લઈને રાજાને મૂર્ખ બનાવ્યો હતો! રાજા પોતાના મગજને કાબૂમાં રાખવા બહાર બગીચામાં દોડી ગયો.—એસ્તે. ૭:૫-૭.

એસ્તેરે બહાદુરીથી હામાનની દુષ્ટતા ખુલ્લી પાડી

૨૧ બીકણ કાવતરાખોર હામાન રાણીના પગ આગળ ઘૂંટણિયે પડ્યો. એ જ વખતે, રાજા પાછો અંદર આવ્યો. તેણે હામાનને એસ્તેરના પલંગ પર ઘૂંટણિયે પડેલો જોયો. રાજાનો ગુસ્સો આસમાને ચડી ગયો અને તેણે હામાન પર આરોપ મૂક્યો કે તે ખુદ રાજાના ઘરમાં રાણી પર બળાત્કાર કરવાની કોશિશ કરે છે. હામાન માટે એ જાણે મોતનું તેડું હતું. હામાનનું મોં ઢાંકી દઈને તેને ત્યાંથી લઈ જવાયો. એ જ સમયે રાજાનો એક અધિકારી બોલી ઊઠ્યો કે મોર્દખાય માટે હામાને ફાંસીનો ઊંચો માંચડો બાંધ્યો છે. અહાશ્વેરોશે તરત જ હુકમ કર્યો કે હામાનને એ જ ફાંસી પર ચડાવી દેવામાં આવે.—એસ્તે. ૭:૮-૧૦.

૨૨. કદી નિરાશ ન થવા, ચિડાઈ ન જવા કે શ્રદ્ધામાં ડગમગી ન જવા વિશે એસ્તેરનો દાખલો શું શીખવે છે?

૨૨ આજની અન્યાયી દુનિયામાં એવું માની લેવું આસાન છે કે સાચો ઇન્સાફ કદીયે નહિ મળે. શું તમને કદી એવું લાગ્યું છે? એસ્તેર જરાય નિરાશ ન થઈ, ચિડાઈ ન ગઈ કે તેણે શ્રદ્ધા ડગમગવા ન દીધી. તેણે યોગ્ય સમયે હિંમતથી સત્ય જણાવ્યું અને બાકીનું કામ યહોવા પર છોડી દઈને પૂરો ભરોસો બતાવ્યો. આપણે પણ એમ જ કરીએ. એસ્તેરના સમયથી યહોવા બદલાયા નથી. હામાન સાથે કર્યું તેમ, તે હજુ પણ દુષ્ટ અને કપટી લોકોને તેઓની પોતાની જ જાળમાં ફસાવી શકે છે.—ગીતશાસ્ત્ર ૭:૧૧-૧૬ વાંચો.

યહોવા અને તેમના લોકો માટે સ્વાર્થ વગર પગલાં ભર્યાં

૨૩. (ક) રાજાએ મોર્દખાય અને એસ્તેરને કેવું ઇનામ આપ્યું? (ખ) બિન્યામીન વિશે યાકૂબે મરણપથારીએ કહેલી ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (“ ભવિષ્યવાણી પૂરી થઈ” બૉક્સ જુઓ.)

૨૩ આખરે, રાજાને ખબર પડી કે મોર્દખાય કોણ હતા. તે રાજાને મોતના મોંમાંથી બચાવનાર જ ન હતા, એસ્તેરના પાલક પિતા પણ હતા. અહાશ્વેરોશે વડાપ્રધાન તરીકેની હામાનની પદવી મોર્દખાયને સોંપી. હામાનના ઘરબારનો મોટો કારભાર રાજાએ એસ્તેરને સોંપ્યો, જેણે એ બધું મોર્દખાયના હાથમાં સોંપ્યું.—એસ્તે. ૮:૧, ૨.

૨૪, ૨૫. (ક) હામાનનું કાવતરું ખુલ્લું પાડ્યા પછી પણ એસ્તેર કેમ શાંતિથી બેસી ન રહી? (ખ) કઈ રીતે એસ્તેરે ફરીથી પોતાનો જીવ જોખમમાં મૂક્યો?

૨૪ એસ્તેર અને મોર્દખાય સલામત હોવાથી, શું રાણીને હવે કોઈ ચિંતા ન હતી? જો તે સ્વાર્થી હોત, તો ચિંતા કરી ન હોત. એ સમયે, બધા યહુદીઓને મારી નાખવાનું હામાનનું ફરમાન સામ્રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું હતું. હામાને ચિઠ્ઠીઓ અથવા મૂળ ભાષા પ્રમાણે પૂર નાખી હતી. એ એક પ્રકારની મેલીવિદ્યા હતી, જેનાથી ખતરનાક હુમલો કરવાનું મુહૂર્ત નક્કી કરી શકાય. (એસ્તે. ૯:૨૪-૨૬) ખરું કે એ દિવસને હજુ અમુક મહિનાઓની વાર હતી, પણ એ ઝડપથી આવી રહ્યો હતો. શું એ આફત હજુયે રોકી શકાય?

૨૫ રાજાએ બોલાવી ન હોવા છતાં, એસ્તેર ફરી વાર રાજા આગળ ગઈ. તેણે પોતાના નહિ, લોકોના ભલા માટે બીજી વાર જીવ જોખમમાં મૂક્યો. આ વખતે તે પોતાના લોકો માટે રડી, પોતાના પતિને કાલાવાલા કર્યા કે એ કત્લેઆમનું ફરમાન કોઈક રીતે રદ કરે. પરંતુ, ઈરાની રાજાઓએ બહાર પાડેલા કોઈ પણ નિયમો બદલી શકાતા ન હતા. (દાની. ૬:૧૨, ૧૫) તેથી, રાજાએ એસ્તેર અને મોર્દખાયને નવો નિયમ બનાવવાની સત્તા આપી. પછી, બીજું એક ફરમાન મોકલવામાં આવ્યું, જેમાં યહુદીઓને પોતાનો બચાવ કરવાનો હક આપવામાં આવ્યો. આ ખુશખબર લઈને સંદેશવાહકો મારતે ઘોડે સામ્રાજ્યના ખૂણે ખૂણે યહુદીઓ પાસે પહોંચી ગયા. યહુદીઓના દિલમાં આશાની જ્યોત પ્રગટી ઊઠી. (એસ્તે. ૮:૩-૧૬) આપણે કલ્પના કરી શકીએ કે આખા સામ્રાજ્યમાં યહુદીઓ લડવા માટે તડામાર તૈયારીઓ કરવા લાગ્યા હશે, જે આ નવા ફરમાન વગર શક્ય ન હોત. સૌથી મહત્ત્વનું તો, શું ‘સૈન્યોના યહોવા’ પોતાના લોકો સાથે હશે?—૧ શમૂ. ૧૭:૪૫.

એસ્તેર અને મોર્દખાયે ઈરાની સામ્રાજ્યમાં યહુદીઓને ફરમાનો મોકલ્યાં

૨૬, ૨૭. (ક) યહોવાએ પોતાના લોકોને તેઓના દુશ્મનો પર કેવી મોટી જીત અપાવી? (ખ) હામાનના દીકરાઓના મોતથી કઈ ભવિષ્યવાણી પૂરી થઈ?

૨૬ આખરે, નક્કી કરેલો દિવસ આવી પહોંચ્યો ત્યારે, ઈશ્વરના લોકો તૈયાર હતા. નવા વડાપ્રધાન, યહુદી મોર્દખાય વિશેના સમાચાર વીજળી વેગે આખા સામ્રાજ્યમાં ફેલાઈ ગયા હતા; એટલે, ઘણા ઈરાની અધિકારીઓ પણ હવે યહુદીઓના પક્ષે હતા. યહોવાએ પોતાના લોકોને મોટી જીત અપાવી. એમાં કોઈ શંકા નથી કે યહોવાએ દુશ્મનોને સખત હાર આપીને, પોતાના લોકોને ભયંકર સજામાંથી બચાવી લીધા. *એસ્તે. ૯:૧-૬.

૨૭ વધુમાં, જ્યાં સુધી દુષ્ટ હામાનના દસ દીકરાઓ જીવતા હતા, ત્યાં સુધી હામાનના ઘરબારનો કારભાર ચલાવનાર મોર્દખાય સલામત ન હતા. એટલે, તેઓને પણ મારી નાખવામાં આવ્યા. (એસ્તે. ૯:૭-૧૦) આમ, બાઇબલની એક ભવિષ્યવાણી પૂરી થઈ. ઈશ્વરે અગાઉથી જણાવ્યું હતું કે અમાલેકીઓનું નામોનિશાન મિટાવી દેવાશે, જેઓ ઈશ્વરના લોકોના કટ્ટર દુશ્મનો સાબિત થયા હતા. (પુન. ૨૫:૧૭-૧૯) શિક્ષાને પાત્ર એ પ્રજામાંથી હામાનના દીકરાઓ કદાચ સૌથી છેલ્લા હતા.

૨૮, ૨૯. (ક) યહોવાની ઇચ્છા શા માટે એવી હતી કે એસ્તેર અને તેના લોકો લડાઈમાં જોડાય? (ખ) આજે આપણા માટે એસ્તેરનો દાખલો કેમ આશીર્વાદરૂપ છે?

૨૮ એસ્તેરે નાની ઉંમરે ભારે જવાબદારીઓ ઉપાડવી પડી, જેમ કે લડાઈ અને કત્લેઆમને લગતાં શાહી ફરમાન બહાર પાડવાં. એમ કરવું કંઈ સહેલું નહિ હોય. પરંતુ, યહોવાની ઇચ્છા એ હતી કે પોતાના લોકોનું વિનાશથી રક્ષણ થાય; ઇઝરાયેલની પ્રજામાંથી વચન આપ્યા પ્રમાણે મસીહ આવવાના હતા. એ જ તો બધા મનુષ્યો માટેની એકમાત્ર આશા હતા! (ઉત. ૨૨:૧૮) ઈશ્વરભક્તોને એ વાતની ખુશી છે કે મસીહ ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે પોતાના શિષ્યોને એ સમયથી યુદ્ધોમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી.—માથ. ૨૬:૫૨.

૨૯ જોકે, આપણે બીજા એક પ્રકારની લડાઈ લડીએ છીએ; યહોવામાં આપણી શ્રદ્ધા તોડવા શેતાન કંઈ પણ કરવા તૈયાર છે. (૨ કોરીંથીઓ ૧૦:૩, ૪ વાંચો.) આપણા માટે એસ્તેરનો દાખલો કેટલો આશીર્વાદરૂપ છે! ચાલો આપણે પણ તેના જેવા બનીએ; સમજી-વિચારીને અને ધીરજથી બીજાઓને સમજાવીએ; હિંમત બતાવીએ અને ઈશ્વરભક્તોના ભલા માટે પગલાં ભરવાં તૈયાર રહીને શ્રદ્ધા બતાવીએ.

^ ફકરો. 26 યહુદીઓ પોતાના દુશ્મનો પર પૂરેપૂરી જીત મેળવે, એ માટે રાજાએ તેઓને બીજા દિવસે પણ લડવા દીધા. (એસ્તે. ૯:૧૨-૧૪) આજે પણ, યહુદીઓ દર વર્ષે અદાર મહિનામાં એ જીતની ઉજવણી કરે છે. એ ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆતનો સમય હોય છે. એને પૂરીમનો તહેવાર કહેવાય છે, જેનું નામ હામાને ઇઝરાયેલનો જડમૂળથી વિનાશ કરવા નાખેલી ચિઠ્ઠીઓ પરથી પડ્યું છે.