સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ચૌદ

તે દયા બતાવવાનું શીખ્યા

તે દયા બતાવવાનું શીખ્યા

૧. યૂના આગળ કેવી મુસાફરી રહેલી છે અને નિનવેહ વિશે તેમને કેવું લાગે છે?

યૂના પાસે વિચારવાનો ઘણો સમય છે. તેમની આગળ જમીન માર્ગે આશરે ૮૦૦ કિલોમીટરથી વધારે લાંબી મુસાફરી છે, જેમાં એકાદ મહિનો કે એનાથી પણ વધારે સમય લાગશે. પહેલા તેમણે પસંદ કરવાનું છે કે ટૂંકો રસ્તો લેશે કે પછી લાંબો ને સલામત રસ્તો. પછી, તેમણે અનેક પર્વતો અને ખીણો પાર કરીને એકધારું અંતર કાપવાનું છે. કદાચ તેમણે સિરિયાના વિશાળ રણને કિનારે કિનારે જવાનું છે; યુફ્રેટિસ જેવી મોટી નદીઓ પાર કરવાની છે; સિરિયા, મેસોપોટેમિયા અને આશ્શૂરનાં શહેરો તેમજ ગામડાઓમાં તેમણે પરદેશીઓ વચ્ચે આશરો લેવાનો છે. દિવસો પસાર થાય છે તેમ, પોતાના અંતિમ મુકામ વિશે વિચારતા તેમનો ગભરાટ વધતો જાય છે. તેમનું દરેક પગલું નિનવેહ શહેરની પાસે ને પાસે લઈ જાય છે.

૨. યૂના કેવી રીતે શીખ્યા કે તે પોતાની જવાબદારીથી ભાગી શકતા નથી?

યૂના એક વાત ચોક્કસ જાણે છે: તે આ જવાબદારીથી મોં ફેરવીને ભાગી શકતા નથી. પહેલાં પણ તે એવું કરી ચૂક્યા છે. અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે યહોવા સમુદ્રમાં તોફાન લાવ્યા અને મોટી માછલી દ્વારા યૂનાને બચાવીને ચમત્કાર કર્યો. આમ, યહોવાએ યૂનાને ધીરજથી શીખવ્યું. ત્રણ દિવસ પછી, માછલીએ યૂનાને સમુદ્રકાંઠે જીવતા ઓકી કાઢ્યા. એનાથી તે ખૂબ નવાઈ પામ્યા; હવે, તે વધારે આજ્ઞાધીન અને નમ્ર બન્યા છે.—યૂના, અધ્યાય ૧, ૨.

૩. યૂના સાથે યહોવા કઈ રીતે વર્ત્યા અને કયો સવાલ ઊભો થાય છે?

યહોવાએ બીજી વાર યૂનાને નિનવેહ જવાની આજ્ઞા આપી. યૂનાએ કહેવું માનીને પૂર્વ તરફ લાંબી મુસાફરી શરૂ કરી. (યૂના ૩:૧-૩ વાંચો.) યહોવા તરફથી શિસ્ત મળ્યા પછી, શું યૂનાનું વલણ બદલાયું? દાખલા તરીકે, યહોવાએ યૂનાને દયા બતાવીને ડૂબવાથી બચાવ્યા, બળવો કરવાને લીધે તેમને સજા કરી નહિ અને આ જવાબદારી પૂરી કરવા બીજો મોકો પણ આપ્યો. તેમ છતાં, શું યૂના લોકોને દયા બતાવવાનું શીખ્યા? ઘણી વાર અપૂર્ણ મનુષ્યોને એ અઘરું લાગે છે. ચાલો જોઈએ કે યૂનાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ.

ન્યાયચુકાદાનો સંદેશો અને નવાઈ પમાડતો જવાબ

૪, ૫. યહોવાએ નિનવેહને કેમ “મોટું નગર” કહ્યું? એ યહોવા વિશે શું શીખવે છે?

યૂનાને સમજાતું ન હતું કે યહોવાની નજરે નિનવેહ કેમ આટલું મહત્ત્વનું છે. યૂનાના અહેવાલમાં, યહોવાએ ત્રણ વખત નિનવેહને “મોટું નગર” કહ્યું. (યૂના ૧:૨; ૩:૨; ૪:૧૧) આ નગર યહોવાની નજરે કેમ મોટું અથવા મહત્ત્વનું હતું?

નિનવેહ જૂનું-પુરાણું નગર હતું, જે જળપ્રલય પછી નિમ્રોદે સ્થાપેલાં પ્રથમ શહેરોમાંનું એક હતું. નિનવેહ મહાનગર હતું, જેમાં અનેક શહેરો આવેલાં હતાં. એક છેડેથી બીજે છેડે ચાલીને જતાં ત્રણ દિવસ થાય. (ઉત. ૧૦:૧૧; યૂના ૩:૩) નિનવેહમાં ધ્યાન ખેંચી લેતાં ભવ્ય મંદિરો, મજબૂત દીવાલો અને બીજાં આલીશાન મકાનો હતાં. પણ, યહોવા માટે એ બધાને લીધે નિનવેહ મહત્ત્વનું ન હતું. યહોવા માટે તો લોકો મહત્ત્વના હતા. બીજાં શહેરોની સરખામણીમાં નિનવેહની વસ્તી ઘણી વધારે હતી. ત્યાંના લોકો ખરાબ હોવા છતાં, યહોવાને તેઓની ચિંતા હતી. તે જીવનને કીમતી ગણે છે. તે જાણે છે કે દરેક જણ પસ્તાવો કરીને ખરા માર્ગે ચાલવાનું શીખી શકે છે.

યૂનાએ જોયું કે નિનવેહ બૂરાઈથી ખદબદતું એક મોટું શહેર છે

૬. (ક) નિનવેહ જોઈને કેમ યૂનાનો ગભરાટ વધી ગયો હશે? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) યૂનાએ કરેલા પ્રચારકાર્યથી તેમના વિશે આપણને શું શીખવા મળે છે?

આખરે યૂના નિનવેહ આવી પહોંચ્યા. એમાં ૧,૨૦,૦૦૦થી વધારે લોકો રહેતા હતા; એ જોઈને તેમનો ગભરાટ હજુ વધી ગયો હશે. * તે એક દિવસ જેટલું ચાલીને, શહેરની અંદર એવી જગ્યાએ જઈ પહોંચ્યા, જ્યાં લોકો કીડિયારાની જેમ ઊભરાતા હતા. સંદેશો જાહેર કરવા કદાચ તે સૌથી સારી જગ્યા શોધતા હતા. આ લોકો સાથે તે કેવી રીતે વાત કરશે? શું તે આશ્શૂરી ભાષા બોલવાનું શીખ્યા હતા? અથવા શું યહોવાએ ચમત્કારથી તેમને એ ભાષા બોલવાની ક્ષમતા આપી હતી? આપણે નથી જાણતા. બની શકે કે યૂનાએ હિબ્રૂ ભાષામાં સંદેશો આપ્યો હશે અને અનુવાદક દ્વારા નિનવેહના લોકોને એ સમજાવ્યો હશે. ગમે એ હોય, તેમનો સંદેશો સીધોસાદો હતો, લોકોથી માનપાન પામવા માટે ન હતો. તેમણે જણાવ્યું: “ચાળીસ દિવસ પછી નિનવેહનો નાશ થશે.” (યૂના ૩:૪) તેમણે ડર્યા વિના એ સંદેશો વારંવાર જણાવ્યો. એમ કરીને તેમણે હિંમત અને શ્રદ્ધા બતાવ્યાં; એ ગુણોની આજે ઈશ્વરભક્તોને સૌથી વધારે જરૂર છે.

યૂનાનો સંદેશો સીધોસાદો હતો, લોકોથી માનપાન પામવા માટે ન હતો

૭, ૮. (ક) યૂનાનો સંદેશો સાંભળીને નિનવેહના લોકોએ શું કર્યું? (ખ) યૂનાના સંદેશાની નિનવેહના રાજા પર કેવી અસર પડી?

નિનવેહના લોકોએ યૂનાના સંદેશાને ધ્યાન આપ્યું. જોકે, યૂનાએ વિચાર્યું હશે કે લોકો ગુસ્સે ભરાશે અને તેમના પર તૂટી પડશે. એના બદલે, લોકોએ તેમનું સાંભળ્યું અને માન્યું! તેમનો સંદેશો વાયુવેગે પ્રસરી ગયો. નિનવેહના વિનાશની એ ભવિષ્યવાણી વિશે આખું શહેર વાત કરવા લાગ્યું. (યૂના ૩:૫ વાંચો.) અમીર અને ગરીબ, બળવાન અને નિર્બળ, યુવાન અને વૃદ્ધ, બધાએ પસ્તાવો કરીને ઉપવાસ કર્યા. એ મોટા બનાવના સમાચાર તરત જ રાજાને કાને પડ્યા.

નિનવેહમાં પ્રચાર કરવા યૂનાને હિંમત અને શ્રદ્ધાની જરૂર હતી

યૂનાનો સંદેશો સાંભળીને રાજાએ પણ પસ્તાવો કર્યો. ઈશ્વરના ભયને લીધે, તે રાજગાદી પરથી ઊઠ્યો, શાહી પોશાક કાઢીને લોકોની જેમ તાટ પહેરીને “રાખમાં બેઠો.” તેણે “અમીરો” કે રાજવંશી લોકો સાથે મળીને હુકમ બહાર પાડ્યો, જેના લીધે ઉપવાસ કરવાનો એ મોટો બનાવ, રાજ્યનો નિયમ બની ગયો. તેણે હુકમ કર્યો કે દરેક જણ તાટ પહેરે, અરે જાનવરો પણ. * તેણે નમ્ર બનીને સ્વીકાર્યું કે તેના લોકો બૂરાઈ અને હિંસા માટે દોષિત છે. રાજાએ આશા રાખી કે સાચા ઈશ્વર તેઓનો પસ્તાવો જોઈને દયા બતાવશે. રાજાએ કહ્યું: “કદાચ ઈશ્વર . . . પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય.”—યૂના ૩:૬-૯.

૯. નિનવેહના લોકો વિશે ટીકાકારો કેવી શંકા કરે છે? ટીકાકારોનું માનવું કેમ ભૂલભરેલું છે?

નિનવેહના લોકોમાં આટલું જલદી બદલાણ થાય, એ વિશે અમુક ટીકાકારો શંકા કરે છે. જોકે, બાઇબલના વિદ્વાનોએ નોંધ્યું છે કે એ સંસ્કૃતિના લોકોની અંધશ્રદ્ધા અને ચંચળ સ્વભાવને લીધે નિનવેહના લોકોમાં બદલાણ આવ્યું ન હતું. વધુમાં, ટીકાકારોનું માનવું ભૂલભરેલું છે, કેમ કે ખુદ ઈસુએ નિનવેહના લોકોએ કરેલા પસ્તાવાનો ઉલ્લેખ કર્યો છે. (માથ્થી ૧૨:૪૧ વાંચો.) ઈસુને એની પાક્કી ખબર હતી, કેમ કે એ ઘટનાઓ તેમણે સ્વર્ગમાંથી જોઈ હતી. (યોહા. ૮:૫૭, ૫૮) હકીકતમાં, લોકો ગમે એટલા દુષ્ટ લાગે, ક્યારેય એવું ન ધારી લઈએ કે તેઓ પસ્તાવો નહિ કરે. આપણા દિલમાં શું છે, એ ફક્ત યહોવા જ જોઈ શકે છે.

ઈશ્વરની દયા અને મનુષ્યની હઠ

૧૦, ૧૧. (ક) નિનવેહના લોકોનો પસ્તાવો જોઈને યહોવાએ શું કર્યું? (ખ) શા માટે યહોવાનો ન્યાયચુકાદો ખોટો ન હતો?

૧૦ નિનવેહના લોકોનો પસ્તાવો જોઈને યહોવાએ શું કર્યું? યૂનાએ પછીથી લખ્યું: ‘તેઓનાં કામ ઈશ્વરે જોયાં કે તેઓએ પોતાનાં દુષ્ટ કામોને તજી દીધાં; આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું એ વિશે તેમને પસ્તાવો થયો; અને તેમણે એ આપત્તિનો અમલ કર્યો નહિ.’—યૂના ૩:૧૦.

૧૧ શું યહોવાને એવું લાગ્યું કે નિનવેહ વિશે પોતાનો ન્યાયચુકાદો ખોટો હતો? ના. બાઇબલ સમજાવે છે કે યહોવાનો ન્યાય સંપૂર્ણ છે. (પુનર્નિયમ ૩૨:૪ વાંચો.) યહોવા યોગ્ય રીતે જ નિનવેહના લોકો પર ગુસ્સે ભરાયા હતા. તેમણે લોકોમાં થયેલું બદલાણ જોયું અને જે સજા તેઓ પર લાવવાના હતા, એની જરૂર ન લાગી. યહોવાએ જોયું કે આ સમય તો દયા બતાવવાનો છે.

૧૨, ૧૩. (ક) યહોવા કેવી રીતે બતાવે છે કે પોતે વાજબી, સંજોગો પ્રમાણે વર્તનાર અને દયાળુ છે? (ખ) યૂનાની ભવિષ્યવાણી શા માટે ખોટી ન હતી?

૧૨ ધર્મગુરુઓ એવું ચિત્ર ઊભું કરે છે કે ઈશ્વર હઠીલા, બેફિકર અને ક્રૂર છે. પણ યહોવા તો વાજબી, સંજોગો પ્રમાણે વર્તનાર અને દયાળુ છે. તે દુષ્ટોને સજા આપવાનું નક્કી કરે ત્યારે, પહેલા તો પૃથ્વી પરના પોતાના ભક્તો દ્વારા ચેતવણી આપે છે. નિનવેહના લોકોની જેમ દુષ્ટો પસ્તાવો કરે અને પોતાના માર્ગોથી પાછા ફરે, એ જોવા યહોવા આતુર છે. (હઝકી. ૩૩:૧૧) યહોવાએ પોતાના પ્રબોધક યિર્મેયાને જણાવ્યું: “જે વખતે હું કોઈ પ્રજા વિશે કે કોઈ રાજ્ય વિશે, તેને ઊખેડવા, પાડી નાખવા તથા નાશ કરવા માટે બોલું, તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિશે હું પસ્તાઈશ.”—યિર્મે. ૧૮:૭, ૮.

નિનવેહના લોકોની જેમ દુષ્ટો પસ્તાવો કરે અને પોતાના માર્ગોથી પાછા ફરે એ જોવા યહોવા આતુર છે

૧૩ શું યૂનાની ભવિષ્યવાણી ખોટી હતી? ના. એ ભવિષ્યવાણીથી ચેતવણી આપવાનો હેતુ પૂરો થયો હતો. નિનવેહના લોકોનાં ખરાબ કાર્યોને લીધે એ ભવિષ્યવાણી થઈ હતી. પરંતુ, લોકોએ પસ્તાવો કર્યો. જો તેઓ ફરીથી ખરાબ કામો કરવા લાગે, તો યહોવા તેઓની વિરુદ્ધ એ જ ન્યાયચુકાદો લાવશે. વર્ષો પછી, એવું જ બન્યું.—સફા. ૨:૧૩-૧૫.

૧૪. યહોવાએ નિનવેહ પર દયા બતાવી, એનાથી યૂનાને કેવું લાગ્યું?

૧૪ ધારેલા સમયે વિનાશ ન થયો ત્યારે, યૂનાને કેવું લાગ્યું? “યૂનાને ઘણું જ ખોટું લાગ્યું, ને તેને ક્રોધ ચઢ્યો.” (યૂના ૪:૧) અરે, યૂનાએ એવી રીતે પ્રાર્થના કરી કે જાણે યહોવાને ઠપકો આપતા હોય. યૂનાએ કહ્યું કે પોતે વતનમાં જ રહ્યા હોત તો સારું થાત. તેમણે દાવો કર્યો કે યહોવા નિનવેહ પર વિનાશ નહિ લાવે, એવી તેમને ખબર હતી. એટલે, પોતે પહેલી વાર તાર્શીશ ભાગી ગયા હતા, એવું તેમણે બહાનું કાઢ્યું. ‘જીવવા કરતાં તો મરી જવું સારું,’ એમ કહીને તેમણે મોત માંગ્યું.—યૂના ૪:૨, ૩ વાંચો.

૧૫. (ક) યૂના કેમ નિરાશામાં ડૂબી ગયા હોય શકે? (ખ) નિરાશામાં ડૂબેલા પ્રબોધક સાથે યહોવા કેવી રીતે વર્ત્યા?

૧૫ યૂનાને શું ખટકતું હતું? તેમના મનના વિચારો આપણે નથી જાણતા. પણ, એ જાણીએ છીએ કે યૂનાએ બધા લોકો સામે નિનવેહના વિનાશની જાહેરાત કરી હતી. તેઓએ યૂનાની વાત માની. પણ, હવે વિનાશ થવાનો ન હતો. શું યૂનાને એવું લાગ્યું કે લોકો તેમની મશ્કરી કરશે અથવા તેમના પર ખોટા પ્રબોધકનો સિક્કો લાગી જશે? ગમે એ હોય, લોકોએ પસ્તાવો કર્યો એની યૂનાને ખુશી ન થઈ; યહોવાએ દયા બતાવી એ તેમને ન ગમ્યું. લાગે છે તેમના મનમાં કડવાશ ભરાઈ, તેમને પોતા પર દયા આવી અને તેમનું સ્વમાન ઘવાયું. છતાં, નિરાશામાં ડૂબેલા યૂનામાં હજુ પણ દયાળુ ઈશ્વરને કંઈક સારું દેખાયું. યૂનાએ કરેલા અપમાનની સજા કરવાને બદલે, યહોવાએ તેમના અંતરને જગાડવા એક સાદો સવાલ પૂછ્યો: “તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?” (યૂના ૪:૪) શું યૂનાએ જવાબ આપવાની તસ્દી લીધી? બાઇબલ એ વિશે ચૂપકીદી સેવે છે.

૧૬. અમુક લોકો કઈ રીતોએ યહોવા સાથે સહમત થતા નથી? યૂનાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ યૂનાના વર્તનને લીધે તેમનો વાંક કાઢવો સહેલો છે. પણ, યાદ રાખીએ કે પાપી મનુષ્યો હંમેશાં યહોવા સાથે સહમત થતા નથી. અમુકને લાગશે કે યૂના સાથે બનેલી દુઃખદ ઘટનાઓ યહોવા અટકાવી શક્યા હોત; અથવા, તેમણે દુષ્ટ લોકોને તરત જ સજા કરવી જોઈતી હતી; કે પછી, તેમણે અત્યાર સુધી ચાલતી દુનિયાનો અંત ક્યારનો લાવવો જોઈતો હતો. યૂનાનો દાખલો યાદ કરાવે છે કે આપણે યહોવા સાથે સહમત ન થઈએ ત્યારે, તેમણે નહિ, પણ આપણે પોતાના વિચારો બદલવાની જરૂર હોય છે.

યહોવાએ યૂનાને દયા બતાવતા શીખવ્યું

૧૭, ૧૮. (ક) નિનવેહ છોડ્યા પછી યૂનાએ શું કર્યું? (ખ) કીકાયોનના વેલા વિશે યહોવાએ જે ચમત્કારો કર્યા, એની યૂના પર કેવી અસર થઈ?

૧૭ નિનવેહથી પોતાના ઘરે જવાને બદલે, નિરાશ પ્રબોધક પૂર્વ તરફ ગયા, જ્યાં અમુક પર્વતો પરથી એ વિસ્તાર જોઈ શકાતો હતો. ત્યાં તેમણે એક નાનો માંડવો બાંધ્યો અને એની નીચે બેસીને તે જોવા લાગ્યા કે નિનવેહનું શું થાય છે. કદાચ, તેમને હજુ પણ ઊંડે ઊંડે આશા હતી કે નિનવેહનો નાશ પોતે જોઈ શકશે. યહોવા કઈ રીતે પોતાના આવા હઠીલા સેવકને દયાળુ બનતા શીખવશે?

૧૮ યહોવાએ રાતોરાત કીકાયોનનો એક વેલો ઉગાડ્યો. યૂના જાગ્યા ત્યારે, મોટાં મોટાં પાંદડાંવાળો એ વેલો જોયો. એના જેવો છાંયો તો પોતે બાંધેલો માંડવો પણ આપતો ન હતો. ‘યૂના બહુ જ આનંદ પામ્યા.’ તેમણે એ વેલાને ઈશ્વરના આશીર્વાદની અને સાથની નિશાની તરીકે જોયો હશે. જોકે, યૂનાને તાપથી અને તેમના ગરમ મિજાજથી બચાવવા સિવાય યહોવા કંઈક વધુ કરવા માંગતા હતા. તે યૂનાનું દિલ ઢંઢોળવા માંગતા હતા. એટલે, યહોવાએ બીજા ચમત્કારો કર્યા. તેમણે એક કીડો મોકલ્યો, જેણે વેલાને કરડી ખાધો અને વેલો સૂકાઈ ગયો. પછી, તેમણે “પૂર્વ તરફની લૂ” મોકલી. એટલી બધી કે એની ગરમીથી યૂનાને “મૂર્છા આવી” કે બેભાન થઈ ગયા. યૂના ફરીથી એટલા દુઃખી થઈ ગયા કે તેમણે ઈશ્વર પાસે મોત માંગ્યું.—યૂના ૪:૬-૮.

૧૯, ૨૦. કીકાયોનના વેલા વિશે યહોવાએ યૂનાને શું સમજાવ્યું?

૧૯ યહોવાએ ફરીથી યૂનાને પૂછ્યું, કીકાયોનના વેલાના સુકાઈ જવાથી તે ગુસ્સે ભરાયા, શું એ વાજબી કહેવાય? પસ્તાવો કરવાને બદલે યૂનાએ પોતાને સાચા ઠરાવતા કહ્યું: “ગુસ્સે થવાથી મારું મોત આવે તોપણ તે મને વાજબી લાગે છે.” યૂનાને સમજાવવાનો સમય હવે પાકી ચૂક્યો હતો.—યૂના ૪:૯.

કીકાયોનના વેલાથી ઈશ્વરે યૂનાને દયાનો બોધપાઠ શીખવ્યો

૨૦ યહોવાએ યૂનાને પૂછ્યું કે રાતોરાત ઊગી નીકળેલા એક મામૂલી વેલાના સુકાઈ જવાથી તે કેમ દુઃખી થાય છે. તેમણે તો એ વાવ્યો કે ઉગાડ્યો પણ ન હતો. છેવટે, ઈશ્વરે સમજાવ્યું: “આ મોટું નગર નિનવેહ કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોક છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી, વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે, તેના પર મને દયા ન આવે?”—યૂના ૪:૧૦, ૧૧. *

૨૧. (ક) યહોવાએ યૂનાને કયો બોધપાઠ શીખવ્યો? (ખ) યૂનાનો દાખલો આપણને કઈ રીતે પોતાના દિલમાં ડોકિયું કરવા મદદ કરે છે?

૨૧ શું તમે યહોવાએ આપેલો બોધપાઠ સમજી શકો છો? યૂનાએ એ વેલાની કાળજી લેવા કંઈ કર્યું ન હતું. જ્યારે કે પૃથ્વીના બધા લોકો માટે કરે છે તેમ, યહોવાએ તો નિનવેહના લોકોને પણ જીવન આપ્યું હતું, તેઓની બધી જરૂરિયાતો પૂરી પાડી હતી. યૂના કઈ રીતે ૧,૨૦,૦૦૦ લોકો અને તેઓનાં ઢોરઢાંક કરતાં એક વેલાનું વધારે મૂલ્ય આંકી શકે? શું એનું કારણ એ ન હતું કે યૂના પોતાનો જ વિચાર કરતા હતા? હકીકતમાં, યૂના વેલા માટે દુઃખી થયા, કેમ કે એનાથી તેમને લાભ થયો હતો. નિનવેહ પર ગુસ્સે થવા પાછળ પણ શું યૂનાનો સ્વાર્થ ન હતો? તેમને હતું કે પોતાનું નામ ખરાબ થશે અને પોતે ખોટા સાબિત થશે. યૂનાનો દાખલો આપણને પોતાના દિલમાં ડોકિયું કરવા મદદ કરે છે. એવું સ્વાર્થી વલણ કોનામાં નથી? પણ, યહોવા ખૂબ ઉદાર, કૃપાળુ અને દયાના સાગર છે. તેમના જેવા બનવા તે આપણને ધીરજથી શીખવે છે, એ માટે આપણે કેટલા આભારી છીએ!

૨૨. (ક) દયા બતાવવા વિશે યહોવાના સારા માર્ગદર્શનની યૂના પર કેવી અસર થઈ? (ખ) આપણે બધાએ એમાંથી શું શીખવું જોઈએ?

૨૨ શું યૂનાએ એ બોધપાઠ દિલમાં ઉતાર્યો? યહોવાએ પૂછેલા સવાલથી યૂનાનું પુસ્તક પૂરું થાય છે. એ સવાલ આજે પણ ગુંજે છે. અમુક ટીકાકારો કદાચ કહેશે કે યૂનાએ ક્યારેય એ સવાલનો જવાબ આપ્યો નહિ. હકીકતમાં, તે જવાબ આપે છે. આ પુસ્તક જ એનો જવાબ છે. પુરાવો બતાવે છે કે યૂનાએ જ પોતાના નામનું પુસ્તક લખ્યું. કલ્પના કરો કે પ્રબોધક સહીસલામત વતન પાછા પહોંચીને આ અહેવાલ લખી રહ્યા છે. તે ખુદ પોતાની ભૂલો, બંડ અને હઠીલા બનીને દયા ન બતાવી, એ વિશે લખે છે. આપણે એક વૃદ્ધ, સમજદાર અને નમ્ર માણસને અફસોસથી માથું હલાવતા જોઈ શકીએ છીએ. યહોવાના સારા માર્ગદર્શનથી યૂના સાચે જ મહત્ત્વનો બોધપાઠ શીખ્યા. તે દયા બતાવવાનું શીખ્યા. શું આપણે પણ એમ કરીશું?—માથ્થી ૫:૭ વાંચો.

^ ફકરો. 6 એક અંદાજ પ્રમાણે, યૂનાના સમયમાં ઇઝરાયેલનાં દસ-કુળના રાજ્યની રાજધાની સમરૂનમાં આશરે ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ લોકો હતા. એ વસ્તી નિનવેહની વસ્તીના ચોથા ભાગથી પણ ઓછી હતી. નિનવેહની સમૃદ્ધિના સમયે, એ કદાચ દુનિયાનું સૌથી મોટું શહેર હશે.

^ ફકરો. 8 આ વાત કદાચ માનવામાં ન આવે, પણ અગાઉ એવું બન્યું હતું. ગ્રીક ઇતિહાસકાર હેરોદોતસે નોંધ્યું કે પહેલાંના ઈરાનીઓને એક જાણીતા અધિકારીના મરણથી ભારે દુઃખ થયું. તેઓએ શોકના રિવાજો પાળવા પોતાનાં જાનવરોનો પણ સમાવેશ કર્યો.

^ ફકરો. 20 ઈશ્વરે કહ્યું કે એ લોકો પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એ જાણતા ન હતા. એટલે કે, તેઓ ઈશ્વરનાં ધોરણો વિશે નાના બાળકની જેમ બેખબર હતા.