સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ એક

‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’

‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’

૧. આદમ અને હવાના કુટુંબને એદન બાગમાં જતા શું અટકાવે છે? હાબેલના દિલની ઇચ્છા શું છે?

હાબેલ પોતાનાં ઘેટાંને ટેકરીઓ પર નિરાંતે ચરતાં જુએ છે. પછી, ઘેટાંની પેલે પાર દૂર દૂર તેમની નજર પડે છે. ત્યાં તેમને કંઈક ચળકતું દેખાય છે. તેમને ખબર છે કે ત્યાં એક સળગતી તરવાર સતત ગોળ ગોળ ફર્યા કરે છે. એ કોઈને પણ એદન બાગની અંદર જતા અટકાવે છે. તેમનાં માતા-પિતા અગાઉ એ બાગમાં રહેતાં હતાં. પરંતુ, તેઓ કે તેઓનાં બાળકો હવે એમાં જઈ શકતાં નથી. કલ્પના કરો કે હાબેલ આકાશ તરફ નજર કરે છે તેમ, મંદ મંદ વાતા પવનથી તેમના વાળ લહેરાઈ રહ્યા છે. પોતાના સર્જનહારનો વિચાર કરતા કદાચ તે પૂછે છે, શું ક્યારેય મનુષ્ય ફરીથી ઈશ્વરના કુટુંબનો ભાગ બનશે? તે દિલથી તો એવું જ ચાહે છે.

૨-૪. હાબેલ કયા અર્થમાં આજે આપણી સાથે વાત કરે છે?

હાબેલ આજે તમારી સાથે વાત કરે છે. શું તમે તેમને સાંભળી શકો છો? તમને થશે, એ તો અશક્ય છે. આદમના આ બીજા નંબરના દીકરા તો લાંબા સમય પહેલાં મરણ પામ્યા હતા. તેમના અવશેષો પણ લગભગ ૬,૦૦૦ વર્ષ અગાઉની ધૂળમાં મળી ગયા. બાઇબલ શીખવે છે કે, “મૂએલા કંઈ જાણતા નથી.” (સભા. ૯:૫, ૧૦) તેમ જ, હાબેલે કહેલો એક પણ શબ્દ બાઇબલમાં નોંધાયો નથી. તો પછી, તે કઈ રીતે આપણી સાથે વાત કરી શકે?

પ્રેરિત પાઊલે ઈશ્વરની પ્રેરણાથી હાબેલ વિશે આમ કહ્યું: “તે મરણ પામ્યા હોવા છતાં, પોતાની શ્રદ્ધા દ્વારા હજુ બોલે છે.” (હિબ્રૂઓ ૧૧:૪ વાંચો.) હા, હાબેલ પોતાની શ્રદ્ધા દ્વારા બોલે છે. આવી અજોડ શ્રદ્ધા કેળવનાર તે પહેલા મનુષ્ય હતા. જોરદાર શ્રદ્ધા બતાવીને તેમણે આપણા માટે જીવંત દાખલો પૂરો પાડ્યો છે. તેમણે એવું સુંદર ધોરણ બેસાડ્યું છે, જે આપણે લાગુ પાડી શકીએ છીએ. જો આપણે તેમની શ્રદ્ધામાંથી શીખીએ અને તેમને પગલે ચાલીએ, તો હાબેલ જાણે ખરેખર આપણી સાથે વાત કરે છે.

જોકે, હાબેલ વિશે બાઇબલ બહુ થોડું જણાવે છે. તો પછી, હાબેલ અને તેમની શ્રદ્ધામાંથી કઈ રીતે શીખી શકીએ? ચાલો જોઈએ.

“દુનિયાનો પાયો નંખાયો” ત્યારે ઉછેર થયો

૫. ઈસુએ જણાવ્યું કે “દુનિયાનો પાયો નંખાયો” ત્યારે હાબેલ હતા. એનો શું અર્થ થાય? (ફૂટનોટ પણ જુઓ.)

મનુષ્યની શરૂઆત થઈ એ સમયે હાબેલનો જન્મ થયો હતો. પછીથી ઈસુએ જણાવ્યું કે, “દુનિયાનો પાયો નંખાયો” ત્યારે હાબેલ જીવતા હતા. (લુક ૧૧:૫૦, ૫૧ વાંચો.) અહીં ઈસુનો કહેવાનો મતલબ એ હતો કે પાપમાંથી છોડાવી શકાય એવા લોકોની દુનિયા. ખરું કે માનવની શરૂઆત થઈ એમાં હાબેલ ચોથા મનુષ્ય હતા, પણ ઈશ્વરની નજરે પાપમાંથી છોડાવી શકાય, એવા તે પહેલા મનુષ્ય હતા. * દેખીતું છે કે હાબેલના સમયમાં એવા સારા લોકો ન હતા, જેઓને પગલે તે ચાલી શકે.

૬. હાબેલનાં માતા-પિતા કેવાં હતાં?

ખરું કે હજુ તો દુનિયાની માંડ શરૂઆત થઈ હતી ને માનવ કુટુંબ પર નિરાશાનાં વાદળો છવાઈ ગયાં. હાબેલનાં માતા-પિતા આદમ ને હવા સુંદર, જોશીલા હતાં. પણ, તેઓએ જીવનમાં બહુ મોટી ભૂલ કરી હતી અને તેઓ એ જાણતા હતા. એક સમયે તેઓ સંપૂર્ણ હતા અને તેઓને કાયમ માટે જીવવાની આશા હતી. પણ, તેઓ યહોવા ઈશ્વરની સામા થયા. એટલે, તેઓને સુંદર મજાના એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓએ બસ પોતાની જ ઇચ્છા પૂરી કરી. અરે, આવનાર બાળકોનો પણ વિચાર ન કર્યો. તેથી, તેઓ સંપૂર્ણ રહ્યા નહિ અને હંમેશ માટેનું જીવન ગુમાવી બેઠા.—ઉત. ૨:૧૫–૩:૨૪.

૭, ૮. કાઈનના જન્મ વખતે હવાએ શું કહ્યું અને કદાચ તેના મનમાં શું હતું?

આદમ અને હવાને એદન બાગની બહાર જીવવું બહુ કઠણ લાગ્યું. પણ, તેઓને પહેલું બાળક થયું ત્યારે એનું નામ કાઈન પાડ્યું, જેનો અર્થ થાય, “કંઈક ઉત્પન્ન થયું.” એ વખતે હવા પોકારી ઊઠી: “યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે.” આ શબ્દો સૂચવે છે કે કદાચ તેના મનમાં એદન બાગમાં આપેલું યહોવાનું વચન હતું. યહોવાએ ભાખ્યું હતું કે એક સ્ત્રીને “સંતાન” થશે અને આદમ-હવાને ખોટે માર્ગે દોરી જનાર દુષ્ટનો તે એક દિવસ નાશ કરશે. (ઉત. ૩:૧૫; ૪:૧) શું હવાને એવું લાગ્યું હશે કે પોતે એ ભવિષ્યવાણીમાં જણાવેલી સ્ત્રી છે અને કાઈન વચન આપેલું “સંતાન” છે?

જો એમ હોય તો એ તેની મોટી ભૂલ હતી. કાઈન મોટો થતો ગયો તેમ આદમ-હવાએ જો તેના મનમાં આવા વિચારો ભર્યા હોય, તો ચોક્કસ તે અભિમાનથી ફુલાઈ ગયો હશે. સમય જતાં, હવાને બીજો દીકરો થયો. પણ, તેમના વિશે આપણને એવી કોઈ ઊંચી આશા જગાડતા શબ્દો જોવા મળતા નથી. તેઓએ તેમનું નામ હાબેલ પાડ્યું, જેનો અર્થ થાય, ‘શ્વાસ બહાર કાઢવો’ કે ‘નકામું.’ (ઉત. ૪:૨) શું આવા નામની પસંદગી એવું બતાવે છે કે તેઓ હાબેલ પાસેથી ઓછી અપેક્ષા રાખતા હતા? શું તેઓ માટે હાબેલ કરતાં કાઈન વધારે મહત્ત્વનો હતો? કદાચ એવું હોય પણ ખરું.

૯. આપણાં પ્રથમ માબાપ પાસેથી આજે માતા-પિતા શું શીખી શકે?

એ પ્રથમ માબાપ પાસેથી આજે માતા-પિતા ઘણું શીખી શકે. શું તમારાં વાણી-વર્તનથી બાળકોને અભિમાની, સ્વાર્થી અને દુનિયાને કંઈક કરી બતાવવાની તમન્નાવાળાં બનવાનું શીખવશો? કે પછી યહોવા ઈશ્વરને દિલથી પ્રેમ કરવાનું અને તેમની સાથે દોસ્તી કેળવવાનું શીખવશો? અફસોસ, પ્રથમ માતા-પિતા પોતાની જવાબદારીમાં નિષ્ફળ ગયાં. છતાં પણ, તેઓનાં બાળકો માટે હજુ આશા હતી.

હાબેલે કઈ રીતે શ્રદ્ધા કેળવી?

૧૦, ૧૧. કાઈન અને હાબેલ કયું કામ કરતા હતા? હાબેલે કયો ગુણ કેળવ્યો?

૧૦ બંને છોકરા મોટા થયા તેમ, આદમે ચોક્કસ તેઓને કામકાજ શીખવ્યું હશે, જે તેઓના કુટુંબનું ભરણપોષણ કરવા જરૂરી હતું. કાઈને ખેતીવાડી પસંદ કરી; હાબેલ ઘેટાંપાળક બન્યા.

૧૧ જોકે, હાબેલે એવું કામ કર્યું, જે ઘેટાં પાળવા કરતાં ઘણું મહત્ત્વનું હતું. વર્ષો વીત્યાં તેમ, તેમણે શ્રદ્ધા કેળવી. એ સુંદર ગુણ વિશે પાઊલે વર્ષો પછી લખ્યું હતું. જરા વિચાર કરો! હાબેલ આગળ કોઈ મનુષ્યનો એવો દાખલો ન હતો, જેને તે અનુસરે. તો પછી, કઈ રીતે તેમણે યહોવા ઈશ્વરમાં શ્રદ્ધા કેળવી? ચાલો એવા ત્રણ નક્કર પાયાની વાત કરીએ, જેના પર તેમણે અડગ શ્રદ્ધાનું ચણતર કર્યું હોય શકે.

૧૨, ૧૩. યહોવાના સર્જનનો વિચાર કરીને હાબેલને કઈ રીતે પોતાની શ્રદ્ધા મક્કમ કરવા મદદ મળી હશે?

૧૨ યહોવાએ કરેલું સર્જન. ખરું કે યહોવાએ ભૂમિને શાપ આપ્યો હતો, જેના લીધે એમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં અને ખેતીવાડીમાં નડતર બન્યાં. છતાં પણ, ધરતી પુષ્કળ પેદાશ આપતી, જેનાથી હાબેલના કુટુંબનું ભરણપોષણ થતું. ઉપરાંત, પશુ-પક્ષીઓ અને માછલીઓ પર કોઈ શાપ ન હતો; પર્વતો, સરોવરો, નદીઓ અને દરિયા પર શાપ ન હતો; આકાશ, વાદળો, સૂર્ય, ચંદ્ર અને તારાઓ પર શાપ ન હતો. હાબેલ જ્યાં પણ નજર નાખતા ત્યાં જોઈ શકતા કે બધી ચીજોને બનાવનાર યહોવા કેટલા પ્રેમાળ અને ભલા છે, તેમની સમજણનો કોઈ પાર નથી! (રોમનો ૧:૨૦ વાંચો.) બેશક, આવા વિચારોએ હાબેલની શ્રદ્ધા મક્કમ કરવા જરૂર મદદ કરી હશે.

કુદરતની કરામત જોઈને હાબેલને પ્રેમાળ સર્જનહારમાં શ્રદ્ધા રાખવા પ્રેરણા મળી

૧૩ યહોવા વિશે મનન કરવા ચોક્કસ હાબેલે સમય કાઢ્યો હશે. કલ્પના કરો કે હાબેલ ઘેટાંને ચરાવવાં લઈ જાય છે. ઘેટાંપાળકે ઘણું ચાલવું પડે છે. તે પોતાનાં ગભરું ઘેટાંને ટેકરીઓ પરથી, ખીણમાંથી, નદીઓ પાર કરીને દોરી જાય છે. તે હંમેશાં એવી જગ્યાની શોધ કરતો હોય છે, જ્યાં ઘેટાંને લીલુંછમ ઘાસ, પુષ્કળ પાણી, રક્ષણ અને આરામ મળે. ઈશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં ઘેટાં સાવ લાચાર લાગે છે, જાણે એ રીતે બનાવાયાં છે કે માણસો તેઓને દોરે અને રક્ષણ કરે. શું હાબેલે એ જોયું હશે કે તેમને પણ કોઈના માર્ગદર્શન, રક્ષણ અને સંભાળની જરૂર છે? એવા કોઈની જે માણસ કરતાંય વધારે સમજુ અને શક્તિશાળી હોય? એમાં કોઈ શંકા નથી કે તેમણે આવા ઘણા વિચારો વિશે પ્રાર્થના કરી હશે, જેના લીધે તેમની શ્રદ્ધા વધતી ને વધતી ગઈ.

૧૪, ૧૫. યહોવાનાં વચનોએ હાબેલને શાના પર વિચાર કરવા પ્રેર્યા?

૧૪ યહોવાનાં વચનો. આદમ-હવાએ પોતાના દીકરાઓને ચોક્કસ જણાવ્યું હશે કે એદન બાગમાં શું બન્યું અને તેઓને કેમ ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. આમ, હાબેલ પાસે વિચારવા માટે ઘણું જ હતું.

૧૫ યહોવાએ કહ્યું હતું કે જમીન શાપિત થશે. જમીન પર ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં જોઈને હાબેલે એ શબ્દો પૂરા થતા જોયા. યહોવાએ એ પણ પહેલેથી જણાવ્યું હતું કે હવાએ ગર્ભાવસ્થામાં અને બાળકને જન્મ આપતી વખતે ઘણી પીડા સહેવી પડશે. હાબેલે પોતાનાં ભાઈ-બહેનોના જન્મ વખતે યહોવાના એ શબ્દો પણ અચૂક સાચા પડતા જોયા. યહોવાને અગાઉથી એ ખબર હતી કે હવા તેના પતિના પ્રેમ અને ધ્યાનની વધારે પડતી જરૂર મહેસૂસ કરશે, જેના લીધે આદમ તેના પર અધિકાર ચલાવશે. હાબેલે એ કડવી હકીકત પોતાની નજર આગળ બનતી જોઈ. દરેક કિસ્સામાં, હાબેલે જોયું કે યહોવાના વચનો સોએ સો ટકા ભરોસાપાત્ર છે. તેથી, યહોવાએ જે ‘સંતાનનું’ વચન આપ્યું હતું, એમાં ભરોસો મૂકવા હાબેલ પાસે ઠોસ પુરાવા હતા. તેમને પૂરો ભરોસો હતો કે એદનમાંથી જે દુઃખદ બનાવોની શરૂઆત થઈ, એ બધાને આવનાર સંતાન એક દિવસ જરૂર સુધારશે.—ઉત. ૩:૧૫-૧૯.

૧૬, ૧૭. યહોવાના કરૂબો પાસેથી હાબેલ શું શીખ્યા હશે?

૧૬ યહોવાના ભક્તો. માનવ કુટુંબમાંથી કોઈએ પણ હાબેલ માટે સારો દાખલો બેસાડ્યો ન હતો. પરંતુ, એ સમયે પૃથ્વી પર કંઈ મનુષ્યો એકલા જ બુદ્ધિશાળી ન હતા. આદમ-હવાને એદનમાંથી કાઢી મૂક્યા ત્યારે, યહોવાએ ખાસ ધ્યાન રાખ્યું કે તેઓ અથવા તેઓનાં બાળકો પૃથ્વી પરના એ સુંદર બાગમાં પાછા ન જાય. એટલે, એની ચોકી કરવા યહોવાએ ત્યાં કરૂબો મૂક્યા, જેઓ સ્વર્ગમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. સાથે સાથે યહોવાએ સતત ગોળ ફરતી એક સળગતી તરવાર પણ રાખી.—ઉત્પત્તિ ૩:૨૪ વાંચો.

૧૭ કલ્પના કરો કે હાબેલ બાળક હતા ત્યારે, એ કરૂબોને જોઈને કેવું લાગ્યું હશે. એ કરૂબો માનવ શરીરમાં દેખાતા હોવાથી, હાબેલે જોયું હશે કે તેઓ બહુ જ શક્તિશાળી છે. સતત ફરતી પેલી સળગતી “તરવાર” પણ કેટલી નવાઈ પમાડનારી હશે! હાબેલ મોટા થયા તેમ, શું તેમણે કદીયે એવું જોયું કે કરૂબો કંટાળી ગયા હોય અને પોતાનું કામ છોડી દીધું હોય? ના! રાત-દિવસ, અરે વર્ષો, દાયકાઓ વીત્યાં તેમ, એ બુદ્ધિશાળી અને શક્તિશાળી કરૂબો ત્યાંના ત્યાં જ રહ્યા, જ્યાં તેઓને ઊભા રાખ્યા હતા. આમ, હાબેલને જાણવા મળ્યું કે યહોવાના સાચા, વફાદાર ભક્તો પણ છે. એ કરૂબોમાં હાબેલે એવી વફાદારી અને આજ્ઞાપાલન જોયા, જે તેમના પોતાના કુટુંબમાં ન હતા. બેશક, સ્વર્ગદૂતોના એ દાખલાથી તેમની શ્રદ્ધા હજુ વધારે મક્કમ બની.

હાબેલે આખા જીવનમાં જોયું કે કરૂબો યહોવાના વફાદાર અને આજ્ઞા પાળનારા ભક્તો હતા

૧૮. શ્રદ્ધા કેળવવા માટે આજે આપણી પાસે કયો પાયો છે?

૧૮ યહોવાએ કરેલા સર્જનથી, તેમનાં વચનોથી અને સ્વર્ગદૂતોના દાખલાથી પોતાના વિશે ઘણું જણાવ્યું હતું. એ બધા પર મનન કરીને હાબેલની શ્રદ્ધા વધારે મક્કમ બનતી ગઈ. હાબેલનો દાખલો જાણે આપણી સાથે વાત કરે છે, ખરું ને? ખાસ કરીને યુવાનો, ભલે તમારા કુટુંબમાં કોઈ ગમે એ કરે, પણ તમે સાચી શ્રદ્ધા જરૂર કેળવી શકો છો. આપણી ચારે બાજુ કુદરતની કરામત જોવા મળે છે, આખું બાઇબલ આપણી પાસે છે અને અડગ શ્રદ્ધા રાખનારા ઘણા ઈશ્વરભક્તોના દાખલા આપણી સામે છે. આજે પાક્કી શ્રદ્ધા કેળવવા માટે એ આપણો મક્કમ પાયો છે.

હાબેલનું અર્પણ કેમ ચડિયાતું હતું?

૧૯. સમય જતાં હાબેલ કયું મહત્ત્વનું સત્ય શીખ્યા?

૧૯ યહોવામાં હાબેલની શ્રદ્ધા વધતી ગઈ તેમ, તે પોતાની શ્રદ્ધા બતાવવા કંઈક કરવા માંગતા હતા. પણ સર્જનહારને એક મામૂલી ઇન્સાન શું આપી શકે? મનુષ્ય પાસેથી ઈશ્વરને કોઈ ભેટ કે મદદની જરૂર નથી. સમય જતાં, હાબેલ એક મહત્ત્વનું સત્ય શીખ્યા: પોતાની પાસે જે સૌથી સારું છે, એ સારા ઇરાદાથી પ્રેમાળ પિતા યહોવાને આપીએ તો તે બહુ રાજી થશે.

હાબેલે પૂરી શ્રદ્ધાથી અર્પણ કર્યું; કાઈને એમ ન કર્યું

૨૦, ૨૧. કાઈન અને હાબેલે યહોવાને કયાં અર્પણો ચડાવ્યાં? યહોવાને એ વિશે કેવું લાગ્યું?

૨૦ હાબેલે પોતાના ટોળામાંથી અમુક ઘેટાંનું બલિદાન ચડાવવાની તૈયારી કરી. તેમણે સૌથી સારાં, એટલે કે પ્રથમ જન્મેલાં ઘેટાં પસંદ કર્યાં અને એ ઘેટાંના સૌથી સારા ભાગોનું બલિદાન ચડાવ્યું. એ દરમિયાન, કાઈન પણ ઈશ્વરની કૃપા અને આશીર્વાદ મેળવવા ચાહતો હોવાથી, તેણે પોતાની ખેતીવાડીમાંથી અર્પણ તૈયાર કર્યું. પણ, તેના ઇરાદા હાબેલ જેવા નેક ન હતા. બંને ભાઈઓએ અર્પણ ચડાવ્યાં ત્યારે, એ તફાવત દેખાઈ આવ્યો.

૨૧ આદમના બંને દીકરાઓએ પોતાનાં અર્પણો ચડાવવાં વેદીઓ અને આગનો ઉપયોગ કર્યો હશે. કદાચ તેઓએ કરૂબોની નજર આગળ એમ કર્યું હશે, કેમ કે એ સમયે ધરતી પર ફક્ત તેઓ જ યહોવાને રજૂ કરનારા ભક્તો હતા. એ વિશે યહોવાને કેવું લાગ્યું? આપણે વાંચીએ છીએ: “યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં.” (ઉત. ૪:૪) યહોવાએ કઈ રીતે એમ કર્યું, એ બાઇબલ જણાવતું નથી.

૨૨, ૨૩. યહોવાએ કેમ હાબેલ પર કૃપા બતાવી?

૨૨ ઈશ્વરે કેમ હાબેલ પર કૃપા બતાવી? શું બલિદાનને કારણે? હાબેલે જીવંત પ્રાણીનું કીમતી લોહી વહેવડાવીને બલિદાન ચડાવ્યું હતું. શું હાબેલને ખબર હતી કે ભાવિમાં એવું અર્પણ કેટલું મૂલ્યવાન ગણાશે? હાબેલ થઈ ગયા એની સદીઓ પછી, ઈશ્વરે કોઈ ખોડખાંપણ વગરના ઘેટાનું બલિદાન ચડાવવા વિશે જણાવ્યું હતું, જે ઈશ્વરના સંપૂર્ણ દીકરાના બલિદાનને રજૂ કરે છે. એ દીકરાને “ઈશ્વરનું ઘેટું” પણ કહેવામાં આવે છે, જેમનું નિર્દોષ લોહી વહેવડાવવામાં આવવાનું હતું. (યોહા. ૧:૨૯; નિર્ગ. ૧૨:૫-૭) જોકે, એ બધું હાબેલના જ્ઞાન અને સમજણની બહાર હતું.

૨૩ પણ એક વાત આપણે નક્કી જાણીએ છીએ: હાબેલ પાસે જે હતું એમાંથી તેમણે સૌથી સારું આપ્યું. યહોવાએ ફક્ત બલિદાન પર જ નહિ, હાબેલ પર પણ કૃપા બતાવી. યહોવા પર પ્રેમ અને પૂરી શ્રદ્ધા હોવાથી હાબેલે બલિદાન ચડાવ્યું હતું.

૨૪. (ક) કાઈનના અર્પણમાં કોઈ ખોટ ન હતી, એવું શા માટે કહી શકાય? (ખ) કઈ રીતે કાઈન આજના ઘણા લોકો જેવો હતો?

૨૪ કાઈનનો કિસ્સો અલગ હતો. યહોવાએ “કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યાં નહિ.” (ઉત. ૪:૫) એવું ન હતું કે કાઈનના અર્પણમાં કોઈ ખોટ હતી; સમય જતાં, ઈશ્વરના નિયમમાં જમીનની પેદાશનું અર્પણ ચડાવવાની છૂટ અપાઈ હતી. (લેવી. ૬:૧૪, ૧૫) પરંતુ, બાઇબલ કહે છે કે કાઈનનાં “કાર્યો દુષ્ટ હતાં.” (૧ યોહાન ૩:૧૨ વાંચો.) આજે પણ ઘણા લોકો કરે છે તેમ, કાઈને વિચાર્યું હશે કે ભક્તિનો દેખાડો કરવો પૂરતો છે. યહોવા માટે સાચી શ્રદ્ધાની અને પ્રેમની ખોટ જલદી જ તેનાં કામોમાં દેખાઈ આવી.

૨૫, ૨૬. યહોવાએ કાઈનને કઈ ચેતવણી આપી? કાઈને શું કર્યું?

૨૫ જ્યારે કાઈને જોયું કે પોતાને યહોવાની કૃપા નથી મળી, ત્યારે શું તેણે હાબેલના દાખલામાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કર્યો? ના. અરે, પોતાના ભાઈ માટે તેના દિલમાં નફરતની આગ સળગી ઊઠી. યહોવાએ જોયું કે કાઈનના દિલમાં શું ચાલે છે અને ધીરજથી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે ચેતવણી આપી કે તેના વિચારો મોટું પાપ કરવા તરફ દોરી જશે. તેમણે કાઈનને આશા આપી કે તે પોતાના વિચારો બદલે તો તે “માન્ય” થશે.—ઉત. ૪:૬, ૭.

૨૬ કાઈને ઈશ્વરની ચેતવણી કાને ન ધરી. તે પોતાના નાના ભાઈને ખેતરમાં ફરવા લઈ ગયો, જેમને કાઈન પર પૂરો ભરોસો હતો. ત્યાં કાઈને હાબેલ પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. (ઉત. ૪:૮) આ રીતે હાબેલ ધાર્મિક સતાવણીનો ભોગ બનનાર પહેલા શહીદ હતા. તે મરણ પામ્યા, પણ યહોવા તેમને ભૂલી ગયા નહિ.

૨૭. (ક) હાબેલને સજીવન કરવામાં આવશે એવી આપણને કેમ ખાતરી છે? (ખ) એક દિવસ હાબેલને મળવા માટે આપણે શું કરવું જોઈએ?

૨૭ યહોવા પાસે હાબેલનું લોહી જાણે કે વેર વાળવાની અથવા ન્યાયની માંગ કરતું હતું. ઈશ્વરે અદ્દલ ઇન્સાફ કર્યો અને દુષ્ટ કાઈનને તેના ગુનાની સજા ફટકારી. (ઉત. ૪:૯-૧૨) સૌથી મહત્ત્વનું તો હાબેલની શ્રદ્ધાનો અહેવાલ આજે બોલે છે. તેમનું જીવન કદાચ સોએક વર્ષનું હતું, જે એ સમયના મનુષ્ય માટે ટૂંકું કહેવાય. પણ, હાબેલ એવી રીતે જીવ્યા કે તેમણે ઈશ્વરનું દિલ જીતી લીધું. મરણ અગાઉ તે જાણતા હતા કે યહોવા પિતા તેમને ખૂબ ચાહે છે અને તેમની કૃપાનો હાથ પોતાના પર છે. (હિબ્રૂ. ૧૧:૪) એટલે, આપણને ખાતરી છે કે યહોવા હાબેલને ચોક્કસ યાદ રાખશે અને બાગ જેવી સુંદર પૃથ્વી પર સજીવન કરશે. (યોહા. ૫:૨૮, ૨૯) શું તમે તેમને ત્યાં મળશો? હાબેલ બોલે છે તેમ, જો તેમનું સાંભળશો અને તેમની અડગ શ્રદ્ધાને પગલે ચાલશો, તો તમે જરૂર તેમને મળી શકશો.

^ ફકરો. 5 “દુનિયાનો પાયો નંખાયો” શબ્દોમાં બી નાખવાનો સમાવેશ થાય છે, જે ઊગવાને સૂચવે છે. એ શરૂઆતના મનુષ્યના સંતાનની વાત કરે છે. જોકે, “દુનિયાનો પાયો નંખાયો” એ શબ્દોને ઈસુ કેમ પ્રથમ સંતાન કાઈન સાથે નહિ, પણ હાબેલ સાથે જોડે છે? કાઈનનાં નિર્ણયો અને કામો બતાવતાં હતાં કે તેણે જાણીજોઈને યહોવાની વિરુદ્ધ બળવો કર્યો. એવું માનવું વાજબી છે કે તેનાં માબાપની જેમ, કાઈન પણ સજીવન કરાશે નહિ કે તેને માફી પણ મળશે નહિ.