સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ પંદર

તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી

તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી

૧-૩. (ક) એસ્તેરને પોતાના પતિ આગળ જતાં કેમ ગભરામણ થતી હતી? (ખ) આપણે એસ્તેર વિશે કયા સવાલો પર વિચાર કરીશું?

એસ્તેર સૂસાના મહેલના અંદરના ચોકમાં પ્રવેશી રહી છે. તે પોતાના દિલને શાંત પાડવા કોશિશ કરે છે, પણ એ સહેલું નથી. એ મહેલની રચના નવાઈ પમાડનારી છે. એમાં પાંખોવાળા બળદો, તીરંદાજો અને સિંહોનાં વિવિધ રંગનાં શિલ્પકામો છે; રંગબેરંગી ઈંટોની દીવાલો છે; સુંદર કોતરકામ કરેલા પથ્થરના સ્તંભો અને મોટી મોટી ઢાળેલી મૂર્તિઓ છે. એ મહેલ બરફથી ઢંકાયેલા ઝાગ્રોસ પહાડો પાસે ઊંચા મેદાની વિસ્તાર પર આવેલો છે. ત્યાંથી નીચે કોઆસ્પેસ નદીનું કાચ જેવું ચોખ્ખું પાણી વહેતું દેખાય છે. આ બધું ત્યાં આવનાર દરેકને યાદ અપાવવા માટે છે કે ત્યાંનો સત્તાધીશ ઘણો શક્તિશાળી છે. તે પોતાને “મહાન રાજા” કહેવડાવે છે. એસ્તેર તેને જ મળવા જઈ રહી છે, જે તેનો પતિ પણ છે.

એસ્તેરનો પતિ! ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારી કોઈ પણ યહુદી છોકરી જેવા પતિની તમન્ના રાખે છે એનાથી અહાશ્વેરોશ કેટલો અલગ છે! * તે ઈબ્રાહીમ જેવા ઈશ્વરભક્તોને પગલે ચાલતો નથી. ઈબ્રાહીમે તો ઈશ્વરનું સાંભળીને પોતાની પત્ની સારાહની વાત માની હતી. (ઉત. ૨૧:૧૨) એ રાજાને એસ્તેરના ઈશ્વર, યહોવા અથવા તેમના નિયમશાસ્ત્ર વિશે થોડી-ઘણી કે જરાય ખબર નથી. જોકે, અહાશ્વેરોશ ઈરાની નિયમો જાણે છે. એમાંનો એક નિયમ જેની મના કરે છે, એ જ કરવા એસ્તેર જઈ રહી છે. એ કયો નિયમ છે? એ નિયમ એવો છે કે ઈરાની મહારાજાના હુકમ વગર કોઈ પણ વ્યક્તિ તેની સામે જાય તો, તે મોતને લાયક ગણાય. એસ્તેર એવા કોઈ હુકમ વગર રાજા સામે જઈ રહી છે. મહેલના અંદરના ચોકમાં પ્રવેશે છે તેમ, તેને લાગે છે કે પોતે મોતના મોંમાં જઈ રહી છે.—એસ્તેર ૪:૧૧; ૫:૧ વાંચો.

એસ્તેરે કેમ આવું જોખમ ઉઠાવ્યું? એ અજોડ સ્ત્રીની શ્રદ્ધામાંથી આપણે શું શીખી શકીએ? પહેલા તો, ચાલો આપણે જોઈએ કે ઈરાનની રાણી બનવું પડે, એવા સંજોગોમાં એસ્તેર કઈ રીતે આવી પડી.

એસ્તેરનું બાળપણ

૪. એસ્તેરના કુટુંબ વિશે જણાવો. તે કઈ રીતે પોતાના ભાઈ મોર્દખાયના ઘરે રહેવા આવી?

એસ્તેર અનાથ હતી. આપણે તેનાં માબાપ વિશે બહુ જાણતા નથી. તેઓએ તેનું નામ હદાસ્સાહ રાખ્યું હતું, જે એક પ્રકારની મેંદીના છોડ માટેનો હિબ્રૂ શબ્દ છે, જેના પર સફેદ સુગંધી ફૂલો થાય છે. એસ્તેરનાં માબાપ ગુજરી ગયા ત્યારે, માયાળુ મોર્દખાયને આ નાની બાળકીની દયા આવી. તે એસ્તેરના પિતરાઈ ભાઈ હતા અને ઉંમરમાં ઘણા મોટા હતા. તે એસ્તેરને પોતાના ઘરે લઈ આવ્યા અને દીકરીની જેમ તેની સંભાળ રાખી.—એસ્તે. ૨:૫-૭, ૧૫.

મોર્દખાયને પોતાની દત્તક દીકરી પર બહુ જ ગર્વ હતો

૫, ૬. (ક) મોર્દખાયે એસ્તેરને કઈ રીતે મોટી કરી? (ખ) સૂસામાં એસ્તેર અને મોર્દખાયનું જીવન કેવું હતું?

ઈરાનની રાજધાનીમાં આશરો લેનારા યહુદીઓમાં મોર્દખાય અને એસ્તેર પણ હતાં. ત્યાં યહુદીઓ પોતાનો ધર્મ અને નિયમશાસ્ત્ર પાળવાની કોશિશ કરતા હતા. એના લીધે કદાચ તેઓ સાથે અમુક હદે ભેદભાવ રાખવામાં આવતો હશે. પરંતુ, એસ્તેરના પિતરાઈ ભાઈ તેને દયાળુ અને પ્રેમાળ ઈશ્વર યહોવા વિશે શીખવતા રહ્યા. જેમ કે, યહોવાએ અગાઉ ઘણી વાર પોતાના લોકોને મુસીબતોમાંથી બચાવ્યા હતા અને તે ફરીથી એમ જરૂર કરશે. આવી વાતચીતથી એ ભાઈ-બહેનનો સંબંધ હજુ વધારે મજબૂત થયો. (લેવી. ૨૬:૪૪, ૪૫) દેખીતું છે કે એસ્તેર અને મોર્દખાય વચ્ચે પ્રેમાળ અને અતૂટ બંધન બંધાતું ગયું.

મોર્દખાય સૂસાના મહેલમાં એક અધિકારી તરીકે કામ કરતા હતા. એટલે, રાજાના બીજા સેવકો સાથે મહેલના દરવાજે કાયમ ઊઠવા-બેસવાનું થતું. (એસ્તે. ૨:૧૯, ૨૧; ૩:૩) આપણને ચોક્કસ ખબર નથી કે નાનકડી એસ્તેર કઈ રીતે પોતાનો સમય વિતાવતી હતી. પણ આવી કલ્પના કરવી ખોટી નથી કે તેણે મોટી ઉંમરના પોતાના ભાઈની અને તેમના ઘરની જરૂર સારી રીતે સંભાળ રાખી હશે. તેઓનું ઘર કદાચ રાજાના મહેલથી દૂર, નદીને પેલે પાર સામાન્ય લોકોની વસાહતમાં હતું. એસ્તેરને સૂસાના બજારમાં જવાનું ગમતું હશે, જ્યાં સોના-ચાંદીની અને બીજી ચીજવસ્તુઓની દુકાનો હતી. એસ્તેરે સપનેય વિચાર્યું નહિ હોય કે આગળ જતાં આવી મોંઘી મોંઘી વસ્તુઓ તેના માટે મામૂલી બની જશે; તેને જરાય અંદાજ ન હતો કે તેનું જીવન કેવો વળાંક લેશે.

તે દેખાવે સુંદર હતી

૭. વાશ્તીને કેમ રાણીપદેથી હટાવી દેવામાં આવી અને એનું પરિણામ શું આવ્યું?

એક દિવસ, રાજાના મહેલમાં એવું કંઈક બન્યું, જેના વિશે આખા સૂસા શહેરમાં ગપસપ થવા લાગી. અહાશ્વેરોશે એક મોટી મિજબાની રાખી હતી. એમાં તેણે મોટા મોટા અધિકારીઓને ખાણી-પીણીનો જલસો કરાવ્યો. પછી, રાજાએ પોતાની સુંદર રાણી વાશ્તીને ત્યાં આવવાનો હુકમ કર્યો, જે બીજી સ્ત્રીઓ સાથે અલગથી મિજબાની માણી રહી હતી. પરંતુ, વાશ્તીએ આવવાની ના પાડી દીધી. પોતે નીચું જોવું પડ્યું હોવાથી, રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું કે વાશ્તીને કેવી સજા કરવી. એનું પરિણામ એ આવ્યું કે તેને રાણીપદેથી હટાવી દેવાઈ. રાજાના ચાકરો ચારે બાજુ સુંદર યુવાન કુમારિકાઓની શોધમાં નીકળી પડ્યા; તેઓમાંથી રાજા નવી રાણીની પસંદગી કરવાનો હતો.—એસ્તે. ૧:૧–૨:૪.

૮. (ક) એસ્તેર મોટી થઈ તેમ મોર્દખાયને કેમ ચિંતા થવા લાગી હશે? (ખ) શરીરની સુંદરતા વિશે બાઇબલની યોગ્ય સલાહ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? (નીતિવચનો ૩૧:૩૦ પણ જુઓ.)

આપણે કલ્પના કરી શકીએ કે મોર્દખાય અવાર-નવાર એસ્તેરને કેટલા હેતથી જોતા હશે! તેના પર થતા ગર્વની સાથે સાથે એ ચિંતા પણ હશે કે પોતાની નાનકડી બહેન હવે મોટી થઈ ગઈ હતી. તે અતિ સ્વરૂપવાન અને નમણી હતી. આપણે વાંચીએ છીએ કે, “તે કુમારિકા સુંદર કાંતિની તથા ફૂટડી હતી.” (એસ્તે. ૨:૭) બાઇબલ સુંદરતાને યોગ્ય નજરે જુએ છે. ખરું કે સુંદર હોવું સારું કહેવાય, પણ એની સાથે સમજણ અને નમ્રતા પણ હોવી જ જોઈએ. જો એમ નહિ હોય, તો દિલમાં ઘમંડ અને ગુમાન જેવા ખરાબ ગુણો ફૂલશે-ફાલશે. (નીતિવચનો ૧૧:૨૨ વાંચો.) શું તમે ક્યારેય એમ થતા જોયું છે? સુંદર હોવાને લીધે શું એસ્તેર નમ્ર રહેશે કે પછી ફુલાઈને ઘમંડી બનશે? આવનાર સમય જ એનો જવાબ આપશે.

૯. (ક) રાજાના ચાકરોએ એસ્તેરને જોઈ ત્યારે શું બન્યું? મોર્દખાય અને એસ્તેર માટે વિખૂટા પડવું કેમ બહુ કઠિન હતું? (ખ) મોર્દખાયે કેમ એસ્તેરને એવા માણસ સાથે લગ્ન કરવા દીધા, જે યહોવાનો ભક્ત ન હતો? (બૉક્સ પણ જુઓ.)

રાજાના ચાકરોએ એસ્તેરને જોઈ. તેઓ તેને મોર્દખાય પાસેથી દૂર નદી પાર ભવ્ય મહેલમાં લઈ ગયા. (એસ્તે. ૨:૮) મોર્દખાય અને એસ્તેર માટે આ રીતે વિખૂટા પડવું કેટલું કઠિન હશે, કેમ કે તેઓ તો બાપ-દીકરી જેવા હતા. મોર્દખાયે કદીયે પોતાની દત્તક દીકરીને એવા કોઈ સાથે પરણવા દીધી ન હોત, જે યહોવાનો ભક્ત ન હોય, પછી ભલેને એ રાજા હોય. પણ, આ તેમના હાથ બહારની વાત હતી. * એસ્તેરને લઈ જવામાં આવી એના પહેલાં, મોર્દખાયે આપેલી સલાહનો એકેએક શબ્દ તેણે ધ્યાનથી સાંભળ્યો હશે. સૂસાના મહેલમાં લઈ જવાતી હતી ત્યારે, એસ્તેરના મનમાં સવાલોની ઝડી વરસતી હશે. હવે, તેની આગળ કેવું જીવન રહેલું હતું?

‘એસ્તેરને જોઈને સર્વએ તેનાં વખાણ કર્યાં’

૧૦, ૧૧. (ક) નવા વાતાવરણની એસ્તેર પર કેવી અસર પડવાની શક્યતા હતી? (ખ) એસ્તેરની ચિંતા હોવાથી મોર્દખાયે શું કર્યું?

૧૦ એસ્તેરની દુનિયા બદલાઈ ગઈ. ઈરાનના સામ્રાજ્યમાં ચારે બાજુથી “ઘણી કુમારિકાઓને” ભેગી કરવામાં આવી, જેઓમાંની એક એસ્તેર હતી. તેઓના રીત-રિવાજો, ભાષાઓ અને વર્તનમાં ઘણો ફરક હતો. તેઓને હેગે નામના અધિકારીના હાથમાં સોંપવામાં આવી. એ બધી છોકરીઓએ પોતાની સુંદરતા નિખારવા ખાસ માવજતમાંથી પસાર થવું પડતું. એક વર્ષ સુધી તેઓને આ રીતે તૈયાર કરવામાં આવતી. એમાં જાતજાતનાં ખુશબોદાર તેલથી મસાજ પણ આપવામાં આવતો. (એસ્તે. ૨:૮, ૧૨) આવાં વાતાવરણ અને જીવનને લીધે, એ યુવાન છોકરીઓ વધારે સુંદર દેખાવા જાણે પાગલ બની જતી. તેઓમાં અભિમાન અને હરીફાઈનું વલણ સામાન્ય હતું. એસ્તેર પર એની કેવી અસર પડી?

૧૧ એસ્તેર માટે જો કોઈને સૌથી વધારે ચિંતા હોય, તો એ મોર્દખાયને હતી. આપણે વાંચીએ છીએ કે તે રોજ સ્ત્રીઓના ઘરના આંગણામાં અવર-જવર કરતા અને એસ્તેરના હાલચાલ જાણવાનો પ્રયત્ન કરતા. (એસ્તે. ૨:૧૧) મોર્દખાયને એ ઘરના કોઈ સારા નોકર-ચાકર પાસેથી થોડી-ઘણી વાતો કાને પડતી હશે. એ સાંભળીને એક પિતાની જેમ તે ફૂલ્યા સમાતા નહિ હોય. શા માટે?

૧૨, ૧૩. (ક) આસપાસના લોકો પર એસ્તેરની કેવી છાપ પડી હતી? (ખ) એસ્તેરે પોતાના યહુદી સમાજ વિશે કોઈને જણાવ્યું ન હતું, એ જાણીને મોર્દખાયને કેમ ખુશી થઈ હશે?

૧૨ અધિકારી હેગેને એસ્તેર એટલી ગમી ગઈ કે તેના પર અપાર કૃપા બતાવી. હેગેએ એસ્તેરની સેવામાં સાત યુવાન દાસીઓ આપી અને સ્ત્રીઓના ઘરમાં તેને રહેવા માટે સૌથી સારી જગ્યા આપી. અહેવાલ આમ પણ જણાવે છે: “જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેના વખાણ કર્યા.” (એસ્તે. ૨:૯, ૧૫) શું તેની સુંદરતાને લીધે જ બધા પર આટલી ઊંડી છાપ પડી હતી? ના, એસ્તેરમાં એનાથી કંઈક વધારે હતું.

એસ્તેરને ખબર હતી કે બહારના દેખાવ કરતાં, નમ્રતા અને સમજણ વધારે મહત્ત્વની છે

૧૩ દાખલા તરીકે, આપણે વાંચીએ છીએ: “એસ્તેરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ; કેમ કે મોર્દખાયે તેને તેમ કરવાની મના કરી હતી.” (એસ્તે. ૨:૧૦) મોર્દખાયે તેને પોતાના યહુદી સમાજ વિશે બીજાઓ સાથે સાવધાનીથી વર્તવા જણાવ્યું હતું. એમાં કોઈ શંકા નથી કે તેમણે ઈરાની રાજદરબારમાં પોતાના લોકો વિરુદ્ધ ભેદભાવ થતો જોયો હતો. મોર્દખાયને એ જાણીને કેટલી ખુશી થઈ હશે કે ભલે એસ્તેર પોતાની નજર આગળ ન હતી, છતાંય તે હજુ પણ એવી જ સમજુ અને કહ્યાગરી દીકરી હતી!

૧૪. આજે યુવાનો એસ્તેરના દાખલાને કઈ રીતે અનુસરી શકે?

૧૪ એ જ પ્રમાણે, આજે યુવાનો પોતાનાં મમ્મી-પપ્પાના અને પોતાને ઉછેરનારના દિલને ખુશીઓથી ભરી દઈ શકે. ભલે તેઓ મમ્મી-પપ્પાની નજરથી દૂર હોય, ભલે તેઓ નકામા, ખરાબ જીવન જીવતા કે હિંસક લોકોની વચ્ચે હોય, તોપણ તેઓ કાદવમાં કમળની જેમ ખરાબ અસરથી બેદાગ રહી શકે છે. તેઓ ખરાં ધોરણોને વળગી રહી શકે છે. એમ કરીને તેઓ એસ્તેરની જેમ, યહોવાનું દિલ ખુશ કરે છે.—નીતિવચનો ૨૭:૧૧ વાંચો.

૧૫, ૧૬. (ક) એસ્તેરે કઈ રીતે રાજાનો પ્રેમ જીતી લીધો? (ખ) એસ્તેરના જીવનમાં આવેલું બદલાણ કઈ રીતે પડકારમય હતું?

૧૫ પછી, રાજા પાસે જવાનો એસ્તેરનો વારો આવ્યો. તેને જે ચીજવસ્તુઓની જરૂર લાગે એ પસંદ કરવાની છૂટ આપવામાં આવી, જે કદાચ તેને વધારે સુંદર બનાવવા હોય શકે. જોકે, હેગેએ તેને જે જણાવ્યું હતું, એમાં જ સંતોષ માનીને તેણે બીજું કશું જ માંગ્યું નહિ. (એસ્તે. ૨:૧૫) કદાચ તે સમજતી હતી કે ફક્ત સુંદરતાથી રાજાનું દિલ જીતી શકાશે નહિ; તેને લાગ્યું કે નમ્રતા અને સાદગી વધારે મૂલ્યવાન સાબિત થશે, જે રાજદરબારમાં ભાગ્યે જ જોવા મળતી. શું તેનું માનવું સાચું હતું?

૧૬ અહેવાલ જવાબ આપે છે: “રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રીતિ રાખી, અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની રાખી; માટે તેણે તેને માથે રાજમુગટ પહેરાવીને વાશ્તીને ઠેકાણે તેને રાણી ઠરાવી.” (એસ્તે. ૨:૧૭) અચાનક આવેલા બદલાણથી આ નમ્ર યહુદી છોકરીના જીવનમાં ઘણા પડકારો ઊભા થયા હશે. હવે, તે નવી રાણી હતી; એ સમયના સૌથી શક્તિશાળી મહારાજાની પત્ની! શું એ નવી પદવીને લીધે તે અભિમાનથી ફૂલાઈ ગઈ? બિલકુલ નહિ!

૧૭. (ક) એસ્તેરે કઈ રીતોએ મોર્દખાયની આજ્ઞાઓ પાળી? (ખ) આજે એસ્તેરનો દાખલો આપણા માટે કેમ મહત્ત્વનો છે?

૧૭ એસ્તેર હજુ પણ પાલક પિતા, મોર્દખાયનું કહેવું માનતી હતી. તેણે યહુદી લોકો સાથેનો પોતાનો સંબંધ ખાનગી રાખ્યો હતો. વધુમાં, મોર્દખાયે અહાશ્વેરોશની હત્યાનું કાવતરું એસ્તેર સામે ખુલ્લું પાડ્યું ત્યારે, તેણે તરત જ એ વિશે રાજાને ચેતવી દીધો અને કાવતરાખોરો નિષ્ફળ ગયા. (એસ્તે. ૨:૨૦-૨૩) તેને હજુ પણ પોતાના ઈશ્વરમાં શ્રદ્ધા હતી અને તે નમ્ર બનીને આજ્ઞાઓ પાળતી રહી. આજે એસ્તેરને પગલે ચાલવું આપણા માટે બહુ મહત્ત્વનું છે, કેમ કે મોટા ભાગે લોકો આજ્ઞા પાળવામાં માનતા જ નથી. એના બદલે, નિયમો તોડવામાં અને બંડખોર બનવામાં તેઓ શાણપણ માને છે! પરંતુ, સાચી શ્રદ્ધા કેળવતા લોકો એસ્તેરની જેમ આજ્ઞાપાલનને કીમતી ગણે છે.

એસ્તેરની અગ્નિ-પરીક્ષા

૧૮. (ક) મોર્દખાયે કેમ હામાન આગળ નમવાની ના પાડી હોય શકે? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) શ્રદ્ધા રાખનારાં સ્ત્રી-પુરુષો આજે કઈ રીતે મોર્દખાયના દાખલાને અનુસરે છે?

૧૮ અહાશ્વેરોશના રાજદરબારમાં હામાન નામે એક માણસને ઊંચી પદવી મળી. રાજાએ હામાનને વડાપ્રધાન અને પોતાનો મુખ્ય સલાહકાર બનાવ્યો; સામ્રાજ્યમાં પોતાનાથી બીજા નંબરે બેસાડ્યો. રાજાએ એવું ફરમાન પણ બહાર પાડ્યું કે આ અધિકારીને જોઈને લોકો તેને નમન કરે. (એસ્તે. ૩:૧-૪) એ નિયમે મોર્દખાય માટે મુસીબત ઊભી કરી. તે રાજાની આજ્ઞાઓ પાળવામાં માનતા હતા, પણ ઈશ્વરનું અપમાન કરીને નહિ. હામાન અગાગી હતો. તે અમાલેકી રાજા અગાગના વંશનો હતો, જેને પ્રબોધક શમૂએલે મારી નાખ્યો હતો. (૧ શમૂ. ૧૫:૩૩) અમાલેકીઓ એટલા દુષ્ટ હતા કે તેઓ યહોવાના અને ઇઝરાયેલના દુશ્મનો બન્યા હતા. પ્રજા તરીકે અમાલેકીઓ ઈશ્વર આગળ મોતની સજાને લાયક ઠર્યા હતા. * (પુન. ૨૫:૧૯) ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર યહુદી કઈ રીતે એવા અમાલેકી આગળ નમન કરી શકે? મોર્દખાય એમ કરી શકતા ન હતા. તેમણે એમ કરવાની ચોખ્ખી ના પાડી. શ્રદ્ધા રાખનારાં સ્ત્રી-પુરુષો આજે પણ જીવના જોખમે આ સિદ્ધાંત પાળે છે: “માણસોના બદલે અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રે.કા. ૫:૨૯.

૧૯. હામાન શું કરવા માંગતો હતો અને એ વાત રાજાના ગળે ઉતારવા તેણે શું કર્યું?

૧૯ હામાનનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. પણ, તેના માટે એટલું બસ ન હતું કે એકલા મોર્દખાયને મારી નાખે. હામાન તો મોર્દખાયની કોમના બધા લોકોનું નામોનિશાન મિટાવી દેવા માંગતો હતો! તેણે રાજાના ગળે એ વાત ઉતારવા યહુદીઓની કોમ પર કાદવ ઉછાળવાનું શરૂ કરી દીધું. તેઓનું નામ લીધા વગર, તેણે સમજાવ્યું કે રાજા માટે તેઓ કંઈ મહત્ત્વના નથી; તેઓ તો “લોકોમાં પ્રસરેલી તથા વિખેરાએલી એક પ્રજા” છે. એટલું ઓછું હોય એમ, તેણે કહ્યું કે તેઓ રાજાના નિયમો પાળતા નથી; એટલે, એ બળવાખોરો જોખમી છે. ઈરાની સામ્રાજ્યમાં આવેલા બધા યહુદીઓની કત્લેઆમ કરવાનો ખર્ચો પૂરો પાડવા માટે હામાને એક સૂચન કર્યું. તેણે જણાવ્યું કે તે પોતે રાજાના ભંડારમાં મોટી રકમનું દાન આપશે. * અહાશ્વેરોશ રાજી થઈ ગયો અને પોતાની મુદ્રિકા હામાનને આપી, જેથી તે પોતાના મનમાં હોય એ દરેક હુકમ પર રાજાની મહોર મારી શકે.—એસ્તે. ૩:૫-૧૦.

૨૦, ૨૧. (ક) હામાનના સંદેશાની મોર્દખાય અને ઈરાની સામ્રાજ્યના યહુદીઓ પર કેવી અસર પડી? (ખ) મોર્દખાયે એસ્તેરને શાની અરજ કરી?

૨૦ જલદી જ વિશાળ સામ્રાજ્યના ખૂણે-ખૂણે ઘોડેસવારોને સંદેશો લઈને મોકલવામાં આવ્યા; એ સંદેશો યહુદી લોકોના મોતનું ફરમાન હતો. કલ્પના કરો, દૂર આવેલા યરૂશાલેમ પર એ સંદેશાની કેવી અસર પડી હશે! બચી ગયેલા થોડાક યહુદીઓ બાબેલોનની ગુલામીમાંથી ત્યાં પાછા ફર્યા હતા. તેઓ મહા-મુસીબતે ફરીથી શહેરનું બાંધકામ કરતા હતા. રક્ષણ માટે શહેરની દીવાલ પણ ન હતી. મોર્દખાયે આ ભયાનક સમાચાર સાંભળ્યા ત્યારે, તેમને કદાચ તેઓનો વિચાર આવ્યો હશે. સૂસામાં રહેતાં પોતાનાં મિત્રો અને સગાંવહાલાંનો પણ વિચાર આવ્યો હશે. તે દુઃખી દુઃખી થઈ ગયા; તેમણે પોતાનાં કપડાં ફાડ્યાં અને તાટ પહેર્યું; પોતાના માથે રાખ ચોળી અને શહેરમાં મોટે અવાજે પોક મૂકીને રડ્યા. જોકે, હામાન તો બિનધાસ્ત થઈને રાજા સાથે શરાબની લહેજત માણતો હતો. સૂસામાં ઘણા યહુદીઓ અને તેઓના મિત્રો પર આફતનું તોફાન લાવ્યા પછી, એનાથી મચી ગયેલા ખળભળાટની તેને જરાય પડી ન હતી.—એસ્તેર ૩:૧૨–૪:૧ વાંચો.

૨૧ મોર્દખાય જાણતા હતા કે પોતે જરૂર કંઈ કરવું પડશે. પરંતુ, તે કરે પણ શું? એસ્તેરે મોર્દખાયની હાલત વિશે સાંભળીને તેમનાં માટે કપડાં મોકલ્યાં. પણ, મોર્દખાયે કોઈ દિલાસો લેવાની ના પાડી. તે કદાચ લાંબા સમયથી એ સમજવા મથતા હતા કે ઈશ્વર યહોવાએ કેમ વહાલી એસ્તેરને પોતાનાથી દૂર થવા દીધી; તેમણે કેમ તેને બીજા દેવ-દેવીઓના ઉપાસક રાજાની રાણી બનવા દીધી. આખરે, એનું કારણ હવે સમજાઈ રહ્યું હતું. મોર્દખાયે રાણીને સંદેશો મોકલ્યો; તેમણે એસ્તેરને અરજ કરી કે તે “પોતાના લોકને માટે” રાજા પાસે જઈને વિનંતી કરે.—એસ્તે. ૪:૪-૮.

૨૨. એસ્તેરને પોતાના પતિ, અહાશ્વેરોશ રાજા પાસે જતાં કેમ ગભરામણ થતી હતી? (ફૂટનોટ પણ જુઓ.)

૨૨ મોર્દખાયનો સંદેશો સાંભળીને એસ્તેરનું દિલ ધબકારો ચૂકી ગયું હશે. આ તેની શ્રદ્ધાની સૌથી મોટી કસોટી હતી. તેણે મોર્દખાયને મોકલેલા જવાબમાં ખુલ્લા દિલે જણાવ્યું તેમ, તે ગભરાતી હતી. તેણે મોર્દખાયને રાજાનો નિયમ યાદ કરાવ્યો. રાજાની આગળ હુકમ થયા વગર જવું, મોતના મોંમાં જવા બરાબર હતું. જો રાજા સોનાનો રાજદંડ ધરે તો જ મોતની સજાથી બચી જવાય. શું એસ્તેર પાસે એવું માનવાનું કારણ હતું કે રાજા તેને બચાવી લેશે? વાશ્તીએ રાજાની આગળ હાજર થવાનો હુકમ માન્યો નહિ, એનું પરિણામ નજર આગળ જ હતું. એસ્તેરે મોર્દખાયને એ પણ જણાવ્યું કે રાજાએ છેલ્લા ૩૦ દિવસથી તેને બોલાવી નથી! એ રાજા તો ધૂની હતો. એટલે, એસ્તેરને લાગ્યું હશે કે રાજાનું મન પોતાના પરથી ઊતરી તો નથી ગયું ને! *એસ્તે. ૪:૯-૧૧.

૨૩. (ક) એસ્તેરની શ્રદ્ધા મક્કમ કરવા મોર્દખાયે શું કહ્યું? (ખ) આપણે કેમ મોર્દખાયને પગલે ચાલવું જોઈએ?

૨૩ એસ્તેરની શ્રદ્ધા મક્કમ કરવા મોર્દખાયે પૂરા ભરોસાથી જવાબ આપ્યો. તેમણે એસ્તેરને જણાવ્યું કે જો તે કોઈ પગલાં નહિ ભરે, તો યહુદીઓનો બચાવ જરૂર બીજે ક્યાંકથી થશે. પરંતુ, એક વાર સતાવણી શરૂ થયા પછી એસ્તેર પોતાને કઈ રીતે બચાવી શકશે? અહીં આપણે યહોવામાં મોર્દખાયની અડગ શ્રદ્ધા જોઈ શકીએ છીએ. યહોવા કદીયે પોતાના લોકોનો જડમૂળથી નાશ થવા નહિ દે. તે જરૂર પોતાનાં વચનો પૂરાં કરશે. (યહો. ૨૩:૧૪) પછી, મોર્દખાયે એસ્તેરને પૂછ્યું: “તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?” (એસ્તે. ૪:૧૨-૧૪) સાચે જ, આપણે મોર્દખાયને પગલે ચાલવા માંગીએ છીએ, ખરું ને! તેમણે પોતાના ઈશ્વર યહોવા પર પૂરો ભરોસો મૂક્યો. શું આપણે પણ એમ કરીએ છીએ?—નીતિ. ૩:૫, ૬.

મોતના ડર પર જીત મેળવતી શ્રદ્ધા

૨૪. એસ્તેરે કઈ રીતે શ્રદ્ધા અને હિંમત બતાવી?

૨૪ હવે, એસ્તેર માટે નિર્ણય લેવાનો સમય આવી ગયો. તેણે મોર્દખાયને કહ્યું કે પોતે ત્રણ દિવસ ઉપવાસ કરશે; તેણે એવી પણ અરજ કરી કે પોતાના વતનીઓને તેની સાથે ઉપવાસમાં જોડાવા મોર્દખાય જણાવે. તેણે છેલ્લે જે કહ્યું, એનો રણકાર આજે પણ સંભળાય છે; એસ્તેરની શ્રદ્ધા અને હિંમત બતાવતા આ શબ્દો દાદ માંગી લે એવા છે: “જો મારો નાશ થાય, તો ભલે થાય.” (એસ્તે. ૪:૧૫-૧૭) તેણે આખા જીવનમાં ન કરી હોય, એટલી પ્રાર્થનાઓ એ ત્રણ દિવસોમાં કરી હશે. આખરે એ ઘડી આવી પહોંચી. રાણીને શોભે એવી રીતે સજી-ધજીને તે તૈયાર થઈ, રાજાનું મન જીતી લેવા બનતું બધું જ કર્યું. પછી, તે રાજાને મળવા નીકળી.

ઈશ્વરના લોકોનું રક્ષણ કરવા એસ્તેરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો

૨૫. એસ્તેર પોતાના પતિ આગળ ગઈ તેમ શું બન્યું એનું વર્ણન કરો.

૨૫ આ પ્રકરણની શરૂઆતમાં જણાવ્યું તેમ, એસ્તેર મહેલના અંદરના ચોકમાં પહોંચી. કલ્પના કરી શકાય કે તેને કેવા કેવા વિચારો આવતા હશે. તે દિલોદિમાગથી પુષ્કળ પ્રાર્થના કરતી હશે. તે મહેલના અંદરના ચોકમાં પ્રવેશી, જ્યાંથી તે અહાશ્વેરોશ રાજાને તેના રાજ્યાસન પર બેઠેલો જોઈ શકતી હતી. કદાચ તેણે રાજાના મોં પરના હાવભાવ વાંચવાની કોશિશ કરી હશે. માથા અને દાઢી પરના વાળની સાચવી સાચવીને એકસરખી ગૂંથેલી ગોળ ગોળ લટોથી રાજાનો ચહેરો ઘેરાયેલો હતો. જો એસ્તેરે રાહ જોવી પડી હોય, તો એક એક પળ જાણે વર્ષો લાંબી લાગી હશે! પરંતુ, એ સમય પસાર થઈ ગયો અને તેના પતિએ તેને જોઈ. રાજાને જરૂર નવાઈ લાગી, પણ તેનો ચહેરો નરમ પડ્યો. તેણે સોનાનો રાજદંડ એસ્તેર તરફ ધર્યો!—એસ્તે. ૫:૧, ૨.

૨૬. આપણને કેમ એસ્તેર જેવી હિંમતની જરૂર છે? શા માટે એસ્તેરનું કામ હજુ શરૂ જ થયું હતું?

૨૬ એસ્તેરની વાત સાંભળવા રાજા તૈયાર હતો. એસ્તેરે પોતાના ઈશ્વર અને પોતાના લોકો માટે જાન કુરબાન કરી દેવાની તૈયારી બતાવી! ઈશ્વરના બધા ભક્તો માટે તેણે કેવો સુંદર દાખલો બેસાડ્યો! આજે આપણા માટે એવા ઈશ્વરભક્તો ઘણા અનમોલ છે. ઈસુએ કહ્યું હતું કે તેમના સાચા શિષ્યો એકબીજા પર પ્રેમ રાખતા હોવાથી, જીવ આપતા પણ અચકાશે નહિ. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.) એવા પ્રેમ માટે ઘણી વાર એસ્તેર જેવી હિંમત બતાવવી પડે. એ દિવસે એસ્તેર પોતાના લોકોને પક્ષે ઊભી રહી. પણ, હજુ તો તેનું કામ શરૂ જ થયું હતું. તે કઈ રીતે રાજા આગળ પુરવાર કરશે કે રાજાનો માનીતો સલાહકાર હામાન તો દુષ્ટ કાવતરાખોર છે? એસ્તેર પોતાના લોકોને બચાવવા શું કરી શકે? આપણે આ સવાલોના જવાબ હવે પછીના પ્રકરણમાં જોઈશું.

^ ફકરો. 2 અહાશ્વેરોશ એ જ શાસ્તા પહેલો છે, એમ જાણીતું છે. તે ઈસવીસન પૂર્વે પાંચમી સદીની શરૂઆતમાં ઈરાની સામ્રાજ્યનો સત્તાધીશ હતો.

^ ફકરો. 9 પ્રકરણ ૧૬માં “એસ્તેર વિશે સવાલો” બૉક્સ જુઓ.

^ ફકરો. 18 અમાલેકીઓના એકદમ છેલ્લા લોકોમાં હામાન હોય શકે, કેમ કે તેઓમાંના “બાકીના બચેલા” લોકો રાજા હિઝકિયાના સમયમાં માર્યા ગયા હતા.—૧ કાળ. ૪:૪૩.

^ ફકરો. 19 હામાન ૧૦,૦૦૦ તાલંત રૂપું આપવા તૈયાર હતો, જેની કિંમત આજે કરોડો રૂપિયા થાય. રાજા અહાશ્વેરોશ જો શાસ્તા પહેલો હોય, તો હામાનના એ પૈસાની ઑફર તેને ઘણી સારી લાગી હશે. શાસ્તાને પુષ્કળ પૈસાની જરૂર હતી, કેમ કે ગ્રીસ સામે તે લાંબા સમયથી યુદ્ધ કરવા માંગતો હતો, જે યુદ્ધ આખરે વિનાશક સાબિત થયું.

^ ફકરો. 22 શાસ્તા પહેલો ધૂની મગજ અને હિંસક સ્વભાવ માટે જાણીતો હતો. ગ્રીક ઇતિહાસકાર હેરોદોતસે ગ્રીસ વિરુદ્ધ શાસ્તાના યુદ્ધ સમયના અમુક દાખલા નોંધ્યા છે. રાજાએ હુકમ કર્યો કે હેલેસ્પોન્ત સમુદ્રની ખાડી ઓળંગવા હોડીઓનો કામચલાઉ પુલ બાંધવામાં આવે. તોફાનમાં એ પુલ તૂટી ગયો ત્યારે, શાસ્તાએ એને બનાવનારા ઇજનેરોનું માથું કાપી નાખવાનો હુકમ કર્યો. અરે, તેણે તો હેલેસ્પોન્તનાં પાણીને પણ “સજા આપી.” એમ કરવા તેણે પોતાના માણસો પાસે એક બાજુ અપમાનજનક શબ્દો વંચાવ્યા અને બીજી બાજુ પાણી પર ચાબખા મરાવ્યા. બીજા કિસ્સામાં, એક ધનવાન માણસે પોતાના દીકરાને લશ્કરમાં ભરતી ન કરવા તેને કાલાવાલા કર્યા. શાસ્તાએ તેના દીકરાને બે ભાગમાં કાપી નંખાવ્યો અને તેનું શરીર ચેતવણી આપવા જાહેરમાં મૂક્યું.