સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ તેર

તે પોતાની ભૂલોમાંથી શીખ્યા

તે પોતાની ભૂલોમાંથી શીખ્યા

૧, ૨. (ક) યૂના પોતાને માથે અને વહાણના ખલાસીઓને માથે કેવી આફત લાવ્યા? (ખ) યૂનાનો અહેવાલ આપણને શું શીખવી શકે?

યૂનાને થાય છે, કાશ, પોતે એ અવાજ બંધ કરી શકે. વહાણ પર કાન ફાડી નાખતો અવાજ ભારે ત્રાસ આપી રહ્યો છે. એ કંઈ વહાણનાં દોરડાં સાથે પવન અથડાવાથી થતા સુસવાટાનો અવાજ નથી. એ અવાજ ઊંચે ઊછળતાં મોજાઓનો પણ નથી, જે વહાણનાં બંને પડખે અથડાઈ રહ્યાં છે. યૂનાને ત્રાસ આપતો એ અવાજ તો ખલાસીઓ, સુકાની અને તેના સાથીઓની બૂમાબૂમનો છે, જેઓ વહાણને ડૂબતું બચાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. યૂનાને ખાતરી છે કે આ લોકો હવે મરવાની અણી પર છે અને એનું કારણ યૂના પોતે છે!

યૂના શાને લીધે આવી મુસીબતમાં આવી પડ્યા? તેમણે પોતાના ઈશ્વર યહોવાનું કહ્યું ન માનીને મોટી ભૂલ કરી છે. તેમણે શું કર્યું? યહોવા સાથેનો યૂનાનો સંબંધ શું હંમેશાં માટે તૂટી ગયો છે? એના જવાબ આપણને ઘણું શીખવી શકે છે. દાખલા તરીકે, યૂનાનો અહેવાલ આપણને શીખવે છે કે અડગ શ્રદ્ધા ધરાવતા ઈશ્વરભક્તોથી પણ ભૂલ થઈ શકે છે. જો એમ થાય, તો તેઓ પોતાની ભૂલ સુધારી શકે છે.

ગાલીલમાંથી એક પ્રબોધક

૩-૫. (ક) લોકો યૂના વિશે વિચારે છે ત્યારે, મોટા ભાગે શાના પર ધ્યાન આપે છે? (ખ) યૂના વિશે આપણે શું જાણીએ છીએ? (ફૂટનોટ પણ જુઓ.) (ગ) પ્રબોધક તરીકે સેવા આપવી યૂના માટે કેમ સહેલું કે આનંદદાયક ન હતું?

લોકો યૂના વિશે વિચારે છે ત્યારે, મોટા ભાગે તેમના ખરાબ ગુણો પર વધારે ધ્યાન આપે છે. જેમ કે, તે આધીન રહ્યા નહિ અને તે હઠીલા, જક્કી હતા. પરંતુ, યૂનાએ ઘણાં સારાં કામો કર્યાં હતાં, જેનાં પર આપણે ધ્યાન આપવું જોઈએ. યાદ કરો, યહોવા ઈશ્વરનાં પ્રબોધક તરીકે યૂનાને પસંદ કરવામાં આવ્યા હતા. જો યૂના નેક અને શ્રદ્ધાળુ ન હોત, તો યહોવાએ તેમને પસંદ કર્યા ન હોત.

ખરું કે યૂનામાં અમુક ખરાબ ગુણો હતા, પણ તેમણે ઘણાં સારાં કામો કર્યાં હતાં

યૂના વિશે બાઇબલ અમુક એવી માહિતી જણાવે છે, જેનાથી તેમના વિશે વધારે જાણવા આપણને મદદ મળે છે. (૨ રાજાઓ ૧૪:૨૫ વાંચો.) તે ગાથ-હેફેરના હતા, જે નાઝરેથથી ચારેક કિલોમીટર દૂર આવેલું છે. એ જ નાઝરેથમાં આઠેક સદીઓ પછી ઈસુનો ઉછેર થયો. * પ્રબોધક તરીકે યૂના સેવા આપતા હતા ત્યારે, ઇઝરાયેલનાં દસ કુળ પર રાજા યરોબઆમ બીજાનું રાજ હતું. એલિયા થઈ ગયા એને ઘણો સમય વીતી ગયો હતો. એલિયાનું સ્થાન લેનારા એલિશા પ્રબોધક, યરોબઆમના પિતાના રાજ દરમિયાન મરણ પામ્યા હતા. બઆલની ઉપાસનાનું નામોનિશાન મિટાવવા યહોવાએ એ પ્રબોધકોનો ઉપયોગ કર્યો હતો. છતાં, ઇઝરાયેલ ફરીથી જાણીજોઈને ખોટે માર્ગે જતું હતું. એ દેશના લોકો એવા રાજાને પગલે ચાલતા હતા, જે ‘યહોવાની દૃષ્ટિમાં ભૂંડું હોય એ કરતો હતો.’ (૨ રાજા. ૧૪:૨૪) એટલે, પ્રબોધક તરીકે સેવા આપવી યૂના માટે સહેલું કે આનંદદાયક નહિ હોય. તોપણ, તે પૂરી શ્રદ્ધાથી એ સેવામાં લાગુ રહ્યા.

જોકે, એક દિવસ યૂનાના જીવનમાં મોટો વળાંક આવ્યો. યહોવા તરફથી તેમને એક સોંપણી મળી, જે તેમને ખૂબ અઘરી લાગી. યહોવાએ તેમને શું કરવાનું જણાવ્યું?

“ઊઠ, મોટા નગર નિનવેહ જા”

૬. યહોવાએ યૂનાને કઈ સોંપણી આપી અને તેમને એ કેમ અઘરી લાગી હશે?

યહોવાએ યૂનાને કહ્યું: “ઊઠ, મોટા નગર નિનવેહ જા, ને તેની વિરુદ્ધ પોકાર કર; કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે.” (યૂના ૧:૨) સમજી શકાય કે શા માટે યૂનાને એ સોંપણી ખૂબ અઘરી લાગી હશે. નિનવેહ આશરે ૮૦૦ કિલોમીટર દૂર પૂર્વમાં આવેલું હતું. જમીન માર્ગે પગપાળા મુસાફરીમાં એકાદ મહિનો લાગતો. એ લાંબી અને કઠિન મુસાફરી હતી. પરંતુ, યૂના માટે આ મુસાફરીથી પણ કઠિન બીજું કંઈક હતું: યૂનાએ નિનવેહમાં આશ્શૂરીઓને યહોવાનો ન્યાયચુકાદો સંભળાવવાનો હતો! આશ્શૂરીઓ ખૂબ જ હિંસક અને નિર્દયી હતા. યૂનાએ જોયું હતું કે ઈશ્વરના લોકો જ તેમનું સાંભળતા ન હતા. તો પછી, જૂઠા દેવ-દેવીઓને ભજતા આશ્શૂરીઓ પાસેથી તે શું આશા રાખી શકે? યૂનાએ જીવના જોખમે એ મોટા શહેરમાં જવાનું હોવાથી, તે કદાચ ડરી ગયા હતા. એ શહેર આગળ જતાં “ખૂની નગર” બન્યું હતું.—નાહૂ. ૩:૧,.

૭, ૮. (ક) યહોવાએ આપેલી સોંપણીમાંથી છટકવા યૂનાએ મનમાં કેવી ગાંઠ વાળી હતી? (ખ) આપણે કેમ યૂનાને ડરપોક માની લેવા ન જોઈએ?

યૂનાના મનમાં કેવા કેવા વિચારો આવ્યા હશે, એ આપણે જાણતા નથી. પણ, આપણે એ જરૂર જાણીએ છીએ કે તે ભાગી ગયા. યહોવાએ તેમને પૂર્વ તરફ જવા કહ્યું હતું, પણ યૂના પશ્ચિમ તરફ શક્ય એટલે દૂર નાસી ગયા. તે દરિયાકાંઠે આવેલા યાફા નામે એક શહેરમાં ગયા. ત્યાં તેમણે તાર્શીશ જતું એક વહાણ જોયું. અમુક વિદ્વાનો કહે છે કે તાર્શીશ સ્પેનમાં હતું. જો એમ હોય, તો યૂના નિનવેહથી આશરે ૩,૫૦૦ કિલોમીટર દૂર જઈ રહ્યા હતા. મોટા સમુદ્રના બીજા છેડા સુધી એ લાંબી મુસાફરીમાં એકાદ વર્ષ લાગી જાય. યહોવાએ આપેલી સોંપણીમાંથી કોઈ પણ રીતે છટકવા યૂનાએ મનમાં ગાંઠ વાળી હતી!—યૂના ૧:૩ વાંચો.

શું એનો અર્થ એવો થાય કે યૂના ડરપોક હતા? આપણે ઉતાવળે એવું માની લેવું ન જોઈએ. આપણે જોઈશું કે તેમણે એવાં કામો કર્યાં, જે બહુ હિંમત માંગી લેતાં હતાં. જોકે, યૂના પણ આપણી જેમ જ ભૂલો કરતા હતા; તેમણે પણ પોતાની નબળાઈઓ સામે ઝઝૂમવું પડતું હતું. (ગીત. ૫૧:૫) આપણામાં એવું કોણ છે, જેને ક્યારેય ડર લાગ્યો ન હોય?

૯. યહોવાએ આપેલી સોંપણી વિશે અમુક વાર આપણને કેવું લાગી શકે? એવા સમયે આપણે ઈસુના કયા શબ્દો યાદ રાખવા જોઈએ?

અમુક વાર એવું લાગી શકે કે ઈશ્વર આપણને અઘરું, અરે અશક્ય હોય એવું કામ કરવાનું કહે છે. ઈશ્વરે આપણને રાજ્યની ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું છે. એમ કરતા આપણને ડર લાગી શકે. (માથ. ૨૪:૧૪) જોકે, ઈસુના આ મહત્ત્વના શબ્દો આપણે સહેલાઈથી ભૂલી જઈ શકીએ: “ઈશ્વર માટે બધું જ શક્ય છે.” (માર્ક ૧૦:૨૭) અમુક વાર આપણને એવું લાગે કે યહોવા જે કામ કરવા કહે છે, એ અશક્ય છે. એટલે, આપણે સમજી શકીએ કે યૂનાને પણ કેમ એવું લાગ્યું હશે. યૂના ભાગી ગયા, એનું શું પરિણામ આવ્યું?

યહોવાએ પોતાના હઠીલા પ્રબોધકને શિસ્ત આપી

૧૦, ૧૧. (ક) વહાણે બંદર છોડ્યું તેમ, યૂનાએ શાની આશા રાખી હશે? (ખ) વહાણ અને એમાંના લોકો પર કેવું જોખમ આવી પડ્યું?

૧૦ કલ્પના કરો, યૂના એક મોટા વહાણમાં છે. એ કદાચ ફિનીકિયાનું સામાનવાહક વહાણ છે. યૂના જુએ છે કે સુકાની અને તેના સાથીઓ બંદરેથી વહાણ હંકારવા અને પછી એને આગળ ધપાવવા દોડાદોડ કરી રહ્યા છે. વહાણ ધીમે ધીમે કિનારેથી દૂર થાય છે અને કિનારો દેખાતો બંધ થાય છે. યૂનાને થયું હશે, ‘હાશ! હવે મારા પર કોઈ ખતરો રહ્યો નથી.’ પણ એકાએક હવામાન બદલાયું.

૧૧ જોરશોરથી પવન ફૂંકાવાને લીધે સમુદ્ર તોફાને ચઢીને ભયાનક બન્યો. એટલાં ઊંચાં મોજાં ઊછળવાં લાગ્યાં કે એની આગળ મોટાં મોટાં આધુનિક વહાણો પણ રમકડાં જેવાં દેખાય. એ ઊંચાં ઊંચાં મોજાઓની થપાટો ખાઈને આમતેમ ફંગોળાતા લાકડાંના વહાણને નુકસાન થતા વાર નહિ લાગી હોય. ખરું કે યૂનાએ પછીથી લખ્યું: “યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું.” પણ, એ તોફાન આવ્યું ત્યારે શું યૂના એના વિશે જાણતા હતા? આપણને ખબર નથી. પછી, તેમણે જોયું તો ખલાસીઓ પોતપોતાના દેવ-દેવીઓને મદદ માટે પોકારતા હતા. યૂના સારી રીતે જાણતા હતા કે કોઈ પણ દેવ-દેવી તેઓને મદદ નહિ કરી શકે. (લેવી. ૧૯:૪) તેમનો અહેવાલ જણાવે છે: “વહાણ ભાંગી જશે એવું લાગ્યું.” (યૂના ૧:૪) પણ યૂના કયા મોઢે ઈશ્વરને પ્રાર્થના કરે, કેમ કે તે પોતે ઈશ્વરથી દૂર ભાગી રહ્યા હતા!

૧૨. (ક) ભારે તોફાન આવ્યું ત્યારે યૂના સૂઈ ગયા, એ વિશે કેમ ખોટી ધારણા બાંધી લેવી ન જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) યહોવાએ તોફાનનું કારણ કઈ રીતે જણાવ્યું?

૧૨ યૂના કંઈ કરી શકતા ન હોવાથી, વહાણના સૌથી અંદરના ભાગમાં ચાલ્યા ગયા. ત્યાં તેમને સૂવાની જગ્યા મળી અને તે ગાઢ ઊંઘમાં સરી પડ્યા. * સુકાનીએ યૂનાને શોધી કાઢ્યા, તેમને જગાડ્યા અને બીજાઓની જેમ તેમને પણ પોતાના દેવને પ્રાર્થના કરવા વિનંતી કરી. ખલાસીઓ છેવટે એ નિર્ણય પર આવ્યા કે તોફાન પાછળ નક્કી કોઈ દિવ્ય શક્તિનો હાથ છે. એટલે, જહાજ પર સવાર કઈ વ્યક્તિને લીધે આ મુસીબત આવી હશે, એ જાણવા તેઓએ ચિઠ્ઠીઓ નાખી. જેમ જેમ ચિઠ્ઠીઓ નંખાતી ગઈ તેમ તેમ યૂનાના દિલના ધબકારા વધતા ગયા. આખરે હકીકત સામે આવી. તોફાન પાછળ યહોવાનો હાથ હતો અને તેમણે જ ચિઠ્ઠીઓ દ્વારા બતાવ્યું કે તોફાનનું કારણ બીજું કોઈ નહિ, પણ યૂના છે!—યૂના ૧:૫-૭ વાંચો.

૧૩. (ક) યૂનાએ ખલાસીઓ આગળ શું કબૂલ્યું? (ખ) યૂનાએ ખલાસીઓને શું કરવા કહ્યું અને શા માટે?

૧૩ યૂનાએ ખલાસીઓને બધું જ જણાવી દીધું. તેમણે જણાવ્યું કે પોતે યહોવા ઈશ્વરના ભક્ત છે અને તેમનાથી નાસી છૂટ્યા છે. એટલે, યહોવા નાખુશ થયા છે અને બધા પર આ ભયંકર આફત આવી પડી છે. તેઓ એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. યૂના તેઓની આંખોમાં ડર જોઈ શકતા હતા. તેઓએ યૂનાને પૂછ્યું કે વહાણ અને પોતાનો જીવ બચાવવા તેઓ તેમનું શું કરે. યૂનાએ શું કહ્યું? તોફાની સમુદ્રનાં ઠંડાં પાણીમાં ગરક થઈ જવાના વિચારમાત્રથી તેમને કંપારી છૂટી ગઈ હશે. પણ, યૂના જાણતા હતા કે પોતે તેઓને બચાવી શકે છે. તેઓને મોતના મોંમાં ધકેલતા તેમનો જીવ ચાલ્યો નહિ. તેમણે અરજ કરી: “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો; એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે: કેમ કે હું જાણું છું કે મારે લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે.”—યૂના ૧:૧૨.

૧૪, ૧૫. (ક) આપણે યૂનાની શ્રદ્ધાને પગલે કઈ રીતે ચાલી શકીએ? (ખ) યૂનાની અરજ સાંભળીને ખલાસીઓએ શું કર્યું?

૧૪ યૂનાના એ શબ્દો જણાવે છે કે તે ડરપોક ન હતા. સંકટની ઘડીઓમાં બીજાઓના ભલા માટે તે પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા. તેમની એ હિંમત જોઈને યહોવાનું દિલ જરૂર ખુશ થયું હશે. અહીં આપણે યૂનાની મક્કમ શ્રદ્ધા જોઈએ છીએ. આપણે પોતાનું સુખ એક બાજુએ મૂકીને બીજાઓનું ભલું કરીએ ત્યારે, યૂનાની શ્રદ્ધાને પગલે ચાલીએ છીએ. (યોહા. ૧૩:૩૪, ૩૫) આજે પણ કોઈને જીવન-જરૂરી ચીજવસ્તુઓની, દિલાસાની કે ઉત્તેજનની અથવા યહોવાની ભક્તિમાં મદદની જરૂર પડી શકે છે. એ જોઈને મદદ કરવા શું આપણે બનતું બધું કરીએ છીએ? એમ કરીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે.

૧૫ યૂનાના શબ્દો ખલાસીઓના દિલને પણ સ્પર્શી ગયા. એટલે, તેઓ શરૂઆતમાં તો યૂનાના કહેવા પ્રમાણે કરવા તૈયાર ન થયા. તોફાનમાંથી બચવા તેઓએ બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ કોઈ ફાયદો થયો નહિ! તોફાન વધતું ને વધતું જ ગયું. આખરે, તેઓએ જોયું કે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. તેથી, તેઓએ યૂનાના ઈશ્વર યહોવાને પ્રાર્થના કરી કે તેઓ પર દયા બતાવે. પછી, તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધા.—યૂના ૧:૧૩-૧૫.

યૂનાએ અરજ કરી, એટલે ખલાસીઓએ તેમને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધા

યહોવાએ યૂના પર દયા કરી અને તેમને બચાવ્યા

૧૬, ૧૭. યૂનાને વહાણમાંથી ફેંકી દીધા પછી તેમનું શું થયું, એનું વર્ણન કરો. (ચિત્રો પણ જુઓ.)

૧૬ યૂના મહાકાય મોજાઓમાં જઈ પડ્યા. તેમણે ડૂબવાથી બચવા ઘણા ધમપછાડા કર્યા. પાણીનાં મોજાઓ અને પરપોટાઓ મધ્યેથી તેમણે જોયું કે વહાણ ઝડપથી દૂર જઈ રહ્યું છે. પછી, મોટાં મોટાં મોજાઓ તેમના પર ચઢી આવ્યાં અને તેમને નીચે ધકેલતાં ગયાં. પાણીમાં ઊંડે ને ઊંડે ઊતરતા ગયા તેમ, યૂનાને લાગ્યું કે હવે તો જીવનની આખરી ઘડી આવી પહોંચી છે.

૧૭ એ સમયે યૂનાને કેવું લાગ્યું હતું એ વિશે તેમણે પછીથી લખ્યું. તેમના મનમાં જીવનના અમુક બનાવો તાજા થઈ ગયા. તે છેક સમુદ્રના તળિયા સુધી, જ્યાં પર્વતોનાં મૂળ હોય એની નજીક પહોંચી ગયા. દરિયાઈ વેલા તેમને વીંટળાઈ ગયા. તેમને એવું લાગ્યું કે આ જ તેમની કબર છે.—યૂના ૨:૨-૬ વાંચો.

૧૮, ૧૯. સમુદ્રના તળિયે પહોંચી ગયા પછી યૂનાનું શું થયું? કેવા પ્રાણીનો ઉપયોગ થયો હતો અને એ બનાવો પાછળ કોણ હતું? (ફૂટનોટ પણ જુઓ.)

૧૮ અચાનક એક અજાયબ બીના બને છે! મહાકાય, ઘેરા રંગનું એક જળચર પ્રાણી તરતું તરતું યૂનાની નજીક આવી રહ્યું છે. પછી, યૂનાની એકદમ નજીક આવીને એ પોતાનું મોં ઉઘાડે છે અને તેમને ગળી જાય છે.

“યહોવાએ એક મોટી માછલી યૂનાને ગળી જવા માટે નિર્માણ કરી હતી”

૧૯ યૂનાને લાગ્યું કે બસ, હવે પોતાનો અંત આવી ગયો છે. પણ, પોતાની હાલત જોઈને તેમને નવાઈ લાગે છે. તે હજી પણ જીવે છે! માછલીના પેટમાં તે જરાય ભીંસાયા કે કચડાયા નથી. અરે, તેમનો શ્વાસ પણ રૂંધાયો નથી! ભલે એ માછલીનું પેટ તેમની કબર બની ગઈ, છતાં તે જીવે છે! યૂનાનું દિલ યહોવા માટે કદરથી ઊભરાઈ ગયું. એમાં કોઈ શંકા નથી કે તેમના ઈશ્વર “યહોવાએ એક મોટી માછલી યૂનાને ગળી જવા માટે નિર્માણ કરી હતી.” *યૂના ૧:૧૭.

૨૦. મોટી માછલીના પેટમાં યૂનાએ કરેલી પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ?

૨૦ સમય પસાર થતો ગયો. મિનિટો વીતી, કલાકો વીત્યા. એ અજાણી અંધારી જગ્યામાં, યૂનાએ પોતાના મનમાં વિચાર કર્યો અને યહોવાને પ્રાર્થના કરી. યૂનાના પુસ્તકના બીજા અધ્યાયમાં તેમની આખી પ્રાર્થના નોંધવામાં આવી છે. એમાંથી ઘણું શીખવા મળે છે. એ બતાવે છે કે યૂનાને શાસ્ત્રવચનોનું ઊંડું જ્ઞાન હતું, કેમ કે એમાં અનેક વાર ગીતશાસ્ત્રનાં વચનો ટાંકવામાં આવ્યાં છે. તેમની પ્રાર્થનામાં દિલને સ્પર્શી જતી કદરની ભાવના પણ જોવા મળે છે. યૂના પ્રાર્થનાને અંતે જણાવે છે: “હું ઉપકારસ્તુતિ કરીને બલિદાન આપીશ; હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”—યૂના ૨:૯.

૨૧. યહોવાએ યૂનાને બચાવ્યા, એનાથી તે શું શીખ્યા? આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ?

૨૧ યૂના “માછલીના પેટમાં,” ધાર્યું પણ ન હોય એવી જગ્યામાં શું શીખ્યા? એ જ કે યહોવા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે બચાવી શકે છે. આફતમાં આવી પડેલા પોતાના સેવકને યહોવાએ માછલીના પેટમાં પણ શોધી કાઢીને બચાવ્યા. (યૂના ૧:૧૭) એકમાત્ર યહોવા જ માણસને ત્રણ દિવસ અને ત્રણ રાત માછલીના પેટમાં જીવતા રાખી શકે છે. આજે આપણે પણ એ યાદ રાખવાની જરૂર છે કે યહોવા ઈશ્વરને લીધે જ આપણે ‘શ્વાસ’ લઈ રહ્યા છીએ. (દાની. ૫:૨૩) એકેએક શ્વાસ માટે, આપણા પોતાના અસ્તિત્વ માટે આપણે યહોવાના કરજદાર છીએ. શું આપણે તેમનો આભાર ન માનવો જોઈએ? યહોવા આપણા સર્જનહાર હોવાથી, તેમની આજ્ઞાઓ પાળીને આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ.

૨૨, ૨૩. (ક) યૂનાની કદરની કઈ રીતે તરત જ કસોટી થઈ? (ખ) આપણી ભૂલો વિશે યૂના પાસેથી શું શીખી શકીએ?

૨૨ યૂનાનું શું થયું? શું તેમણે યહોવાની આજ્ઞા પાળીને આભાર માન્યો? હા, તેમણે એમ જ કર્યું. ત્રણ દિવસ અને ત્રણ રાત પછી, માછલી યૂનાને સમુદ્ર કિનારે લાવી અને “કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો.” (યૂના ૨:૧૦) જરા વિચારો, યૂનાને તરવાની પણ જરૂર પડી નહિ! ખરું કે તે જ્યાં હતા, એ કિનારેથી તેમણે પોતાનો માર્ગ શોધવો પડ્યો હશે. પણ, તેમની કદરની થોડી જ વારમાં કસોટી થવાની હતી. યૂના ૩:૧, ૨ કહે છે: “પછી યહોવાનું વચન બીજી વાર યૂનાની પાસે આવ્યું, કે ઊઠ, મોટા નગર નિનવેહ જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર.” યૂનાએ શું કર્યું?

૨૩ યૂનાએ જરાય આનાકાની કરી નહિ. આપણે વાંચીએ છીએ: “એથી યૂના ઊઠીને યહોવાના વચન પ્રમાણે નિનવેહ ગયો.” (યૂના ૩:૩) હા, તેમણે યહોવાનું માન્યું. સાફ જોઈ શકાય છે કે યૂના પોતાની ભૂલોમાંથી શીખ્યા હતા. આમાં પણ આપણે યૂનાની શ્રદ્ધાને પગલે ચાલવાની જરૂર છે. આપણે બધા પાપી છીએ અને ભૂલો કરીએ છીએ. (રોમ. ૩:૨૩) પણ, શું આપણી ભૂલોને લીધે યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ છીએ? કે પછી આપણી ભૂલોમાંથી શીખીને યહોવાને આધીન રહેવા તેમની ભક્તિમાં લાગુ રહીએ છીએ?

૨૪, ૨૫. (ક) યૂનાને પોતાના જીવન દરમિયાન કયો આશીર્વાદ મળ્યો? (ખ) ભાવિમાં યૂનાને બીજા કયા આશીર્વાદો મળશે?

૨૪ યૂનાએ આજ્ઞા પાળી હોવાથી શું યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો? હા, ચોક્કસ. એક તો, યૂનાને પછીથી જાણવા મળ્યું કે ખલાસીઓ બચી ગયા હતા. યૂનાએ બીજાઓ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યા પછી, તોફાન તરત જ બંધ થઈ ગયું હતું. પરિણામે, ખલાસીઓને “અતિશય ડર લાગ્યો” અને તેઓએ પોતાના દેવ-દેવીઓને બદલે યહોવાને બલિદાન આપ્યું.—યૂના ૧:૧૫, ૧૬.

૨૫ બીજો એક મોટો આશીર્વાદ પછીથી આવ્યો. યૂના મોટી માછલીના પેટમાં હતા, એ સમયનો ઉલ્લેખ કરીને ઈસુએ જણાવ્યું કે પોતે પણ એટલો સમય કબરમાં રહેશે. (માથ્થી ૧૨:૩૮-૪૦ વાંચો.) યૂનાને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે ત્યારે, એ આશીર્વાદ વિશે જાણીને તે કેટલા ખુશ થશે! (યોહા. ૫:૨૮, ૨૯) યહોવા તમને પણ આશીર્વાદો આપવા ચાહે છે. યૂનાની જેમ, શું તમે પણ તમારી ભૂલોમાંથી શીખશો? શું તમે યહોવાની આજ્ઞાઓ પાળશો અને બીજાઓને પ્રેમ બતાવશો?

^ ફકરો. 4 યૂના ગાલીલના હતા એ ધ્યાન આપવા જેવું છે. ફરોશીઓએ ઘમંડી બનીને ઈસુ વિશે કહ્યું હતું, “તપાસ કર અને જો, ગાલીલમાંથી કોઈ પ્રબોધક ઊભો થવાનો નથી.” (યોહા. ૭:૫૨) ઘણા અનુવાદકો અને શોધ કરનારા સૂચવે છે કે ફરોશીઓના કહેવા મુજબ, નાનકડા ગાલીલમાંથી કોઈ પ્રબોધક ઊભો થયો નથી અને થશે પણ નહિ. જો એવું માનતા હોય, તો તેઓ ઇતિહાસ અને ભવિષ્યવાણીને અવગણે છે.—યશા. ૯:૧, ૨.

^ ફકરો. 12 યૂના કેવી ગાઢ ઊંઘમાં હતા, એ વિશે જણાવતા સેપ્ટુઆજીંટ કહે છે કે તેમનાં નસકોરાં બોલતાં હતાં. આપણે એમ ન ધારવું જોઈએ કે યૂનાને પોતાની અને બીજાઓની કોઈ ફિકર ન હતી. નિરાશાને લીધે અમુક વાર ગાઢ ઊંઘ આવી શકે છે. યાદ કરો, ઈસુના જીવનની છેલ્લી રાતે ગેથસેમાને વાડીમાં પીતર, યાકૂબ અને યોહાન ‘શોકને લીધે ઊંઘતા હતા.’—લુક ૨૨:૪૫.

^ ફકરો. 19 અહીં “માછલી” માટે વપરાયેલા મૂળ હિબ્રૂ શબ્દનું ગ્રીકમાં ભાષાંતર કરતા એનો અર્થ “દરિયાઈ રાક્ષસ” અથવા “મોટી માછલી” થાય છે. એ કયા પ્રકારનું પ્રાણી હતું એ આપણે ચોક્કસ કહી શકતા નથી. પરંતુ, ભૂમધ્ય સમુદ્રમાં એવી ઘણી શાર્ક માછલીઓ છે, જે આખેઆખા માણસને ગળી જાય. બીજી જગ્યાઓએ એનાથી પણ વધારે મોટી શાર્ક માછલીઓ છે; એમાંય વ્હેલ માછલી તો ૪૫ ફૂટ કે એનાથી પણ વધારે લાંબી હોય છે!