સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?

યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?

પ્રભુનું સાંજનું ભોજન ઊજવવામાં અમે પૂરેપૂરી રીતે બાઇબલને વળગી રહીએ છીએ. જ્યારે કે, આ પ્રસંગ ઊજવવા વિશે બીજા ખ્રિસ્તી પંથોની માન્યતાઓ અને વિધિઓ બાઇબલ આધારિત નથી. એ પ્રસંગ “પ્રભુનું ભોજન,” છેલ્લું ભોજન અને ઈસુના મરણના સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખાય છે.—૧ કોરીંથી ૧૧:૨૦.

એનો હેતુ શો છે?

પ્રભુના સાંજના ભોજનનો હેતુ ઈસુને યાદ કરવાનો છે. એમ કરીને તેમણે આપણા માટે આપેલા બલિદાનની આપણે કદર કરીએ છીએ. (માથ્થી ૨૦:૨૮; ૧ કોરીંથી ૧૧:૨૪) એ ઉજવણી કોઈ ધાર્મિક વિધિ a કે રિવાજ નથી, જેના દ્વારા આપણને દરેકને પાપોની માફી અથવા કૃપા મળે. બાઇબલ શીખવે છે કે આપણાં પાપ કોઈ ધાર્મિક વિધિ દ્વારા નહિ, પણ ફક્ત ઈસુમાં વિશ્વાસ મૂકવાથી માફ થઈ શકે છે.—રોમનો ૩:૨૫; ૧ યોહાન ૨:૧, ૨.

કેટલી વાર ઊજવવું જોઈએ?

ઈસુએ તેમના શિષ્યોને પ્રભુનું સાંજનું ભોજન ઊજવવાની આજ્ઞા આપી હતી, પણ એને કેટલી વાર ઊજવવું જોઈએ એ વિશે ચોક્કસ માહિતી આપી ન હતી. (લુક ૨૨:૧૯) અમુકને લાગે છે કે એને દર મહિને ઊજવવું જોઈએ, જ્યારે કે બીજા અમુક માને છે કે એને દર અઠવાડિયે, દરરોજ, દિવસમાં ઘણી વખત અથવા વ્યક્તિને યોગ્ય લાગે એટલી વાર ઊજવવું જોઈએ. b જોકે, અહીં આપેલા અમુક કારણો વિચારવા જેવા છે.

ઈસુએ યહુદી પાસ્ખાપર્વની તારીખે પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરી હતી અને એ જ દિવસે પછીથી તે મૃત્યુ પામ્યા હતા. (માથ્થી ૨૬:૧, ૨) એ કોઈ સંયોગ ન હતો. શાસ્ત્રવચનો ઈસુના બલિદાનને પાસ્ખાના હલવાન સાથે સરખાવે છે. (૧ કોરીંથી ૫:૭, ૮) પાસ્ખાપર્વ વર્ષમાં એક જ વાર ઊજવવામાં આવતું હતું. (નિર્ગમન ૧૨:૧-૬; લેવીય ૨૩:૫) એવી જ રીતે, પહેલી સદીના ખ્રિસ્તીઓ વર્ષમાં એક જ વખત ઈસુના સ્મરણપ્રસંગને ઊજવતા c અને યહોવાના સાક્ષીઓ પણ બાઇબલની એ જ ઢબને અનુસરે છે.

તારીખ અને સમય

ઈસુએ સ્થાપેલી રીત આપણને સ્મરણપ્રસંગ કેટલી વાર ઊજવવો જોઈએ એ જ નહિ, એની તારીખ અને સમય પણ નક્કી કરવા મદદ કરે છે. બાઇબલ સમયના ચંદ્ર કૅલેન્ડર પ્રમાણે ઈસુએ ઈસવીસન ૩૩, નીસાન ૧૪ના રોજ સૂર્યાસ્ત પછી એ પ્રસંગની શરૂઆત કરી હતી. (માથ્થી ૨૬:૧૮-૨૦, ૨૬) પ્રથમ સદીના ખ્રિસ્તીઓને અનુસરીને અમે દર વર્ષે એ તારીખે સ્મરણપ્રસંગ ઊજવીએ છીએ. d

ભલે ઈસવીસન ૩૩, નીસાન ૧૪મીએ શુક્રવાર હતો, પણ એ તારીખ દર વર્ષે અલગ અલગ વારે આવી શકે છે. દર વર્ષે, નીસાન ૧૪ આપણા કૅલેન્ડર પ્રમાણે કઈ તારીખે આવશે એ નક્કી કરવા અમે આધુનિક યહુદી કૅલેન્ડરને બદલે ઈસુના સમયમાં વપરાતી રીતને અનુસરીએ છીએ. e

રોટલી અને દ્રાક્ષદારૂ

નવા પ્રસંગની શરૂઆત કરવા ઈસુએ પાસ્ખાપર્વ વખતે બચેલી બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂનો ઉપયોગ કર્યો હતો. (માથ્થી ૨૬:૨૬-૨૮) તેમને અનુસરીને અમે મેળવણ કે ખમીર વગરની રોટલી વાપરીએ છીએ. તેમ જ, સાદા દ્રાક્ષદારૂનો ઉપયોગ કરીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારનો મસાલો, મીઠાશ કે પોષક તત્ત્વો ઉમેરવામાં આવતાં નથી.

અમુક પંથો ખમીરવાળી અથવા યીસ્ટ ઉમેરેલી રોટલીનો ઉપયોગ કરે છે. પણ, બાઇબલમાં ઘણી વાર પાપ અને ભ્રષ્ટતાને દર્શાવવા ખમીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. (લુક ૧૨:૧; ૧ કોરીંથી ૫:૬-૮; ગલાતી ૫:૭-૯) એટલા માટે, ઈસુના પાપરહિત શરીરને રજૂ કરવા મેળવણ કે ખમીર વગરની રોટલી વપરાય એ યોગ્ય છે. (૧ પીતર ૨:૨૨) ઘણાં ચર્ચો દ્રાક્ષદારૂની જગ્યાએ આથા વગરનો દ્રાક્ષારસ વાપરે છે, કારણ કે તેઓ માને છે કે દારૂ પીવું બાઇબલની વિરુદ્ધ છે. જોકે, એ રીત બાઇબલ આધારિત નથી.—૧ તીમોથી ૫:૨૩.

પ્રતીકો, ખરેખર માંસ અને લોહી નહિ

પ્રભુભોજનમાં વપરાતી બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂ ઈસુના માંસ અને લોહીના પ્રતીકો છે. અમુક માને છે કે, એ પ્રતીકો ચમત્કારિક રીતે માંસ અને લોહીમાં ફેરવાઈ જાય છે. પણ, એ હકીકત નથી. એ સમજવા શાસ્ત્ર આધારિત અમુક કારણોનો વિચાર કરો.

  • જો ઈસુએ શિષ્યોને તેમનું લોહી પીવા વિશે આજ્ઞા આપી હોત, તો તે તેઓને લોહી વિશેની ઈશ્વરની આજ્ઞા તોડવાનું કહી રહ્યા હતા. (ઉત્પત્તિ ૯:૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) પરંતુ, એવું બની જ ન શકે. ઈસુ કોઈને પણ લોહીની પવિત્રતા વિશેનો ઈશ્વરનો નિયમ તોડવાનું ક્યારેય ન કહે.—યોહાન ૮:૨૮, ૨૯.

  • પ્રેરિતો ખરેખર ઈસુનું લોહી પી શકતા ન હતા, કારણ કે ઈસુ હજી જીવતા હતા અને તંદુરસ્ત હતા. તેમનું લોહી હજી તો વહેવડાવવામાં આવ્યું ન હતું.—માથ્થી ૨૬:૨૮.

  • ઈસુએ “એક જ વખત” પોતાનું બલિદાન આપ્યું, જે હંમેશ માટેનું હતું. (હિબ્રૂ ૯:૨૫, ૨૬) તેથી, જો પ્રભુના સાંજના ભોજન વખતે રોટલી અને દ્રાક્ષદારૂ ઈસુના માંસ અને લોહીમાં બદલાવવાના હોય, તો એમાં ભાગ લેનાર લોકો ઈસુના બલિદાનનું પુનરાવર્તન કરે છે, એમ કહેવાય.

  • ઈસુએ કહ્યું હતું કે, “મારી યાદગીરીને માટે એ કરો,” “મારા બલિદાનને માટે” નહિ.—૧ કોરીંથીઓ ૧૧:૨૪.

રોટલી અને દ્રાક્ષદારૂ ખરેખર ઈસુના માંસ અને લોહીમાં બદલાઈ જાય છે, એમ માનનારા લોકો બાઇબલની અમુક કલમોના શબ્દોને આધારે એમ માને છે. દાખલા તરીકે, ઘણાં બાઇબલ દ્રાક્ષદારૂ વિશે ઈસુએ કહેલા શબ્દોનું આ રીતે ભાષાંતર કરે છે: “એ મારું લોહી છે.” (માથ્થી ૨૬:૨૮) જોકે, ઈસુના એ શબ્દોનું આવું પણ ભાષાંતર થઈ શકે: “એનો અર્થ થાય કે મારું લોહી,” “એ મારા લોહીને રજૂ કરે છે” અથવા “એ મારા લોહીને દર્શાવે છે.” f ઈસુએ પહેલાં પણ ઘણી વાર કર્યું હતું તેમ, તે રૂપકો દ્વારા તેઓને શીખવી રહ્યા હતા.—માથ્થી ૧૩:૩૪, ૩૫.

કોણ ભાગ લે છે?

યહોવાના સાક્ષીઓ પ્રભુનું સાંજનું ભોજન ઊજવે છે ત્યારે, તેઓમાંના બહુ જ થોડા લોકો રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે. એવું શા માટે?

ઈસુએ વહેવડાવેલા લોહીથી એક ‘નવા કરારʼની સ્થાપના થઈ, જેણે યહોવા અને પ્રાચીન ઈસ્રાએલ પ્રજા વચ્ચેનો કરાર રદ કર્યો. (હિબ્રૂ ૮:૧૦-૧૩) જેઓ એ નવા કરારનો ભાગ છે, તેઓ સ્મરણપ્રસંગના પ્રતીકોના ખાવા-પીવામાં ભાગ લે છે. એમાં બધા ખ્રિસ્તીઓનો નહિ, પણ ઈશ્વર દ્વારા ખાસ રીતે “જેઓને તેડવામાં આવ્યા છે,” તેઓનો સમાવેશ થાય છે. (હિબ્રૂ ૯:૧૫; લુક ૨૨:૨૦) એ લોકો સ્વર્ગમાં ઈસુની સાથે રાજ કરશે. બાઇબલ પ્રમાણે, એ લહાવો ફક્ત ૧,૪૪,૦૦૦ લોકોને જ મળવાનો છે.—લુક ૨૨:૨૮-૩૦; પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧,.

“નાની ટોળી” સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરશે. જ્યારે કે, અમારામાંના મોટા ભાગના લોકો “મોટી સભા”નો ભાગ બનવાની આશા રાખે છે, જેઓને આ જ પૃથ્વી પર કાયમનું જીવન મળશે. (લુક ૧૨:૩૨; પ્રકટીકરણ ૭:૯, ૧૦) ખરું કે, પૃથ્વી પરની આશા રાખતા લોકો સ્મરણપ્રસંગનાં પ્રતીકો ખાવા-પીવામાં ભાગ નથી લેતા. પણ, ઈસુએ આપણા માટે જે બલિદાન આપ્યું છે એનો આભાર માનવા અમે પણ એ પ્રસંગે હાજર રહીએ છીએ.—૧ યોહાન ૨:૨.

a મિકલ્ટિંટોક અને સ્ટ્રોંગે લખેલા સાઇક્લોપીડિયા, ગ્રંથ ૯, પાન ૨૧૨ જણાવે છે: ‘ધાર્મિક વિધિ [sacrament] માટેનો કોઈ શબ્દ નવા કરારમાં જોવા મળતો નથી. એટલું જ નહિ, ગ્રીક શબ્દ μυστήριον [my·steʹri·on] બાપ્તિસ્મા, પ્રભુભોજન કે બીજી કોઈ વિધિ માટે ક્યારેય લાગુ પાડવામાં આવ્યો નથી.’

b પ્રભુના સાંજના ભોજનના સંદર્ભમાં ઘણાં બાઇબલ અનુવાદો “જેટલી વાર” શબ્દો વાપરે છે. અને એ શબ્દો બતાવે છે કે, એ ભોજન કેટલી વાર લેવું. જોકે, મૂળ ભાષામાં જે શબ્દો વપરાયા હતા એનો સાચો અર્થ “જ્યારે જ્યારે” અથવા “દરેક વખતે” થાય છે.—૧ કોરીંથી ૧૧:૨૫, ૨૬, કોમન લેંગ્વેજ; ઈઝી-ટુ-રીડ વર્ઝન.

c ધ ન્યૂ શાફ-હર્ટસાક ઍન્સાઇક્લોપીડિયા ઑફ રિલિજીયસ નોલેજ, ગ્રંથ ૪, પાન ૪૩-૪૪ તેમજ મિકલ્ટિંટોક અને સ્ટ્રોંગે લખેલા સાઇક્લોપીડિયા, ગ્રંથ ૮, પાન ૮૩૬ જુઓ.

d ધ ન્યૂ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ધ બાઇબલ, ગ્રંથ ૧, પાન ૮૪૧ જુઓ.

e આધુનિક યહુદી કૅલેન્ડરમાં નીસાન મહિનાની શરૂઆત ખગોળશાસ્ત્ર પ્રમાણે જ્યારે અમાસ આવે, એ દિવસથી થાય છે. પણ, એ પદ્ધતિ પ્રથમ સદીમાં વપરાતી ન હતી. એને બદલે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ યરૂશાલેમમાં અમાસ પછી ચંદ્ર પ્રથમ વાર દેખાતો ત્યારથી, મહિનાની શરૂઆત ગણતા. અમાસ પછી તરત જ ચંદ્ર દેખાતો નહિ, અમુક વાર કદાચ એક અથવા વધારે દિવસો પણ લાગી જતા. આ ફરકને કારણે યહોવાના સાક્ષીઓ જે તારીખે સ્મરણપ્રસંગ ઊજવે છે, એ આજના યહુદી પાસ્ખાપર્વની તારીખે હંમેશાં આવતું નથી.

f જેમ્સ મોફ્ફેટનું અ ન્યૂ ટ્રાન્સલેશન ઑફ ધ બાઇબલ; ચાર્લ્સ વિલિયમ્સનું ધ ન્યૂ ટેસ્ટામેન્ટ—અ ટ્રાન્સલેશન ઈન ધ લેંગ્વેજ ઑફ ધ પીપલ અને હગ જે. સ્કોનફિલ્ડનું ધી ઓરિજિનલ ન્યૂ ટેસ્ટામેન્ટ જુઓ.