સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુનું બલિદાન કઈ રીતે ‘ઘણા લોકો માટે છુટકારાની કિંમત’ ચૂકવે છે?

ઈસુનું બલિદાન કઈ રીતે ‘ઘણા લોકો માટે છુટકારાની કિંમત’ ચૂકવે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ઈસુના બલિદાન દ્વારા ઈશ્વર માણસજાતને પાપ અને મરણમાંથી છોડાવે છે અથવા બચાવે છે. બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુએ વહેવડાવેલું લોહી એ છુટકારાની કિંમત છે. (એફેસીઓ ૧:૭; ૧ પિતર ૧:૧૮, ૧૯) ઈસુએ કહ્યું હતું કે ‘તે ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યા છે.’—માથ્થી ૨૦:૨૮.

કેમ ‘ઘણા લોકો માટે છુટકારાની કિંમત’ ચૂકવવાની જરૂર પડી?

 પ્રથમ માણસ આદમને બનાવવામાં આવ્યો ત્યારે, તેનામાં પાપ ન હતું. તે આ પૃથ્વી પર કાયમ માટે જીવી શકતો હતો. પણ જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડવાને લીધે તેણે હંમેશ માટે જીવવાની તક ગુમાવી દીધી. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) જ્યારે તેને બાળકો થયાં, ત્યારે એ બાળકોને પણ વારસામાં પાપ મળ્યું. (રોમનો ૫:૧૨) એ જ કારણે બાઇબલ કહે છે કે, આદમે પોતાને અને પોતાનાં બાળકોને પાપ અને મરણની ગુલામીમાં ‘વેચી’ દીધાં. (રોમનો ૭:૧૪) પાપી હોવાને લીધે કોઈ પણ વ્યક્તિ આદમે જે ગુમાવ્યું છે, એ છોડાવી શકતી નથી.—ગીતશાસ્ત્ર ૪૯:૭, ૮.

 ઈશ્વરને આદમનાં બાળકો પર દયા આવી, કેમ કે તેઓ પાસે કોઈ આશા ન હતી. (યોહાન ૩:૧૬) જોકે, યહોવા ન્યાયના ઈશ્વર છે. એટલે તે પોતાનાં ન્યાયી ધોરણોને નજરઅંદાજ કરીને તેઓનાં પાપ એમ જ માફ કરી શકતા ન હતા. (ગીતશાસ્ત્ર ૮૯:૧૪; રોમનો ૩:૨૩-૨૬) પણ માણસો માટેના પ્રેમને લીધે ઈશ્વરે પોતાનાં ન્યાયી ધોરણોને આધારે એક ગોઠવણ કરી, જેથી માણસોનાં પાપ માફ કરવામાં આવે અને એને કાયમ માટે ભૂંસી નાખવામાં આવે. (રોમનો ૫:૬-૮) એ ગોઠવણ છે, ઈસુનું બલિદાન.

ઈસુના બલિદાનથી કઈ રીતે છુટકારાની કિંમત ચૂકવવામાં આવી?

 બાઇબલ જ્યારે “છુટકારાની કિંમત” એ શબ્દો વાપરે છે, ત્યારે એમાં આ ત્રણ વાતોનો સમાવેશ થાય છે:

  1.  ૧. એ એક કિંમત છે.—ગણના ૩:૪૬, ૪૭.

  2.  ૨. એ કશાને બચાવે છે અથવા છોડાવે છે.—નિર્ગમન ૨૧:૩૦.

  3.  ૩. એ નુકસાનીની પૂરેપૂરી કિંમત ચૂકવે છે. a

 ચાલો જોઈએ કે આ ત્રણ વાતો કઈ રીતે ઈસુએ પોતાના બલિદાનથી ચૂકવેલી કિંમતને લાગુ પડે છે.

  1.  ૧. કિંમત. બાઇબલમાં લખ્યું છે કે, ખ્રિસ્તીઓને ‘કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા છે.’ (૧ કોરીંથીઓ ૬:૨૦; ૭:૨૩) એ કિંમત ઈસુનું લોહી છે, જેના દ્વારા તેમણે “ઈશ્વર માટે દરેક કુળ, બોલી, પ્રજા અને દેશોમાંથી લોકો ખરીદી લીધા” છે.—પ્રકટીકરણ ૫:૮, ૯.

  2.  ૨. છોડાવવું. ઈસુનું બલિદાન “છુટકારાની કિંમત ચૂકવીને” આપણને પાપમાંથી “છોડાવે છે.”—૧ કોરીંથીઓ ૧:૩૦; કોલોસીઓ ૧:૧૪; હિબ્રૂઓ ૯:૧૫.

  3.  ૩. પૂરેપૂરી કિંમત. ઈસુનું જીવન આદમના પાપ વગરના જીવન બરાબર હતું, જે આદમે ગુમાવી દીધું. (૧ કોરીંથીઓ ૧૫:૨૧, ૨૨, ૪૫, ૪૬) બાઇબલમાં લખ્યું છે: “જેમ એક માણસે [આદમે] આજ્ઞા ન માની હોવાથી ઘણા લોકો પાપી ગણાયા, તેમ એક માણસે [ઈસુ ખ્રિસ્તે] આજ્ઞા માની હોવાથી ઘણા લોકો નેક ગણાશે.” (રોમનો ૫:૧૯) એ બતાવે છે કે એક માણસના મરણથી કઈ રીતે ઘણા પાપીઓના છુટકારાની કિંમત ચૂકવવામાં આવી. હકીકતમાં, જેઓ ઈસુના બલિદાનથી મળતા આશીર્વાદો મેળવવા મહેનત કરે છે, તેઓ માટે એ બલિદાન “પૂરેપૂરી કિંમત” ચૂકવે છે.—૧ તિમોથી ૨:૫, ૬.

a બાઇબલની મૂળ ભાષામાં “છુટકારાની કિંમત” માટે જે શબ્દો વપરાયા છે, એનો અર્થ થાય, કોઈ વસ્તુ માટે ચૂકવવામાં આવેલી રકમ અથવા વસ્તુ. દાખલા તરીકે, હિબ્રૂ શબ્દ કાફરનો અર્થ થાય “ઢાંકવું.” એ મોટા ભાગે ‘પાપ ઢાંકવાને’ રજૂ કરે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૩) એની સાથે જોડાયેલો શબ્દ કોફેર એવી રકમને બતાવે છે, જે પાપ ઢાંકવા માટે ચૂકવવામાં આવે છે. (નિર્ગમન ૨૧:૩૦) એવી જ રીતે ગ્રીક શબ્દ લીટ્રોનનું ભાષાંતર મોટા ભાગે “ખંડણી” કે “છુટકારાની કિંમત” કરવામાં આવે છે. અમુક વાર એના માટે “ઉદ્ધારની કિંમત” શબ્દો પણ વપરાય છે. (માથ્થી ૨૦:૨૮, કોમન લેંગ્વેજ) ગ્રીક લેખકોએ એ શબ્દ એવી રકમને બતાવવા પણ વાપર્યો, જે યુદ્ધના કેદીઓને અથવા ગુલામને છોડાવવા ચૂકવવામાં આવતી હતી.