સ્કીપ ટુ કન્ટેન્ટ

શું યહોવાના સાક્ષીઓ પાસે પોતાનું બાઇબલ છે?

શું યહોવાના સાક્ષીઓ પાસે પોતાનું બાઇબલ છે?

બાઇબલનો અભ્યાસ કરવા યહોવાના સાક્ષીઓ ઘણા અલગ અલગ બાઇબલ ભાષાંતરોનો ઉપયોગ કરે છે. પણ, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ પ્રાપ્ય છે, એ ભાષાઓમાં અમે એ વાપરવાનું પસંદ કરીએ છીએ. કેમ કે એમાં ઈશ્વરનું નામ મૂળ જગ્યાઓએ જોવા મળે છે. ઉપરાંત, એ સચોટ અને સ્પષ્ટ છે.

  • ઈશ્વરના નામનો ઉપયોગ. બાઇબલના કેટલાક ભાષાંતરકારો ઈશ્વરને શ્રેય આપવાનું ચૂકી ગયા છે. દાખલા તરીકે, એક બાઇબલ ભાષાંતરમાં ૭૦ વ્યક્તિઓના નામ આપેલા છે, જેઓએ એ બાઇબલ બહાર પાડવામાં મદદ કરી હતી. પણ, એમાં બાઇબલના લેખક, ઈશ્વર યહોવાનું નામ જ ન હતું!

    ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન એનાથી એકદમ અલગ છે. મૂળ ભાષામાં જ્યાં ઈશ્વરનું નામ જોવા મળે છે, એવી હજારો જગ્યાએ ઈશ્વરનું નામ આ બાઇબલમાં મૂકવામાં આવ્યું છે. એ બાઇબલ બહાર પાડનાર સમિતિના સભ્યોનું નામ જણાવ્યું નથી.

  • સચોટ. દરેક ભાષાંતરોમાં બાઇબલનો મૂળ સંદેશો સચોટ રીતે જણાવવામાં આવ્યો નથી. દાખલા તરીકે, એક ભાષાંતર માથ્થી ૭:૧૩ને આ રીતે રજૂ કરે છે: “સાંકડા દરવાજેથી અંદર જાઓ કેમ કે નર્કનો દરવાજો પહોળો છે અને એ તરફ લઈ જતો રસ્તો સહેલો છે.” મૂળ ભાષામાં “વિનાશ” શબ્દ છે, “નર્ક” નહિ. ભાષાંતરકારોએ કદાચ “નર્ક” શબ્દ એટલે વાપર્યો હશે કારણ કે તેઓ માનતા હતા કે દુષ્ટો હંમેશ માટે નર્કની આગમાં રિબાશે. પરંતુ એ વિચારને બાઇબલ ટેકો આપતું નથી. એટલે, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે: “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે વિનાશમાં લઈ જતો દરવાજો પહોળો છે અને એનો રસ્તો સરળ છે.”

  • સ્પષ્ટ. સારું ભાષાંતર ફક્ત સચોટ નહિ પણ સ્પષ્ટ અને સહેલાઈથી સમજાય એવું પણ હોવું જોઈએ. ચાલો એક દાખલો જોઈએ. રોમનો ૧૨:૧૧માં પ્રેરિત પાઊલે એવો શબ્દ વાપર્યો હતો જેનો અર્થ “આત્મા ઊકળે છે” થાય છે. આજના સમયમાં એ કોઈને સમજાય નહિ. એટલે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં એ કલમ સહેલાઈથી સમજાય એવી રીતે લખવામાં આવી છે. એ કલમ જણાવે છે કે ખ્રિસ્તીઓએ “પવિત્ર શક્તિથી જોશીલા” બનવું જોઈએ.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઈશ્વરના નામનો ઉપયોગ કરે છે. એ બાઇબલ સચોટ અને સમજવામાં સહેલું છે. ઉપરાંત, બીજી પણ એક ખાસિયત છે કે એ બાઇબલ ફ્રીમાં આપવામાં આવે છે. પરિણામે, લાખો લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચી શકે છે. અરે, જેઓ પાસે બાઇબલ ખરીદવાના પૈસા ન હોય તેઓ પણ વાંચી શકે છે.