સ્કીપ ટુ કન્ટેન્ટ

કુદરતી આફતો વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

કુદરતી આફતો વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ઈશ્વર આપણા પર કુદરતી આફતો લાવતા નથી. અરે, તેમને તો એનો ભોગ બનેલા લોકોની ચિંતા છે. ઈશ્વરનું રાજ્ય એ બધી દુઃખ-તકલીફો કાઢી નાખશે, જેનાથી આપણને નુકસાન થાય છે. એમાં કુદરતી આફતોનો પણ સમાવેશ થાય છે. એ સમય આવે ત્યાં સુધી કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને ઈશ્વર દિલાસો આપે છે.—૨ કોરીંથીઓ ૧:૩.

 આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ઈશ્વર કુદરતી આફતો લાવીને આપણને સજા કરતા નથી?

 આપણા પર આવતી કુદરતી આફતોમાં અને બાઇબલમાં જણાવ્યું છે તેમ, લોકોનો ન્યાય કરવા ઈશ્વરે જે રીતે કુદરતી તાકાતનો ઉપયોગ કર્યો એમાં બહુ મોટો ફરક છે.

  •   કુદરતી આફતોનો ભોગ કોઈપણ બની શકે છે. જ્યારે કે ઈશ્વરે કુદરતી તાકાતનો ઉપયોગ, ફક્ત દુષ્ટ લોકોનો નાશ કરવા જ કર્યો હતો. જેમ કે, ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો ત્યારે, લોત અને તેમની બે દીકરીઓને બચાવ્યા. (ઉત્પત્તિ ૧૯:૨૯, ૩૦) ઈશ્વરે એ સમયના લોકોનું દિલ જોયું અને તેમણે ફક્ત એવા જ લોકોનો નાશ કર્યો જેઓ ખરાબ હતા.—ઉત્પત્તિ ૧૮:૨૩-૩૨; ૧ શમુએલ ૧૬:૭.

  •   કુદરતી આફતો આવતા પહેલાં, અમુક વાર ચેતવણી મળે અથવા ન પણ મળે. જ્યારે કે ઈશ્વરે કુદરતી તાકાતનો ઉપયોગ કરતા પહેલાં દુષ્ટ લોકોને ચેતવણી આપી હતી. જે લોકોએ એના પર ધ્યાન આપ્યું તેઓ બચી ગયા.—ઉત્પત્તિ ૭:૧-૫; માથ્થી ૨૪:૩૮, ૩૯.

  •   અમુક હદે, કુદરતી આફતો માણસોના લીધે આવે છે. કઈ રીતે? માણસો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેમ જ, ધરતીકંપ, પૂર, ખરાબ વાતાવરણ હોય એવા વિસ્તારોમાં ઇમારતો કે ઘર બાંધી છે. (પ્રકટીકરણ ૧૧:૧૮) માણસો પોતાની ભૂલોના ખરાબ પરિણામો ભોગવે છે, એ માટે ઈશ્વર જવાબદાર નથી.—નીતિવચનો ૧૯:૩.

 શું કુદરતી આફતો છેલ્લા દિવસોની નિશાની છે?

 હા, શાસ્ત્રમાં પહેલેથી જણાવ્યું છે કે ‘દુનિયાના અંતના સમયમાં’ અથવા “છેલ્લા દિવસોમાં” આફતો આવશે. (માથ્થી ૨૪:૩; ૨ તિમોથી ૩:૧) દાખલા તરીકે, આપણા સમય વિશે ઈસુએ જણાવ્યું: “એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે અને ધરતીકંપો થશે.” (માથ્થી ૨૪:૭) જલદી જ ઈશ્વર આપણી બધી તકલીફો દૂર કરશે. એટલું જ નહિ કુદરતી આફતોને કાઢી નાખશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

 કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને ઈશ્વર કઈ રીતે મદદ કરે છે?

  •   આફતોનો ભોગ બનેલા લોકોને ઈશ્વર તેમના શબ્દ બાઇબલ દ્વારા દિલાસો આપે છે. બાઇબલ ખાતરી આપે છે કે ઈશ્વરને આપણી ચિંતા છે અને આપણને તકલીફમાં જોઈને તેમને પણ દુઃખ થાય છે. (યશાયા ૬૩:૯; ૧ પિતર ૫:૬, ૭) એમાં ઈશ્વરે વચન આપ્યું છે કે તે કુદરતી આફતોને કાઢી નાખશે.—“ કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને દિલાસો આપતાં વચનો” જુઓ.

  •   આફતોનો ભોગ બનેલા લોકોને ઈશ્વર પોતાના ભક્તો દ્વારા મદદ કરે છે. ઈશ્વર ચાહે છે કે તેમના ભક્તો ઈસુને અનુસરીને બીજાઓને મદદ કરે. ઈસુ વિશે પહેલેથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે ‘જખમી દિલના’ લોકોને અને “શોક પાળનારા બધાને” દિલાસો આપશે. (યશાયા ૬૧:૧, ૨) ઈશ્વરભક્તો એવું જ કરવાનો પ્રયત્ન કરે છે.—યોહાન ૧૩:૧૫.

     આફતોનો ભોગ બનેલા લોકોને ઈશ્વર પોતાના ભક્તો દ્વારા જરૂરી મદદ આપે છે.—પ્રેરિતોનાં કાર્યો ૧૧:૨૮-૩૦; ગલાતીઓ ૬:૧૦.

પોર્ટો રિકોમાં વાવાઝોડાનો ભોગ બનેલા લોકોને યહોવાના સાક્ષીઓ મદદ કરી રહ્યા છે

 શું બાઇબલ આપણને કુદરતી આફતોનો પહેલેથી સામનો કરવા મદદ કરે છે?

 હા. બાઇબલ કુદરતી આફતોનો સામનો કરવા કઈ રીતે તૈયાર રહેવું એ સમજાવતું પુસ્તક નથી. પણ એમાં એવા સિદ્ધાંતો આપ્યા છે, જે આપણને એનો સામનો કરવા મદદ કરે. દાખલા તરીકે:

  •   કુદરતી આફતો માટે પહેલેથી તૈયારી કરીએ. બાઇબલમાં લખ્યું છે: “શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) મુસીબતો આવતા પહેલાં જ તૈયારી કરીએ. એ માટે તમે પહેલેથી અમુક વસ્તુઓ તૈયાર રાખી શકો, જેથી એને લઈને તરત ભાગી શકો. તમે કુટુંબ સાથે મળીને પ્રેક્ટિસ પણ કરી શકો કે આફતના સમયે ક્યાં મળીશું.

  •   વસ્તુઓ કરતાં જીવનને મહત્ત્વ આપીએ. બાઇબલમાં લખ્યું છે: “આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી.” (૧ તિમોથી ૬:૭, ૮) આફતોમાંથી બચવા આપણે પોતાનું ઘર અને કિંમતી વસ્તુઓને છોડવા તૈયાર રહેવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ ચીજવસ્તુઓ કરતાં આપણું જીવન વધારે કિંમતી છે.—માથ્થી ૬:૨૫.