સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશે સાચી માહિતી

ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશે સાચી માહિતી

આજે લોકો અનેક દેવ-દેવીઓને ભજે છે. પણ હકીકતમાં એક જ ખરા ભગવાન છે. (યોહાન ૧૭:૩) તે જ સર્વોચ્ચ ઈશ્વર છે. તેમણે આખી સૃષ્ટિની રચના કરી છે અને બધાને જીવન આપ્યું છે. એટલે તે જ આપણી ભક્તિના હકદાર છે.—દાનિયેલ ૭:૧૮; પ્રકટીકરણ ૪:૧૧.

ઈશ્વર કોણ છે?

મૂળ લખાણોમાં ઈશ્વરનું નામ આશરે ૭,૦૦૦ વખત

યહોવા એ ઈશ્વરનું નામ છે

પ્રભુ, ઈશ્વર, પિતા યહોવાના અમુક ખિતાબો

ઈશ્વરનું નામ શું છે? ઈશ્વરે પોતે કહ્યું છે, “હું યહોવા છું; એ જ મારું નામ છે.” (યશાયા ૪૨:૮) ઈશ્વરનું નામ બાઇબલમાં આશરે ૭,૦૦૦ વાર જોવા મળે છે. પણ અમુક બાઇબલ અનુવાદકોએ એ નામ કાઢીને “પ્રભુ” જેવા ખિતાબો મૂક્યા, જે યોગ્ય ન હતા. ઈશ્વર ઇચ્છે છે કે, આપણે તેમને ઓળખીએ અને ‘તેમના નામે વિનંતી કરીએ.’—ગીતશાસ્ત્ર ૧૦૫:૧.

યહોવાના ખિતાબો. બાઇબલમાં યહોવાના ઘણા ખિતાબો છે. જેમ કે, “ઈશ્વર,” “સર્વશક્તિમાન,” “સર્જનહાર,” “પિતા,” “પ્રભુ” અને “સર્વોપરી.” બાઇબલમાં ઘણી પ્રાર્થનાઓ લખવામાં આવી છે જેમાં યહોવાને તેમના નામથી અને અલગ અલગ ખિતાબોથી સંબોધવામાં આવ્યા છે.​—દાનિયેલ ૯:૪.

ઈશ્વરનું સ્વરૂપ. ઈશ્વર અદૃશ્ય છે. (યોહાન ૪:૨૪) બાઇબલ જણાવે છે કે, “કોઈ માણસે ઈશ્વરને કદી પણ જોયા નથી.” (યોહાન ૧:૧૮) બાઇબલ ઈશ્વરની લાગણીઓ વિશે જણાવે છે. ઈશ્વર લોકોના ખરાબ કામોથી દુઃખી થાય છે ને તેઓના સારાં કામોથી ‘ખુશ’ થાય છે.​—નીતિવચનો ૧૧:૨૦; ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧.

ઈશ્વરના અદ્‍ભુત ગુણો. ઈશ્વર કોઈ પણ દેશ કે જાતિના લોકો પ્રત્યે ભેદભાવ કરતા નથી. તેમની નજરે બધા એકસમાન છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫) તે દયાળુ, કૃપાળુ, તરત ગુસ્સે ન થનાર, અતૂટ પ્રેમ રાખનાર અને સત્યથી ભરપૂર છે. (નિર્ગમન ૩૪:૬, ૭) ખાસ તો, તેમના ચાર ગુણો સૌથી મહત્ત્વના છે.

શક્તિ. યહોવા ‘સર્વશક્તિમાન ઈશ્વર’ છે. એટલે તેમની શક્તિનો કોઈ પાર નથી. તે જે વચન આપે છે, એને પૂરું કરવાની શક્તિ ધરાવે છે.​—ઉત્પત્તિ ૧૭:૧.

ડહાપણ. ઈશ્વરની બુદ્ધિ અને ડહાપણની તોલે કશું જ આવી ન શકે. એટલે જ, બાઇબલ જણાવે છે કે, ‘ઈશ્વર એકલા જ બુદ્ધિમાન છે.’​—રોમનો ૧૬:૨૭.

ન્યાય. ઈશ્વર હંમેશાં ન્યાયથી વર્તે છે. તેમના કામો “સંપૂર્ણ” છે અને ‘તે ક્યારેય અન્યાયથી વર્તતા નથી.’​—પુનર્નિયમ ૩૨:૪.

પ્રેમ. બાઇબલ કહે છે કે, “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) હા, તે પ્રેમના સાગર છે. તે અપાર પ્રેમ બતાવે છે. યહોવાએ જે રીતે પ્રેમ બતાવ્યો, એનાથી આપણને અનેક રીતે ફાયદો થાય છે.

આપણે ઈશ્વરને વધુ સારી રીતે ઓળખી શકીએ. ઈશ્વર સ્વર્ગમાં રહે છે. તે આપણા પ્રેમાળ પિતા જેવા છે. (માથ્થી ૬:૯) આપણે તેમનામાં શ્રદ્ધા મૂકીશું તો તેમને વધુ સારી રીતે ઓળખી શકીશું. (ગીતશાસ્ત્ર ૨૫:૧૪) તે બધાને પ્રાર્થના દ્વારા તેમની નજીક જવા અને ‘પોતાની સર્વ ચિંતાઓને તેમના પર નાંખી દેવાનું’ કહે છે, કેમ કે ‘તે આપણી સંભાળ રાખે છે.’​—૧ પીતર ૫:૭; યાકૂબ ૪:૮.

ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે શું ફરક છે?

ઈસુ ખ્રિસ્ત ઈશ્વર નથી. ઈસુ ખ્રિસ્ત જેવું બીજું કોઈ નથી. ફક્ત તેમને જ ઈશ્વરે પોતાને હાથે રચ્યા છે. એટલે, બાઇબલમાં તેમને ઈશ્વરના દીકરા કહ્યા છે. (યોહાન ૧:૧૪) યહોવાએ પ્રથમ ઈસુને બનાવ્યા. આમ, ઈસુ પ્રથમ જન્મેલા પુત્ર કહેવાયા. તેમનો “કુશળ કારીગર” તરીકે ઉપયોગ કરીને ઈશ્વરે બીજી બધી વસ્તુઓ બનાવી.—નીતિવચનો ૮:૩૦, ૩૧; કોલોસીઓ ૧:૧૫, ૧૬.

ઈસુએ ક્યારેય ઈશ્વર હોવાનો દાવો કર્યો નહિ. પણ, તેમણે કહ્યું: “હું તેમની [ઈશ્વર] પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.” (યોહાન ૭:૨૯) ઈસુએ એક વાર ઈશ્વર વિશે વાત કરતા એક શિષ્યને કહ્યું: યહોવા “મારા પિતા અને તમારા પિતા” છે. તે “મારા ઈશ્વર અને તમારા ઈશ્વર” છે. (યોહાન ૨૦:૧૭) ઈસુના મરણ બાદ યહોવાએ તેમને જીવતા કર્યા અને સ્વર્ગમાં પોતાના જમણા હાથે બેસાડીને તેમને બધો અધિકાર આપ્યો.—માથ્થી ૨૮:૧૮; પ્રેરિતોનાં કાર્યો ૨:૩૨, ૩૩.

ઈશ્વરને ઓળખવા ઈસુ ખ્રિસ્ત તમને મદદ કરી શકે

ઈસુ પૃથ્વી પર પોતાના પિતા વિશે શીખવવા આવ્યા. યહોવાએ પોતે ઈસુ વિશે આમ કહ્યું હતું: “આ મારો વહાલો દીકરો છે. તેનું સાંભળો.” (માર્ક ૯:૭) ઈશ્વરને સૌથી સારી રીતે ઈસુ ઓળખે છે. ઈસુએ કહ્યું: “પિતા કોણ છે, એ દીકરા સિવાય અને દીકરો જેને પ્રગટ કરવા ચાહે તેના સિવાય કોઈ જાણતું નથી.”—લુક ૧૦:૨૨.

ઈશ્વર જેવા જ ગુણો ઈસુમાં છે. ઈસુ પોતાના પિતાના જેવા દરેક ગુણો બતાવે છે. એટલે, તે કહી શક્યા, “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહાન ૧૪:૯) ઈસુએ પોતાના વાણી-વર્તનથી ઈશ્વર જેવો પ્રેમ બતાવ્યો અને લોકોને ઈશ્વર તરફ દોર્યા. તેમણે કહ્યું: “માર્ગ અને સત્ય અને જીવન હું છું. મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.” (યોહાન ૧૪:૬) તેમણે એમ પણ જણાવ્યું: “સાચા ભક્તો પિતાની ભક્તિ પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી કરશે; સાચે જ, પિતાને એવા જ ભક્તો જોઈએ છે.” (યોહાન ૪:૨૩) જરા વિચાર કરો, યહોવા એવા લોકોને શોધે છે, જેઓ તમારી જેમ સાચી માહિતી જાણવા ચાહે છે.