સ્કીપ ટુ કન્ટેન્ટ

પાપ એટલે શું?

પાપ એટલે શું?

શાસ્ત્રમાંથી જવાબ

 પાપ એટલે કે એવું કોઈ કામ, લાગણી કે વિચાર, જે ઈશ્વરનાં ધોરણોની વિરુદ્ધ છે. એમાં ઈશ્વરનો નિયમ તોડવાનો અથવા તેમની નજરે જે ખોટું છે એ કરવાનો પણ સમાવેશ થાય છે. (૧ યોહાન ૩:૪; ૫:૧૭) બાઇબલમાં જણાવ્યું છે કે, જે ખરું છે એ ન કરવું પણ પાપ છે.—યાકૂબ ૪:૧૭.

 બાઇબલની મૂળ ભાષામાં પાપ માટે જે શબ્દો વપરાયા છે, એનો અર્થ થાય, “નિશાન ચૂકવું.” દાખલા તરીકે, પ્રાચીન ઇઝરાયેલના અમુક સૈનિકો ગોફણ ચલાવવામાં એટલા પાવરધા હતા કે તેઓ નિશાન ચૂકતા ન હતા. જો એ શબ્દોનું બેઠું ભાષાંતર કરવામાં આવે, તો એ કંઈક આવું થાય, “પાપ કરતા ન હતા.” (ન્યાયાધીશો ૨૦:૧૬) આમ, પાપ એટલે કે ઈશ્વરના નિયમો પાળવાનું ચૂકી જવું.

 ઈશ્વર આપણા સર્જનહાર છે, એટલે તેમને પૂરો અધિકાર છે કે તે આપણા માટે નિયમો બનાવે. (પ્રકટીકરણ ૪:૧૧) આપણે દરેકે આપણાં કામ માટે ઈશ્વરને હિસાબ આપવો પડશે.—રોમનો ૧૪:૧૨.

શું એ શક્ય છે કે આપણે કદી જ પાપ નહિ કરીએ?

 ના. બાઇબલમાં જણાવ્યું છે કે “બધાએ પાપ કર્યું છે અને તેઓ ઈશ્વરના મહાન ગુણો પૂરી રીતે બતાવી શકતા નથી.” (રોમનો ૩:૨૩; ૧ રાજાઓ ૮:૪૬; સભાશિક્ષક ૭:૨૦; ૧ યોહાન ૧:૮) એવું કેમ?

 ઈશ્વરે જ્યારે પ્રથમ પુરુષ અને સ્ત્રી, આદમ-હવાને બનાવ્યાં હતાં, ત્યારે તેઓમાં કોઈ પાપ ન હતું. કેમ કે તેઓને ઈશ્વર જેવાં બનાવવામાં આવ્યાં હતાં. (ઉત્પત્તિ ૧:૨૭) પણ ઈશ્વરની આજ્ઞા તોડવાને લીધે તેઓ પાપી બન્યાં. (ઉત્પત્તિ ૩:૫, ૬, ૧૭-૧૯) એ પાપ તેઓએ પોતાનાં બાળકોને પણ વારસામાં આપ્યું. (રોમનો ૫:૧૨) ઇઝરાયેલના રાજા દાઉદે લખ્યું હતું, “હું તો જન્મથી જ પાપી છું.”—ગીતશાસ્ત્ર ૫૧:૫.

શું અમુક પાપ બીજાં પાપ કરતાં મોટાં હોય છે?

 હા. પ્રાચીન સદોમના લોકોનો દાખલો લો. બાઇબલમાં જણાવ્યું છે કે તેઓ “દુષ્ટ હતા” અને “ઘોર પાપ કરતા હતા.” તેઓનું પાપ “બહુ મોટું” હતું. (ઉત્પત્તિ ૧૩:૧૩; ૧૮:૨૦) પાપ કેટલું મોટું છે એ પારખવા ચાલો ત્રણ મુદ્દા જોઈએ.

  1.  ૧. ગંભીરતા. બાઇબલ આવાં મોટાં મોટાં પાપથી સાવધ રહેવા કહે છે: વ્યભિચાર, મૂર્તિપૂજા, ચોરી, દારૂડિયાપણું, ખૂન, મેલીવિદ્યા અને જોરજુલમથી પૈસા પડાવવા. (૧ કોરીંથીઓ ૬:૯-૧૧; પ્રકટીકરણ ૨૧:૮) બાઇબલમાં એવા પાપ વિશે પણ જણાવ્યું છે, જે વ્યક્તિ અજાણતાં કરે છે. જેમ કે, પોતાનાં વાણી-વર્તનથી કોઈનું દિલ દુભાવવું. (નીતિવચનો ૧૨:૧૮; એફેસીઓ ૪:૩૧, ૩૨) જોકે, આપણે કોઈ પણ પાપને નાનું ન ગણવું જોઈએ, કેમ કે નાનું પાપ મોટું બની શકે છે અને ઈશ્વરનો નિયમ તોડવા તરફ દોરી જઈ શકે છે.—માથ્થી ૫:૨૭, ૨૮.

  2.  ૨. ઇરાદો. અમુક લોકો ઈશ્વરના નિયમો ન જાણતા હોવાને લીધે પાપ કરે છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૦; ૧ તિમોથી ૧:૧૩) બાઇબલ એવા પાપને નજરઅંદાજ નથી કરતું. પણ એ બતાવે છે કે એવા પાપમાં અને જાણીજોઈને ઈશ્વરનો નિયમ તોડીને કરેલા પાપમાં ફરક છે. (ગણના ૧૫:૩૦, ૩૧) જે વ્યક્તિનું હૃદય “દુષ્ટ” હોય છે, તે જાણીજોઈને પાપ કરે છે.—યર્મિયા ૧૬:૧૨.

  3.  ૩. પાપ કેટલી વાર કરવામાં આવે છે? બાઇબલમાં જણાવ્યું છે કે વ્યક્તિ એક વાર પાપ કરે અને લાંબા સમય સુધી પાપ કર્યા કરે, એ બેમાં ફરક છે. (૧ યોહાન ૩:૪-૮) જો વ્યક્તિ જે ખરું છે એ જાણ્યા પછી પણ ‘જાણીજોઈને પાપ કર્યાં કરે,’ તો તેણે ઈશ્વર તરફથી સજા ભોગવવી પડશે.—હિબ્રૂઓ ૧૦:૨૬, ૨૭.

 બની શકે કે જેઓએ મોટું પાપ કર્યું છે, તેઓ પાપના બોજ નીચે દબાઈ જાય અને પોતાને દોષિત ગણે. તેઓને પણ કદાચ રાજા દાઉદ જેવું લાગે, જેમણે લખ્યું હતું: “મારાં પાપ વધીને માથે ચઢી ગયાં છે. એનો ભારે બોજ સહેવો મારા માટે મુશ્કેલ છે.” (ગીતશાસ્ત્ર ૩૮:૪) પણ તેઓ માટે બાઇબલમાં આ સરસ આશા આપી છે: “દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે. તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, જે દિલથી માફ કરશે.”—યશાયા ૫૫:૭.