સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | ધૂમ્રપાન વિશે ઈશ્વરના વિચારો

ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?

ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?

આગળના લેખમાં આપણે નાઑકો વિશે જોઈ ગયા. ધૂમ્રપાનથી કઈ રીતે આઝાદ થયા એ વિશે જણાવતા તે કહે છે: “ઈશ્વરના ગુણો અને તેમના હેતુ વિશે સત્ય શીખવાથી મારું જીવન સુધારી શકી.” તે બાઇબલમાંથી શીખ્યાં. ખરું કે, બાઇબલમાં તમાકુ વિશે કંઈ જ જણાવ્યું નથી. પણ એના સિદ્ધાંતો એ સમજવા મદદ કરે છે કે ધૂમ્રપાન વિશે ઈશ્વરને કેવું લાગે છે. * બાઇબલના શિક્ષણે ઘણાઓને આ આદતમાંથી છૂટવા મદદ કરી છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) ચાલો, ધૂમ્રપાનથી થતી ત્રણ મુખ્ય ખરાબ અસર વિશે અને બાઇબલ એના વિશે શું જણાવે છે એ જોઈએ.

ધૂમ્રપાન લત લગાડનાર છે

તમાકુમાં અનેક કેફી દ્રવ્ય રહેલાં છે, જેમાં નિકોટીન સૌથી વધારે લત લગાડનાર છે. એનાથી મગજ ઉત્તેજિત થઈ શકે અથવા ધીમું પડી શકે. ધૂમ્રપાન કરવાથી નિકોટીન ઝડપથી અને વારંવાર મગજ સુધી પહોંચે છે. દરેક કશમાં નિકોટીનનો એક ડોઝ હોય છે. દિવસનું એક પૅકેટ પીનારા લગભગ ૨૦૦ ડોઝ નિકોટીન શ્વાસ દ્વારા લે છે, જે બીજા કોઈ પણ ડ્રગ્સની સરખામણીમાં સૌથી વધારે છે. નિકોટીનનું વારંવાર સેવન કરવાથી વ્યક્તિને એની લત લાગે છે. એક વખત લત લાગ્યા પછી જો નિકોટીનની તલપ ન સંતોષાય તો તે બેચેની અનુભવે છે.

“જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો.” —રોમનો ૬:૧૬

તમે તમાકુના બંધાણી હો તો, શું ખરેખર ઈશ્વરની આજ્ઞા માનો છો?

આ વિશે ખરું માર્ગદર્શન મેળવવા બાઇબલ આપણને મદદ કરે છે. એ કહે છે: “શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો.” (રોમનો ૬:૧૬) જ્યારે તમાકુની તલપ વ્યક્તિના વિચારો અને કાર્યો પર હાવી થાય છે ત્યારે, તે કુટેવનો દાસ થઈ જાય છે. જોકે, ઈશ્વર જેમનું નામ યહોવા છે, તે ચાહે છે કે શરીર અને મનને નુકસાન પહોંચાડતી આદતોથી આપણે દૂર રહીએ. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; ૨ કોરીંથી ૭:૧) આમ વ્યક્તિ યહોવા માટે કદર અને માન બતાવશે તેમ, તેને સમજાશે કે યહોવાને પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પણ જો તે કુટેવનો દાસ બની જશે, તો પોતાનું શ્રેષ્ઠ ઈશ્વરને આપવામાં નિષ્ફળ જશે. આ સ્વીકારવા તેને ખરાબ આદતોથી દૂર રહેવા ઇચ્છા જાગશે.

ઑલ્ફ જર્મનીમાં રહે છે. બાર વર્ષની કુમળી વયે તેમણે સિગારેટ પીવાનું શરૂ કર્યું. તે સોળ વર્ષ સુધી એના બંધાણી રહ્યા. શરૂ શરૂમાં તે વિચારતા કે ધૂમ્રપાન કરવાથી કંઈ નુકસાન નહિ થાય. પણ વર્ષો વીત્યા એમ તે એના વ્યસની થઈ ગયા. તે કહે છે, “એક સમયે મારી પાસે સિગારેટ ખલાસ થઈ ગઈ. હું એટલો અકળાઈ ગયો કે ઍશટ્રેમાંથી ઠૂઠાં ભેગા કર્યા અને એમાં રહેલું તમાકુ એકઠું કરીને છાપાના કાગળમાં વીંટીને સિગારેટ બનાવીને પીધી. પણ, પછીથી મને અહેસાસ થયો કે એ શરમજનક કામ હતું.” ધૂમ્રપાનની કુટેવમાંથી તે કઈ રીતે આઝાદ થયા? તે કહે છે, “મારા માટે યહોવા ઈશ્વરને ખુશ કરવા બહુ મહત્ત્વનું હતું. યહોવાને મનુષ્યો પર અપાર પ્રેમ છે અને તે જે આશા આપે છે એનાથી ધૂમ્રપાનની આદત છોડવા મદદ મળી.”

ધૂમ્રપાન શરીરને નુકસાન કરે છે

‘વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે ધૂમ્રપાન શરીરને નુકસાન કરે છે. તેમ જ, એનાથી બીમારી અને મરણમાં વધારો થાય છે.’ એવું ટૉબેકો એટલાસ કહે છે. ધૂમ્રપાનથી બિનચેપી રોગ થાય છે એ જાણીતું છે. જેમ કે, કૅન્સર, હૃદયની અને ફેફસાંની બીમારી. પરંતુ, વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ ધૂમ્રપાન કરવાથી ટીબી જેવા ચેપી રોગ થાય છે, જેનાથી મૃત્યુ પણ થઈ શકે.

‘તારા ઈશ્વર યહોવા પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.’ —માથ્થી ૨૨:૩૭

ઈશ્વરે આપેલા શરીરને કુટેવોથી ભ્રષ્ટ કરીને, શું તમે ઈશ્વર માટે આદર અને પ્રેમ બતાવો છો?

યહોવા ઈશ્વર તેમના વચન બાઇબલ દ્વારા આપણને જીવન, શરીર અને મગજની સંભાળ રાખવા વિશે શીખવે છે. તેમના દીકરા ઈસુએ એ જણાવતા આમ કહ્યું: ‘તારા ઈશ્વર યહોવા પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.’ (માથ્થી ૨૨:૩૭) એનાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ઈશ્વર ચાહે છે કે આપણે પોતાના જીવન અને શરીરની સારી રીતે સંભાળ રાખીએ. આપણે યહોવા અને તેમણે આપેલાં વચનો વિશે શીખીએ તેમ, તેમણે આપણા માટે જે કર્યું છે એ વિશે આપણો પ્રેમ અને કદર વધે છે. એનાથી શરીરને ભ્રષ્ટ કરતી બાબતોથી દૂર રહેવા આપણને મદદ મળે છે.

ભારતમાં જયવંત નામના ડૉક્ટરે આડત્રીસ વર્ષ સુધી ધૂમ્રપાન કર્યું. તે જણાવે છે: “હું તબીબી સાહિત્યમાંથી શીખ્યો હતો કે ધૂમ્રપાન કરવું હાનિકારક છે. હું જાણતો હતો કે ધૂમ્રપાન કરવું ખોટું છે અને હું મારી પાસે આવતા દર્દીઓને ધૂમ્રપાન છોડવાની સલાહ આપતો. જ્યારે કે મેં પોતે પાંચ-છ વાર છોડવાનો પ્રયત્ન કર્યો. તોપણ, છોડી ન શક્યો.” આખરે, એમાંથી આઝાદ થવા તેમને શામાંથી મદદ મળી? તે જણાવે છે, “બાઇબલમાંથી શીખ્યા પછી મેં ધૂમ્રપાન કરવાનું છોડી દીધું. યહોવાને ખુશ કરવાની તમન્ના હોવાથી મેં તરત જ છોડી દીધું.”

ધૂમ્રપાનથી બીજાઓને હાનિ થાય છે

ધૂમ્રપાનથી નીકળતો ધુમાડો અને બૂઝાયેલી સિગારેટનો ધુમાડો બહુ ખતરનાક હોય છે. એવો ધુમાડો શ્વાસમાં લેવાથી કૅન્સર અને બીજી બીમારીઓ થઈ શકે છે. ધૂમ્રપાન કરતા નથી તેઓ પણ એ ધુમાડાનો ભોગ બને છે. દર વર્ષે એ ધુમાડાને લીધે છ લાખ લોકો મરણ પામે છે, જેમાં મોટા ભાગની સ્ત્રીઓ અને બાળકો હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ ચેતવે છે: ‘થોડો ધુમાડો પણ શ્વાસમાં લેવાથી નુકસાન પહોંચે છે.’

“જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” —માથ્થી ૨૨:૩૯

ધૂમ્રપાનથી કુટુંબ અને પડોશીઓને નુકસાન પહોંચાડીને, શું તમે ખરેખર તેઓને પ્રેમ કરો છો?

ઈસુના કહેવા પ્રમાણે આપણે યહોવા ઈશ્વરને પ્રથમ પ્રેમ કરવો જોઈએ. એ પછી પડોશીને, જેમ કે, કુટુંબીજનો, મિત્રો અને બીજા બધા. ઈસુએ કહ્યું: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માથ્થી ૨૨:૩૯) જો આપણી ટેવથી બીજાને નુકસાન પહોંચતું હોય તો, પડોશી માટે આપણે પ્રેમ બતાવતા નથી. સાચો પ્રેમ આપણને બાઇબલની આ સલાહ પાળવા મદદ કરશે: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.”—૧ કોરીંથી ૧૦:૨૪.

આર્મેનિયામાં રહેતા આર્મેનભાઈ જણાવે છે: “હું ધૂમ્રપાન કરતો હોવાથી કુટુંબને અસર થતી હતી. એટલે, તેઓએ એ છોડવા મને વિનંતી કરી. પણ હું સ્વીકારતો ન હતો કે, ધૂમ્રપાનથી તેઓને ખરાબ અસર થઈ શકે છે.” શાનાથી તેમના વિચારો બદલાયા એ જણાવતા તે કહે છે: “બાઇબલમાંથી શીખવાથી અને યહોવા માટે પ્રેમ કેળવવાથી મને ધૂમ્રપાન છોડવા મદદ મળી. તેમ જ, મેં કબૂલ્યું કે એનાથી ફક્ત મને જ નહિ, બીજાઓને પણ નુકસાન થાય છે.”

ધૂમ્રપાન છોડવામાં ભલાઈ છે!

ઑલ્ફ, જયવંત અને આર્મેનને બાઇબલનું શિક્ષણ લેવાથી કુટેવ છોડવા મદદ મળી, જેનાથી તેઓને અને બીજાઓને નુકસાન થતું હતું. તેઓને ફક્ત એ જાણીને સફળતા ન મળી કે ધૂમ્રપાનથી નુકસાન થાય છે. પણ, યહોવા માટે પ્રેમ અને તેમને ખુશ કરવાની ઇચ્છા કેળવવાથી તેઓ એમ કરી શક્યા. પ્રેમ કેટલો મહત્ત્વનો છે એ પર ભાર મૂકતા ૧ યોહાન ૫:૩ જણાવે છે: “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે; અને તેમની આજ્ઞાઓ ભારે નથી.” જોકે, બાઇબલ સિદ્ધાંતો પાળવા હંમેશાં સહેલા નથી. પણ, વ્યક્તિ જ્યારે ઈશ્વર માટે પ્રેમ કેળવે છે ત્યારે તેમની આજ્ઞાઓ પાળવી ભારે નથી લાગતી.

આજે યહોવા ઈશ્વર બાઇબલના શિક્ષણ દ્વારા આખી દુનિયામાં લોકોને તમાકુની ગુલામીમાંથી છૂટવા અથવા એના વ્યસનથી દૂર રહેવા મદદ કરી રહ્યા છે. (૧ તીમોથી ૨:૩, ૪) હવે બહુ જલદી યહોવા પોતાનું રાજ્ય લાવશે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. એ રાજ્ય દ્વારા તે લોભી વેપારી તંત્રનો વિનાશ કરશે, જેણે લાખો લોકોને તમાકુના દાસ બનાવ્યા છે. તે બધાના ભલા માટે આ જગતવ્યાપી રોગનો કાયમી નાશ કરશે. પછી, આજ્ઞાકારી મનુષ્યોને તન-મનથી સંપૂર્ણ થવા મદદ કરશે.—યશાયા ૩૩:૨૪; પ્રકટીકરણ ૧૯:૧૧, ૧૫.

લાખ પ્રયત્ન કરવા છતાં પણ ધૂમ્રપાન છૂટતું ન હોય, તો હિંમત ન હારશો. યહોવા માટે પ્રેમ કેળવવાથી અને ધૂમ્રપાન વિશે તેમને કેવું લાગે છે એ જાણવાથી તમને ધૂમ્રપાન છોડવા જરૂર મદદ મળશે. બાઇબલ સિદ્ધાંતો વિશે શીખવા અને એને જીવનમાં લાગુ પાડવા યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી તમને મદદ કરશે. જો તમે તમાકુની લત છોડવા યહોવાની મદદ માંગશો તો, ખાતરી રાખો કે તે તમને સામર્થ્ય અને શક્તિ પૂરાં પાડશે.—ફિલિપી ૪:૧૩. (w14-E 06/01)

^ ફકરો. 3 ધૂમ્રપાનમાં આવી બાબતોનો સમાવેશ થાય છે: સિગારેટ, સિગાર, ચિલમ અથવા હુકા દ્વારા તમાકુના ધુમાડાને શ્વાસમાં લેવો. જોકે, આ સિદ્ધાંત છીંકણી, તમાકુ ચાવવી, ઇલેકટ્રોનિક સિગારેટ જેમાં નિકોટીન હોય છે અને એનાથી બનેલી બીજી વસ્તુઓને પણ લાગુ પડે છે.