સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ જીવન સુધારે છે

દરેક સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા.

દરેક સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા.
  • જન્મ: ૧૯૫૦

  • દેશ સ્પેન

  • પહેલા કેવા હતા: કૅથલિક નન

મારો ભૂતકાળ:

મારો જન્મ થયો ત્યારે, મારાં માતાપિતા સ્પેનના ઉત્તર-પૂર્વમાં આવેલા ગલીસીઆ નામના ગામમાં ખેતીવાડી કરતાં હતાં. આઠ ભાઈ-બહેનોમાં હું ચોથા નંબરની હતી. અમારું કુટુંબ સુખી હતું. એ સમયે કુટુંબમાંથી એક બાળક પાદરી બનવાની શાળામાં અથવા કૉન્વેન્ટમાં જાય, એ સ્પેનમાં સામાન્ય હતું. અમારા કુટુંબમાંથી બે બહેનો કૉન્વેન્ટમાં ગઈ અને એક ભાઈ પાદરી બનવાની શાળામાં ગયો.

તેર વર્ષની ઉંમરે હું મૅડ્રિડ શહેરમાં આવેલા કૉન્વેન્ટમાં મારી મોટી બહેન સાથે જોડાઈ. ત્યાંનું વાતાવરણ ઉદાસભર્યું હતું. મિત્રભાવ જેવું હતું જ નહિ, ફક્ત નિયમો, પ્રાર્થનાઓ અને કડક શિસ્ત હતાં. વહેલી સવારે અમે દેવળમાં મનન કરવા ભેગા મળતા, પણ મોટા ભાગે મારા મનમાં કંઈ વિચારો જ ન આવતા. પછી, અમે લૅટિન ભાષામાં ભજનો ગાતા અને મીસ ઊજવતા. મને કશું સમજાતું નહિ અને એવું લાગતું કે ઈશ્વર મારાથી દૂર છે. કૉન્વેન્ટમાં છૂટથી એકબીજા સાથે વાત ન કરી શકતા. મારી બહેન મળતી ત્યારે, અમે એકબીજાને ‘પવિત્ર મરિયમની જય’ માંડમાંડ કહી શકતા. જમ્યા પછી બધાને ફક્ત અડધો કલાક વાત કરવાની છૂટ હતી. ખુશીઓથી ભરેલા ઘરના વાતાવરણ કરતાં અહીં કેટલું જુદું હતું! મને એકલું એકલું લાગતું અને હું ઘણી વાર રડતી.

ઈશ્વર મારાથી દૂર છે એવું લાગતું હોવા છતાં, ૧૭ વર્ષની ઉંમરે હું નન બની. નન તરીકે હું મારી ફરજ બજાવતી, પણ થોડા જ સમયમાં હું વિચારવા લાગી કે, શું ઈશ્વરે મને આ કામ માટે પસંદ કરી છે. અમુક નન કહેતા હતા કે, એવી શંકા કરતા લોકો નર્કમાં જશે! તોપણ, શંકાઓ મારા મનમાં ભમ્યા કરતી. હું જાણતી હતી કે, લોકો સાથે ઈસુ ખ્રિસ્ત હંમેશાં હળતા મળતા અને તેઓને બોધ આપવામાં તથા મદદ કરવામાં લાગુ રહેતા. (માથ્થી ૪:૨૩-૨૫) વીસ વર્ષની થઈ ત્યારે નન તરીકે રહેવાનું મારી પાસે કોઈ કારણ ન હતું. એક દિવસે મધર સુપિરિયરે જે કહ્યું એ મને માનવામાં ન આવ્યું. તેમણે કહ્યું કે, ‘નન રહેવું ન હોય તો, જલદી જ છોડીને ચાલી જા.’ કદાચ તેમને ડર હતો કે મારી અસર બીજાઓ પર પડશે. એટલે મેં કૉન્વેન્ટ છોડી દીધું.

ઘરે પાછી ગઈ ત્યારે, મારાં માતાપિતા મારી હાલત સમજી શક્યાં. અમારા નાના ગામમાં નોકરી મળતી ન હોવાથી હું જર્મનીમાં મારા નાના ભાઈ પાસે રહેવા ગઈ. જર્મનીમાં રહેતા સ્પેનિશ લોકોનું સામ્યવાદી ગ્રૂપ હતું, જેમાં મારો ભાઈ જોડાયેલો હતો. તેઓ સ્ત્રીઓની સમાનતા અને કામદારોના હક્ક માટે લડતા હતા. તેઓની સંગત મને ગમતી. સમય જતાં, હું પણ સામ્યવાદી બની અને એ ગ્રૂપની વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેઓનાં સાહિત્ય વહેંચવાથી અને આંદોલનોમાં ભાગ લેવાથી મને લાગતું કે હું કંઈ સારું કરું છું.

સમય જતાં, હું ફરીથી નિરાશ થઈ ગઈ. મને લાગતું કે સામ્યવાદીઓ મોટા ભાગે કહે કંઈ અને કરે કંઈ. ૧૯૭૧માં એ સાબિત થયું, જ્યારે અમારા ગ્રૂપના અમુક યુવાનોએ ફ્રૅંક્ફુર્ટ શહેરમાં આવેલું સ્પેનિશ સરકારનું કાર્યાલય બાળી નાખ્યું. સ્પેનમાં જુલમ ગુજારવામાં આવતો હોવાથી એના વિરોધમાં તેઓએ એમ કર્યું હતું. હું માનતી હતી કે આ રીતે ગુસ્સો ઠાલવવો ખોટું કહેવાય.

અમારા પહેલા દીકરાનો જન્મ થયો ત્યારે, મારા પતિને મેં જણાવ્યું કે હવેથી સામ્યવાદીઓની સભામાં હું નહિ આવું. મારા મિત્રોમાંથી કોઈ મને અને મારા દીકરાને જોવા ન આવ્યું. એટલે, મને સૂનું સૂનું લાગતું. હું વિચારવા લાગી કે જીવનનો હેતુ શું છે. તેમ જ, સમાજમાં સુધારો લાવવામાં મેં જે મહેનત કરી એનો શું ફાયદો થયો?

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

૧૯૭૬માં યહોવાના સાક્ષીઓનું એક સ્પેનિશ યુગલ અમારા ઘરે આવ્યું અને બાઇબલનાં અમુક સાહિત્ય બતાવ્યાં, જે મેં લીધાં. તેઓ મને ફરી મળવા આવ્યા ત્યારે મેં તેમને ઘણા સવાલો પૂછ્યા. જેમ કે, કેમ આટલાં બધાં દુઃખ-તકલીફો, અસમાનતા અને અન્યાય છે. મારા દરેક સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા, એનાથી મને ખૂબ નવાઈ લાગી. એટલે તેઓ પાસેથી મેં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં, બાઇબલ વિશે અમુક બાબતો શીખવાનું મને ગમ્યું. મેં અને મારા પતિએ યહોવાના સાક્ષીઓના રાજ્યગૃહમાં જવાનું શરૂ કર્યા પછી બાબતો બદલાવા લાગી. એ દરમિયાન અમને બે બાળકો હતાં. યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી અમને રાજ્યગૃહમાં લઈ જતા અને સભાઓમાં બાળકોની સંભાળ રાખવા મદદ કરતા. તેઓ માટે મારું માન વધ્યું.

તોપણ, ધર્મ વિશે મને અમુક શંકાઓ હતી. સ્પેનમાં રહેતા મારા કુટુંબને મળવાનું મેં વિચાર્યું. મારા કાકા પાદરી હતા અને હું બાઇબલમાંથી શીખવાનું છોડી દઉં એ માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. આ સમયે સ્પેનમાં રહેતા સાક્ષીઓએ મને ખૂબ જ મદદ કરી. જર્મનીમાં રહેતા સાક્ષીઓની જેમ જ તેઓએ મારા સવાલોના જવાબ બાઇબલમાંથી આપ્યા. મેં નક્કી કર્યું કે જર્મની પાછી જઈશ ત્યારે બાઇબલમાંથી શીખવાનું ચાલુ રાખીશ. જોકે, મારા પતિએ શીખવાનું બંધ કર્યું પણ, મેં એમ ન કર્યું. ૧૯૭૮માં મેં બાપ્તિસ્મા લીધું અને યહોવાની સાક્ષી બની.

મને કઈ રીતે ફાયદો થયો:

બાઇબલનું ખરું જ્ઞાન લેવાથી મને જીવનનો હેતુ અને માર્ગદર્શન મળ્યાં. દાખલા તરીકે, ૧ પીતર ૩:૧-૪ પત્નીઓને ઉત્તેજન આપે છે કે, પોતાના પતિને ઊંડું માન આપે, “આધીન” થાય અને ‘નમ્ર સ્વભાવ કેળવે જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે.’ આ સિદ્ધાંત પાળવાથી હું સારી પત્ની અને માતા બની શકી.

પાંત્રીસ વર્ષથી હું યહોવાની સાક્ષી છું. દુનિયાભરમાં રહેતા યહોવાના સાક્ષીઓ મારા કુટુંબ જેવા છે. તેઓ સાથે મળીને ઈશ્વરની ભક્તિ કરવામાં મને આનંદ મળે છે. તેમ જ, મને ખુશી છે કે, મારા પાંચમાંથી ચાર બાળકો યહોવાની ભક્તિ કરે છે. (w14-E 04/01)