સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | આપણને ઈશ્વરની કેમ જરૂર છે?

આપણને ઈશ્વરની કેમ જરૂર છે

આપણને ઈશ્વરની કેમ જરૂર છે

માનસિક આરોગ્યના નિષ્ણાતો જણાવે છે કે ખરું સુખ મેળવવામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ કરતાં કંઈક વધુ સમાયેલું છે. આ હકીકતથી આપણે જોઈ શકીએ છીએ કે, લોકોને એવું કંઈક કરવું છે જેનો હેતુ હોય અથવા તેઓ કરતાં મોટી વ્યક્તિઓની કે કામની સેવામાં તલ્લીન થઈ જવું છે. એ ઇચ્છા સંતોષવા અમુક લોકો કુદરત, કળા, સંગીત અને એના જેવી બાબતોમાં ફુરસદની પળો માણે છે. છતાં, ઘણાને એમાંથી ઊંડો સંતોષ મળતો નથી કે એ લાંબો સમય ટકતો નથી.

ઈશ્વર ચાહે છે કે મનુષ્યો હમણાં અને ભાવિમાં સુખી રહે

બાઇબલ વાચકો સારી રીતે જાણે છે કે મનુષ્યોમાં ભક્તિની ભૂખ હોય છે. ઉત્પત્તિના શરૂઆતના અધ્યાય બતાવે છે કે પ્રથમ યુગલને બનાવ્યા પછી, ઈશ્વર તેઓ સાથે નિયમિત રીતે વાતચીત કરતા. આમ, તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધી શકતા. (ઉત્પત્તિ ૩:૮-૧૦) ઈશ્વરે મનુષ્યોને એ રીતે બનાવ્યા નથી કે તેઓ પોતાની રીતે જીવી શકે. પોતાના સર્જનહાર સાથે વાત કરવી તેઓ માટે જરૂરી છે. બાઇબલ એ જરૂરિયાત વિશે વારંવાર જણાવે છે.

દાખલા તરીકે, ઈસુએ જણાવ્યું: “જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે તેઓને ધન્ય છે!” (લુક ૧૧:૨૮) આ શબ્દો બતાવે છે કે ભક્તિની ભૂખ સંતોષીશું તો જ જીવનમાં સુખ-શાંતિ અનુભવીશું. આપણે એ કઈ રીતે કરી શકીએ? ઈસુએ જવાબમાં કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માથ્થી ૪:૪) ઈશ્વરના શબ્દો એટલે કે ઈશ્વરનું માર્ગદર્શન અને તેમના વિચારો બાઇબલમાં છે. એ કઈ રીતે આપણને સુખી અને હેતુસભર જીવન જીવવા મદદ કરી શકે? ચાલો, એ વિશે ત્રણ મુખ્ય મુદ્દાઓનો વિચાર કરીએ.

આપણને જરૂર છે સારાં માર્ગદર્શનની

સંબંધો, પ્રેમ, કુટુંબ, મુશ્કેલીઓનો હલ, સુખ-શાંતિ અને જીવનના હેતુ વિશે સલાહ આપવા આજે ઘણા નિષ્ણાતો તૈયાર હોય છે. પણ આ પાસાંઓમાં સૌથી સારી અને યોગ્ય સલાહ સર્જનહાર ઈશ્વર, યહોવા સિવાય બીજું કોણ આપી શકે?

વાપરનાર માટેની માર્ગદર્શિકાની જેમ, બાઇબલ જીવન વિશે માર્ગદર્શન આપતું પુસ્તક છે

એ સમજવા એક દાખલો જોઈએ: તમે કૅમેરા કે કૉમ્પ્યુટર જેવું કોઈ સાધન ખરીદો તો, તમે ઇચ્છશો કે એની સાથે વાપરનાર માટેની માર્ગદર્શિકા હોય. જે સાધનને સૌથી સારી રીતે વાપરવા અને એનો પૂરો લાભ મેળવવા વિશે જણાવે. બાઇબલને પણ એવી જ માર્ગદર્શિકા સાથે સરખાવી શકાય. જીવન રચનાર ઈશ્વરે આ માર્ગદર્શિકા માણસોને આપી છે. આ પુસ્તક બતાવે છે કે માણસને શા માટે બનાવ્યો છે અને જીવનનો પૂરો આનંદ મેળવવા શું કરવું જોઈએ.

સારી માર્ગદર્શિકાની જેમ બાઇબલ પણ વાચકોને એવી બાબતોથી ચેતવે છે જેનાથી જીવનને નુકશાન થઈ શકે. બીજાઓ દ્વારા મળતી સલાહ કદાચ સાંભળવામાં સહેલી અને ઉપયોગી લાગે. પણ, શું તમને નથી લાગતું કે આપણે સર્જનહારનું માર્ગદર્શન સ્વીકારીશું તો, સારું પરિણામ મેળવી શકીશું અને મુશ્કેલીઓ ટાળી શકીશું?

“હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.” —યશાયા ૪૮:૧૭, ૧૮

જરૂરી માર્ગદર્શન અને મદદ બાઇબલમાંથી મળે છે

યહોવા ઈશ્વર માર્ગદર્શન અને સલાહ-સૂચન આપે છે, પણ એને સ્વીકારવા દબાણ કરતા નથી. આપણને પ્રેમ કરતા હોવાને લીધે તે અરજ કરે છે: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.” (યશાયા ૪૮:૧૭, ૧૮) આ બતાવે છે કે જો આપણે ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારીશું, તો સારી રીતે જીવી શકીશું. બીજા શબ્દોમાં કહીએ તો, સારી રીતે જીવવા અને સુખી થવા આપણને ઈશ્વરની જરૂર છે.

આપણને જરૂર છે જીવનની મુશ્કેલીઓના જવાબોની

અમુક લોકોને લાગે છે કે તેઓને ઈશ્વરની જરૂર નથી, કેમ કે તેઓને મૂંઝવણમાં નાખે એવા ઘણા સવાલો છે, જે ઈશ્વર પ્રેમાળ છે એવી માન્યતાને ટેકો આપતા નથી. દાખલા તરીકે, તેઓને સવાલ થાય કે, ‘સારા લોકો પર શા માટે દુઃખ-તકલીફ પડે છે?’ ‘શા માટે નિર્દોષ ભૂલકાં ખોડ-ખાંપણ સાથે જન્મે છે?’ ‘જીવનમાં કેમ આટલો અન્યાય છે?’ આ સવાલો મહત્ત્વના છે અને તેઓના સંતોષકારક જવાબ આપણા જીવનને ઘણી અસર કરી શકે. પણ, આવી મુશ્કેલીઓ માટે તરત ઈશ્વરને દોષ આપવાને બદલે, ચાલો જોઈએ કે ઈશ્વરનો શબ્દ બાઇબલ એ વિશે શું જણાવે છે.

ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય શેતાન વિશે જણાવે છે, જેણે સર્પનો ઉપયોગ કરીને પ્રથમ યુગલને યહોવા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જવા લલચાવ્યા. ઈશ્વરની આજ્ઞા હતી કે ભલું તથા ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ન ખાવું. શેતાને હવાને કહ્યું, “તમે નહિ જ મરશો; કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.”—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૪, ૫.

એ શબ્દોથી શેતાને ઈશ્વર પર જૂઠાં હોવાનો આરોપ મૂક્યો અને સાથે એમ પણ બતાવ્યું કે ઈશ્વર ન્યાયી રીતે રાજ નથી કરતા. શેતાને એવો દાવો કર્યો કે જો મનુષ્યો તેનું સાંભળશે તો તેઓનું ભલું થશે. એ મુદ્દો કઈ રીતે હલ થવાનો હતો? યહોવાએ સમય આપ્યો, જેથી બધા જોઈ શકે કે તેમના પર મૂકેલા આરોપ સાચા છે કે ખોટા. આમ, શેતાન તથા તેને સાથ આપનારાઓને ઈશ્વરે સાબિત કરવાની તક આપી કે મનુષ્ય ઈશ્વર વગર જીવી શકે છે કે નહિ.

શેતાને મૂકેલા આરોપનો તમે શું જવાબ આપશો? શું મનુષ્યો ઈશ્વર વગર સારી રીતે જીવી શકે છે? સારી રીતે રાજ કરી શકે છે? દુઃખ, અન્યાય, બીમારી, મૃત્યુ, ગુના, સંસ્કારોનું પતન, યુદ્ધો, નરસંહાર અને બીજા જોર-જુલમ સદીઓથી મનુષ્યોને હેરાન-પરેશાન કરે છે. આ હકીકત બતાવે છે કે, ઈશ્વર વગર પોતાની મેળે રાજ કરવું મનુષ્યો માટે નિષ્ફળતા લાવ્યું છે. મનુષ્યો પર આવતા દુઃખને માટે ઈશ્વરને જવાબદાર ગણવાને બદલે, બાઇબલ એનું મુખ્ય કારણ જણાવે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.

આમ જોતાં એ સ્પષ્ટ થાય છે કે ફક્ત સવાલોના જવાબ મેળવવા જ નહિ, પણ એના હલ માટે આપણને ઈશ્વરની જરૂર છે. ઈશ્વર શું કરશે?

આપણને જરૂર છે ઈશ્વરની મદદની

સદીઓથી લોકોને એવી ઇચ્છા છે કે તેઓ બીમારી, વૃદ્ધાવસ્થા અને મરણથી છૂટકારો મેળવે. એટલે તેઓએ સમય, શક્તિ અને સંપત્તિનો ઘણો ખર્ચ કર્યો છે પણ એનાથી લાભ મળ્યો નથી. એ માટે કેટલાક લોકોએ દવાઓ, કસરત અને મેલી-વિદ્યાનો સહારો લીધો છે. પણ તેઓની ઇચ્છાઓને નિરાશા જ મળી છે.

મનુષ્યોને બનાવવા પાછળનો ઈશ્વરનો હેતુ આ હતો: માણસો સારું અને સુખી જીવન જીવે. આ હેતુ તે ભૂલ્યા નથી. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; યશાયા ૪૫:૧૮) આપણને યહોવા ઈશ્વર પાસેથી ખાતરી મળે છે કે તેમનો હેતુ તે ચોક્કસ પૂરો કરશે. (યશાયા ૫૫:૧૦, ૧૧) બાઇબલ જણાવે છે કે ઈશ્વરે વચન આપ્યું છે કે તે પ્રથમ યુગલ રહેતું હતું એવી બગીચા જેવી સુંદર ધરતી પાછી લાવશે. બાઇબલના છેલ્લા પુસ્તકમાં આપણને આ શબ્દો જોવા મળે છે: યહોવા ઈશ્વર “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૪) ઈશ્વર આવી સારી બાબતો કઈ રીતે લાવશે? આ વચનથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ?

ઈશ્વરના દીકરા ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વરની ઇચ્છા પૂરી થાય એ વિશે પ્રાર્થના કરતા શીખવ્યું. ઘણા લોકો એ પ્રાર્થનાને જાણતા હશે અથવા અવારનવાર બોલતા હશે, જે પ્રભુની પ્રાર્થના તરીકે પણ ઓળખાય છે. એ આમ જણાવે છે: ‘ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૯, ૧૦) મનુષ્યના રાજથી થયેલા નુકશાનને યહોવા ઈશ્વર પોતાના રાજ્યથી સુધારશે. તેમ જ, પોતાના વચન પ્રમાણે ન્યાયી નવી દુનિયા લાવશે. * (દાનીયેલ ૨:૪૪; ૨ પીતર ૩:૧૩) ઈશ્વરનાં વચનોથી લાભ મેળવવા આપણે શું કરવાની જરૂર છે?

એ માટે ઈસુ ખ્રિસ્ત આ સાદું પગલું જણાવે છે: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તેમને ઓળખે.’ (યોહાન ૧૭:૩) ખરેખર, આવનાર નવી દુનિયામાં ઈશ્વરની મદદથી હંમેશ માટેનું જીવન પામવું શક્ય છે. આવા સુંદર ભાવિની આશાને લીધે આપણને બીજું એક કારણ મળે છે કે, શા માટે આપણને ઈશ્વરની જરૂર છે.

ઈશ્વર વિશે વિચારવાનો સમય

બે હજાર વર્ષ પહેલાં, અરેઓપાગસ (માર્સની ટેકરી) નામની જગ્યાએ નવાં નવાં વિચારો સાંભળવા તૈયાર એવા એથેન્સના લોકો સાથે પ્રેરિત પાઊલે વાત કરી. તેમણે ઈશ્વર વિશે આમ કહ્યું: ‘જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ; જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાએકે કહ્યું છે, કે આપણે પણ તેમનાં સંતાનો છીએ, તેમ.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૫, ૨૮.

ઈશ્વરભક્ત પાઊલે એથેન્સના લોકોને જે જણાવ્યું તે આજે પણ એટલું જ સાચું છે. આપણા સર્જનહાર શ્વાસ લેવા હવા, ખાવા માટે ખોરાક, પીવા માટે પાણી પૂરું પાડે છે. જીવવા માટે યહોવા જે સારી બાબતો પૂરી પાડે છે, એના વગર જીવવું અઘરું હોત. લોકો ઈશ્વર વિશે વિચારે કે ન વિચારે છતાં, તે શા માટે જીવન જરૂરી બાબતો પૂરી પાડતા રહે છે? પાઊલે કહ્યું, ‘જેથી તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમના માટે ફંફોસીને તેમને પામે, પરંતુ તે આપણામાંના કોઈથી વેગળા નથી.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭.

શું તમે ઈશ્વરને સારી રીતે ઓળખવા માગો છો? તેમના હેતુઓ અને સલાહ જેનાથી હમણાં અને ભાવિમાં સારું જીવન જીવવા મદદ મળે એ શીખવા માંગો છો? જો એમ હોય તો તમને જે વ્યક્તિએ આ મૅગેઝિન આપ્યું તેનો અથવા આ મૅગેઝિનના પ્રકાશકોનો સંપર્ક કરો. તેઓ તમને ખુશીથી મદદ કરશે. (w13-E 12/01)

^ ફકરો. 20 ઈશ્વરનું રાજ્ય કઈ રીતે પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી કરશે એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૮ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. જે www.pr418.com. પરથી તમે ડાઉનલોડ કરી શકો.