સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી કુટુંબની ચાવી

તમારા તરુણ સાથે વાત કરો—દલીલ કર્યા વગર

તમારા તરુણ સાથે વાત કરો—દલીલ કર્યા વગર

“મારી દીકરી ૧૪ વર્ષની થઈ ત્યારે, તે મને સામે જવાબ આપવા લાગી. હું તેને કહું કે, ‘જમવાનો સમય થઈ ગયો છે’ તો તે મને સામે કહેતી કે, ‘મને જ્યારે ભૂખ લાગશે ત્યારે હું જમીશ.’ જો હું તેને પૂછું કે તેનું કામકાજ પત્યું કે નહિ તો તે મને કહેતી, ‘મને હેરાન ન કરશો!’ ઘણી વાર વાત વધતી જતી અને અમે બંને બૂમો પાડવા લાગતા.”—માકી, જાપાન. *

જો તમે તરુણ બાળકના માતાપિતા હો, તો ઝઘડો એક મોટો પડકાર હશે અને એ ઘણી ધીરજ માંગી લેશે. બ્રાઝિલમાં રહેતી મારિયાને ૧૪ વર્ષની દીકરી છે. તે જણાવે છે, “મારી દીકરી મારી સામે થાય ત્યારે મારું લોહી ઉકળી ઊઠે છે.” ઇટાલીમાં રહેતી કાર્મેલાને એવી જ સમસ્યા છે. તે કહે છે: “અમે એટલા હેરાન થઈ જતા કે એકબીજા પર બૂમો પાડતા. મારા દીકરા સાથે વાત કરતી વખતે એકદમ ગરમાગરમી થઈ જતી, છેવટે તે જોરથી દરવાજો પછાડીને તેના રૂમમાં જતો રહેતો.”

શા માટે અમુક તરુણો ઝઘડાળુ લાગે છે? શું તેઓના મિત્રોનો વાંક છે? કદાચ. બાઇબલ જણાવે છે કે, વ્યક્તિ પર તેની સંગતની ઘણી અસર પડે છે. એ સારી કે ખરાબ હોય શકે. (નીતિવચનો ૧૩:૨૦; ૧ કોરીંથી ૧૫:૩૩) ઉપરાંત, આજના યુવાનોને આકર્ષતું મોટા ભાગનું મનોરંજન બતાવે છે કે, યુવાનોમાં બંડખોરપણું અને અપમાન કરવાનું વલણ હોય એમાં કંઈ ખોટું નથી.

એવી બીજી બાબતો પણ છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરુણને અસર કરતી આ એવી બાબતો છે, જે એક વાર સમજ્યા પછી હલ કરવી સહેલી છે. ચાલો, કેટલાંક ઉદાહરણો પર ધ્યાન આપીએ.

તરુણોમાં ‘ખરુંખોટું પારખવાની’ ક્ષમતા કેળવાતી હોય છે

પ્રેરિત પાઊલે લખ્યું: “જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો; પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.” (૧ કોરીંથી ૧૩:૧૧) પાઊલના શબ્દો બતાવે છે તેમ બાળકો અને મોટાઓની વિચારવાની રીત અલગ છે. કયા અર્થમાં?

બાળકોનું વિચારવું એક તરફી હોય છે, તેઓ માટે બાબત ક્યાં તો ખરી હોય છે અથવા ખોટી. જ્યારે કે, સ્પષ્ટ ન હોય એવી બાબતો પર મોટાઓ તર્ક કરી શકે છે. તેઓ નિર્ણય લેવા માટે ઊંડો વિચાર કરી શકે છે. દાખલા તરીકે, મોટાઓ કોઈ સંજોગના નૈતિક પાસા પર વિચાર કરી શકે છે અને તેઓના કાર્યોથી બીજાઓ પર શું અસર પડશે તે સમજી શકે છે. આ રીતે વિચાર કરવાનું તેઓને આવડતું હોય છે. જ્યારે કે, તરુણો આ રીતે વિચારવાનું કેળવી રહ્યા હોય છે.

બાઇબલ યુવાનોને “વિવેકબુદ્ધિ” કે વિચારવાની શક્તિ કેળવવા ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૧:૪) હકીકતમાં, બાઇબલ દરેક ખ્રિસ્તીઓને ‘ખરુંખોટું પારખવાની’ ક્ષમતા કેળવવાની અરજ કરે છે. (હિબ્રૂ ૫:૧૪) પણ અમુક વાર, ખરુંખોટું પારખવાની ક્ષમતાને લીધે તરુણ કદાચ સાવ નાની વાતમાં તમારી સાથે દલીલ કરે. * અથવા બની શકે કે તે પોતાના વિચારો જણાવે જે કદાચ ખરાં ન પણ હોય. (નીતિવચનો ૧૪:૧૨) એવા કિસ્સામાં તમે કઈ રીતે તેની સાથે દલીલ કર્યા વગર વાતચીત કરી શકો?

આમ કરી શકો: ધ્યાન આપો કે તમારું તરુણ કદાચ ખરું-ખોટું પારખવાનું શીખી રહ્યું છે અને તે પોતાના વિચારોમાં મક્કમ નથી. તેના વિચારો પારખવા સૌથી પહેલાં, તેની વિચારવાની શક્તિના વખાણ કરો. (“ભલે તારી બધી વાતો સાથે હું સહમત નથી, છતાં જે રીતે તું વિચારે છે એ મને ગમ્યું.”) પછી, તેના વિચારો સમજવા તેને મદદ કરો. (“તેં જે હમણાં કહ્યું, શું તને લાગે છે કે દરેક સંજોગોમાં એ લાગુ પડે છે?”) તમારું તરુણ ફરી એ મુદ્દાઓ પર જે રીતે વિચાર કરશે અને સુધારો કરશે એનાથી તમે ચોક્કસ નવાઈ પામશો.

ધ્યાન રાખો: તમારા તરુણ સાથે વાતચીત કરતી વખતે તમે સાચા છો એ સાબિત કરવાનો પ્રયત્ન ન કરશો. તમને લાગે કે તમે જે કહો છો તે તરુણ સાંભળતો નથી. તોપણ, વાતચીતમાંથી તમે ધારો છો એનાથી વધારે બાબતો તેના મનમાં ઉતરશે. અમુક દિવસો પછી, તરુણ તમારા વિચારો સાથે સહમત થવા લાગે અથવા એ પોતાના વિચારો છે એમ કહેવા લાગે તો નવાઈ ન પામતા.

“અમુક વાર, મારો દીકરો અને હું નાની બાબતો પર દલીલ કરીએ છીએ. દાખલા તરીકે, બગાડ ન કરવો કે નાની બહેનને હેરાન નહિ કરવા વિશે. મોટા ભાગના કિસ્સાઓમાં તે એમ ચાહતો હોય છે કે, તે શું વિચારે છે એ હું તેને પૂછું અને સમજું. તેમ જ કહું, ‘ઓહ, એમ બન્યું હતું.’ અથવા ‘તો તું આવું વિચારે છે.’ એ દિવસો વિશે વિચારતા હું જોઈ શકું છું કે જો મેં ફક્ત એવું કંઈ કહ્યું હોત, તો ચોક્કસ અમે ઘણી દલીલો ટાળી શક્યા હોત.”—કેન્જી, જાપાન.

તરુણો મંતવ્ય ઘડી રહ્યા હોય છે

સમજુ માબાપ તરુણોને પોતાના મંતવ્યો અચકાયા વગર જણાવવા મદદ કરે છે

તરુણના ઉછેરનો મુખ્ય હેતુ શું છે? તે જવાબદાર વ્યક્તિ બને અને પોતાના પગ પર ઊભો રહી શકે એ માટે તૈયાર કરવો. (ઉત્પત્તિ ૨:૨૪) એમાં તેની ઓળખ બનાવવાનો એટલે કે ગુણો, મૂલ્યો અને વ્યક્તિત્વ કેળવવાનો સમાવેશ થાય છે. ખોટું કરવાનું દબાણ આવે ત્યારે શું? તરુણે પહેલેથી નક્કી કર્યું હશે કે તે કેવી વ્યક્તિ બનવા માંગે છે, તો તેના કામોનું શું પરિણામ આવશે એનો વિચાર કરશે. તે વિચારશે કે, ‘હું કેવી વ્યક્તિ છું? મારા મૂલ્યો કેવા છે? એવા મૂલ્યો ધરાવતી વ્યક્તિ આવા સંજોગોમાં શું કરશે?’—૨ પીતર ૩:૧૧.

બાઇબલ જુવાન યુસફ વિશે જણાવે છે, જેના માટે પોતાની ઓળખ ઘણી મહત્ત્વની હતી. દાખલા તરીકે, જ્યારે પોટીફારની પત્નીએ તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું ત્યારે યુસફે કહ્યું: “એવું મોટું કુકર્મ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?” (ઉત્પત્તિ ૩૯:૯) એ સમયે ઈસ્રાએલીઓને વ્યભિચારથી દૂર રહેવાનો કોઈ નિયમ મળ્યો ન હતો, છતાં એ વિશે યુસફ ઈશ્વરના વિચારો જાણતા હતા. વધુમાં, “હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?” શબ્દો બતાવે છે કે યુસફે ઈશ્વરના વિચારોથી પોતાનું વ્યક્તિત્વ ઘડ્યું હતું.—એફેસી ૫:૧.

તમારું તરુણ પણ પોતાનું વ્યક્તિત્વ ઘડી રહ્યું છે. જો તેને પોતાના મંતવ્ય પર પૂરો ભરોસો હશે, તો સાથીઓથી આવતા દબાણ સામે ટકી રહેવા અને સ્થિર ઊભા રહેવા મદદ મળશે. (નીતિવચનો ૧:૧૦-૧૫) બીજી બાજુ, વ્યક્તિત્વ ઘડાઈ રહ્યું હોવાને લીધે, તે કદાચ તમારી સામે પણ થાય. જો એમ થાય, તો તમે શું કરશો?

આમ કરી શકો: દલીલમાં ઊતરવાને બદલે, તેના વિચારો ફરી જણાવો. (“શું હું બરાબર સમજ્યો છું? તું કહેવા માગે છે કે . . . ”) પછી, સવાલો પૂછો. (“તું શા માટે એમ વિચારે છે?” અથવા “તું શા માટે એ તારણ પર આવ્યો?”) તરુણના વિચારો બહાર કાઢો. તેને પોતાના મંતવ્ય પર કેટલો ભરોસો છે એ જણાવવા દો. જો તરુણ ખોટો ન હોય અને વાત ફક્ત પસંદગીની હોય તો શું? તમારા તરુણને જણાવો કે તમે તેના વિચારોને માન આપો છો, પછી ભલે તમે તેની વાતથી પૂરા સહમત ન પણ હોવ.

ઓળખ કેળવાય છે ત્યારે, પોતાના મંતવ્ય પર ભરોસો મજબૂત થાય છે. જેના ઘણા ફાયદા છે. વધુમાં, બાઇબલ જણાવે છે કે ખ્રિસ્તીઓએ બાળકો જેવા ન થવું જોઈએ, જેઓ “પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” છે. (એફેસી ૪:૧૪) તેથી, તમારા તરુણને વ્યક્તિત્વ કેળવવા અને મંતવ્ય પર ભરોસો મજબૂત કરવા ઉત્તેજન અને મદદ આપો.

“મારી દીકરીઓ જ્યારે જોવે કે હું તેઓને સાંભળવા તૈયાર છું, ત્યારે તેઓ મારા વિચારો પર વધારે ધ્યાન આપે છે. પછી, ભલે એ વિચારો તેઓથી અલગ હોય. હું ધ્યાન રાખું છું કે મારા વિચારો તેઓ પર થોપી ન બેસાડું પણ, તેઓ પોતે મંતવ્ય ઘડે એવો પ્રયત્ન કરું છું.”—ઇવાના, ચૅક પ્રજાસત્તાક.

નિયમને વળગી રહો પણ વ્યવહારુ બનો

નાના બાળકોની જેમ અમુક તરુણો એકની એક વાત માબાપની સામે વારંવાર લાવવાનું શીખે છે. જેથી, માબાપ એ જિદ્દ સામે હારી જાય. જો તમારા ઘરમાં આવું નિયમિત બનતું હોય તો ધ્યાન રાખો. જિદ્દ પ્રમાણે કરવાથી થોડી વાર માટે રાહત તો મળશે, પણ એનાથી તરુણ શીખશે કે જો તેને પોતાનું કહેવું કરાવવું હોય તો દલીલ કરે. એમ થાય તો શું કરશો? ઈસુની આ સલાહને અનુસરો “તમારું બોલવું હાનું હા, ને નાનું ના હોય.” (માથ્થી ૫:૩૭) તમે તમારા નિર્ણયને વળગી રહો છો, એવું તરુણો જાણતા હશે, તો ઓછી દલીલ કરશે.

વ્યવહારુ પણ બનો. દાખલા તરીકે, કેટલા વાગે ઘરે પાછા આવી જવું એ વિશે જો તરુણને લાગતું હોય કે ફેરફાર થવો જોઈએ, તો તેને જણાવવાની તક આપો. એવા કિસ્સામાં તમે તેની જિદ્દ સામે નમતું નથી જોખતા પણ બાઇબલની આ સલાહ પાળો છો: ‘તમે નિર્બુદ્ધની જેમ નહિ પણ ડાહ્યા માણસની જેમ ચાલો.’—એફેસી ૫:૧૫.

આમ કરી શકો: કુટુંબ તરીકે ભેગા મળો અને તરુણે કેટલા વાગ્યા સુધી ઘરે પાછા આવી જવું જોઈએ એ વિશે તથા બીજા નિયમો વિશે ચર્ચા કરો. તમે સાંભળવા તૈયાર છો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેઓના વિચારો ધ્યાનમાં લેશો, એ બતાવી આપો. બ્રાઝિલમાં રહેતા પિતા રોબર્ટો જણાવે છે, “તરુણો જોઈ શકતા હોવા જોઈએ કે બાઇબલનો સિદ્ધાંત તૂટતો ન હોય, એવી બાબતો માટે હા પાડવા માબાપ તૈયાર છે.”

એ ખરું છે કે કોઈ પણ માબાપ સંપૂર્ણ નથી. બાઇબલ જણાવે છે, “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.” (યાકૂબ ૩:૨) જો દલીલ શરૂ કરવામાં તમારો થોડો પણ હાથ હોય, તો તરુણ પાસે માફી માગતા અચકાશો નહિ. ભૂલો સ્વીકારીને તમે નમ્રતાનો દાખલો બેસાડશો અને એ તમારા તરુણ માટે એવી જ રીતે વર્તવા મદદ કરશે.

“દલીલ પછી જ્યારે હું શાંત પડું ત્યારે મારા દીકરા પાસે માફી માગું છું. એનાથી તેનો પણ ગુસ્સો ઠંડો થાય છે અને મારી વાત સાંભળવી તેના માટે સહેલી બને છે.”—કેન્જી, જાપાન. (w13-E 11/01)

^ ફકરો. 3 આ લેખમાં નામ બદલ્યાં છે.

^ ફકરો. 10 આ લેખ છોકરાને સંબોધીને લખ્યો છે, પણ આ લેખના સિદ્ધાંતો છોકરીને પણ લાગુ પડે છે.

પોતાને પૂછો . . .

  • મારા તરુણ સાથે દલીલ શરૂ કરવામાં હું કેટલો જવાબદાર છું?

  • મારા તરુણને સારી રીતે સમજવા આ લેખ મને કઈ રીતે મદદ કરે છે?

  • દલીલ કર્યા વગર, તરુણ સાથે વાતચીત કરવા હું શું કરી શકું?