સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં

ઑસ્ટ્રેલિયાનાં ચુન કીઓન અને જુલી પતિ-પત્ની છે. તેઓ બંને લગભગ ૩૫ વર્ષનાં છે. પાંચ વર્ષ પહેલાં, તેઓ ઑસ્ટ્રેલિયાના સીડની શહેરમાં નિયમિત પાયોનિયર તરીકે સેવા આપતાં હતાં. ભાઈ ચુન કીઓન જણાવે છે: ‘અમે પાર્ટ-ટાઈમ નોકરી કરતા હતાં અને અમારું જીવન આરામદાયક હતું. અમે જ્યાં રહેતાં, ત્યાંનું વાતાવરણ ખૂબ સારું હતું. અમે અમારાં કુટુંબ અને મિત્રોની નજીક હોવાથી ઘણાં ખુશ હતાં.’ તેમ છતાં, ચુન કીઓન અને જુલીને એક વાત સતાવતી. તેઓ જાણતાં હતાં કે તેઓના સંજોગો સારા છે અને તેઓ યહોવાની સેવામાં વધુ કરી શકે છે. પરંતુ, તેઓ પોતાના જીવનમાં કોઈ મોટો ફેરફાર કરવાથી અચકાતાં હતાં.

તેઓએ ૨૦૦૯ના મહાસંમેલનમાં એક ટૉક સાંભળી, જે તેમનાં દિલને સ્પર્શી ગઈ. ટૉક આપનાર ભાઈએ એવા સાક્ષીઓને ઉત્તેજન આપ્યું જેઓ પોતાનું સેવાકાર્ય વધારી શકે છે. તેમણે કહ્યું, ‘આનો વિચાર કરો: એક વાહનચાલક પોતાની કાર ડાબી કે જમણી તરફ ત્યારે જ વાળી શકે, જ્યારે કાર ગતિમાં હોય. એ જ રીતે, ઈસુ આપણા પ્રયત્નોને ત્યારે જ માર્ગદર્શન આપશે જ્યારે આપણે સેવાકાર્યને આગળ વધારવા મહેનત કરીએ.’ * એ ટૉક સાંભળીને ચુન કીઓન અને જુલીને લાગ્યું જાણે એ ટૉક તેઓ માટે જ હતી. એ મહાસંમેલનમાં તાઇવાનમાં સેવા આપતા એક મિશનરી યુગલને અનુભવ પૂછવામાં આવ્યો હતો. તેઓએ તાઇવાનમાં સેવાકાર્યથી મળતા આનંદ વિશે જણાવ્યું અને એ વાત પર ભાર મૂક્યો કે ત્યાં હજુ ઘણી મદદની જરૂર છે. એ અનુભવ સાંભળીને ચુન કીઓન અને જુલીને ફરી એક વાર લાગ્યું જાણે તેઓને જ કહેવામાં આવી રહ્યું છે.

બહેન જુલી જણાવે છે: ‘એ મહાસંમેલન પછી અમે યહોવાને પ્રાર્થના કરી કે અમને તાઇવાન જઈને સેવા આપવા હિંમત આપે. અમે એ નિર્ણય લેવાથી ડરતાં હતાં. અમને એવું લાગતું જાણે તરતાં શીખ્યાં વગર અમે ઊંડાં પાણીમાં છલાંગ મારવાના છીએ.’ પરંતુ, અમને એ “છલાંગ” મારવા સભાશિક્ષક ૧૧:૪ના શબ્દોથી હિંમત મળી. ત્યાં જણાવ્યું છે: “જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.” ચુન કીઓન આગળ જણાવે છે, ‘પવન અને વાદળ પર ધ્યાન આપવા કરતાં “વાવવા”  અને “કાપવા” પર ધ્યાન આપવાનો અમે નિર્ણય લીધો.’ તેઓએ એક કે બે વાર નહિ, પણ વારંવાર પ્રાર્થના કરી! મિશનરી ભાઈ-બહેનોના અનુભવો વાંચ્યા. તાઇવાન જઈને સેવા આપી રહેલાં ભાઈ-બહેનોને તેઓએ ઘણા ઈ-મેલ કર્યા, જેથી ત્યાંની વધુ માહિતી મેળવી શકે. મહાસંમેલનના ત્રણ મહિના પછી, તેઓ પોતાના ઘરનો મોટા ભાગનો સામાન અને કાર વેચીને તાઇવાન ગયાં.

સાક્ષીકાર્યથી મળતા આનંદ વિશે જાણવા મળ્યું

અલગ અલગ દેશોથી આવેલાં ૧૦૦ કરતાં વધુ ભાઈ-બહેનો તાઇવાનમાં સેવા આપી રહ્યાં છે. તેઓ તાઇવાનમાં એવા વિસ્તારોમાં સેવા આપે છે, જ્યાં પ્રચારકોની ખૂબ જરૂર છે. એ ભાઈ-બહેનો અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા, કોરિયા, જાપાન, ફ્રાંસ, બ્રિટન અને સ્પેન જેવા દેશોથી આવેલાં છે. તેઓની ઉંમર ૨૧થી લઈને ૭૩ વર્ષની છે. તેઓમાં, ૫૦થી વધુ કુંવારી બહેનો છે. એ ભાઈ-બહેનોને બીજા દેશમાં જઈને ઉત્સાહથી સાક્ષીકાર્ય કરવા ક્યાંથી મદદ મળી? ચાલો જોઈએ.

લૉરા

બહેન લૉરા કેનેડાથી છે. તે કુંવારાં છે અને પશ્ચિમ તાઇવાનમાં સેવા આપી રહ્યાં છે. જોકે, ૧૦ વર્ષ પહેલાંની વાત કરીએ તો, તેમને પ્રચારકાર્ય ખાસ કંઈ ગમતું ન હતું. લૉરા જણાવે છે: ‘હું ફક્ત નામ પૂરતું જ સાક્ષીકાર્ય કરતી. હું એમાં એટલો સમય વિતાવતી જ નહિ કે મને એ ગમવા લાગે.’ કેનેડાના અમુક મિત્રોએ તેમને એક મહિના માટે તેઓની સાથે મેક્સિકો જઈને સાક્ષી કામ કરવા આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું. લૉરા કહે છે: ‘પહેલી વાર મેં સાક્ષીકાર્યમાં એટલો બધો સમય વિતાવ્યો. મારી માટે એ ખૂબ આનંદ આપનારું સાબિત થયું!’

એ સરસ અનુભવ થયા પછી, લૉરાને કેનેડામાં બીજી ભાષા બોલતાં મંડળમાં સેવા આપવાનું ઉત્તેજન મળ્યું. તેમણે ચીની ભાષા શીખવાનું શરૂ કર્યું અને એ ભાષાના ગ્રૂપ સાથે જોડાયાં. ઉપરાંત, તેમણે તાઇવાન જઈને સેવા આપવાનો ધ્યેય રાખ્યો, જે સપ્ટેમ્બર ૨૦૦૮માં પૂરો થયો. લૉરા જણાવે છે, ‘નવી જગ્યાએ સ્થાયી થતાં મને આશરે એક વર્ષ લાગ્યું. પણ, હવે હું આ કામ છોડીને પાછી કેનેડા જવાનું વિચારી પણ નથી શકતી.’ તે ખુશીથી જણાવે છે: ‘યહોવા વિશે જાણીને બાઇબલ વિદ્યાર્થી જીવનમાં બદલાણ કરે ત્યારે, ઘણી ખુશી થાય છે. એના જેવો સંતોષ બીજા કશાથી મળતો નથી! તાઇવાનમાં સેવા આપવાથી મને ઘણી વાર એ ખુશીનો અનુભવ થયો છે.’

 નવી ભાષા શીખવાનો પડકાર

બ્રાયન અને મીશેલ

બ્રાયન અને મીશેલ લગભગ ૩૫ વર્ષનાં છે. એ યુગલ ૮ વર્ષ પહેલાં અમેરિકા છોડીને તાઇવાનમાં સેવા આપવા ગયું. શરૂઆતમાં તેઓને લાગ્યું કે ભાષા ન આવડતી હોવાને લીધે સાક્ષીકાર્યમાં તેઓ ખાસ કંઈ કરી રહ્યાં નથી. પરંતુ, એક અનુભવી મિશનરીએ તેઓને ઉત્તેજન આપતા કહ્યું: ‘કોઈને ફક્ત પત્રિકા આપતા હો તોપણ, તમે સાક્ષીકાર્યમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છો. કારણ કે, એ વ્યક્તિ કદાચ પહેલી વાર યહોવા વિશે સાંભળી રહી છે!’ એ શબ્દોથી તેઓને હિંમત ન હારવા ઉત્તેજન મળ્યું. બીજા એક ભાઈએ તેઓને કહ્યું, ‘નિરાશાથી બચવું હોય તો એ ન જુઓ કે તમે એક દિવસમાં ચીની ભાષા કેટલી શીખ્યા. પણ એ જુઓ કે એક સંમેલનથી બીજા સંમેલન સુધીમાં તમે ભાષા શીખવામાં કેટલી પ્રગતિ કરી છે.’ એ સલાહને લીધે, બ્રાયન અને મીશેલ સારી પ્રગતિ કરી શક્યાં અને હવે તેઓ પાયોનિયરીંગમાં વધુ અસરકારક બન્યાં છે.

નવી ભાષા શીખવા તમને કઈ રીતે ઉત્તેજન મળશે? બની શકે તો એ દેશની મુલાકાત લો જ્યાં જઈને તમે સેવા આપવા ચાહો છો. ત્યાં તમે સભામાં જઈ શકો, ભાઈ-બહેનો સાથે સમય પસાર કરી શકો અને સાક્ષીકાર્યમાં જોડાઈ શકો. બ્રાયન જણાવે છે: ‘તમે ત્યાં જોઈ શકશો કે લોકો રાજ્યના સંદેશાને ખુશી ખુશી સ્વીકારે છે. ઉપરાંત, તમે ભાઈ-બહેનોનો પ્રેમ અનુભવશો. એના લીધે, પડકારો ઝીલીને પણ બીજા દેશમાં જઈને સેવા આપવાનું તમને મન થશે.’

ગુજરાન કઈ રીતે ચલાવવું?

કર્સ્ટન અને મીશેલ

તાઇવાન જઈને સેવા આપતાં ઘણાં ભાઈ-બહેનો પોતાનો ખર્ચો ઉપાડવા લોકોને અંગ્રેજી ભણાવે છે. કર્સ્ટન અને મીશેલ માછલીઓ વેચે છે. કર્સ્ટન જણાવે છે કે ‘એ કામ મેં પહેલાં ક્યારેય નથી કર્યું. પરંતુ, એ કામ કરવાથી આ દેશમાં રહીને ગુજરાન ચલાવવું શક્ય બન્યું છે.’ સમય જતાં, કર્સ્ટનને કેટલાક એવા ઘરાકો મળ્યા જે તેમની પાસેથી જ ખરીદી કરતા. એ કામને લીધે, કર્સ્ટન પોતાનો અને તેમની પત્નીનો ખરચો ઉપાડી શકે છે. ઉપરાંત, એ કામ થોડા કલાકમાં થઈ જતું હોવાથી તેઓ સાક્ષીકાર્યમાં વધુ સમય આપી શકે છે.

‘સેવાનો આનંદ માણો’

વિલ્યમ અને જેનિફર અમેરિકાથી છે. એ યુગલ પોતાનો દેશ છોડીને ૭ વર્ષ પહેલાં તાઇવાન ગયું. વિલ્યમ જણાવે છે, ‘નવી ભાષા શીખવી, પાયોનિયરીંગ કરવું, મંડળની સંભાળ લેવી અને ગુજરાન ચલાવવું, કેટલીક વાર થકવી નાખે છે.’ તેઓને સેવામાં ખુશી જાળવી રાખવા ક્યાંથી મદદ મળી? એવા ધ્યેયો રાખવાથી, જે પૂરા થઈ શકે. જેમ કે, ચીની ભાષા શીખતી વખતે તેઓએ એવી આશા ન રાખી કે બધું તરત આવડી જશે. તેથી, તેઓને ભાષા શીખવામાં સમય લાગ્યો ત્યારે નિરાશ ન થયાં.

વિલ્યમ અને જેનિફર

એક પ્રવાસી નિરીક્ષકે કહેલી વાત યાદ કરતા વિલ્યમ જણાવે છે: ‘ભક્તિમાં સારા ધ્યેયો રાખ્યા પછી, એને સફળ બનાવવા જે મહેનત કરીએ છીએ, એમાં પણ આનંદ માણવો જોઈએ.’ વિલ્યમે એ સલાહ લાગુ પાડી. એના લીધે, તેમને અને તેમનાં પત્નીને ત્યાંના સંજોગો પ્રમાણે નિર્ણય લેવા અને જવાબદાર ભાઈઓની સલાહને લાગુ પાડવા મદદ મળી. ઉપરાંત, જીવનમાં એવા ફેરફાર કરી શક્યાં જેથી નવી જગ્યાએ તેઓ સાક્ષી આપવામાં સફળ થઈ શકે. વિલ્યમ વધુમાં જણાવે છે, ‘પ્રવાસી નિરીક્ષકની એ સલાહ યાદ રાખીને અમે સોંપણીના દરેક પાસાનો આનંદ માણીએ છીએ. જેમ કે, અમે જે ટાપુ પર કામ કરી રહ્યાં છીએ ત્યાંના કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણીએ છીએ.’

વિલ્યમ અને જેનિફરની જેમ, બહેન મેગન પણ અમેરિકાથી છે. એ કુંવારા બહેને ચીની ભાષા વધુ સારી રીતે બોલવાનો ધ્યેય રાખ્યો છે. તે પણ, એ ધ્યેય સુધી પહોંચવાના સમયને એક રોમાંચક મુસાફરી ગણીને એનો આનંદ માણે છે. દર શનિ-રવિ તે પ્રચારકોના એક સમુહ જોડે તાઇવાનના સૌથી મોટા બંદર પર સાક્ષીકાર્ય માટે જાય છે. એ પ્રચાર વિસ્તાર ખૂબ જ સારો છે. જહાજમાં મુસાફરી કરતા લોકોને મેગન સાક્ષી આપે છે. ઉપરાંત, ઇંડોનેશિયા, થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ભારત અને વાનુઆટુથી આવેલા માછીમારોને પણ સાક્ષી આપે છે. મેગન કહે છે: ‘માછીમારો બંદર પર થોડા સમય માટે જ આવે છે. તેથી, હું ત્યાં જ તેમની સાથે બાઇબલ  અભ્યાસ શરૂ કરી દઉં છું. વધુ લોકોને શીખવી શકું માટે ચારથી પાંચ લોકોનો એક સાથે અભ્યાસ ચલાવું છું.’ ચીની ભાષા શીખવામાં બહેને કેવી પ્રગતિ કરી છે? મેગન જણાવે છે: ‘હું જો આ ભાષા જલદી શીખી શકું તો કેવું સારું! પરંતુ, એક ભાઈએ કહેલી વાત હું યાદ રાખું છું કે આપણાથી બનતું બધું જ કરીએ, બાકીનું બધું યહોવા પર છોડીએ.’

મેગન

સાદું, સલામત પણ રોમાંચક

બહેન કેથી બ્રિટનનાં છે. તેમણે માહિતી ભેગી કરી કે કુંવારી બહેનો માટે કયા દેશમાં જઈને સેવા આપવી સારી રહેશે. તેમણે પ્રાર્થનામાં યહોવાને પોતાની ચિંતા જણાવી અને અમુક શાખા કચેરીઓને પત્રો લખ્યા. એ રીતે તે જાણી શક્યાં કે એવી સેવામાં કુંવારી બહેનો સામે કેવાં જોખમો આવી શકે. એ પત્રોના જવાબો પરથી તેમણે તારણ કાઢ્યું કે તાઇવાન જવું તેમના માટે સૌથી સારું રહેશે.

૨૦૦૪માં, ૩૧ વર્ષની ઉંમરે તે તાઇવાન ગયાં. તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું છે. કેથી જણાવે છે: ‘મેં ભાઈ-બહેનો પાસેથી જાણ્યું કે સૌથી સારાં અને સસ્તાં શાકભાજી અને ફળો ક્યાં મળે છે. તેમની સારી સલાહથી હું ઘણા પૈસા બચાવી શકી છું.’ કેથીને પોતાનું જીવન સાદું રાખવા ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘હું વારંવાર યહોવાને પ્રાર્થના કરું છું કે જે સાદો ખોરાક ખાઉં અને જે સાદાં કપડાં પહેરૂં, એમાં સંતુષ્ટ રહું. મને લાગે છે કે યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. તેમણે મને શીખવ્યું છે કે મારે ખરેખર શાની જરૂર છે અને મારી પાસે જે છે એમાં ખુશ રહું. સાદા જીવનમાં પણ હું આનંદી રહું છું. કારણ કે, સાદા જીવનને લીધે ભક્તિના કામમાં વધારે ધ્યાન આપી શકું છું.’

કેથી

ખરું કે, કેથીનું જીવન સાદું છે. પરંતુ, તેમનું જીવન રોમાંચથી ભરપૂર છે. તે એ વાત સમજાવતા કહે છે: ‘હું એવા વિસ્તારમાં સાક્ષી કામ કરી શકું છું જ્યાં ઘણા લોકો સત્ય શીખવા ચાહે છે. એ કામથી સાચી ખુશી મળે છે.’ તે તાઇવાન પહોંચ્યાં ત્યારે તેમના શહેરમાં ફક્ત બે ચીની મંડળો હતાં, પણ આજે ત્યાં સાત મંડળો છે. કેથી જણાવે છે: ‘આટલી બધી વૃદ્ધિ જોઈને અને સાક્ષીકાર્ય દ્વારા કાપણીના કામમાં ભાગ લઈને મારું જીવન ખૂબ જ રોમાંચક બની ગયું છે!’

‘તેઓને મારી પણ જરૂર હતી!’

આપણે લેખના શરૂઆતમાં ચુન કીઓન અને જુલી વિશે વાત કરી. સેવામાં તેઓને કેવો અનુભવ થયો? ચુન કીઓનને લાગતું કે તેમને ચીની ભાષા સારી રીતે નથી આવડતી માટે મંડળમાં કંઈ ખાસ મદદ નથી આપી શકતા. પરંતુ, ત્યાંના ભાઈઓને એમ ન લાગતું. ચુન કીઓન જણાવે છે: ‘અમારું મંડળ વધીને બે મંડળો બન્યાં. તે સમયે મને સેવકાઈ ચાકર તરીકે કેટલીક વધારાની જવાબદારીઓ આપવામાં આવી. એ પછી મને લાગવા લાગ્યું કે હું ખરેખર એવી જગ્યાએ સેવા આપી રહ્યો છું, જ્યાં જરૂર વધારે છે. એ કેટલી સારી વાત હતી!’ ભાઈ ખુશીથી કહે છે, ‘તેઓને મારી પણ જરૂર હતી!’ ચુન કીઓન હવે એક વડીલ તરીકે સેવા આપે છે. બહેન જુલી કહે છે: ‘અમને પહેલાં ક્યારેય ન મળ્યો હોય એવો સંતોષ અને કંઈક સારું કરવાનો આનંદ મળ્યો છે. અમે અહીં બીજાઓને મદદ કરવાં આવ્યાં હતાં, પણ જાણે અમને મદદ મળી હોય એવું લાગે છે. અમારો અનુભવ ખૂબ સરસ રહ્યો. અમે યહોવાનો આભાર માનીએ છીએ કે તેમણે અમને અહીં સેવા કરવાની તક આપી!’

ઘણા દેશોમાં, વધુ પ્રચારકોની જરૂર છે. શું તમે હાલમાં વિચારી રહ્યા છો કે, સ્કૂલનાં ભણતર પછી જીવનમાં શું કરશો? અથવા શું તમે કુંવારા છો અને યહોવાના સંગઠનમાં વધુ સેવા કરવા ચાહો છો? કે પછી, તમે કુટુંબ તરીકે વધુ સેવા આપવાનું વિચારો છો? બની શકે કે, તમે નિવૃત્ત છો. એમ હોય તો, શું તમારા જીવનના અનુભવથી બીજાઓને મદદ કરવા ઇચ્છો છો? તમે ખાતરી રાખી શકો કે, સેવામાં વધુ કરવાં પગલાં લેશો અને વધારે જરૂર છે ત્યાં સેવા આપવા જશો તો, તમને ઘણા આશીર્વાદો મળશે.

^ ફકરો. 3 જાન્યુઆરી ૧, ૨૦૧૨ના ચોકીબુરજમાં “પ્રેરિતો પાસેથી જાગતા રહેવાનું શીખીએ” લેખના ફકરા ૪-૯ જુઓ.