સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મ્યાનમારમાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મ્યાનમારમાં

“ફસલ તો ઘણી છે પણ મજૂરો થોડા છે. એ માટે, ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે વધારે મજૂરો મોકલે.” (લુક ૧૦:૨) આ શબ્દો આશરે ૨૦૦૦ વર્ષ પહેલાં ઈસુએ કહ્યા હતા. આજે એ શબ્દો મ્યાનમારના કિસ્સામાં એકદમ સાચા ઠર્યા છે. કઈ રીતે? મ્યાનમારમાં આશરે ૪,૨૦૦ જેટલા પ્રકાશકો સાડા પાંચ કરોડ લોકો વચ્ચે સંદેશો ફેલાવી રહ્યા છે.

જોકે, અલગ અલગ દેશનાં હજારો ભાઈ-બહેનોને “ફસલના માલિક” યહોવાએ પ્રેરણા આપી છે. તેઓ પોતાનું વતન છોડીને દક્ષિણપૂર્વ એશિયાના આ દેશમાં કાપણીનું કામ કરવા આવ્યા છે. એ માટે તેઓને ક્યાંથી પ્રેરણા મળી? મ્યાનમાર જવાનો નિર્ણય લેવા તેઓને ક્યાંથી મદદ મળી? અને તેઓ કેવા આશીર્વાદોનો આનંદ માણી રહ્યા છે? ચાલો એ વિશે જોઈએ.

“આવો, અમને વધારે પાયોનિયરોની જરૂર છે!”

અમુક વર્ષો અગાઉ, જાપાનના એક પાયોનિયર કઝુહીરોને ખેંચ આવી અને તે બેભાન થઈ ગયા. એટલે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે તેમને કહ્યું કે તે બે વર્ષ સુધી કાર ચલાવી શકશે નહિ. કઝુહીરોને ઘણો આઘાત લાગ્યો. તે વિચારવા લાગ્યા: ‘હવે હું મારું મનપસંદ કામ એટલે કે પાયોનિયર સેવા કઈ રીતે ચાલુ રાખી શકીશ?’ તે સતત પ્રાર્થના કરવા લાગ્યા અને પાયોનિયર સેવા ચાલુ રહે એ માટેનો રસ્તો કાઢવા યહોવાને આજીજી કરવા લાગ્યા.

કઝુહીરો અને મારી

કઝુહીરો જણાવે છે: ‘એક મહિના પછી, મ્યાનમારમાં સેવા આપી રહેલા મારા મિત્રને મારી બીમારી વિશે જાણવા મળ્યું. તેણે મને ફોન કર્યો અને કહ્યું: “મ્યાનમારમાં લોકો મોટાભાગે બસમાં અવરજવર કરે છે. તને અહીં સેવાકાર્ય કરવા કારની જરૂર નહિ પડે!” મેં મારા ડોક્ટરને પૂછ્યું કે “આવી હાલતમાં શું હું મ્યાનમાર જઈ શકું?” ડોક્ટરે કહ્યું કે, “મ્યાનમારથી મગજના એક ડોક્ટર જાપાનમાં આવ્યા છે. તેમની પાસે હું તમને મોકલું છું. જો તમને ફરી ખેંચ આવે તો તે તમારી સારવાર કરશે.” ડોક્ટરનો એ જવાબ સાંભળીને મને ઘણી નવાઈ લાગી, એ તો જાણે યહોવા તરફથી મળેલો જવાબ હતો.’

તરત જ, કઝુહીરોએ મ્યાનમારની શાખા કચેરીને ઈ-મેઇલ મોકલ્યો. એમાં તેમણે એ દેશમાં પાયોનિયર તરીકે સેવા આપવાની તેમની અને તેમની પત્નીની ઇચ્છા વ્યક્ત કરી. ફક્ત પાંચ દિવસમાં જ શાખા તરફથી જવાબ આવ્યો કે ‘આવો, અમને વધારે પાયોનિયરોની જરૂર છે!’ કઝુહીરો અને તેમની પત્ની મારીએ બંને કાર વેચી દીધી, વિઝા મેળવ્યાં અને વિમાનની ટિકિટ ખરીદી. આજે તેઓ મેન્ડલેમાં સાઇન લેંગ્વેજના ગ્રૂપમાં ખુશીથી સેવા આપી રહ્યાં છે. કઝુહીરો જણાવે છે: “આ અનુભવથી ગીતશાસ્ત્ર ૩૭:૫માં ઈશ્વરે આપેલા આ વચન પર અમારી શ્રદ્ધા મજબૂત થઈ છે: ‘તારા માર્ગો યહોવાને સોંપ; તેમના પર ભરોસો રાખ, અને તે તને સહાય કરશે.’”

યહોવા રસ્તો કાઢે છે

મ્યાનમારમાં રહેતા યહોવાના સાક્ષીઓને ૨૦૧૪માં એક ખાસ સંમેલન યોજવાનો લહાવો મળ્યો હતો. આ સંમેલનમાં બીજા દેશમાંથી ઘણાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. એમાં યુનાઈટેડ સ્ટેટ્સનાં એક બહેન હતાં. ૩૪ વર્ષનાં એ બહેન મોનેક કહે છે: ‘સંમેલનમાંથી પાછા ફર્યા પછી, હું વિચારવા લાગી કે જીવનમાં કેવો નિર્ણય લઈશ. એ વિશે યહોવા પાસે પ્રાર્થનામાં મેં મદદ માંગી. ભક્તિને લગતા ધ્યેયો વિશે મેં મમ્મી-પપ્પા સાથે પણ વાત કરી. અમને બધાને લાગ્યું કે મારે મ્યાનમાર જવું જોઈએ. પરંતુ એ નિર્ણય લેતા મને થોડો સમય લાગ્યો અને મેં યહોવાને ઘણી પ્રાર્થનાઓ કરી.’ શા માટે મોનેકને એ નિર્ણય લેતા વાર લાગી, એનું કારણ તે આગળ જણાવે છે.

મોનેક અને લી

ઈસુએ પોતાના અનુયાયીઓને ‘ખર્ચ ગણવાનું’ જણાવ્યું હતું. એટલે મેં અમુક સવાલો પર વિચાર કર્યો: ‘શું હું એ દેશમાં જઈને સેવા આપી શકીશ? ત્યાં થોડા કલાકોની નોકરી કરીને શું હું મારું ગુજરાન ચલાવી શકીશ?’ તે કબૂલે છે: ‘મને ખ્યાલ આવ્યો કે દુનિયાના બીજા છેડે જવા મારી પાસે પૂરતા પૈસા નથી.’ તો પછી, તે કઈ રીતે ત્યાં જઈ શક્યાં?—લુક ૧૪:૨૮.

એ વિશે મોનેક જણાવે છે: ‘એક દિવસ મારી કંપનીના માલિકે મને બોલાવી. મને ચિંતા થઈ કે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં તો નહિ આવે ને! એના બદલે, માલિકે સારા કામ માટે મારો આભાર માન્યો. પછી તેમણે મને જણાવ્યું કે તે મને બોનસ આપવાના છે. એ તો એટલા જ પૈસા હતા, જેટલા મારે લોન ભરપાઈ કરવા માટે જરૂરી હતા!’

ડિસેમ્બર ૨૦૧૪થી મોનેક મ્યાનમારમાં સેવા આપી રહ્યાં છે. એ સેવા વિશે તેમને કેવું લાગે છે? તે કહે છે: ‘હું અહીં આવી એની મને ઘણી ખુશી છે. હું ત્રણ બાઇબલ અભ્યાસ ચલાવું છું. મારા એક વિદ્યાર્થી તો ૬૭ વર્ષના છે. જ્યારે પણ હું તેમને મળું છું, ત્યારે તે સ્મિત સાથે મારો આવકાર કરે છે અને મને ભેટે છે. જ્યારે તેમને શીખવા મળ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે, ત્યારે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમણે મને કહ્યું કે “જીવનમાં પહેલી વાર મને જાણવા મળ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે. તું મારાથી ઉંમરમાં કેટલી નાની છે, પણ સૌથી મહત્ત્વની વાત તેં જ મને શીખવી છે.” તમે સમજી ગયા હશો કે એ સમયે મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી. આવા અનુભવોને લીધે વધુ જરૂર છે ત્યાં સેવા આપવામાં મનને સંતોષ મળે છે.’ હાલમાં મોનેકને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવાનો લહાવો મળ્યો છે.

૨૦૧૩ની યરબુકમાં મ્યાનમાર વિશે અહેવાલ નોંધવામાં આવ્યો હતો. એનાથી અમુક ભાઈ-બહેનોને મ્યાનમાર આવવા પ્રેરણા મળી. દક્ષિણપૂર્વ એશિયામાં રહેતાં ત્રીસેક વર્ષનાં બહેન લી પૂરા સમયની નોકરી કરતાં હતાં. પરંતુ, યરબુકના અહેવાલથી તેમને મ્યાનમારમાં સેવા આપવા પ્રેરણા મળી. તે જણાવે છે: ‘૨૦૧૪માં હું યાંગોનમાં ખાસ સંમેલનમાં ગઈ ત્યારે એક યુગલને મળી હતી. તેઓ વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપી રહ્યાં હતાં. તેઓ મ્યાનમારમાં ચાઇનીઝ ભાષા બોલતા લોકોને ખુશખબર જણાવતાં હતાં. ચાઇનીઝ ભાષા આવડતી હોવાથી મેં મ્યાનમાર જઈને ચાઇનીઝ ભાષાના ગ્રૂપને મદદ કરવાનું નક્કી કર્યું. હું બહેન મોનેક સાથે મેન્ડલે ગઈ. યહોવાના આશીર્વાદથી અમને બંનેને એક જ સ્કૂલમાં પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ. એની પાસે જ અમને રહેવા માટે એક ફ્લૅટ પણ મળી ગયો. ગરમ ૠતુ અને અમુક અગવડો છતાં, અહીં સેવા કરવાની મને મજા આવે છે. મ્યાનમારના લોકો સાદું જીવન જીવે છે, પણ તેઓ નમ્ર છે અને ખુશખબર સાંભળવા સમય કાઢે છે. યહોવા ઝડપથી કામ આગળ વધારી રહ્યા છે, એ જોવું કેટલું રોમાંચક છે! હું ખરેખર માનું છું કે યહોવાની ઇચ્છાને કારણે જ હું અહીં મેન્ડલેમાં છું.’

યહોવા પ્રાર્થના સાંભળે છે

વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપનાર ઘણાં ભાઈ-બહેનોએ પ્રાર્થનાની તાકાતનો અનુભવ કર્યો છે. ચાલો, જમ્પા અને તેમની પત્ની નાઓનો દાખલો તપાસીએ. તેઓ બંને પાંત્રીસેક વર્ષનાં છે. તેઓ જાપાનમાં સાઇન લેંગ્વેજના મંડળમાં સેવા આપી રહ્યાં હતાં. તેઓ શા માટે મ્યાનમાર ગયાં? જમ્પા જણાવે છે: ‘બીજા દેશમાં જઈને વધુ જરૂર છે ત્યાં સેવા આપવાનો મેં અને મારી પત્નીએ ધ્યેય રાખ્યો હતો. સાઇન લેંગ્વેજ મંડળના એક ભાઈ સેવા આપવા મ્યાનમાર ગયા હતા. એટલે, અમારી બચત ઓછી હોવા છતાં અમે પણ મે ૨૦૧૦માં મ્યાનમાર ગયાં. ત્યાંના ભાઈ-બહેનોએ અમારું હાર્દિક સ્વાગત કર્યું!’ મ્યાનમારમાં સાઇન લેંગ્વેજના વિસ્તાર વિશે જમ્પા આગળ જણાવે છે: ‘લોકોને આપણા સંદેશામાં ઘણો રસ છે. જ્યારે અમે સાઇન લેંગ્વેજમાં વીડિયો બતાવીએ છીએ, ત્યારે બધિર ઘરમાલિક આશ્ચર્યમાં પડી જાય છે. યહોવાની સેવા માટે અહીં આવવાનો નિર્ણય લીધો એટલે અમે ઘણાં ખુશ છીએ.’

નાઓ અને જમ્પા

જમ્પા અને નાઓએ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવ્યું? જમ્પા કહે છે: ‘ત્રણ વર્ષ પછી, અમારી મોટાભાગની બચત વપરાઈ ગઈ હતી અને અમારી પાસે બીજા વર્ષનું ભાડું ભરવા પૂરતા પૈસા ન હતા. મેં અને મારી પત્નીએ પૂરા દિલથી ઘણી પ્રાર્થનાઓ કરી. અમને સપનેય ખ્યાલ ન હતો એવું કંઈક બન્યું! અમને શાખા કચેરી તરફથી પત્ર મળ્યો. એમાં, થોડા સમય માટે ખાસ પાયોનિયર સેવા કરવાનું અમારા માટે આમંત્રણ હતું! અમે યહોવા પર ભરોસો મૂક્યો હતો અને અમે અનુભવ્યું કે તેમણે ક્યારેય અમને છોડી દીધા નથી. તેમણે દરેક રીતે અમારી કાળજી રાખી છે.’ હાલમાં જ, જમ્પા અને નાઓએ પણ રાજ્ય પ્રચારકો માટેની શાળાનો આનંદ માણ્યો છે.

યહોવા ઘણા લોકોને પ્રેરણા આપે છે

ભાઈ સીમોન ઇટાલીના છે અને તે ૪૩ વર્ષનાં છે. તેમના પત્ની આન્ના ન્યૂ ઝીલૅન્ડનાં છે અને તે ૩૭ વર્ષનાં છે. તેઓને મ્યાનમાર જવા ક્યાંથી પ્રેરણા મળી? આન્ના એનો જવાબ આપે છે: ‘૨૦૧૩ની યરબુકમાં આપેલા મ્યાનમારના અહેવાલથી!’ સીમોન જણાવે છે: ‘મ્યાનમારમાં સેવા આપવાનો અમને એક મોટો લહાવો મળ્યો છે. અહીં જીવન ઘણું સાદું છે અને હું યહોવાની સેવામાં વધારે સમય આપી શકું છું. વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપીએ છીએ ત્યારે, યહોવા આપણી કાળજી રાખે છે. સાચે જ, એ ઘણું રોમાંચક છે!’ (ગીત. ૧૨૧:૫) આન્ના કહે છે: ‘પહેલાં ક્યારેય મેં આટલી ખુશી અનુભવી નથી. અમે સાદું જીવન જીવીએ છીએ. હું મારા પતિ સાથે વધારે સમય વિતાવું છું અને અમે એકબીજાની વધુ નજીક આવ્યા છીએ. અમને નવા મિત્રો પણ મળ્યા છે, જેઓ ખૂબ કીમતી છે. સાક્ષીઓ માટે લોકોના મનમાં પૂર્વગ્રહ નથી અને તેઓ ખુશખબરમાં ઘણો રસ બતાવે છે.’

સીમોન અને આન્ના

આન્ના જણાવે છે: ‘એક દિવસે બજારમાં મેં યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીને ખુશખબર જણાવી અને તેને ફરી મળવાની ગોઠવણ કરી. જ્યારે મેં તેની ફરી મુલાકાત લીધી, ત્યારે તે પોતાની બહેનપણીને લાવી હતી. બીજી વખત તે કેટલીક બહેનપણીઓને લાવી. પછીથી, તે વધારે બહેનપણીઓને લઈ આવી. એમાંથી પાંચ સાથે હું બાઇબલ અભ્યાસ કરું છું.’ સીમોન કહે છે: ‘અમારા પ્રચાર વિસ્તારના લોકો મળતાવડા અને સંદેશો જાણવા માટે ઉત્સુક હોય છે. ઘણા લોકો રસ બતાવે છે. રસ ધરાવતા લોકોને પહોંચી વળવા અમારી પાસે પૂરતો સમય પણ હોતો નથી.’

સેકીઓ અને મેઝુહો

મ્યાનમાર જવાનો નિર્ણય લેવા મદદ મળે માટે ભાઈ-બહેનોએ કેવાં વ્યવહારું પગલાં ભર્યાં હતાં? જાપાનનાં બહેન મેઝુહો જણાવે છે કે ‘હું અને મારા પતિ સેકીઓ વધુ જરૂર છે એવા દેશમાં જઈને સેવા આપવાં ચાહતાં હતાં. પણ ક્યાં જવું એ નક્કી કરી શકતાં ન હતાં. ૨૦૧૩ની યરબુકમાં આપેલા મ્યાનમારના અનુભવો અમારાં દિલને સ્પર્શી ગયાં. એટલે અમે વિચારવા લાગ્યા કે મ્યાનમાર જઈને સેવા આપવી અમારા માટે શક્ય છે કે કેમ.’ સેકીઓ ઉમેરે છે: ‘અમે મ્યાનમારના મુખ્ય શહેર યાંગોનની એક અઠવાડિયાની મુલાકાતે જવાનું નક્કી કર્યું. અમે ચાહતા હતા કે, ત્યાં જઈને સેવા આપીએ એ પહેલાં એ દેશ વિશે માહિતી મેળવીએ. એ નાનકડી મુલાકાત પછી અમે ત્યાં જવા તૈયાર થઈ ગયાં.’

વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવા શું તમે તૈયાર છો?

જેન, ડેનિકા, રોદની અને જોર્ડન

ઑસ્ટ્રેલિયાનાં રોદની અને તેમની પત્ની જેન આશરે પચાસેક વર્ષનાં છે. તેઓને જોર્ડન અને ડેનિકા નામનાં બાળકો છે. આ કુટુંબ ૨૦૧૦થી મ્યાનમારમાં વધુ જરૂર છે ત્યાં સેવા આપી રહ્યું છે. રોદની જણાવે છે: ‘ઈશ્વર વિશે જાણવા અહીંના લોકો કેટલા આતુર છે, એ અમારા દિલને સ્પર્શી ગયું. હું બીજા કુટુંબોને કહેવા માંગું છું કે તેઓ પણ મ્યાનમાર જેવી જગ્યાએ જઈને સેવા આપવાનો પ્રયત્ન કરે.’ શા માટે? ‘એ અનુભવથી અમને યહોવાની નજીક આવવા મદદ મળી છે, એ કેટલું અદ્ભુત કહેવાય! મોટાભાગના યુવાનો ફોન, કાર, નોકરી જેવી બાબતોમાં રચ્યાપચ્યા રહે છે. જ્યારે કે અમારાં બાળકો સેવાકાર્યમાં વાપરી શકાય એવા નવા નવા શબ્દો શીખવામાં વ્યસ્ત રહે છે. બાઇબલ ન જાણતા લોકો સાથે કઈ રીતે વાત કરવી અને મંડળની સભાઓમાં કઈ રીતે જવાબ આપવા એ શીખવાનો તેઓ પ્રયત્ન કરે છે. ઉપરાંત, ભક્તિને લગતી બીજી ઘણી પ્રવૃત્તિઓનો તેઓ આનંદ માણે છે.’

ઓલીવર અને આન્ના

યુનાઈટેડ સ્ટેટ્સના ૩૭ વર્ષના ભાઈ ઓલીવર આ રીતે બીજા દેશમાં સેવા આપે છે અને તે આવી સેવા કરવાની ભલામણ કરે છે. તે કહે છે: ‘અજાણ્યા લોકો વચ્ચે અને અજાણ્યા વિસ્તારમાં જઈને યહોવાની સેવા કરવાથી મને ઘણા ફાયદા થયા છે. બીજી જગ્યાએ જઈને સેવા આપવાથી મારો આત્મવિશ્વાસ મજબૂત થયો છે. તેમ જ, ગમે એવા સંજોગોમાં પણ યહોવામાં ભરોસો રાખવા મને મદદ મળી છે. હું એવા ભાઈઓ સાથે સેવા કરું છું, જેઓને પહેલાં ક્યારેય ઓળખતો ન હતો. પણ એકસરખી માન્યતા હોવાને કારણે મને તેઓ સાથે કામ કરવાની મજા આવે છે. વધુમાં, મને એ જોવા મદદ મળી છે કે ઈશ્વરના રાજ્ય કરતાં વધારે મહત્ત્વનું આ દુનિયામાં બીજું કંઈ જ નથી.’ આજે ઓલીવર અને તેમની પત્ની આન્ના ચાઇનીઝ ભાષાના વિસ્તારમાં ઉત્સાહથી સેવા કરી રહ્યાં છે.

ટ્રેઝલ

ઑસ્ટ્રેલિયાનાં બહેન ટ્રેઝલ પચાસેક વર્ષનાં છે. તે ૨૦૦૪થી મ્યાનમારમાં સેવા આપી રહ્યાં છે. તે કહે છે: ‘જેઓના સંજોગો પરવાનગી આપે છે, તેઓને હું ભલામણ કરું છું કે વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપે. મેં અનુભવ્યું છે કે જો દિલમાં સેવા આપવાની ઇચ્છા હશે, તો યહોવા આપણા પ્રયત્નોને ચોક્કસ આશીર્વાદ આપશે. મને સપનેય ખ્યાલ ન હતો કે હું આવું જીવન જીવીશ. આ જીવનમાં એટલી ખુશી અને સંતોષ મળ્યાં છે, જેની મેં ક્યારેય કલ્પના કરી ન હતી.’

અમે ચાહીએ છીએ કે મ્યાનમારમાં સેવા આપી રહેલાં ભાઈ-બહેનોનાં આ સુંદર શબ્દોથી તમને ઉત્તેજન મળે. પ્રચાર થયો નથી એવા વિસ્તારમાં જઈને નેક દિલના લોકોને મદદ કરવાની તમને પણ પ્રેરણા મળે. હા, વધુ જરૂર છે ત્યાં સેવા આપી રહેલાં આ ભાઈ-બહેનો જાણે તમને કહી રહ્યાં છે, ‘પ્લીઝ, મ્યાનમાર આવો અને અમને મદદ કરો!’