સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એલિસા

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તુર્કીમાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તુર્કીમાં

પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ ‘રાજ્યની ખુશખબર’ પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાવવા ખૂબ મહેનત કરી હતી. (માથ. ૨૪:૧૪) એ માટે ઘણા શિષ્યો બીજા દેશોમાં પણ ગયા. દાખલા તરીકે, પ્રેરિત પાઊલ એ વિસ્તારમાં ગયા હતા, જે આજે તુર્કી તરીકે ઓળખાય છે. * મિશનરી મુસાફરી દરમિયાન એ વિસ્તારમાં તેમણે દૂર દૂર સુધી પ્રચાર કર્યો હતો. લગભગ ૨૦૦૦ વર્ષો પછી, ૨૦૧૪માં તુર્કી ફરી એક વાર ખાસ પ્રચાર ઝુંબેશનું કેન્દ્ર બન્યું. એ ઝુંબેશનો હેતુ શો હતો? એમાં કોણે કોણે ભાગ લીધો?

‘શું ચાલી રહ્યું છે?’

તુર્કીમાં ૨૮૦૦ કરતાં વધુ પ્રકાશકો છે, પણ ત્યાંની વસતિ આશરે આઠ કરોડ છે. એટલે કે, દર પ્રકાશકે લગભગ ૨૮,૦૦૦ લોકોને સંદેશો જણાવવાનો છે. એ બતાવે છે કે, ત્યાંના પ્રકાશકોએ હજી ઘણા લોકો સુધી પહોંચવાનું છે. આ ખાસ ઝુંબેશનો હેતુ હતો કે થોડા જ સમયમાં શક્ય એટલા લોકો સુધી પહોંચવું. લગભગ ૫૫૦ ભાઈ-બહેનો બીજા દેશોથી તુર્કી આવ્યાં હતાં. તેઓ તુર્કી ભાષા બોલી શકતાં હતાં અને તેઓએ સ્થાનિક પ્રકાશકો સાથે ઝુંબેશમાં ભાગ લીધો. એનું કેવું પરિણામ આવ્યું?

મોટા પાયે સાક્ષી આપવામાં આવી. ઇસ્તંબુલના એક મંડળે લખ્યું: ‘અમને જોઈને લોકો પૂછતા: “શું અહીં કોઈ ખાસ સંમેલન છે? ખૂણે ખૂણે યહોવાના સાક્ષીઓ દેખાઈ રહ્યા છે ને!”’ ઇઝમીર શહેરના એક મંડળે લખ્યું: ‘ટૅક્સી સ્ટૅન્ડ પર કામ કરતા માણસે આપણા એક સ્થાનિક વડીલને આવીને પૂછ્યું, “શું ચાલી રહ્યું છે? શું તમે તમારા કામમાં વધારો કર્યો છે?”’ હા, પ્રચાર ઝુંબેશે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

સ્ટેફન

બીજા દેશથી આવેલા પ્રચારકોએ ઝુંબેશનો પૂરો આનંદ ઉઠાવ્યો. ડેન્માર્કના સ્ટેફન ભાઈએ જણાવ્યું: ‘પ્રચારકામમાં હું દરરોજ એવા લોકોને મળતો, જેઓએ યહોવા વિશે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. મને લાગ્યું કે હું ખરેખર યહોવાનું નામ જાહેર કરી રહ્યો છું.’ ફ્રાંસના ઝોં-દાવિદે લખ્યું: ‘એક જ રસ્તા પર અમે કલાકો સુધી પ્રચાર કર્યો. એ અદ્ભુત હતું! મોટાભાગના લોકો યહોવાના સાક્ષીઓને જાણતા ન હતા. લગભગ દરેક ઘરે અમે વાતચીત કરી શકતા, એકાદ વીડિયો બતાવતા અને ઘરમાલિકને સાહિત્ય આપતા.’

ઝોં-દાવિદે (વચ્ચે)

ઝુંબેશમાં ભાગ લેનાર ૫૫૦ પ્રકાશકોએ ફક્ત બે અઠવાડિયામાં આપણાં સાહિત્યની લગભગ ૬૦,૦૦૦ પ્રતો વહેંચી! ખરેખર, ઝુંબેશથી દૂર દૂર સુધી સાક્ષી આપવામાં આવી. જોરદાર પરિણામ!

પ્રચારકામમાં ઉત્સાહ વધ્યો. આ ખાસ ઝુંબેશથી સ્થાનિક ભાઈ-બહેનોને જોરદાર પ્રોત્સાહન મળ્યું. ઘણાં ભાઈ-બહેનો પૂરા સમયની સેવા કરવાનું વિચારવા લાગ્યાં. હકીકતમાં, ઝુંબેશ પછીના બાર મહિના દરમિયાન તુર્કીમાં નિયમિત પાયોનિયરની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો.

શીરિન

બીજા દેશથી આવેલા પ્રકાશકોએ ઝુંબેશથી થયેલા ફાયદાઓ વિશે જણાવ્યું. ઝુંબેશ પતી ગઈ, તેઓ પાછા વતન ફર્યા, પણ સેવાકાર્યમાં તેઓનો જોશ ઠંડો ન પડ્યો. જર્મનીના શીરિન બહેને લખ્યું, ‘તુર્કીના ભાઈઓ રોજિંદા કામકાજ દરમિયાન ખૂબ સહેલાઈથી લોકોને ખુશખબર જણાવે છે. મારા શરમાળ સ્વભાવને લીધે આ રીતે પ્રચાર કરવું મને અઘરું લાગતું. પણ, આ ખાસ ઝુંબેશમાં મને ત્યાંના ભાઈઓ પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓના દાખલા અને મારી પ્રાર્થનાને લીધે આજે હું તક મળે ત્યારે પ્રચાર કરવા તૈયાર રહું છું. મેં તો રેલવે પ્લૅટફૉર્મ પર પ્રચાર કર્યો અને સાહિત્ય આપ્યું. હવે હું લોકો સાથે વાત કરતા પહેલાંની જેમ શરમાતી નથી.’

જોહાન્સ

જર્મનીના જોહાન્સે જણાવ્યું: ‘ઝુંબેશમાં ભાગ લેવાથી હું પ્રચારકામમાં સુધારો કરી શક્યો. તુર્કીના ભાઈઓ ખરેખર શક્ય એટલા લોકોને સત્ય જણાવવા માંગે છે. સાક્ષી આપવાની દરેક તક તેઓ ઝડપી લે છે. જર્મની પાછા ગયા પછી મેં પણ એવું જ કરવાનો નિર્ણય લીધો. હવે હું પહેલાં કરતાં વધારે લોકોને પ્રચાર કરું છું.’

ઝાનેપ

ફ્રાંસના ઝાનેપ બહેને જણાવ્યું કે ‘ઝુંબેશને લીધે મારા પ્રચારકામ પર ઘણી અસર થઈ છે. એનાથી મને વધારે હિંમતવાન થવા અને યહોવા પર ભરોસો રાખવા મદદ મળી છે.’

પ્રકાશકો એકબીજાની નજીક આવ્યા. અલગ અલગ દેશોથી આવેલાં ભાઈ-બહેનોનાં પ્રેમ અને એકતા યાદગાર હતાં. ભાઈ ઝોં-દાવિદે કહ્યું, ‘અમે ભાઈઓની મહેમાનગતિનો અનુભવ કર્યો. તેઓએ અમને મિત્રો અને કુટુંબીજનો તરીકે સ્વીકાર્યા, પોતાનાં ઘરો અમારી માટે ખોલી દીધાં. હું જાણતો હતો કે આપણે દુનિયાભરમાં ફેલાયેલા છીએ પણ એક કુટુંબ છીએ; આપણા સાહિત્યમાં મેં અનેક વાર એ વાંચ્યું હતું. પણ હવે, મેં જાતે એનો અનુભવ કર્યો. મને ગર્વ છે કે હું યહોવાનો સાક્ષી છું અને આ અદ્ભુત લહાવા માટે હું યહોવાનો આભાર માનું છું.’

ક્લાર (વચ્ચે)

ફ્રાંસના બહેન ક્લારનું આમ કહેવું છે: ‘ભાઈ-બહેનો ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની કે તુર્કીના ભલે હોય, પણ છેવટે તો આપણે એક કુટુંબ જ છીએ. એવું લાગતું હતું કે જાણે યહોવાએ બધા દેશોની સરહદો ભૂંસી નાંખી છે.’

સ્ટેફની (વચ્ચે)

ફ્રાંસના બહેન સ્ટેફનીએ વધુમાં જણાવ્યું કે, ‘ખાસ ઝુંબેશથી અમે શીખ્યા કે આપણી એકતા પાછળનું કારણ આપણો ઉછેર કે ભાષા નહિ, પણ યહોવા માટેનો આપણો પ્રેમ છે.’

લાંબા ગાળા સુધી ફાયદા

તુર્કીમાં હજુ ઘણું પ્રચારકામ કરવાનું છે. એ ધ્યાનમાં રાખીને બીજા દેશથી આવેલા પ્રકાશકો તુર્કીમાં સ્થાયી થવાનું વિચારે છે. અમુક તો તુર્કી આવી ચૂક્યા છે. વધુ જરૂર હોય એવા વિસ્તારમાં જઈને સેવા આપનાર ભાઈ-બહેનો ખરેખર પ્રશંસાને પાત્ર છે!

દાખલા તરીકે, ખૂબ દૂરના વિસ્તારમાં ૨૫ પ્રકાશકોનો એક સમૂહ હતો. ઘણાં વર્ષો સુધી ત્યાં એક જ વડીલ હતા. વર્ષ ૨૦૧૫માં, જર્મની અને નેધરલૅન્ડથી ૬ ભાઈ-બહેનો ત્યાં સેવા આપવાં આવ્યાં. જરા વિચારો, ત્યાંનાં ભાઈ-બહેનોને કેટલી ખુશી થઈ હશે!

સેવામાં સૌથી આગળ

પ્રચારકામ માટે તુર્કીમાં સ્થાયી થયેલાં બીજા દેશનાં ભાઈ-બહેનોને ત્યાંના જીવન વિશે કેવું લાગે છે? ખરું કે, એ સોંપણીમાં પડકારો તો આવશે જ, પણ વધુ જરૂર છે ત્યાં સેવા આપવું સંતોષકારક છે. ચાલો, અમુકના અનુભવો સાંભળીએ:

ફૅડરીકો

સ્પેનના વતની ભાઈ ફૅડરીકો આશરે ૪૨ વર્ષના છે અને પરિણીત છે. તે કહે છે: ‘બહુ માલ-મિલકત ન હોવાના કારણે હું પોતાને વધારે આઝાદ મહેસૂસ કરું છું. એના લીધે હું વધુ મહત્વના કામ પર ધ્યાન આપી શકું છું.’ શું તે બીજાઓને આવી સેવામાં જવાની ભલામણ કરશે? ભાઈ કહે છે: ‘હા, જરૂર! પ્રચાર માટે બીજા દેશમાં જાઓ છો ત્યારે, તમે પોતાને યહોવાના હાથમાં સોંપી દો છો. તમે યહોવા તરફથી એવી કાળજી મહેસૂસ કરી શકશો, જે તમે અગાઉ ક્યારેય અનુભવી નહિ હોય.’

રૂડી

નેધરલૅન્ડના ભાઈ રૂડી આશરે ૫૮ વર્ષના છે. તે પરિણીત છે. તે કહે છે: ‘એવું લાગે જાણે તમે સૌથી આગળ દોડી રહ્યા છો. એવા ઘણા લોકોને ખુશખબર જણાવી શકો છો, જેઓને ક્યારેય તક નથી મળી. એ કામ ખરેખર ઘણું સંતોષ આપનારું છે. લોકો સત્ય સ્વીકારીને જે ખુશીનો અનુભવ કરે છે, એ જોઈને અનેરો આનંદ મળે છે.’

સાસે

જર્મનીથી આવેલા ૪૦ વર્ષના પરિણીત ભાઈ સાસે જણાવે છે: ‘પ્રચારમાં હું દરરોજ એવા ઘણા લોકોને મળું છું, જેઓ પહેલી વાર સત્ય વિશે સાંભળી રહ્યા છે. લોકોને યહોવા સાથે મિત્રતા બાંધવાની તક આપીને ઘણો સંતોષ થાય છે.’

અટસૂકો

જાપાનથી આવેલાં બહેન અટસૂકો આશરે ૩૫ વર્ષનાં છે. એ પરિણીત બહેન કહે છે: ‘હું હંમેશાં ચાહતી કે આર્માગેદન જલદી આવે. પણ તુર્કી જઈને મને અહેસાસ થયો કે યહોવાએ શા માટે ધીરજ ધરી છે. યહોવાની ધીરજ માટે હું તેમનો આભાર માનું છું. તે જે રીતે સંજોગોને હાથ ધરે છે, એ જોઈને મને તેમની વધુ નજીક જવાની ઇચ્છા થાય છે.’

રશિયાનાં વતની બહેન એલિસા આશરે ૩૨ વર્ષનાં છે. તે કહે છે: ‘આ રીતે પ્રચારકામમાં ભાગ લઈને યહોવાની સેવા કરવાથી હું યહોવાની કૃપાનો અનુભવ કરી શકી છું.’ (ગીત ૩૪:૮) બહેન વધુમાં કહે છે: ‘યહોવા મારા પિતા જ નહિ, પણ મારા જિગરી દોસ્ત છે. અલગ અલગ પરિસ્થિતિમાં હું તેમને વધારે સારી રીતે જાણી શકી છું. મારું જીવન યાદગાર પળો, રોમાંચક અનુભવો અને ઉમદા આશીર્વાદોથી ભરપૂર છે!’

“નજર ઉઠાવીને ખેતરો તરફ જુઓ”

તુર્કીમાં યોજવામાં આવેલી ખાસ પ્રચાર ઝુંબેશને લીધે ઘણા લોકો સુધી ખુશખબર પહોંચી છે. છતાં, હજી ઘણો વિસ્તાર આવરવાનો બાકી છે. બીજા દેશોથી આવેલા પ્રકાશકોને દરરોજ એવા લોકો મળે છે, જેઓએ યહોવા વિશે ક્યારેય સાંભળ્યું નથી. શું તમે પણ વધુ જરૂર છે એવા વિસ્તારમાં સેવા આપવા ચાહો છો? જો એમ હોય, તો અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે, “તમારી નજર ઉઠાવીને ખેતરો તરફ જુઓ; એ ખેતરો કાપણી માટે તૈયાર છે!” (યોહા. ૪:૩૫) શું તમે એવા દેશમાં જઈને સેવા આપી શકો, જ્યાં “ખેતરો કાપણી માટે તૈયાર છે?” જો એવું હોય હો, તો હમણાંથી જ પગલાં ભરો. એક વાત ચોક્કસ છે: “પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવવાથી જે આશીર્વાદો મળે છે, એની તોલે બીજું કંઈ ન આવી શકે!—પ્રે.કા. ૧:૮.

^ ફકરો. 2 “સી ધ ગુડ લૅન્ડ” પુસ્તિકા (અંગ્રેજી) પાન ૩૨-૩૩ જુઓ.