સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એરિક અને ઍમી

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં

શું તમે એવા કોઈ ભાઈ કે બહેનને ઓળખો છો, જે પ્રકાશકોની વધુ જરૂર હોય એવા દેશમાં સેવા આપવા ગયા છે? શું તમે આ સવાલો પર વિચાર કર્યો છે: “બીજા દેશમાં સેવા આપવા તેઓને ક્યાંથી ઉત્તેજન મળ્યું? એવી સેવા આપવા માટે તેઓએ કેવી તૈયારી કરી? શું હું એવી સેવા આપી શકું?” એ સવાલોના જવાબો મેળવવાની સૌથી સારી રીત છે કે, એ ભાઈ-બહેનો સાથે જ વાત કરીએ. ચાલો, તેઓને જ પૂછીએ.

તેઓને ક્યાંથી ઉત્તેજન મળે છે?

વધુ જરૂર હોય એવા દેશમાં જઈને સેવા આપવા તમને ક્યાંથી પ્રેરણા મળી? યુનાઈટેડ સ્ટેટ્સ નાં બહેન ઍમી અત્યારે પાંત્રીસેક વર્ષનાં છે. તે જણાવે છે: ‘વર્ષોથી હું બીજા દેશમાં જઈને સેવા આપવાનો વિચાર કરતી, પણ મને લાગતું કે એ મારા ગજા બહારની વાત છે.’ પોતાના વિચારમાં ફેરફાર કરવા તેમને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘૨૦૦૪માં મને બેલીઝ દેશમાં રહેતા એક યુગલે તેમની સાથે રહેવા અને એક મહિનો પાયોનિયરીંગ કરવા બોલાવી. હું ત્યાં ગઈ અને મને ઘણી મજા આવી! એક વર્ષ પછી પાયોનિયર તરીકે સેવા આપવા હું ઘાના ગઈ.’

ઍરન અને સ્ટેફની

યુનાઈટેડ સ્ટેટ્સનાં બહેન સ્ટેફની અત્યારે લગભગ અઠ્ઠાવીસ વર્ષનાં છે. અમુક વર્ષો અગાઉ તેમણે પોતાના સંજોગો ધ્યાનથી તપાસ્યાં. તેમણે વિચાર્યું: ‘મારી તંદુરસ્તી સારી છે અને કુટુંબની કોઈ જવાબદારી નથી. યહોવાની સેવામાં હું અત્યારે જે કરું છું એના કરતાં પણ ઘણું વધારે કરી શકું છું.’ પોતાના સંજોગો તપાસવાથી તેમને ઘાના જઈને વધુ કરવાની પ્રેરણા મળી. ફિલિપ અને ઈડા ડેનમાર્કનાં છે. તેઓ સાઠેક વર્ષનાં છે. વધુ જરૂર હોય એવા વિસ્તારમાં જઈને સેવા આપવાનું તેઓનું સપનું હતું. એ સપનું સાકાર કરવા તેઓએ અલગ અલગ રીતોનો વિચાર કર્યો. ફિલિપ જણાવે છે કે ‘જ્યારે તક સામે ચાલીને અમારા દ્વારે આવી, ત્યારે એવું લાગ્યું કે જાણે યહોવા અમને કહી રહ્યા હતા: “હા, આ માર્ગ પર ચાલો!”’ ૨૦૦૮માં તેઓ ઘાનામાં રહેવા ગયા અને ત્યાં ત્રણથી વધુ વર્ષ સેવા આપી.

બ્રૂક અને હેન્સ

યુનાઈટેડ સ્ટેટ્સમાં પાયોનિયર સેવા આપતાં હેન્સ અને બ્રૂક ત્રીસેક વર્ષનાં છે. ૨૦૦૫માં એ દેશમાં કેટરીના નામના વાવાઝોડાએ તબાહી મચાવી. એના રાહતકામમાં તેઓએ મદદ કરી. પછીથી, તેઓએ આંતરરાષ્ટ્રીય બાંધકામમાં સેવા આપવા માટે ફૉર્મ ભર્યું, પણ તેઓને આમંત્રણ ન મળ્યું. હેન્સ યાદ કરતા કહે છે, ‘સંમેલનમાં અમે એક પ્રવચન સાંભળ્યું હતું, જેમાં રાજા દાઊદ વિશે જણાવવામાં આવ્યું હતું. રાજા દાઊદે સ્વીકારી લીધું હતું કે, મંદિર બાંધવાની સોંપણી તેમને નહિ મળે. તેથી, તેમણે પોતાનો ધ્યેય બદલ્યો. એ મુદ્દાથી અમને એ સમજવા મદદ મળી કે, ભક્તિના ધ્યેયો બદલવામાં કંઈ ખોટું નથી.’ (૧ કાળ. ૧૭:૧-૪, ૧૧, ૧૨; ૨૨:૫-૧૧) બ્રૂક જણાવે છે, ‘યહોવા ચાહતા હતા કે અમે સેવાનું બીજું દ્વાર ખટખટાવીએ.’

હેન્સ અને બ્રૂકના અમુક મિત્રો બીજા દેશમાં સેવા આપે છે. તેઓના રસપ્રદ અનુભવો સાંભળ્યા પછી એ યુગલને બીજા દેશમાં જઈને પાયોનિયરીંગ કરવાની પ્રેરણા મળી. ૨૦૧૨માં તેઓ ઘાના ગયાં અને ત્યાં તેઓએ ચાર મહિના સાઇન લેંગ્વેજ મંડળને મદદ કરી. જોકે, તેઓએ યુનાઈટેડ સ્ટેટ્સ પાછું ફરવું પડ્યું. પરંતુ, ઘાનામાં સેવા આપવાના અનુભવથી રાજ્યને પ્રથમ રાખવાની તેઓની ઇચ્છા વધારે પ્રબળ બની. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ માઇક્રોનેશિયાની શાખા કચેરીના બાંધકામમાં મદદ કરી રહ્યા છે.

ધ્યેયો પૂરા કરવા તેઓએ પગલાં ભર્યાં

વધુ જરૂર હોય એવી જગ્યાએ સેવા આપવા તમે કઈ રીતે તૈયારી કરી? સ્ટેફની કહે છે: ‘મેં ચોકીબુરજના એ લેખોમાંથી સંશોધન કર્યું, જેમાં વધુ જરૂર હોય એવા દેશમાં સેવા આપવા વિશે માહિતી આપી હોય. * ઉપરાંત, બીજા દેશમાં જઈને સેવા આપવાની મારી ઇચ્છા વિશે મેં મંડળના વડીલો તેમજ સરકીટ નિરીક્ષક અને તેમની પત્ની સાથે વાત કરી. એટલું જ નહિ, મેં યહોવાને વારંવાર મારા ધ્યેય વિશે પ્રાર્થનામાં જણાવ્યું.’ એની સાથે સાથે સ્ટેફનીએ પોતાનું જીવન સાદું રાખ્યું. એમ કરવાથી, તે અમુક બચત કરી શક્યાં, જેથી બીજા દેશમાં સેવા આપવા જાય ત્યારે ગુજરાન ચલાવવા મદદ મળે.

હેન્સ જણાવે છે: ‘અમે માર્ગદર્શન માટે યહોવાને પ્રાર્થના કરી. કારણ કે, યહોવાની ઇચ્છા હોય એવી જગ્યાએ અમે જવા ચાહતા હતા. અમે પ્રાર્થનામાં અમારી યોજના અમલમાં લાવવા વિશેની ચોક્કસ તારીખ પણ જણાવી.’ એ યુગલે ચાર શાખા કચેરીને પત્રો લખ્યા. ઘાના શાખાથી તેઓને પત્રનો જવાબ મળ્યો. એ પછી, બે મહિના માટે તેઓએ ઘાના જવાનું નક્કી કર્યું. હેન્સ કહે છે: ‘મંડળ સાથે કામ કરવાની એટલી મજા આવી કે અમે ત્યાં વધારે રોકાયા.’

એડ્રિયા અને જ્યોર્જ

કેનેડામાં રહેતા જ્યોર્જ અને એડ્રિયા આશરે ૩૮ વર્ષનાં છે. તેઓએ એ વાત યાદ રાખી કે યહોવા ફક્ત સારા ઇરાદાને નહિ, પણ સારા નિર્ણયોને આશીર્વાદ આપે છે. તેથી તેઓએ પોતાનો ધ્યેય પૂરો કરવા પગલાં ભર્યાં. તેઓએ એવા બહેનનો સંપર્ક કર્યો, જે ઘાના જઈને સેવા આપી રહ્યાં હતાં. તેઓએ એ બહેનને ઘણા સવાલો પૂછ્યા. તેઓએ કેનેડા અને ઘાનાની શાખા કચેરીને પણ એ વિશે લખ્યું. એડ્રિયા કહે છે: ‘અમે સાદું જીવન જીવતા હતા, પણ જીવનને હજીયે વધુ સાદું બનાવવાની રીતો અમે અપનાવી.’ એવા સારા નિર્ણયો લેવાથી તેઓ ૨૦૦૪માં ઘાના જઈ શક્યાં.

પડકારોનો સામનો કરવો

બીજા દેશમાં ગયા પછી તમારે કયા પડકારોનો સામનો કરવો પડ્યો અને તમે એને કઈ રીતે હાથ ધર્યા? ઍમીને શરૂઆતમાં ઘરની યાદ બહુ સતાવતી. બહેન જણાવે છે: ‘અહીંયા બધું જ અલગ હતું, જેનો મેં કદી અનુભવ કર્યો ન હતો.’ તેમને ક્યાંથી મદદ મળી? ‘મારા કુટુંબના સભ્યો મને ફોન કરતા અને જણાવતા કે તેઓ મારી કેટલી કદર કરે છે. એનાથી મને મારો ધ્યેય મનમાં રાખવા મદદ મળી. સમય જતાં, મેં અને મારા કુટુંબના સભ્યોએ ઇન્ટરનેટ પર વીડિયો દ્વારા વાતચીત કરવાનું શરૂ કર્યું. તેઓને જોવાથી મને ક્યારેય એવું ન લાગ્યું કે તેઓ મારાથી ઘણા દૂર છે.’ ઍમીએ ત્યાંના અનુભવી બહેનને પોતાના મિત્ર બનાવ્યાં. ત્યાંના રીતરિવાજોને સમજવા એ બહેન હંમેશાં તેમને મદદ કરતા. બહેન જણાવે છે: ‘જ્યારે ત્યાંના લોકોનાં વાણી-વર્તન મને અજુગતા લાગતા અથવા સમજાતા નહિ, ત્યારે મદદ માટે હું તરત મારી મિત્ર પાસે દોડી જતી. તેમની સહાયથી હું શીખી શકી કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આમ, હું ખુશી ખુશી મારું સેવાકાર્ય કરી શકી.’

જ્યોર્જ અને એડ્રિયા જણાવે છે કે તેઓ પહેલી વાર ઘાના ગયા ત્યારે, તેઓને લાગ્યું કે જાણે તેઓ જૂના જમાનામાં પહોંચી ગયા છે. એડ્રિયા જણાવે છે: ‘કપડાં ધોવાં વૉશિંગ મશીનને બદલે અમે ડોલ વાપરતા. રાંધવામાં દસ ગણો વધારે સમય લાગતો. પણ થોડા સમય પછી, એ અઘરા સંજોગો અમારા માટે નવા અનુભવો બની ગયા.’ બ્રૂક કહે છે: ‘ગમે તેટલા નડતરો છતાં અમારા જેવા પાયોનિયરો સંતોષી જીવન જીવે છે. ઉત્તેજન આપનારા એ અનુભવોને જો ભેગા કરીએ તો એ સુંદર ગુલદસ્તો બની જાય છે, જેની મહેક અમારા દિલોમાં વસી ગઈ છે.’

આશીર્વાદ આપનારું સેવાકાર્ય

આવું સેવાકાર્ય કરવા તમે શા માટે બીજાઓને ઉત્તેજન આપો છો? સ્ટેફની કહે છે: ‘એવા વિસ્તારમાં સત્ય શીખવા લોકો એટલા આતુર હોય છે કે, તેઓને રોજ બાઇબલમાંથી અભ્યાસ કરવો હોય છે. એવી જગ્યાએ પ્રચાર કરવાથી કેટલી ખુશી મળે છે! વધુ જરૂર હોય એવી જગ્યાએ જઈને સેવા આપવી એ મારા સારા નિર્ણયોમાંનો એક હતો.’ ૨૦૧૪માં, સ્ટેફનીએ ઍરન સાથે લગ્ન કર્યું અને આજે તેઓ ઘાનાની શાખા કચેરીમાં સેવા આપી રહ્યાં છે.

જર્મનીનાં પાયોનિયર બહેન ક્રિસ્ટીન અત્યારે બત્રીસેક વર્ષનાં છે. ઘાના જતા પહેલાં તે બોલિવિયામાં સેવા આપતાં હતાં. તે જણાવે છે: ‘વધુ જરૂર હોય એવી જગ્યાએ સેવા આપવાનો અનુભવ જોરદાર છે. કુટુંબથી દૂર હોવાથી હું મદદ માટે હંમેશાં યહોવા પાસે જઉં છું. યહોવા સાથેની મારી મિત્રતા વધુ ગાઢ બની છે. યહોવાના લોકોની અજોડ એકતાનો પણ હું અનુભવ કરું છું. આ સેવાથી મારું જીવન યહોવાના આશીર્વાદોથી ભરાઈ ગયું છે.’ ક્રિસ્ટીને હાલમાં જ ગિદિયોન સાથે લગ્ન કર્યું છે અને હવે તેઓ ભેગા મળીને ઘાનામાં સેવા આપે છે.

ક્રિસ્ટીન અને ગિદિયોન

ફિલિપ અને ઈડાએ કઈ રીતે પોતાના બાઇબલ વિદ્યાર્થીઓને પ્રગતિ કરવા મદદ કરી? તેઓ જણાવે છે: ‘અમે પહેલાં પંદર કે એથી વધારે બાઇબલ અભ્યાસ ચલાવતા હતા. પણ અમે બાઇબલ અભ્યાસની સંખ્યા ઓછી કરીને દસ જ કરી દીધી, જેથી વિદ્યાર્થીઓને વધારે સારી રીતે શીખવી શકીએ.’ શું એનાથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થયો? એનો જવાબ આપતા ફિલિપ કહે છે: ‘હું માઈકલ નામના યુવાન સાથે અભ્યાસ કરતો હતો. તે દરરોજ અભ્યાસ કરી શકતો અને એટલી સરસ તૈયારી કરતો કે અમે એક જ મહિનામાં બાઇબલ શીખવે છે પુસ્તક પૂરું કરી નાખ્યું. એ પછી, માઈકલ બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બન્યો. તે પ્રચારમાં પહેલી વાર આવ્યો ત્યારે તેણે મને પૂછ્યું: “હું જે બાઇબલ અભ્યાસ ચલાવું છું, એમાં શું તમે મને મદદ કરશો?” મેં તેની સામે નવાઈભરી નજરે જોયું. માઈકલે જણાવ્યું કે તેણે ત્રણ અભ્યાસ શરૂ કર્યા છે અને એ ચલાવવા તેને થોડીક મદદ જોઈએ છે.’ જરા વિચારો કે, ત્યાં શિક્ષકોની કેટલી બધી જરૂર છે. અરે, ત્યાં તો બાઇબલ વિદ્યાર્થીઓ પણ બાઇબલ શિક્ષકો છે!

ઈડા અને ફિલિપ

ઍમીને જલદી જ ખ્યાલ આવી ગયો કે, પ્રચારકોની કેટલી વધારે જરૂર છે. તે જણાવે છે: ‘ઘાના પહોંચ્યાના થોડા જ સમયમાં અમે એક નાનકડા ગામમાં પ્રચાર કર્યો અને બધિર લોકોની શોધ કરી. એ ગામમાં અમને એક નહિ, પણ આઠ બધિર લોકો મળ્યા!’ સમય જતાં, ઍમીએ એરિક સાથે લગ્ન કર્યું અને હવે તેઓ બંને ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે. તેઓ સાઇન લેંગ્વેજ મંડળને સહાય કરે છે, જેથી એ દેશના લગભગ ૩૦૦ જેટલા બધિર પ્રકાશકોને અને રસ ધરાવનારા બીજા લોકોને મદદ કરી શકે. ઘાનામાં સેવા આપતા જ્યોર્જ અને એડ્રિયાએ જાતે અનુભવ કર્યો કે મિશનરી બનવામાં કેટલું બધું સમાયેલું છે. તેઓને ગિલયડ શાળાના ૧૨૬મા વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું ત્યારે, તેઓ કેટલા ખુશ થયા હશે! આજે, તેઓ મોઝામ્બિકમાં મિશનરી તરીકે સેવા આપી રહ્યા છે.

પ્રેમને લીધે પ્રેરાયા

સ્થાનિક ભાઈ-બહેનો સાથે બીજા દેશના લોકો ભેગા મળીને જે રીતે કાપણીના કામને ટેકો આપી રહ્યા છે, એ જોવું દિલને સ્પર્શી જાય છે. (યોહા. ૪:૩૫) દર અઠવાડિયે સરેરાશ ૧૨૦ લોકો ઘાનામાં બાપ્તિસ્મા લે છે. વધારે સેવા આપવા ઘાનામાં ગયેલા ૧૭ પ્રચારકોની જેમ બીજા દેશમાં હજારો પ્રચારકોએ પોતાને અર્પી દીધા છે. યહોવા માટેના પ્રેમથી પ્રેરાઈને તેઓએ પોતાને ‘ખુશીથી સોંપી દીધા છે.’ તેઓ એવા વિસ્તારોમાં જાય છે, જ્યાં પ્રચારકોની વધુ જરૂર છે. ખુશીથી સેવા આપતા લોકોને જોઈને યહોવાનું દિલ ચોક્કસ આનંદથી ઊભરાઈ જતું હશે!—ગીત. ૧૧૦:૩; નીતિ. ૨૭:૧૧.

^ ફકરો. 9 એવી વધુ માહિતી માટે આ લેખો જુઓ: “શું તમે વધુ જરૂર હોય ત્યાં સેવા કરી શકો?” અને “શું તમે મકદોનિયા જશો?”—આપણી રાજ્ય સેવા, જુલાઈ ૨૦૦૧ અને ઑગસ્ટ ૨૦૧૧.