સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા ફિલિપાઈન્સમાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા ફિલિપાઈન્સમાં

ગ્રેગોરિયો અને મારીલ્યુ નામનું ત્રીસેક વર્ષનું યુગલ આશરે દસ વર્ષ પહેલાં મનિલા શહેરમાં પાયોનિયર તરીકે સેવા આપતું હતું. તેઓ પૂરા સમયની નોકરી પણ કરતા હતાં. પાયોનિયરીંગ અને નોકરી બંને સાથે કરવું પડકાર હોવા છતાં, તેઓ એ કરી લેતાં. મારીલ્યુને બૅન્કમાં મેનેજર તરીકે પ્રમોશન મળ્યું. તે જણાવે છે, ‘સારી નોકરી હોવાને લીધે અમે ખૂબ સગવડ ભર્યું જીવન જીવતાં હતાં.’ પૈસેટકે સદ્ધર હોવાથી તેઓએ પોતાનાં સપનાનું ઘર બનાવવાનું નક્કી કર્યું. યુગલે ઘર માટે મનિલા શહેરથી ૧૯ કિ.મી. પૂર્વમાં ખૂબ સુંદર જગ્યા પસંદ કરી. તેઓએ ઘર બાંધવા માટે એક કંપની સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો અને દસ વર્ષની મુદતના માસિક હપ્તા બાંધ્યા.

‘યહોવા પાસેથી કંઈક છીનવું છું, એમ લાગતું’

મારીલ્યુ જણાવે છે, ‘મારી નોકરી મારો બધો સમય અને શક્તિ ચૂસી લેતી. એને લીધે, ભક્તિમાં મારો ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો. યહોવાને જે સમય આપવાનું મેં નક્કી કર્યું હતું એ આપતી ન હતી. એટલે, યહોવા પાસેથી કંઈક છીનવું છું, એમ લાગતું.’ એ બાબતથી ગ્રેગોરિયો અને મારીલ્યુ બંને ખુશ ન હતાં. તેથી, જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે એ વિશે એક દિવસ તેઓ ચર્ચા કરવાં બેઠાં. ગ્રેગોરિયો જણાવે છે, ‘અમે ફેરફાર કરવાં માંગતાં હતાં. પરંતુ, શું કરવું એ ચોક્કસ જાણતાં ન હતાં. બાળકો ન હોવાથી અમે યહોવાની સેવામાં કઈ રીતે વધુ કરી શકીએ એ વિશે વાતચીત કરી. અમે માર્ગદર્શન માટે યહોવાને પ્રાર્થના કરી.’

એ સમય દરમિયાન, તેઓએ કેટલીક એવી ટૉક સાંભળી જેમાં, પ્રચારકોની વધારે જરૂર હોય ત્યાં જવા ઉત્તેજન આપવામાં આવ્યું. ગ્રેગોરિયો જણાવે છે, ‘અમને લાગ્યું કે એ અમારી પ્રાર્થનાઓનો જવાબ છે.’ યુગલે શ્રદ્ધા વધારવા પ્રાર્થના કરી, જેથી યોગ્ય નિર્ણય લેવા હિંમત મળે. તેઓના ઘરનું બાંધકામ હજું ચાલી રહ્યું હતું, જે તેઓ માટે સૌથી મોટું નડતર હતું. ત્રણ વર્ષની રકમ તેઓએ ચૂકવી દીધી હતી. મારીલ્યુ જણાવે છે, ‘એ કૉન્ટ્રૅક્ટ પડતો મૂકવો એટલે ચૂકવેલી રકમથી હાથ ધોઈ નાખવા. એ રકમ કઈ નાનીસૂની ન હતી. અમારે હવે નક્કી કરવાનું હતું કે, અમે યહોવાની ઇચ્છાને પ્રથમ રાખીશું કે પોતાની!’ પાઊલના શબ્દો ધ્યાનમાં રાખીને યુગલે “નુકસાન સહન કર્યું.” તેઓએ પોતાનાં સપનાનું ઘર જતું કર્યું, નોકરી છોડી, ઘણી વસ્તુઓ વેચી અને શહેરથી દૂર ગામડામાં રહેવાં ગયાં. એ ગામ પાલાવાન ટાપુ પર હતું, જે મનિલા શહેરથી ૪૮૦ કિ.મી. દક્ષિણમાં છે.—ફિલિ. ૩:૮.

તેઓ ‘શીખ્યાં’

ગામમાં જતા પહેલાં ગ્રેગોરિયો અને મારીલ્યુ સાદુ જીવન જીવવાનો પ્રયત્ન કરવાં લાગ્યાં. જોકે, ત્યાં પહોંચ્યાં પછી જ તેઓને ખ્યાલ આવ્યો કે કેટલું સાદુ જીવન જીવવું પડશે. મારીલ્યુ જણાવે છે, ‘ત્યાં પહોંચીને હું દંગ રહી ગઈ. કેમ કે, ત્યાં વીજળી અને બીજી કોઈ સગવડ ન હતી. પહેલાં રાંધવા માટે ઇલેક્ટ્રિક રાઇસ કૂકરનું ફક્ત એક બટન દબાવવું પડતું. પરંતુ, હવે અમારે લાકડાં કાપી, ચૂલો સળગાવી રાંધવું પડતું. શહેરના જીવનની સુખસગવડો મને ઘણી યાદ આવતી જેમ કે, મોલમાં શોપીંગ કરવા જવું અને હોટલોમાં જમવા જવું.’ આવા પડકારો હોવા છતાં, યુગલ એકબીજાને યાદ કરાવતું કે ત્યાં આવવાનો તેઓનો હેતુ શું હતો. અને થોડા જ સમયમાં તેઓને ત્યાં ફાવી ગયું. મારીલ્યુ જણાવે છે, “હવે, અહીંયા મને કુદરતી સૌંદર્ય અને તારાઓથી ચળકતું આકાશ જોવું ગમે છે. સૌથી વધારે તો, પ્રચારમાં લોકોના હસતા ચહેરા જોવા ગમે છે. અહીં રહીને અમે સંતોષભર્યું જીવન જીવતા ‘શીખ્યાં’ છીએ.”—ફિલિ. ૪:૧૨.

‘ઘણા લોકોને મંડળનો ભાગ બનતા જોઈને અમને અજોડ આનંદ મળે છે. હવે અમે જીવનનો ખરો હેતુ વધુ સ્પષ્ટ જોઈ શક્યા છીએ.’​—ગ્રેગોરિયો અને મારીલ્યુ

ગ્રેગોરિયો જણાવે છે, ‘અમે ત્યાં ગયા ત્યારે ફક્ત ચાર સાક્ષીઓ હતા. હું દર અઠવાડિયે જાહેર પ્રવચન આપતો અને રાજ્યગીતો ગિટાર પર વગાડતો, જેનાથી તેઓ ખુશ થતા.’ એ યુગલ એક જ વર્ષમાં નાના ગ્રૂપને ૨૪ પ્રકાશકોનું પ્રગતિ કરતું મંડળ બનતા જોઈ શક્યું. ગ્રેગોરિયો કહે છે, ‘મંડળે બતાવેલો ઊંડો પ્રેમ અમારાં દિલને સ્પર્શી ગયો.’ છ વર્ષ ત્યાં સેવા આપ્યા પછી, પાછલા દિવસોને યાદ કરતા, આજે તેઓ કહે છે: ‘ઘણા લોકોને મંડળનો ભાગ બનતા જોઈને અમને અજોડ આનંદ મળે છે. હવે અમે જીવનનો ખરો હેતુ વધુ સ્પષ્ટ જોઈ શક્યા છીએ.’

“મેં ‘અનુભવ કર્યો અને જોયું કે યહોવા ઉત્તમ છે’!”

ફિલિપાઈન્સમાં આશરે ૩,૦૦૦ ભાઈ-બહેનો એવા વિસ્તારમાં પ્રચાર કરવાં ગયાં છે, જ્યાં જરૂર વધારે છે. એમાં લગભગ ૫૦૦ બહેનો કુંવારી છે. ચાલો, કેરનનો અનુભવ જોઈએ.

કેરન

કેરન આશરે ૨૫ વર્ષનાં છે. કાગયાન વિસ્તારના બગાઉ શહેરમાં તે મોટાં થયાં. તરુણ હતાં ત્યારથી જ તે પ્રચારમાં વધુ કરવાનું વિચારતાં હતાં. તે જણાવે છે, ‘લોકોને સંદેશો જણાવવાનો થોડો જ સમય બાકી છે અને એ સંદેશો દરેક સુધી પહોંચાડવાનો છે. તેથી, જરૂર વધારે હોય ત્યાં હું સેવા આપવા ચાહતી હતી.’ તેમનાં કુટુંબના અમુક સભ્યોએ તેમને દબાણ કર્યું કે દૂરના વિસ્તારમાં સેવા આપવાને બદલે તે ઉચ્ચ શિક્ષણ લે. માર્ગદર્શન માટે કેરને યહોવાને પ્રાર્થના કરી. તેમ જ, દૂરના વિસ્તારમાં જેઓ સેવા આપતા હતા તેઓ સાથે વાતચીત કરી. પછી ૧૮ વર્ષની ઉંમરે, ઘરથી ૬૪ કિ.મી. દૂર આવેલા વિસ્તારમાં તે સેવા આપવાં ગયાં.

કેરન એક નાના મંડળને મદદ આપવાં જોડાયાં. એ મંડળ પૅસિફિક મહાસાગરના કિનારે આવેલા પહાડી વિસ્તારમાં પ્રચાર કરે છે. કેરન વર્ણન કરે છે, ‘બગાઉથી નવા મંડળમાં પહોંચવા અમે ત્રણ દિવસ ચાલ્યા. અમે કેટલાક પહાડો ચઢ-ઉતર કર્યા અને ત્રીસથી વધુ વખત નદીઓ ઓળંગી. હું અમુક બાઇબલ વિદ્યાર્થીઓના ત્યાં છએક કલાક ચાલીને જતી. રાત્રે તેઓના ઘરે રોકાતી અને બીજે દિવસે પાછી છએક કલાક ચાલીને ઘરે આવતી.’ આટલી મહેનતનું કેરનને શું કોઈ ફળ મળ્યું? તે ખુશીથી જણાવે છે, “ભલે અમુક વાર મારા પગ બહુ દુઃખતા. પણ, મારી પાસે અઢારેક બાઇબલ અભ્યાસ હતા. મેં ‘અનુભવ કર્યો અને જોયું કે યહોવા ઉત્તમ છે’!”—ગીત. ૩૪:૮.

“હું યહોવા પર આધાર રાખતા શીખી”

સુખ્ખી

સુખ્ખી નામનાં ચાલીસેક વર્ષનાં કુંવારા બહેન અમેરિકામાં રહે છે. તેમને ફિલિપાઈન્સમાં રહેવા જવા ક્યાંથી પ્રેરણા મળી? વર્ષ ૨૦૧૧ના સરકીટ સંમેલનમાં તેમણે એક યુગલનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો. યુગલે જણાવ્યું કે મેક્સિકો જઈ પ્રચારમાં વધુ કરવા કઈ રીતે તેઓએ મોટા ભાગની વસ્તુઓ વેચી. સુખ્ખી જણાવે છે, ‘મેં કદી વિચાર્યા ન હતા એવા ધ્યેયો બાંધવા એ ઇન્ટરવ્યૂથી મને મદદ મળી.’ સુખ્ખીના બાપદાદા ભારતના હતા. ફિલિપાઈન્સમાં રહેતા પંજાબી લોકોને વધુ મદદની જરૂર છે, એવું જાણ્યા પછી સુખ્ખીએ ત્યાં જવાનું નક્કી કર્યું. શું તેમની સામે કોઈ નડતરો આવ્યાં?

સુખ્ખી કબૂલે છે, ‘કઈ વસ્તુઓ રાખવી અને કઈ વેચી દેવી, એ નક્કી કરવું ધાર્યા કરતાં મુશ્કેલ હતું. હું પોતાના આરામદાયક ફ્લૅટમાં ૧૩ વર્ષ રહી. પણ પછી, સાદા જીવન માટે તૈયાર થવા સૌથી સારી રીત હતી કે કુટુંબ સાથે રહું, જે સહેલું ન હતું.’ સુખ્ખીને ફિલિપાઈન્સ ગયા પછી કેવા પડકારોનો સામનો કરવો પડ્યો? તે કહે છે, ‘મને જીવજંતુની ઘણી બીક લાગતી અને ઘરની યાદ ખૂબ સતાવતી. મારી માટે એ મોટા પડકારો હતા. હું યહોવા પર પહેલાં કરતાં વધારે આધાર રાખતા શીખી.’ સુખ્ખીને કેવા આશીર્વાદો મળ્યા? તે હરખાતા જણાવે છે, “યહોવા જાણે આપણને કહે છે કે ‘મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે માટે કેટલો બધો આશીર્વાદ મોકલી દઉં છું!’ એ શબ્દો કેટલા સાચા છે, એ હું અનુભવી શકી છું. ખાસ કરીને એ વખતે જ્યારે ઘરમાલિક મને પૂછે કે તેના બીજા સવાલોના જવાબ માટે હું ફરી ક્યારે તેને મળીશ. લોકોને યહોવા વિશે શીખવીને મને ઘણો જ આનંદ મળે છે. ખરું કે, અહીં આવવાનો નિર્ણય લેવો અઘરો હતો. પણ, અહીં આવી ગયા પછી હું જોઈ શકી કે, યહોવા કેવી અદ્‍ભુત રીતે બધી બાબતોની સંભાળ રાખે છે!”—માલા. ૩:૧૦.

“મેં ડર પર જીત મેળવી”

સાઈમે નામના પરિણીત ભાઈ આશરે ૩૮ વર્ષના છે. તે સારી નોકરી માટે ફિલિપાઈન્સ છોડીને મધ્ય પૂર્વના એક દેશમાં રહેવા ગયા હતા. ત્યાં તેમને યહોવાને જીવનમાં પ્રથમ રાખવા નિયામક જૂથના ભાઈની ટૉકમાંથી ઉત્તેજન મળ્યું. તેમ જ, પ્રવાસી નિરીક્ષકે પણ ઘણું પ્રોત્સાહન આપ્યું. સાઈમે જણાવે છે, ‘તોય, નોકરી છોડવાના વિચારથી જ મારી ઊંઘ ઊડી જતી.’ છતાં, તે નોકરી છોડી ફિલિપાઈન્સ પાછા રહેવા ગયા. આજે, સાઈમે અને તેમનાં પત્ની હાઈડી, ફિલિપાઈન્સના દાવેઉ દેલ સૂર નામના દક્ષિણી વિસ્તારમાં સેવા આપે છે. એ વિસ્તાર ઘણો મોટો છે અને ત્યાં પ્રચારકોની વધુ જરૂર છે. સાઈમે જણાવે છે, ‘હું ઘણો ખુશ છું કે નોકરી છોડવાના ડર પર મેં જીત મેળવી અને યહોવાને જીવનમાં પ્રથમ રાખ્યા. તેમને સૌથી સારું આપવાથી જે સંતોષ મળે છે, એ બીજા કશાથી મળતો નથી!’

સાઈમે અને હાઈડી

“એનાથી અમને ઘણો સંતોષ મળે છે!”

રેમીલો અને જુલીયટ ત્રીસેક વર્ષનું પાયોનિયર યુગલ છે. તેમણે જ્યારે જાણ્યું કે તેમનાં ઘરથી ૩૦ કિ.મી. દૂર એક મંડળને મદદની જરૂર છે, ત્યારે તેઓ ત્યાં જવા ખુશી ખુશી તૈયાર થયાં. ધગધગતો તાપ હોય કે ધોધમાર વરસાદ હોય, તેઓ દર અઠવાડિયે સભાઓ અને પ્રચારકાર્ય માટે બાઇક પર જાય છે. ખાડા-ટેકરાવાળા રસ્તા અને ઝૂલતા પુલ પર મુસાફરી કરવી, કંઈ સહેલી નથી. છતાં, પ્રચારમાં વધુ કરી શક્યા એ માટે તેઓ ખુશ છે. રેમીલો કહે છે, ‘હું અને મારી પત્ની અગિયાર બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ. જ્યાં જરૂર છે ત્યાં સેવા આપવા કોઈ ભોગ તો આપવો પડે. પણ, એનાથી અમને ઘણો સંતોષ મળે છે!’—૧ કોરીં. ૧૫:૫૮.

જુલીયટ અને રેમીલો

રાજ્ય પ્રચારકોની વધારે જરૂર છે ત્યાં સેવા આપવા વિશે, શું તમે જાણવા માંગો છો? એમ હોય તો, તમારા પ્રવાસી નિરીક્ષકને પૂછી શકો. તેમ જ, ઑગસ્ટ ૨૦૧૧ની આપણી રાજ્ય સેવાનો લેખ “શું તમે મકદોનિયા જશો?” જુઓ.