સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—નૉર્વે દેશમાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—નૉર્વે દેશમાં

થોડાં વર્ષો પહેલાંની વાત છે. આશરે ચાલીસેક વર્ષનાં રોઆલ્ડ અને એલ્સાબેથ, નૉર્વેના બીજા મોટા શહેર, બૅર્ગનમાં સુખી જીવન જીવતાં હતાં. દીકરી ઇઝેબેલ અને દીકરા ફેબિયન સાથે મળીને તેઓ મંડળનાં કાર્યોમાં દિલથી સાથ આપતાં. રોઆલ્ડ વડીલ તરીકે અને એલ્સાબેથ પાયોનિયર તરીકે સેવા આપતાં. ઈઝેબેલ અને ફેબિયન સારા પ્રકાશકો તરીકે મંડળમાં સેવા આપતા.

પણ, સપ્ટેમ્બર ૨૦૦૯માં આ કુટુંબે નક્કી કર્યું કે તેઓ એક અઠવાડિયા માટે પ્રચાર કરવા દૂરના વિસ્તારમાં જશે. એટલે, રોઆલ્ડ અને એલ્સાબેથ ૧૮ વર્ષના ફેબિયન સાથે ફિનમાર્કના નોર્વિક શહેરમાં ગયા. એ શહેર ઉત્તર ધ્રુવવૃત્તમાં આવેલું છે. ત્યાં તેઓએ કિલજોફોર્ડ નામના એક ગામમાં પ્રચાર કર્યો. બીજાં ભાઈ-બહેનો પણ એ દૂરના વિસ્તારમાં પ્રચાર કરવા આવ્યાં હતાં. રોઆલ્ડ જણાવે છે: “હું આખું અઠવાડિયું ખાસ કાર્યમાં ગાળી શકું, એ માટે મેં પહેલેથી બધી બાબતોની સારી ગોઠવણ કરી હતી. એટલે જ અઠવાડિયાની શરૂઆતમાં મને ઘણો સંતોષ હતો.” પણ એ જ અઠવાડિયાને અંતે રોઆલ્ડ બેચેન થવા લાગ્યા. એવું તો શું થયું?

ધારતા નહોતા એવો પ્રશ્ન

રોઆલ્ડ જણાવે છે: ‘ફિનમાર્કના માર્યો નામના પાયોનિયરે અચાનક સવાલ પૂછ્યો કે શું અમે લેકસેલ્વ શહેરમાં વસવા માંગીશું, જ્યાં ફક્ત ૨૩ ભાઈ-બહેનો છે?’ ધારતા ન હતા એવો સવાલ સાંભળીને રોઆલ્ડ ચોંકી ગયા. તે સમજાવે છે: “હું અને એલ્સાબેથ, જ્યાં જરૂર હતી ત્યાં જઈને પ્રચાર કરવાનું વિચારતાં હતાં. પણ અમારાં બાળકો પોતાના પગ પર ઊભા થઈ જાય એ પછી.” એ દૂરના વિસ્તારમાં રોઆલ્ડે પ્રચારમાં થોડા જ દિવસો વિતાવ્યા હતા. પણ તે સાફ જોઈ શકતા હતા કે લોકોને યહોવા વિશે શીખવાની ધગસ છે. એ પણ જોઈ શક્યા કે લોકોને પછી નહિ, પણ હમણાં જરૂર છે. તે આગળ જણાવે છે: “પૂછવામાં આવેલા સવાલથી હું મૂંઝાવા લાગ્યો અને એના વિચારોમાં મારી રાતોની ઊંઘ પણ ઊડી ગઈ.” પછીથી રોઆલ્ડ અને તેમના પરિવારને, માર્યોભાઈ કિલજોફોર્ડથી ૨૪૦ કિલોમીટર દક્ષિણમાં, લેકસેલ્વ તરફ લઈ ગયા. માર્યો ચાહતા હતા કે મુલાકાત કરનાર કુટુંબ પોતે એ નાના મંડળને જુએ.

લેકસેલ્વ મંડળના બે વડીલોમાંના એક, એન્ડ્રાસે એ કુટુંબને ત્યાંનો વિસ્તાર અને રાજ્યગૃહ બતાવ્યાં. મંડળે તેઓનું પ્રેમભર્યું સ્વાગત કર્યું. રોઆલ્ડ અને એલ્સાબેથને કહેવામાં આવ્યું કે જો તેઓ આ મંડળમાં આવીને પ્રચારકામમાં મદદ કરશે, તો મંડળને ઘણું ગમશે. એન્ડ્રાસે ઉત્સાહથી જણાવ્યું કે તેમણે પહેલેથી જ રોઆલ્ડ અને ફેબિયન માટે નોકરીના ઇન્ટર્વ્યૂંની ગોઠવણ કરી રાખી છે. હવે આ કુટુંબ શું કરશે?

કયો નિર્ણય લેવો?

શરૂઆતમાં ફેબિયનને લાગ્યું કે “અહીંયા રહેવાની મારી કોઈ ઇચ્છા નથી.” નજીકના દોસ્તો કે જેમની સાથે તે મંડળમાં મોટો થયો હતો, તેઓને છોડવાના અને નાના શહેરમાં રહેવાના વિચારમાં તેને જરાય રસ પડ્યો નહિ. વધુમાં, તેની ઇલેક્ટ્રિશિયનની તાલીમ હજી પૂરી થઈ નહોતી. જ્યારે ૨૧ વર્ષની ઇઝેબેલને પૂછવામાં આવ્યું કે તે શું વિચારે છે, ત્યારે તેણે કહ્યું: “હંમેશાં એમ કરવાની મારી ઇચ્છા હતી!” પછી તેણે કહ્યું: “હું એ વિશે વધારે વિચારવા લાગી ત્યારે, મને થતું કે ‘શું એ સારો નિર્ણય કહેવાશે? શું મારા મિત્રો મને યાદ આવશે? શું મારે પોતાના મંડળમાં જ રહેવું જોઈએ, જ્યાં કોઈ તકલીફ નથી અને જ્યાંના સંજોગોની મને ખબર છે?’” એ આમંત્રણ વિશે એલ્સાબેથ શું વિચારતાં હતાં? તે કહે છે: “મને લાગ્યું કે એ કામ યહોવાએ અમારા કુટુંબને સોંપ્યું છે. પણ મને અમારા ઘરનો વિચાર આવ્યો, જેનું નવું બાંધકામ થયું હતું. તેમ જ, છેલ્લાં ૨૫ વર્ષોમાં ભેગી કરેલી એમાંની વસ્તુઓ વિશે હું વિચારવા લાગી.”

(ઉપર) એલ્સાબેથ અને ઇઝેબેલ

પ્રચારનું એ ખાસ અઠવાડિયું પતાવ્યા પછી, રોઆલ્ડ અને તેમનું કુટુંબ બૅર્ગન પાછા આવ્યા. પણ તેઓ ૨,૧૦૦ કિલોમીટર દૂર આવેલા લેકસેલ્વમાંનાં ભાઈ-બહેનો વિશે વિચારવાનું બંધ ન કરી શક્યા. એલ્સાબેથ કહે છે: “મેં યહોવાને ઘણી પ્રાર્થના કરી. ત્યાંના મિત્રો સાથે હું ફોટા અને અનુભવોની આપલે કરીને તેઓના સંપર્કમાં રહી.” રોઆલ્ડ જણાવે છે: “બીજે રહેવા જવું કે નહિ, એનો નિર્ણય લેવા માટે મને સમય જોઈતો હતો. મારે એ પણ વિચારવાનું હતું કે શું ત્યાં અમે પોતાની સંભાળ લઈ શકીશું? અમે ત્યાં કેવી રીતે જીવીશું? એ વિશે મેં યહોવાને ઘણી પ્રાર્થના કરી. તેમ જ, કુટુંબ અને અનુભવી ભાઈ-બહેનો સાથે એની ચર્ચા કરી.” ફેબિયન કહે છે: “હું જેટલું વધારે વિચારતો, એટલું મને સમજાતું કે મારી પાસે ના કહેવાનું કોઈ યોગ્ય કારણ નથી. હું વારંવાર યહોવાને પ્રાર્થના કરતો અને એમ ત્યાં રહેવા જવાની મારી ઇચ્છા વધારે મજબૂત થઈ.” ઇઝેબેલ વિશે શું? બીજે જઈને રહેવા માટે પોતાને તૈયાર કરવા, તેણે પોતાના જ મંડળમાં પાયોનિયરીંગ શરૂ કર્યું. તેણે છ મહિના પાયોનિયરીંગ કર્યું. એ દરમિયાન તેણે બાઇબલનો અભ્યાસ કરવામાં ઘણો સમય ગાળ્યો, જેના લીધે તે મોટું પગલું ભરવા તૈયાર થઈ.

ધ્યેય પ્રાપ્ત કરવા પગલાં લીધાં

જ્યાં વધારે જરૂર છે એવા મંડળમાં જઈને સેવા આપવાની ઇચ્છા જેમ વધવા લાગી, તેમ એ ધ્યેય પૂરો કરવા આ કુટુંબે પગલાં ભર્યાં. રોઆલ્ડ પાસે સારા પગારની નોકરી હતી અને ત્યાં તેમને કામ કરવાની મજા આવતી. તોપણ તેમણે એક વર્ષ લાંબી રજા માંગી. ત્યારે બૉસે તેમને પાર્ટ-ટાઈમ જોબ કરવાની ઑફર કરી. એ ઑફર પ્રમાણે જો તે બે અઠવાડિયા કામ કરે, તો તેમને છ અઠવાડિયાની રજા મળે. તે કહે છે: “મારો પગાર ઘણો ઓછો થઈ ગયો, પણ બધું ઠીકઠાક ચાલતું રહ્યું.”

એલ્સાબેથ જણાવે છે કે ‘મારા પતિએ મને લેકસેલ્વમાં ઘર શોધવા અને બૅર્ગનનું અમારું ઘર ભાડે આપવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું. એમ કરવા ઘણો સમય-શક્તિ લાગ્યા, પણ અમે સફળ થયા. અમુક સમય પછી બાળકોને પાર્ટ-ટાઈમ નોકરી મળી. તેઓએ અમને ખાવા-પીવાના અને મુસાફરીના ખર્ચા ઉપાડવામાં મદદ કરી.’

ઇઝેબેલ કહે છે: “અમે જે શહેરમાં રહેવા ગયા એ ઘણું જ નાનું હતું, એટલે મારી સૌથી મોટી સમસ્યા નોકરી મેળવવાની હતી, જેથી મને પાયોનિયરીંગ કરવામાં મદદ મળે. અમુક વાર કોઈ જ આશા ન દેખાતી.” તેને જે કોઈ પણ નાની અમથી પાર્ટ-ટાઈમ નોકરી મળતી, એ તે સ્વીકારી લેતી. પહેલા વર્ષ દરમિયાન તેણે ૯ જુદી જુદી પાર્ટ-ટાઈમ નોકરી કરી, તોપણ તે પોતાના ખર્ચા ઉપાડી શકી. ફેબિયનના સંજોગો કેવા રહ્યા? “ઇલેક્ટ્રિશિયનનો મારો અભ્યાસ પૂરો કરવા મારે ઍપ્રેન્ટિસ તરીકે કામ કરવાની જરૂર હતી. લેકસેલ્વમાં હું એમ કરી શક્યો. પછીથી મેં અભ્યાસની પરીક્ષા પાસ કરી અને મને ઇલેક્ટ્રિશિયનની પાર્ટ-ટાઈમ જોબ મળી.”

બીજાઓએ કેવી રીતે પ્રચારમાં વધારે કર્યું

(ઉપર) મેરિલીયસ અને કિસીયા નૉર્વેમાં સામી સ્ત્રીને પ્રચાર કરી રહ્યા છે

મેરિલીયસ અને તેમની પત્ની કિસીયા પણ એવી જગ્યાએ સેવા આપવા માંગતા હતા, જ્યાં પ્રકાશકોની વધારે જરૂર હતી. ૨૯ વર્ષના મેરિલીયસ જણાવે છે: “સંમેલનમાં પાયોનિયરીંગ પર આપવામાં આવતા ટૉક અને ઇન્ટર્વ્યૂંથી, હું પ્રચારમાં વધારે કરવા પર વિચારવા લાગ્યો.” કિસીયા ૨૬ વર્ષનાં છે, તેમની માટે કુટુંબથી દૂર જવાનો વિચાર એક મોટો પડકાર હતો. તે કહે છે: “જેઓને હું પ્રેમ કરું છું, તેઓથી દૂર જવાના વિચારથી પણ મને બીક લાગે છે.” મેરિલીયસ પૂરા સમયની નોકરી કરતા હતા, જેથી તે ઘરના હપ્તા ભરી શકે. તે કહે છે: “અમે યહોવાને ઘણી પ્રાર્થના કરી અને અમારી પ્રાર્થનામાં અમે ફેરફારો કરવા માટે મદદ માંગી. તેમની મદદથી અમે બીજી જગ્યાએ જઈ શક્યા.” પહેલા તેઓએ બાઇબલનો અભ્યાસ કરવામાં વધુ સમય આપ્યો. પછી, તેઓએ પોતાનું ઘર વેચ્યું, નોકરી છોડી અને ઑગસ્ટ ૨૦૧૧માં, ઉત્તર નૉર્વેના શહેર આલ્ટામાં રહેવા ગયા. ત્યાં તેઓ પાયોનિયરીંગ સારી રીતે કરી શકે એ માટે, મેરિલીયસ એકાઉન્ટન્ટ તરીકે અને કિસીયા દુકાનમાં કામ કરવા લાગ્યા.

પતિ-પત્ની, નુટ અને લીસબેથ ત્રીસેક વર્ષનાં છે. જ્યાં પ્રકાશકોની વધારે જરૂર છે ત્યાં સેવા આપતાં ભાઈ-બહેનો વિશે યરબુકમાં આવતા અહેવાલો વાંચીને તેઓ ઘણા પ્રેરાયા. લીસબેથ કહે છે: “પણ એમ કરવા હું અચકાતી હતી, કેમ કે મને થતું કે મારા જેવી સામાન્ય વ્યક્તિ એ ન કરી શકે.” તોપણ તેઓએ પોતાનો ધ્યેય પૂરો કરવા પગલાં લીધાં. નુટભાઈ કહે છે: “અમે અમારો ફ્લૅટ વેચી દીધો અને બચત થાય એ માટે મારા મમ્મીના ઘરે રહેવા ગયા. બીજા દેશમાં પ્રચાર કરવો કેવું હશે, એનો અનુભવ કરવા અમે એક વર્ષ માટે બૅર્ગનમાં આવેલા અંગ્રેજી મંડળમાં ગયા. ત્યાં અમે લીસબેથના મમ્મી સાથે રહ્યા.” જલદી જ, નુટભાઈ અને લીસબેથ મોટો નિર્ણય લેવા તૈયાર થયા અને યુગાન્ડા ગયા. તેઓ વર્ષમાં બે મહિના માટે નૉર્વે કામ કરવા આવતા. આમ તેઓને જરૂરિયાત પૂરતા પૈસા મળી રહેતા, જેથી બાકીનું વર્ષ યુગાન્ડામાં પૂરો સમય પ્રચાર કરવામાં ગાળી શકે.

“અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે”

“અમે બધા એકબીજાની નજીક આવ્યા છીએ.”—રોઆલ્ડ

ખુશીથી સેવા આપતાં આ ભાઈ-બહેનોને સંજોગોએ કેવો સાથ આપ્યો? રોઆલ્ડ જણાવે છે કે “કુટુંબ તરીકે અમે વધારે સમય સાથે પસાર કરી શક્યા, જે બૅર્ગનમાં નહોતા કરી શકતા. અમે બધા એકબીજાની નજીક આવ્યા છીએ. યહોવાની સેવામાં બાળકોને આગળ વધતા જોવા એ અમારી માટે આશીર્વાદ છે. તેમ જ, અમને ધન-દોલતની ચિંતા નથી. પહેલાં અમને લાગતું હતું કે એ મહત્ત્વનાં છે, પણ હકીકત એમ ન હતી.”

એલ્સાબેથને બીજી ભાષા શીખવાની જરૂર લાગી. કારણ કે લેકસેલ્વ મંડળના વિસ્તારમાં કેરેસ્જોક ગામ આવેલું છે. એમાં નૉર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને રશિયામાંથી આવેલા લોકો રહે છે. એ લોકોને સહેલાઈથી સંદેશો આપી શકે એ માટે એલ્સાબેથ સામી ભાષા શીખ્યાં. હવે તે એ ભાષામાં સામાન્ય વાતચીત કરી શકે છે. શું તેમને નવા વિસ્તારમાં મજા આવે છે? ખુશીથી તે કહે છે: “હું છ બાઇબલ અભ્યાસ ચલાવું છું. અહીં સેવા આપીને હું ઘણી ખુશ છું!”

ફેબિયન હવે પાયોનિયર અને સેવકાઈ ચાકર તરીકે સેવા આપે છે. તે જણાવે છે કે તેણે અને ઇઝેબેલે મળીને નવા મંડળનાં ત્રણ યુવાન ભાઈ-બહેનોને મદદ કરી. તેઓને મંડળની પ્રવૃત્તિઓમાં વધારે ભાગ લેવા ઉત્તેજનની જરૂર હતી. હવે એ ત્રણેય યુવાનો પ્રચારમાં સારો ભાગ લે છે. એમાંના બે યુવાનોએ બાપ્તિસ્મા લીધું અને માર્ચ ૨૦૧૨માં સહાયક પાયોનિયરીંગ કર્યું. એક યુવાન બહેન જે સત્યમાં ઠંડા પડી રહ્યાં હતાં, તેમણે ફેબિયન અને ઇઝેબેલની મદદનો આભાર માન્યો. તેઓએ તેને સત્યમાં ફરીથી મક્કમ થવા મદદ કરી હતી. ફેબિયન કહે છે: “જ્યારે તેણે અમારો આભાર માન્યો, ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. કોઈને મદદ કરવાથી બહુ આનંદ મળે છે!” ઇઝેબેલ જણાવે છે: “યહોવાએ સોંપેલા આ કામમાં મેં સાચે જ ‘અનુભવ કર્યો અને જોયું કે યહોવા ઉત્તમ છે.’” (ગીત. ૩૪:૮) તે આગળ જણાવે છે કે “અહીંયા કામ કરવામાં ખૂબ જ મજા આવે છે!”

મેરિલીયસ અને કિસીયા સાદું જીવન જીવે છે, પણ તેઓ ઘણા સુખી છે. તેઓ આલ્ટાના મંડળમાં જોડાયાં, જ્યાં હવે ૪૧ પ્રકાશકો છે. મેરિલીયસ જણાવે છે કે “પાછલાં વર્ષો પર નજર કરું છું ત્યારે, એ જોઈને ઉત્તેજન મળે છે કે અમારું જીવન કેટલું બદલાયું છે. અમે અહીંયા પાયોનિયર તરીકે સેવા આપી શકીએ છીએ, એ માટે યહોવાનો આભાર માનીએ છીએ. આનાથી મોટી ખુશીની વાત બીજી શું હોઈ શકે!” એમાં કિસીયા ઉમેરતા કહે છે: “હું યહોવામાં પૂરેપૂરો ભરોસો મૂકતા શીખી છું. તેમણે અમારી સારી સંભાળ લીધી છે. મેં એ પણ જોયું કે સગાં-વહાલાંથી દૂર જઈને, તેઓ સાથે પસાર કરેલા સમયને હું વધારે કીમતી ગણી શકી. અમે લીધેલા નિર્ણયનો મને કદી અફસોસ થયો નથી.”

(ડાબે) નુટ અને લીસબેથ યુગાન્ડામાં એક કુટુંબ સાથે અભ્યાસ કરી રહ્યા છે

નુટ અને લીસબેથ યુગાન્ડામાં કેવું કરી રહ્યા છે? નુટ જણાવે છે: “નવાં વાતાવરણ અને સમાજમાં ટેવાતા અમને જરા વાર લાગી. જોકે પાણી, વીજળી અને પેટની તકલીફો તો રહ્યા કરે છે. પણ અમે ધારીએ એટલા બાઇબલ અભ્યાસો ચલાવી શકીએ છીએ.” લીસબેથ કહે છે: “અમે રહીએ છીએ ત્યાંથી અડધો કલાક જ દૂર એવા વિસ્તારો છે, જ્યાં કદીયે પ્રચાર થયો નથી. જ્યારે પણ અમે ત્યાં જઈએ, ત્યારે લોકોને બાઇબલ વાંચતા જોઈએ છીએ અને તેઓ અમને શીખવવાનું કહે છે. આવા નમ્ર લોકોને બાઇબલમાંથી શીખવીએ છીએ ત્યારે, અપાર આનંદ થાય છે!”

આપણા આગેવાન ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી એ જોઈને કેટલા ખુશ થતાં હશે કે તેમણે જે પ્રચારકાર્ય શરૂ કર્યું હતું, એ પૃથ્વીના ઘણા દેશોમાં આગળ વધી રહ્યું છે. ઈસુએ આજ્ઞા આપી હતી કે “સર્વ દેશનાઓને શિષ્ય કરો.” એ પાળવા માટે યહોવાના બધા જ ભક્તો તેમની સેવામાં ખુશીથી અર્પણ થાય છે. સાચે જ, એમ કરવામાં તેઓને ખૂબ આનંદ મળે છે!—માથ. ૨૮:૧૯, ૨૦.