સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુણ ૨

નમ્ર બનવા શું કરવું જોઈએ?

નમ્ર બનવા શું કરવું જોઈએ?

નમ્ર બનવાનો શો અર્થ થાય?

નમ્ર વ્યક્તિ બીજાઓ સાથે માનથી વર્તે છે. તે ઘમંડથી ફુલાઈ જતી નથી. તે ક્યારેય એવું નહિ ચાહે કે બીજાઓ તેને ખાસ ગણે. નમ્ર વ્યક્તિ બીજાઓની વાત ધ્યાનથી સાંભળે છે અને તેઓ પાસેથી શીખવા તૈયાર રહે છે.

અમુક લોકોને લાગે છે કે જે વ્યક્તિ નમ્રતા બતાવે, એ તો ડરપોક કહેવાય. પણ ખરેખર એવું હોતું નથી. નમ્ર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે છે અને નબળાઈઓ સમજે છે. એ તો હિંમતવાન વ્યક્તિ કહેવાય!

શા માટે જરૂરી છે?

  • નમ્રતા બતાવવાથી સંબંધોમાં મીઠાશ આવે છે. ધ નાર્સિસિઝમ એપિડેમિક નામનું પુસ્તક કહે છે: ‘નમ્ર લોકો સહેલાઈથી બીજાઓ સાથે મિત્રતા બાંધી શકે છે. તેઓ બીજાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકે છે અને હળીમળીને રહે છે.’

  • નમ્રતા બતાવવાથી ભાવિમાં ફાયદો થશે. જો બાળક નમ્રતા બતાવવાનું શીખશે, તો હમણાં ચોક્કસ ફાયદો થશે. એટલું જ નહિ, મોટા થયા પછી પણ તેને નોકરી શોધવામાં તકલીફ નહિ પડે. ડૉક્ટર લિઓનાર્ડ સાક્સે લખ્યું હતું: ‘એક યુવાન વ્યક્તિ ઘમંડી હશે તો નોકરીના ઇન્ટરવ્યૂમાં પોતાના વિશે જ બડાઈઓ હાંકશે અને પોતાની નબળાઈઓ પર ધ્યાન આપશે નહિ. આમ, તે સારી છાપ બેસાડી શકશે નહિ. પણ જે યુવાન ઇન્ટરવ્યૂ લેનારની વાત પર ધ્યાન આપશે અને એ પ્રમાણે કરવા તૈયાર હશે, તે જ નોકરી મેળવી શકશે.’ *

કઈ રીતે શીખવી શકાય?

બાળકોને શીખવો કે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન સમજે.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં, પોતાને કંઈ સમજે છે, તો તે પોતાને છેતરે છે.”—ગલાતીઓ ૬:૩.

  • બાળકોને ખોટાં સપના દેખાડશો નહિ. માબાપને લાગે કે આવાં વાક્ય બોલવાથી બાળકને પ્રેરણા મળશે: “તારા બધા સપના સાચા પડશે;” “તું ચાહે એ કરી શકે છે.” પણ હકીકત કંઈક જુદી જ હોય છે. જો બાળકો એવા ધ્યેયો રાખશે જે પૂરા કરી શકે અને એ માટે મહેનત કરશે, તો તેઓ જરૂર સફળ થશે.

  • બાળકે કંઈક સારું કર્યું હોય તો વખાણ કરો. ફક્ત “સારું” કે “સરસ” કહેવું જ પૂરતું નથી. પણ બાળકને જણાવો કે તેના કયા કામ કે વર્તનને લીધે તમે વખાણ કરો છો.

  • સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે ધ્યાન રાખો. બડાઈ હાંકવા અને વાહવાહ મેળવવા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. લોકો પોતાની આવડતો અને પોતે જે મેળવ્યું હોય એનો દેખાડો કરે છે. એનાથી બાળક નમ્રતાનો ગુણ શીખી શકશે નહિ.

  • માફી માંગવાનું શીખવો. બાળક ભૂલ કરે ત્યારે એ તરફ તેનું ધ્યાન દોરો. તેને પોતાની ભૂલ સ્વીકારવાનું શીખવો.

કદર કરવાનું શીખવો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે આભારી છો, એમ બતાવી આપો.”—કોલોસીઓ ૩:૧૫.

  • સૃષ્ટિ માટે કદર. બાળકોને સૃષ્ટિની કદર કરવાનું શીખવો. એમાંની ઘણી વસ્તુઓ આપણા જીવન માટે જરૂરી છે. આપણને હવા, પાણી અને ખોરાકની જરૂર છે, એ વિશે બાળકોને શીખવો. તેઓને જણાવો કે ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ કેટલી સુંદર છે! આમ, તેઓ સૃષ્ટિ અને એના સર્જનહારની કદર કરવાનું શીખશે.

  • લોકો માટે કદર. બાળકોને યાદ અપાવો કે બીજાઓ તેઓ કરતાં કોઈકને કોઈક રીતે તો ચઢિયાતા છે જ. તેઓને શીખવો કે બીજાઓની આવડત કે ટેલેન્ટ જોઈને ઈર્ષા ન કરે પણ તેઓ પાસેથી શીખે.

  • શબ્દોથી બતાવો કદર. બાળકોને “થેંક્યુ” કહેવાનું શીખવો. તેઓને શીખવો કે ફક્ત કહેવા ખાતર નહિ, પણ દિલથી કદર કરે. બીજાઓની કદર કરવાનું શીખીશું તો નમ્ર રહેવા મદદ મળશે.

બીજાઓને મદદ કરવાનું બાળકોને શીખવો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો. તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.”—ફિલિપીઓ ૨:૩, ૪.

  • બાળકોને શીખવો ઘરનાં કામકાજ. જો તમે બાળકોને ઘરનાં કામકાજ નહિ શીખવો, તો તેઓને લાગશે કે પોતે ખાસ છે. તેઓને જણાવો કે પહેલા ઘરના કામમાં મદદ કરે અને પછી રમે. તેઓને સમજાવો કે ઘરના કામ કરવાથી બધાને ફાયદો થાય છે. એ પણ જણાવો કે, તે કામ કરશે તો બીજાઓ તેને શાબાશી આપશે અને તેની કદર કરશે.

  • બીજાઓને મદદ કરવાથી પોતાને ફાયદો થાય છે. બીજાઓને મદદ કરશે તો બાળક સમજુ બનશે. કોને મદદની જરૂર છે એ પારખવાનું બાળકોને શીખવો. બાળક કઈ રીતે તેઓને મદદ કરી શકે એ સમજાવો. બાળક બીજાઓને મદદ કરે ત્યારે, તેની પીઠ થાબડો અને સાથ આપો.

^ ફકરો. 8 ધ કોલેપ્સ ઓફ પેરેન્ટિંગ પુસ્તકમાંથી.