સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુણ ૩

કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકાય?

કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકાય?

હિંમત રાખવાનો શો અર્થ થાય?

જે વ્યક્તિમાં હિંમત હશે, તે મુશ્કેલીઓ અને નિરાશાઓને પાર કરીને બહાર આવશે. અનુભવથી એ શીખી શકાય છે. બાળક પડે નહિ તો ચાલવાનું શીખી નહિ શકે. એવી જ રીતે, નિષ્ફળતાની ખાઈ પાર કરીને સફળતાના શિખર સુધી પહોંચી શકાય છે.

શા માટે જરૂરી છે?

નિષ્ફળ થવાય, મુશ્કેલ સંજોગો આવે કે બીજાઓ ટોકે ત્યારે, અમુક બાળકો હતાશ થઈ જાય છે. તેઓ નિરાશામાં ડૂબી જાય છે. બીજા કેટલાક તો હિંમત હારી જાય છે. તેઓએ આ હકીકતોનો વિચાર કરવો જોઈએ:

જીવનના માર્ગમાં આવતા ખાડા-ટેકરા પાર કરવા બાળકમાં હિંમત હોવી ખૂબ જરૂરી છે.

કઈ રીતે શીખવી શકાય?

હારનો સામનો કરવો પડે ત્યારે.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘નેક માણસ સાત વાર પડી પડીને પણ પાછો ઊઠે છે.’—નીતિવચનો ૨૪:૧૬.

મુશ્કેલી મોટી છે કે નહિ એ પારખવાનું બાળકોને શીખવો. દાખલા તરીકે, સ્કૂલની ટેસ્ટમાં ફેઇલ થાય ત્યારે, તે કદાચ હિંમત હારી જાય. તે કદાચ કહે, ‘મારાથી કંઈ બરાબર થતું નથી!’

તમારા બાળકની હિંમત વધારો. બાળક બીજી વાર કઈ રીતે સુધારો કરી શકે એ માટે તેને મદદ કરો. આમ, તે મુશ્કેલીઓનો શિકાર નહિ બને, પણ પોતે મુશ્કેલીને પાર પાડવાનો રસ્તો શોધશે.

બાળકને મુશ્કેલીનો ઉકેલ શોધી આપશો નહિ. એને બદલે, તેને જાતે રસ્તો શોધવા દો. તમે કદાચ તેને પૂછી શકો, ‘સ્કૂલનો વિષય સારી રીતે સમજવા તું શું કરી શકે?’

દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે જાણતા નથી કે કાલે તમારા જીવનમાં શું થશે.”—યાકૂબ ૪:૧૪.

જીવનનો કોઈ ભરોસો નથી, પૈસા તો આજે છે ને કાલે નથી; બીમારી દરવાજો ખખડાવીને આવતી નથી. બાઇબલ કહે છે, ‘ઝડપથી દોડનાર હંમેશાં જીતતો નથી અને યુદ્ધમાં બળવાન સદા જીતતો નથી. સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે.—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.

બાળકને જોખમથી બચાવવા માબાપ તરીકે તમે બનતું બધું કરો છો. પણ હકીકત એ છે કે, જીવનની દરેક મુશ્કેલીઓ સામે તમે બાળક માટે ઢાલ બની શકતા નથી.

તમારા બાળકે નોકરી ગુમાવવાનો કે પછી પૈસાનું મોટું નુકસાન ભોગવવાનો અનુભવ કરવો પડતો નથી. પણ તેણે બીજી મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે છે. જેમ કે, દોસ્તી તૂટી જવી કે કુટુંબના સભ્યનું મરણ થવું. એવાં દુઃખોનો સામનો કરવા તમે તેને મદદ કરી શકો. *

સુધારો કરવાનું કહેવામાં આવે ત્યારે.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘સલાહ માન, જેથી તું તારા આયુષ્યના પાછલા ભાગમાં જ્ઞાની થાય.’—નીતિવચનો ૧૯:૨૦.

કોઈ વ્યક્તિ બાળકને અમુક સુધારો કરવાનું કહે, તો એનો અર્થ એ નથી કે તે બાળકને ડરાવવા કે દુઃખી કરવા માંગે છે. પણ તે તો બાળકને મદદ કરવા ચાહે છે.

બાળકને શીખવો કે સુધારો કરવાની સલાહ આપવામાં આવે ત્યારે એ સ્વીકારવી જોઈએ. એમ કરવાથી બાળકને અને તમને ફાયદો થશે. જોનભાઈ એક પિતા છે. તે જણાવે છે, ‘બાળકો ભૂલો કરે ત્યારે માબાપ દર વખતે બચાવવાનો પ્રયત્ન કરશે, તો તેઓ બોધપાઠ શીખશે નહિ. તેઓ પર એક પછી એક મુશ્કેલી આવતી જશે અને તમારે એ મુશ્કેલીઓનો હલ લાવતા જવું પડશે. એનાથી તો બાળક અને માબાપ, બંનેનું જીવન અઘરું થઈ જશે.’

બાળકને સુધારો કરવાનું કહેવામાં આવે ત્યારે તેણે કઈ રીતે વર્તવું જોઈએ? બાળકને સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએથી સલાહ મળે તો ક્યારેય એવું ન કહેશો, ‘તારે કોઈ સુધારો કરવાની જરૂર નથી.’ એને બદલે તમે તેને પૂછી શકો:

  • ‘તને શા માટે સુધારો કરવાનું કહેવામાં આવ્યું?’

  • ‘તું કઈ રીતે સુધારો કરી શકે?’

  • ‘ફરી આવું થાય ત્યારે તું શું કરીશ?’

ભૂલશો નહિ કે, બાળકને આપવામાં આવેલી સલાહથી તેને હમણાં તો ફાયદો થાય છે. એટલું જ નહિ, મોટા થયા પછી પણ ફાયદો થશે.

^ ફકરો. 21 જુલાઈ ૧, ૨૦૦૮ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “હેલ્પ યોર ચાઇલ્ડ કોપ વિથ ગ્રીફ.”