સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ચિંતા

ચિંતા

ચિંતાનાં બે પાસાં છે. એક ઉપયોગી છે, જ્યારે કે બીજું નુકસાનકારક છે. એ બંને પાસાંને પારખવાં પવિત્ર શાસ્ત્ર આપણને મદદ કરે છે.

શું ચિંતા થવી સામાન્ય છે?

હકીકત શું છે?

ચિંતા એટલે કોઈ બાબતને લઈને બેચેની, મૂંઝવણ કે ગભરાટની લાગણી થવી. આપણે એવા જગતમાં જીવીએ છીએ જ્યાં અણધાર્યા સંજોગો આવી શકે અને આપણામાંથી કોઈ પણ ચિંતામાં ડૂબી જઈ શકે.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

રાજા દાઊદે લખ્યું: ‘આખો દિવસ મારા હૃદયમાં ચિંતાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ?’ (ગીતશાસ્ત્ર ૧૩:૨, NW) ચિંતાનો સામનો કરવા દાઊદને શામાંથી મદદ મળી? તેમણે પ્રાર્થનામાં ઈશ્વર યહોવા આગળ દિલ ઠાલવ્યું અને તેમના અપાર પ્રેમ પર પૂરો ભરોસો રાખ્યો. (ગીતશાસ્ત્ર ૧૩:૫; ૬૨:૮) અરે, ઈશ્વર તો ચાહે છે કે આપણે ચિંતાનો બોજો તેમના પર નાંખીએ. પહેલો પીતર ૫:૭ જણાવે છે: “તમારી સર્વ ચિંતા તેના [ઈશ્વર] પર નાંખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”

પ્રિયજનો માટે કંઈક કરવાથી તેઓ માટેની આપણી ચિંતા ઓછી થઈ શકે છે

અમુક વ્યવહારુ પગલાં ભરવાથી ચિંતાનો ઉકેલ લાવી શકાય છે. બાઇબલના એક લેખક પ્રેરિત પાઊલનો વિચાર કરો. તેમને ‘બધાં મંડળો વિશે ચિંતા’ થતી હતી. (૨ કોરીંથી ૧૧:૨૮) ત્યારે તેમણે એ લોકોને દિલાસો અને ઉત્તેજન આપવા સખત મહેનત કરી, જેઓની તે ચિંતા કરતા હતા. એ કિસ્સામાં પાઊલની ચિંતાનું એ ઉપયોગી પાસું હતું. કેમ કે, એના લીધે તે બીજાઓને જરૂરી મદદ આપી શક્યા. આપણા કિસ્સામાં પણ એવું બની શકે. પરંતુ, જો બીજાઓની પરવા નહિ કરીએ, તો એમ દેખાઈ આવશે કે આપણને તેઓ માટે પ્રેમ નથી.—નીતિવચનો ૧૭:૧૭.

“તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો.”ફિલિપી ૨:૪.

વધુ પડતી ચિંતાનો સામનો કરવા તમે શું કરી શકો?

હકીકત શું છે?

અગાઉ કરેલી કોઈ ભૂલ વિશે, કે પછી પોતાના ભાવિ વિશે અથવા પૈસેટકે લોકોને ચિંતા થઈ શકે છે. *

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

અગાઉ કરેલી કોઈ ભૂલને લીધે થતી ચિંતા: પહેલી સદીમાં અમુક લોકો ખ્રિસ્તી બન્યા એ પહેલાં ખરાબ કામ કરનારા હતા. જેમ કે, તેઓમાંના અમુક દારૂડિયાઓ, જુલમથી પૈસા પડાવનારા, વ્યભિચારીઓ અને ચોરી કરનારાઓ હતા. (૧ કોરીંથી ૬:૯-૧૧) અગાઉનાં ખોટાં કામો વિશે વિચાર્યા કરવાને બદલે તેઓ એ કામોને ત્યજીને સારા માર્ગે ચાલવા લાગ્યા. તેમ જ, તેઓએ અપાર કૃપા બતાવનાર ઈશ્વરમાં ભરોસો રાખ્યો. ગીતશાસ્ત્ર ૧૩૦:૪ કહે છે, “તારી [ઈશ્વરની] પાસે માફી છે, જેથી તારો ભય રહે.”

પોતાના ભાવિ વિશે ચિંતા: ઈસુ ખ્રિસ્તે કહ્યું, “આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.” (માથ્થી ૬:૨૫, ૩૪) તે શું કહેવા માંગતા હતા? તે એવું કહેવા માંગતા હતા કે આપણે ફક્ત આજની સમસ્યાઓ વિશે વિચાર કરવો જોઈએ. ભાવિની ચિંતા કર્યા કરીને આપણે આજની સમસ્યાઓમાં ઉમેરો ન કરવો જોઈએ. કેમ કે, એમ કરવાથી આપણે મૂંઝવણમાં આવીને ખોટા નિર્ણયો લઈ શકીએ. આપણે યાદ રાખીએ કે ભાવિની જે સમસ્યાને લઈને આપણે ચિંતામાં છીએ કદાચ એ સમસ્યા ન પણ આવે.

પૈસેટકે ચિંતા: એક ઈશ્વરભક્તે આમ પ્રાર્થના કરી, “મને દરિદ્રતા ન આપ, તેમ જ દ્રવ્ય પણ ન આપ.” (નીતિવચનો ૩૦:૮) તેમણે સંતોષી વલણ રાખ્યું, જે ઈશ્વરને ગમે છે. હિબ્રૂ ૧૩:૫ જણાવે છે, “તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે તેણે [ઈશ્વરે] કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ.” પૈસો આપણને દગો આપી શકે છે. પરંતુ, ઈશ્વર ક્યારેય દગો આપશે નહિ. આપણે ઈશ્વરમાં ભરોસો રાખીશું અને સાદું જીવન જીવીશું તો ક્યારેય નિરાશ થઈશું નહિ.

“ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.”ગીતશાસ્ત્ર ૩૭:૨૫.

શું કદી ચિંતાઓ દૂર થશે?

લોકો શું કહે છે?

સાલ ૨૦૦૮માં ધ ગાર્ડિયન નામના ન્યૂઝ પેપરના પત્રકાર હેરાઈત ગ્રીને એક લેખમાં જણાવ્યું, ‘લોકોને અત્યારે જેટલી ચિંતા થાય છે એટલી પહેલાં કદી થતી ન હતી.’ સાલ ૨૦૧૪માં ધ વૉલ સ્ટ્રીટ જર્નલમાં પેટ્રિક ઓ કોનોરે લખ્યું, ‘અમેરિકાના લોકોમાં સૌથી વધુ ચિંતા જોવા મળે છે.’

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” (નીતિવચનો ૧૨:૨૫) એ “માયાળુ શબ્દો” ખાસ કરીને ઈશ્વરના રાજ્યની ખુશખબરમાં જોવા મળે છે. (માથ્થી ૨૪:૧૪) એ રાજ્ય તો ઈશ્વરની સરકાર છે. આપણે પોતાની મેળે જે કદી કરી શકતા નથી, એ બધું ઈશ્વરની સરકાર કરશે. એ સરકાર બધી ચિંતાને જડમૂળથી કાઢી નાંખશે, જેમાં બીમારી અને મરણનો પણ સમાવેશ થાય છે! ‘ઈશ્વર આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી. તેમ જ, શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’—પ્રકટીકરણ ૨૧:૪. (g૧૬-E No. ૨)

“હવે ઈશ્વર, કે જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો.”રોમનો ૧૫:૧૩.

^ ફકરો. 10 ખૂબ જ વધારે પડતી ચિંતાથી પીડાતા લોકો કોઈ ડૉક્ટરની સલાહ લે એ સારું રહેશે. સજાગ બનો! કોઈ ખાસ પ્રકારના ઇલાજ કે સારવારની ભલામણ કરતું નથી.