સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇન્ટરવ્યૂ | યાન-દેર હશૂ

ગર્ભના વિકાસ પર અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

ગર્ભના વિકાસ પર અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

પ્રોફેસર યાન-દેર હશૂ, તાઇવાનની નેશનલ પીંગટુંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજીમાં કામ કરે છે. ત્યાં, ગર્ભ પર સંશોધન કરતા એક વિભાગના તે ડિરેક્ટર છે. એક સમયે તે ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા, પણ સંશોધન કરનાર વૈજ્ઞાનિક બન્યા પછી તે હવે સર્જનહારમાં માને છે. એ બદલાણ પાછળનાં કારણો તે સજાગ બનો!ને જણાવે છે.

અમને તમારા વિશે થોડુંક જણાવશો?

મારો જન્મ ૧૯૬૬માં થયો. મારો ઉછેર તાઇવાનમાં થયો છે. મારાં માબાપ બૌદ્ધ અને તાઓ ધર્મ પાળતાં હતાં. અમે પૂર્વજોની અને મૂર્તિઓની પૂજા કરતા હતાં, પણ એવું માનતાં ન હતાં કે આ સૃષ્ટિ ઈશ્વરે રચી છે.

તમે જીવવિજ્ઞાન ભણવાનું શા માટે પસંદ કર્યું?

હું નાનો હતો ત્યારે મને પાળેલાં પ્રાણીઓની સંભાળ રાખવાનું ગમતું. મારે જાણવું હતું કે પ્રાણીઓની તેમજ લોકોની પીડા કઈ રીતે દૂર કરી શકાય. અમુક સમય માટે મેં પ્રાણીઓના રોગોની સારવારનો અભ્યાસ કર્યો. પણ પછીથી મેં ગર્ભની રચના અને એના વિકાસનો અભ્યાસ શરૂ કર્યો, જેથી મને જાણવા મળે કે જીવનની શરૂઆત કઈ રીતે થઈ.

તમે એક સમયે ઉત્ક્રાંતિમાં માનતા હતા. અમને જણાવશો શા માટે?

યુનિવર્સિટીના પ્રોફેસરો ઉત્ક્રાંતિ વિશે શીખવતા. તેઓ એવો દાવો કરતા કે ઉત્ક્રાંતિને ટેકો આપતા પુરાવાઓ છે. મેં તેઓ પર ભરોસો કરી લીધો હતો.

તમે શા માટે બાઇબલ વાંચવા લાગ્યા?

મારા બે હેતુ હતા. એક, મેં વિચાર્યું કે લોકો જાત જાતના દેવોને પૂજે છે, જેમાંથી કોઈ એક સૌથી મોટો હોવો જોઈએ. એ કોણ છે એ જાણવા મેં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. બીજું કે, બાઇબલ ઘણું માનયોગ્ય પુસ્તક ગણાય છે. એટલે મેં એમાંથી શીખવાનું શરૂ કર્યું.

સાલ ૧૯૯૨માં લેઉએનની કેથલિક યુનિવર્સિટીમાં ભણવા હું બેલ્જિયમ ગયો. એ સમયે, એક કેથલિક ચર્ચમાં જઈને મેં એક પાદરીને વિનંતી કરી કે મને બાઇબલમાંથી શીખવે. પણ તેમણે મને ચોખ્ખી ના પાડી દીધી.

તો પછી, ઈશ્વર વિશે જાણવાની તમારી તરસ કઈ રીતે છિપાઈ?

બે વર્ષ પછી હું રૂથ નામનાં એક બહેનને મળ્યો, જે પોલૅન્ડથી હતાં અને યહોવાના સાક્ષી હતાં. હું એ સમયે બેલ્જિયમમાં વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યો હતો. બહેન રૂથે ચીની ભાષા શીખી હતી, ખાસ એવા વિદ્યાર્થીઓને મદદ કરવા, જેઓ ઈશ્વર વિશે જાણવા માંગે છે. મેં પ્રાર્થના કરી હતી કે કોઈ મને પણ ઈશ્વર વિશે જાણવામાં મદદ કરે. તેથી, એ બહેનને મળીને હું ખૂબ ખુશ થઈ ગયો.

રૂથે મને એ સમજાવ્યું કે બાઇબલ ભલે વિજ્ઞાન વિશેનું પુસ્તક નથી, પણ એ વિજ્ઞાનની સુમેળમાં છે. દાખલા તરીકે, બાઇબલના એક લેખકે ઈશ્વરને કરેલી પ્રાર્થનામાં આવા શબ્દો ટાંક્યા છે, “મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થએલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) ખરું કે, દાઊદે કવિતાના રૂપમાં એ શબ્દો લખ્યા, પણ તેમણે હકીકત જણાવી છે. આપણાં શરીરનાં અંગો બનવાની શરૂઆત થાય એ પહેલાંથી એમના વિકાસ અંગેની માહિતી કોષોમાં હોય છે. એ હકીકતને બાઇબલ જેટલી ચોકસાઈથી જણાવે છે, એ જોઈને મને ખાતરી થઈ ગઈ કે એ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે. હું સમજી ગયો કે યહોવા જ એકમાત્ર સાચા ઈશ્વર છે! 1

જીવનની રચના ઈશ્વરે કરી છે એવી ખાતરી તમને શાને લીધે થઈ?

વિજ્ઞાનની કોઈ પણ શોધનો ધ્યેય સત્ય જાણવાનો હોય છે, અગાઉથી માની લીધેલા વિચારોને ટેકો આપવાનો નહિ! ગર્ભના વિકાસ પર અભ્યાસ કરવાથી મને મારી અગાઉની માન્યતાને બદલવામાં મદદ મળી. હું સમજી શક્યો કે આ જીવન કોઈકે સર્જેલું છે. દાખલા તરીકે, કોઈ મશીન બનાવવા એન્જિનિયરો એસેમ્બલી લાઇન તૈયાર કરે છે, જેથી મશીનના જુદા જુદા ભાગો બરાબર જગ્યાએ અને યોગ્ય ક્રમમાં ગોઠવાય. ગર્ભનો વિકાસ પણ કંઈક એવી રીતે જ થાય છે. જોકે, એ ઘણી જ જટિલ પ્રક્રિયા છે.

એક જ ફલિત કોષથી આખું શરીર બનવાનું શરૂ થાય છે, ખરું ને?

હા. એક સુક્ષ્મ કોશિકામાંથી બે કોશિકાઓ બને છે, ને બેમાંથી ચાર. એ પ્રક્રિયાને કોશિકા વિભાજન પ્રક્રિયા કહેવાય છે. અમુક સમય માટે, દર ૧૨થી ૨૪ કલાકમાં કોશિકાની સંખ્યા બમણી થાય છે. આ પ્રક્રિયાની શરૂઆતમાં જે કોશિકાઓ બને છે એને આદિકોષો (Stem cells) કહેવાય છે. 2 આ આદિકોષોમાંથી આશરે ૨૦૦ પ્રકારની બીજી કોશિકાઓ બની શકે છે, જે શિશુનું વિકસિત શરીર બનવા માટે જરૂરી છે. જેમ કે, મગજની કોશિકાઓ, રક્તકણો, હાડકાંની કોશિકાઓ, વગેરે.

ગર્ભના વિકાસ પર અભ્યાસ કરવાથી મને ખાતરી થઈ કે જીવનનો કોઈ રચનાર છે

એ ખૂબ જરૂરી છે કે આ કોશિકાઓ બરાબર જગ્યાએ અને બરાબર ક્રમમાં ગોઠવાય. તેઓ બરાબર ગોઠવાઈને પેશીઓ બને છે, જે પછીથી શરીરના જુદાં જુદાં અંગો અને અવયવોનું રૂપ લે છે. કોઈ એન્જિનિયર આટલી જટિલ પ્રક્રિયાની માહિતી લખવાનો વિચાર સપનામાં પણ ન કરી શકે! જોવા જેવું છે કે, ગર્ભ વિકાસ માટેની માહિતી ડી.એન.એ.માં અદ્ભુત રીતે જાણે લખેલી હોય છે. એ બધું ખરેખર બહુ અજોડ છે! એના વિચારમાત્રથી મને ખાતરી થાય છે કે જીવનની રચના ઈશ્વરે કરી છે.

તમે શા માટે યહોવાના સાક્ષી બન્યા?

એક જ શબ્દમાં કહું તો, પ્રેમના કારણે! ઈસુ ખ્રિસ્તે કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) આ પ્રેમ કોઈ પક્ષપાત કરતો નથી. કોઈ દેશ, સમાજ કે રંગ જોઈને વ્યક્તિ પ્રત્યે ભેદભાવ કરતો નથી. યહોવાના સાક્ષીઓની સંગતમાં આવ્યો ત્યારે, મેં એવો પ્રેમ જોયો અને અનુભવ્યો છે. (g૧૬-E No. ૨)

^ ૨. યહોવાના સાક્ષી બન્યા પછી, બાઇબલ આધારિત અંતઃકરણથી પ્રેરાઈને પ્રોફેસર યાન-દેર હશૂ હવે, માનવીય ગર્ભના સ્ટૅમ સેલ્સના ક્ષેત્રમાં કામ કરતા નથી.