સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યશાયા ૬૦:૧માં જે “સ્ત્રી” વિશે જણાવ્યું છે એ કઈ રીતે ‘ઊભી થાય’ છે અને ‘પ્રકાશ ફેલાવે’ છે?

યશાયા ૬૦:૧માં જણાવ્યું છે: “હે સ્ત્રી, તારા પર રોશની ઝગમગી ઊઠી છે. ઊભી થા અને પ્રકાશ ફેલાવ! યહોવાના ગૌરવનું તેજ તારા પર ઝળહળે છે.” આ કલમની ફૂટનોટથી જોવા મળે છે કે “સ્ત્રી” સિયોન કે યરૂશાલેમને બતાવે છે, જે એ સમયે યહૂદાનું પાટનગર હતું. a (યશા. ૬૦:૧૪; ૬૨:૧, ૨) યરૂશાલેમ આખા ઇઝરાયેલ રાષ્ટ્રને રજૂ કરે છે. યશાયાના શબ્દોથી બે સવાલો ઊભા થાય છે: પહેલો, યરૂશાલેમ ક્યારે અને કઈ રીતે ‘ઊભું થયું’ અને પ્રકાશ ફેલાવ્યો? બીજો, શું યશાયાના શબ્દો મોટા પાયે પૂરા થઈ રહ્યા છે?

યરૂશાલેમ ક્યારે અને કઈ રીતે ‘ઊભું થયું’ અને પ્રકાશ ફેલાવ્યો? ઇઝરાયેલીઓ ૭૦ વર્ષ સુધી બાબેલોનની ગુલામીમાં હતા. એ સમય દરમિયાન, યરૂશાલેમ અને એનું મંદિર ખંડેર પડી રહ્યાં. પછી માદાય અને ઈરાને બાબેલોનને જીતી લીધું. હવે બાબેલોનના આખા સામ્રાજ્યમાં રહેતા ઇઝરાયેલીઓ પોતાના વતન પાછા જઈ શકતા હતા અને સાચી ભક્તિ ફરી શરૂ કરી શકતા હતા. (એઝ. ૧:૧-૪) ઈસવીસન પૂર્વે ૫૩૭ની શરૂઆતમાં ૧૨ કુળોના બાકી રહેલા વફાદાર લોકોએ પાછા યરૂશાલેમ જવાનું શરૂ કર્યું. (યશા. ૬૦:૪) ત્યાં પહોંચીને તેઓએ યહોવાને બલિદાનો ચઢાવવાનું, તહેવારો ઊજવવાનું અને મંદિર ફરી બાંધવાનું શરૂ કર્યું. (એઝ. ૩:૧-૪, ૭-૧૧; ૬:૧૬-૨૨) ફરી એકવાર યહોવાના ગૌરવનું તેજ યરૂશાલેમ પર, એટલે કે તેમના લોકો પર ઝળહળી ઊઠ્યું. બદલામાં, તેઓએ સાચી ભક્તિ માટે એવી પ્રજાઓ માટે દાખલો બેસાડ્યો, જેઓ યહોવાને ઓળખતી ન હતી.

જોકે, એ સમયે યશાયાની ભવિષ્યવાણીઓ અમુક હદે જ પૂરી થઈ હતી. મોટા ભાગના ઇઝરાયેલીઓ ઈશ્વરને બેવફા બન્યા. (નહે. ૧૩:૨૭; માલા. ૧:૬-૮; ૨:૧૩, ૧૪; માથ. ૧૫:૭-૯) પછીથી, તેઓએ મસીહ, એટલે કે ઈસુ ખ્રિસ્તનો પણ નકાર કરી દીધો. (માથ. ૨૭:૧, ૨) ઈસવીસન ૭૦માં યરૂશાલેમ અને એના મંદિરનો બીજી વાર વિનાશ થયો.

યહોવાએ ભાખ્યું હતું કે આવું થશે. (દાનિ. ૯:૨૪-૨૭) જોકે, યશાયા ૬૦ની ભવિષ્યવાણીઓનું દરેક પાસું પૃથ્વી પરના યરૂશાલેમમાં પૂરું થયું નહિ. એ સાફ બતાવે છે કે એ ભવિષ્યવાણીઓ વિશે યહોવાનો મોટો હેતુ હતો.

શું યશાયાના શબ્દો મોટા પાયે પૂરા થઈ રહ્યા છે? હા, એ ‘ઉપરના યરૂશાલેમમાં’ પૂરા થઈ રહ્યા છે, જેને પણ સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવે છે. એ સ્ત્રી વિશે પ્રેરિત પાઉલે લખ્યું: “એ આપણી માતા છે.” (ગલા. ૪:૨૬) ઉપરનું યરૂશાલેમ યહોવાના સંગઠનનો સ્વર્ગમાંનો ભાગ છે, જે વફાદાર દૂતોથી બનેલું છે. તેનાં બાળકોમાં ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. પાઉલ અને બીજા અભિષિક્તોને સ્વર્ગમાં જવાની આશા છે. અભિષિક્ત ખ્રિસ્તીઓ “પવિત્ર પ્રજા,” એટલે કે “ઈશ્વરનું ઇઝરાયેલ” બને છે.—૧ પિત. ૨:૯; ગલા. ૬:૧૬.

ઉપરનું યરૂશાલેમ જેને એક સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી છે, તે કઈ રીતે ‘ઊભી થઈ’ અને તેણે કઈ રીતે ‘પ્રકાશ ફેલાવ્યો?’ તેણે પૃથ્વી પરનાં પોતાનાં અભિષિક્ત બાળકો દ્વારા એમ કર્યું. ચાલો જોઈએ કે તેઓના અનુભવો કઈ રીતે યશાયા અધ્યાય ૬૦ની ભવિષ્યવાણીના સુમેળમાં છે.

અભિષિક્ત ખ્રિસ્તીઓએ કેમ ‘ઊભું થવું’ પડ્યું? કારણ કે બીજી સદીમાં સત્યમાં ભેળસેળ થવા લાગી. જેમ ભાખવામાં આવ્યું હતું તેમ મંડળમાં જૂઠી ભક્તિના જંગલી છોડ ખૂબ જ વધવા લાગ્યા. (માથ. ૧૩:૩૭-૪૩) આમ જાણે અભિષિક્તો અંધકારમાં જતા રહ્યા. તેઓ મહાન બાબેલોનના ગુલામ બની ગયા, જે જૂઠા ધર્મોનું સામ્રાજ્ય છે. અભિષિક્તો ‘દુનિયાના અંતના’ સમય સુધી ગુલામીમાં રહ્યા. દુનિયાના અંતનો સમય સાલ ૧૯૧૪થી શરૂ થયો. (માથ. ૧૩:૩૯, ૪૦) એ પછી તરત, એટલે કે ૧૯૧૯માં તેઓને આઝાદ કરવામાં આવ્યા. જરા પણ મોડું કર્યા વગર તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવા લાગ્યા. આમ, તેઓ જાણે પ્રકાશ ફેલાવા લાગ્યા. b વર્ષો દરમિયાન બધા દેશોમાંથી લોકો એ પ્રકાશ તરફ આવ્યા છે. એમાં ઈશ્વરના ઇઝરાયેલના બાકી રહેલા અભિષિક્તોનો પણ સમાવેશ થાય છે. એ બધા અભિષિક્તોને યશાયા ૬૦:૩માં “રાજાઓ” કહેવામાં આવ્યા છે.—પ્રકટી. ૫:૯, ૧૦.

ભાવિમાં અભિષિક્ત ખ્રિસ્તીઓ મોટા પાયે યહોવાનો પ્રકાશ ફેલાવશે. કઈ રીતે? પૃથ્વી પર પોતાનું જીવન પૂરું કરીને તેઓ ‘નવા યરૂશાલેમનો’ ભાગ બનશે, એટલે કે ૧,૪૪,૦૦૦ સાથી રાજાઓ અને યાજકોથી બનેલી ખ્રિસ્તની કન્યા બનશે.—પ્રકટી. ૧૪:૧; ૨૧:૧, ૨, ૨૪; ૨૨:૩-૫.

યશાયા ૬૦:૧ની ભવિષ્યવાણી પૂરી કરવામાં નવું યરૂશાલેમ મોટો ભાગ ભજવશે. (યશાયા ૬૦:૧, ૩, ૫, ૧૧, ૧૯, ૨૦ને પ્રકટીકરણ ૨૧:૨, ૯-૧૧, ૨૨-૨૬ સાથે સરખાવો.) જેમ પ્રાચીન ઇઝરાયેલમાં યરૂશાલેમથી સરકાર ચાલતી હતી, તેમ આવનાર સમયમાં એક સરકાર હશે. એ સરકાર નવું યરૂશાલેમ અને ખ્રિસ્તની બનેલી હશે. બાઇબલમાં લખ્યું છે કે નવું યરૂશાલેમ ‘સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરે છે.’ એનો અર્થ શું થાય? તે પૃથ્વીના લોકો પર પૂરું ધ્યાન આપશે અને પ્રકાશ ફેલાવશે. બધી પ્રજાઓમાંથી જેઓ ઈશ્વરનો ડર રાખે છે, તેઓ “એના પ્રકાશમાં ચાલશે.” તેઓને પાપ અને મરણની ગુલામીમાંથી છુટકારો મળશે. (પ્રકટી. ૨૧:૩, ૪, ૨૪) પરિણામે, “બધી બાબતોને સુધારવાનો સમય” પૂરો થશે. (પ્રે.કા. ૩:૨૧) એ વિશે યશાયા અને બીજા પ્રબોધકોએ ભાખ્યું હતું. એ સુધારવાનો સમય ક્યારે શરૂ થયો? ખ્રિસ્ત રાજા બન્યા ત્યારે. એ સમય ક્યારે પૂરો થશે? ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્યના અંતે.

a યશાયા ૬૦:૧માં નવી દુનિયા ભાષાંતર “સિયોન” અથવા “યરૂશાલેમ”ને બદલે “સ્ત્રી” શબ્દ વાપરે છે. કારણ કે “ઊભી થા” અને “પ્રકાશ ફેલાવ” માટે જે હિબ્રૂ ક્રિયાપદો છે, એ સ્ત્રીલિંગ છે. તેમ જ, “તારા” માટે પણ જે હિબ્રૂ શબ્દ વપરાયો છે, એ પણ સ્ત્રીલિંગ છે.

b ૧૯૧૯માં સાચી ભક્તિ ફરીથી શરૂ થઈ. એ વિશે હઝકિયેલ ૩૭:૧-૧૪ અને પ્રકટીકરણ ૧૧:૭-૧૨માં પણ જણાવ્યું છે. હઝકિયેલે ભાખ્યું હતું કે લાંબા સમય પછી બધા અભિષિક્ત ખ્રિસ્તીઓને જાણે જીવતા કરવામાં આવશે. એનો અર્થ થાય કે તેઓ લાંબી ગુલામીમાંથી આઝાદ થશે અને યહોવાની ભક્તિ કરવાનું ફરી શરૂ કરશે. પ્રકટીકરણમાં જણાવ્યું છે કે અભિષિક્ત ભાઈઓથી બનેલા નાના સમૂહને જાણે જીવતો કરવામાં આવશે, જેણે યહોવાના લોકોની આગેવાની લીધી હતી. એ સમૂહના ભાઈઓ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેઓને જેલની સજા થઈ હતી. એ કારણે તેઓ થોડા સમય માટે યહોવાની સેવા કરી ન શક્યા. આમ, તેઓને જાણે મારી નાખવામાં આવ્યા. પણ તેઓને જાણે જીવતા કરવામાં આવ્યા અને પછી ૧૯૧૯માં તેઓને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.—માથ. ૨૪:૪૫; આખી ધરતી પર યહોવાની ભક્તિ! પાન ૧૧૮ જુઓ.